You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેરી કોમ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન
'બૉક્સિંગમાં એક જ મેરી છે અને એક જ રહેશે. બીજી મેરી તૈયાર કરવી મુશ્કેલ છે!'
પદ્મવિભૂષણ પ્રાપ્ત કરનારી અને છ વાર વર્લ્ડચૅમ્પિયન બનનારી મેરી કોમ સાથે તમે વાત કરો ત્યારે આવું કંઈક સાંભળવા મળે. અને પછી હસી પડે. આત્મવિશ્વાસથી ભરપૂર મેરી કોમને લાગે છે સર્વશક્તિમાન તેને બહુ ચાહે છે અને તેથી જ તે વિશેષ બની શકી છે અને કુદરતી રીતે જ ઉત્તમ બોક્સર બની શકી છે.
37 વર્ષની ઉંમરે સાત વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે, ઑલિમ્પિકમાં કાંસ્ય મેળવ્યો છે (ઑલિમ્પિક મડલ મેળવનારી પ્રથમ અને એકમાત્ર બૉક્સર) અને એશિયન તથા કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
મોટા ભાગના મેડલ 2005માં તે માતા બની અને તે પણ સિઝેરિયન દ્વારા તે પછી મેળવેલા છે. ટોચ પર ટકી રહેવા શું કરવું પડે તે જાણે છે અને પોતાની આકરી જહેમતમાંથી જ આત્મવિશ્વાસ મેળવે છે.
5 ફૂટ બે ઇંચની ઊંચાઈ અને 48 કિલોનું વજન - આવી નાના કદની નારી ચૅમ્પિયન હોય તે માનવું પણ મુશ્કેલ બને, કે નહીં?
બૉક્સર એટલે માઇક ટાઇસન જેવી મોટી આંખો અને મોહમ્મદ અલી જેવું અકડ વર્તન - પણ મેરી કોમના ચહેરા પર હંમેશાં હાસ્ય જ હોય. જોકે મેરી કોમમાં એક ગતિ છે, ઝડપી છે અને એકલક્ષી છે.
'એક હદ સુધી જ તમારા કોચ, સપોર્ટ સ્ટાફ અને કુટુંબીજનો મદદરૂપ થઈ શકે. રિંગમાં તમે એકલા જ હો છો. રિંગની અંદરની તે 9થી 10 મિનિટ બહુ અગત્યની હોય છે અને તમારે ખુદે લડી લેવાનું હોય છે.'
'હું મારી જાતને આ વાત ઠસાવતી રહું છું. તે લડતની તૈયારી માટે હું મથતી રહું છું, માનસિક અને શારીરિક બંને રીતે. હું નવી ટેકનિક શીખતી રહું છું