You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : માતાના બંને પગ અકસ્માતમાં કપાઈ ગયા બાદ પિતાનું મૃત્યુ થયું, પગમાં ખોડ છતાં કિકબૉક્સિંગ ચૅમ્પિયન કેવી રીતે બની?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
"જીવનમાં મુશ્કેલી આવે ત્યારે બે રસ્તા હોય છે – એક તો સમસ્યાનું દુ:ખ મનાવવું અને બીજો મુશ્કેલીનું સમાધાન કરો, હિંમત કરો અને આગળ વધો. મેં મારા જીવનમાં આ બીજો વિકલ્પ પસંદ કર્યો છે."
આ શબ્દો છે ભારત તરફથી કિકબૉક્સિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમીને મેડલ જીતનારાં 18 વર્ષની ડિંકલ ગોરખાના.
ત્રણ વર્ષની ઉંમરમાં એક ભયંકર અકસ્માત બાદ તેમના પગમાં ખોડ થઈ ગઈ હતી. તેમના ડાબા પગના હાડકાનો એટલી હદે ભુક્કો થઈ ગયો હતો કે તેમના પગનો પંજો માત્ર ચામડીના સહારે લટકી રહ્યો હતો.
આ ઈજા સાથે તેઓ મોટા થયાં અને 18 વર્ષની વયે કિકબૉક્સિંગ સ્પર્ધા – જેમાં હાથ અને પગ બન્નેની જરૂર હોય છે – તે સ્પર્ધામાં ભાગ લઈને ભારત માટે આતંરરાષ્ટ્રીય મેડલ જીતીને લાવ્યાં છે.
તેમની આસપાસના લોકો તેમને જીવનમાં તેમના ક્યારેય હાર ન માનવાના વલણ માટે ઓળખે છે. જ્યારે તેમના પરિવારજનો તેમને એક જિદ્દી છોકરી તરીકે જાણે છે – જે કંઈ ધારી લે તો એ કરીને જ જંપે.
કદાચ એટલા માટે જ – તેમને પગમાં ચાલવાની તકલીફ અને એક પગનાં હાડકાં વધુ મજબૂત ન હોવાં છતાં તેઓ તે જ પગથી પોતાના સામેવાળા પ્રતિસ્પર્ધીને કિક મારીને હરાવી શકે છે.
બીબીસી સાથેની તેમની ખાસ મુલાકાત સમયે તેમણે પોતાના સંઘર્ષની વાત કરી.
હાલમાં જ તેમણે હંગેરી ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય કિકબૉક્સિંગની સ્પર્ધામાં ભારત માટે સિલ્વર મેડલ મેળવ્યો છે, જ્યારે કંબોડિયા ખાતે રમાયેલી એશિયન કૉમ્પિટિશનમાં તેમણે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અકસ્માત બાદ કેવો સંઘર્ષ કરવો પડ્યો?
ડિંકલનો પરિવાર મૂળ નેપાલનો છે, પરંતુ લગભગ બે પેઢીઓથી તેઓ ગુજરાતના વડોદરામાં રહે છે. તેમના પરિવારમાં તેઓ તેમનાં માતા અને મોટાં બહેન સાથે રહે છે. તેઓ હાલમાં 12મા ધોરણમાં વડોદરાની ઊર્મી સ્કૂલમાં અભ્યાસ કરે છે.
તેઓ જ્યારે ત્રણ વર્ષનાં હતાં, ત્યારે તેમના પિતા સહિત તેમનો આખો પરિવાર નેપાલથી વડોદરા આવી રહ્યો હતો, ત્યારે જે બસમાં તેઓ સવાર હતાં, તે બસનો યુપીના કાનપુર નજીક અકસ્માત થઈ ગયો હતો, જેમાં તેમનાં માતાં શોભાબહેનના બન્ને પગ કપાઈ ગયા હતા, જ્યારે ડિંકલને ડાબા પગમાં ગંભીર ઈજા થઈ હતી.
આ અકસ્માતનાં થોડાં વર્ષો બાદ તેમના પિતાનું પણ મૃત્યુ થયું અને બન્ને પગ ગુમાવી ચુકેલાં તેમનાં માતાએ આ બન્ને દિકરોઓનું પાલનપોષણ કર્યું.
બીબીસી સાથે વાત કરતા ડિંકલ કહે છે કે, "મારી માતા મારા માટે સૌથી પહેલી પ્રેરણા છે. તેમનો સંઘર્ષ જોઈને હું મોટી થઈ છું, ક્યારેય હાર ન માનવી, તેવી જિદ્દ કરવાનું હું મારી માતાથી શીખી છું. જો તેમણે હાર માની લીધી હોત, તો મને ખબર નથી, કે અમે આજે ક્યાં હોત. પરંતુ બન્ને પગ ન હોવા ઉપરાંત, તેમના પતિનું મૃત્યુ થઈ ગયા પછી પણ બે નાની દીકરીઓ સાથે તેમણે પોતાનું જીવન વિતાવ્યું છે, જે મારા માટે ખૂબ પ્રેરણાદાયક છે."
નાનપણમાં ડિંકલને ચાલવામાં તકલીફ છે, કારણ કે તેમનો એક પગ નાનો છે. તેમની ચાલવાની તકલીફને કારણે અનેક વખત શાળામાં તેમની મજાક ઉડાવામાં આવતો હતો. તેઓ એકલા જ રહેવાનું પસંદ કરતાં હતાં.
બીજી બાજું કુટુંબીજનો પણ ડિંકલને તેમનાં માતા પર એક બોજ સમજતા હતા.
ડિંકલ કહે છે કે, "ઘણા પરિવારજનો કહેતા કે આવા પગવાળી છોકરીનો શું ભવિષ્ય છે. તે પોતાના જીવનમાં શું કરી શકશે. તેનો હાથ કોણ પકડશે. વગેરે વગેરે જેવી અનેક વાતે મારે સાંભળવી પડતી હતી. અને આ બધુ જોઈ સાંભળીને હું મોટી થઈ છું."
મારે જવાબ આપવો હતો - ડીંકલ
ડિંકલના જીવનમાં સૌથી મોટો બદલાવ 2014 પછી આવ્યો હતો, જ્યારે તેમણે આઠ વર્ષની વયે ‘મેરી કોમ’ ફિલ્મ જોઈ હતી.
ડિંકલ કહે છે કે, "તેમનો સંઘર્ષ જોઈને મને ખૂબ પ્રેરણા મળી. એક નાનકડા ગામથી નીકળીને કેવી રીતે તેમણે દેશનું નામ રોશન કર્યું છે, તેમણે પોતે પોતાના જીવનમાં કેટલો બધો સંઘર્ષ કર્યો છે. આ બધું જોઈને મને થયું કે – હું પણ કંઈ કરી શકું છું."
એક તરફ લોકોની અનેક વાતો હતી, જ્યારે બીજી બાજુ ‘મેરી કોમ’ના સંઘર્ષથી મળેલી હિમ્મત હતી.
"મારા પરિવારમાં અમુક લોકો કુસ્તી કરે છે. મારે પણ એક સ્પોર્ટમાં ભાગ લેવો હતો. મારી પાસે કરાટે, ટાઇક્વૉનડો વગેરેના વિકલ્પો હતા, પરંતુ છેલ્લે મેં કિકબૉક્સિંગને પસંદ કર્યું."
જે સૌથી અઘરું હોય તેમણે તે જ પસંદ કર્યું.
"મારાં મમ્મી અને બહેને તો કહ્યું કે, હું જે ઇચ્છુ છું, તે મારે કરવું જોઈએ. જ્યારે ઘણા લોકોએ મને સલાહ આપી કે આ રમત મારે પસંદ ન કરવી જોઈએ કારણે કે તેમાં મારા પગ પર હજી વધારે ઈજા થઈ શકે છે, અને કદાચ હું હંમેશાં માટે મારો એક પગ ગુમાવી બેસું. આ તમામ વાતોને મેં પ્રોત્સાહન તરીકે લીધી અને કિકબૉક્સિંગના ક્લાસિસ શોધવાની શરૂઆત કરી."
તેઓ તેમનાં બહેન સાથે અનેક કોચ પાસે ગયાં હતાં પરંતુ બધાએ તેમને ટ્રેનિંગ આપવાની ના પાડી દીધી હતી.
છેલ્લે સિદ્ધાર્થ બાલેગર પાસે તેઓ પહોંચ્યાં.
બાલેગર વર્લ્ડ ઍસોસિએશન ઑફ કિકબૉક્સિંગ (ગુજરાત ચૅપ્ટર)ના પ્રમુખ છે.
તેઓ કહે છે કે, "પહેલાં તો મને લાગ્યું કે તે નહીં કરી શકે, પરંતુ તેની હિંમત અને કંઈક કરી છુટવાની ધગશ જોઈ, તેનાથી મને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું."
"તેના પગની તાકાત વધારવા માટે અમે ખાસ કસરત કરાવીએ છીએ. અને દરેક નવી કસરત પહેલાં અમે તેના ફીઝિયોથેરાપિસ્ટની સલાહ લઈએ છીએ. નિષ્ણાંતોની દેખરેખ હેઠળ તેની ટ્રેનિંગ ચાલે છે, અને હવે તે એક ઇન્ટરનૅન્શલ સ્પોર્ટ્સ પર્સાનાલિટી બનાવ તરફ જઈ રહી છે."
બૉક્સિંગની રમતની જેમ કિકબૉક્સિંગ કરવાની હોય છે, પરંતુ બૉક્સિંગથી અલગ, તેમાં ખેલાડીએ પોતાના પગનો ઉપયોગ કરીને પ્રતિસ્પર્ધીને લાતો પર મારવાની હોય છે. એટલે કે આ રમતમાં હાથ અને પગ બન્નેમાં તાકાત હોવી જોઈએ.
"મને જે પગમાં ઈજા છે, તે જ પગથી હું સૌથી વધારે કિક મારી શકું છું, અને તેના કારણે જ હું ઘણી સ્પર્ધા જીતી છું," ડિંકલે કહ્યું.
હાલમાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવવા માટે મહેનત કરી રહ્યાં છે.
"મારા પગમાં ઈજા છે, પરંતુ હું નૉર્મલ ખેલાડીઓની સાથે રમું છું. હવે આવનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં હું ભારત માટે ગોલ્ડ મેડલ લાવવા ઇચ્છું છું."
"કારણ કે હું માનું છું કે જ્યારે આવી સ્પર્ધામાં હું ભાગ લઉં છું, ત્યારે માત્ર હું નથી રમતી, પરંતુ મારી સાથે મારો દેશ રમે છે. હું હારું તો મારો દેશ હારે છે, માટે મારે ગમે તેમ કરીને હવે દેશ માટે ગોલ્ડ લાવવો છે."
માતા કહે છે – 'મને ગર્વ છે ડિંકલ પર'
ડિંકલની સફળતા પાછળ રહેલાં તેમનાં માતાના સંઘર્ષની કહાણી પણ એટલી જ પ્રેરણાદાયક છે. પોતે બે પગ ગુમાવી ચૂકેલાં ડિંકલનાં માતા શોભા ઉપર પતિના મૃત્યુ બાદ આભ તૂટી પડ્યું હતું. પણ મુશ્કેલીઓ વચ્ચે તેમણે પોતાની દીકરીને એક નવી રાહ પર સફળ બનાવી છે.
ડિંકલનાં માતા શોભા ગોરખાને તેમની દીકરી પર ગર્વ છે. "ડિંકલના પિતાના મૃત્યુ બાદ મેં ઈંડાંની લારી ચલાવીને બીજા અનેક નાનાં-મોટાં કામ કરીને તેને મોટી કરી છે. તેણે જે જોઈતું હતું તે બધું જ આપવાનો પ્રયાસ કર્યો છે. તેણે સારી શાળામાં અભ્યાસ કરાવ્યો છે, અને જ્યારે તેણે ટ્રેનિંગ લેવાની વાત કરી તો ગમે તેમ કરીને તેને ત્યાં સુધી પહોંચાડી અને ટ્રેનિંગ કરાવી."
શોભાબહેનના ઘરમાં દીવાલ પર ડિંકલના અનેક મેડલ લટકેલા જોવા મળે છે.
શોભા વાત કરતાં અનેક વખત મેડલ તરફ જોવે છે અને કહે છે કે "હવે મારી ઇચ્છા છે કે તે દેશ માટે એક ગોલ્ડ મેડલ લઈ આવે, તો અમારા બધાંનું સ્વપ્ન પૂરું થાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન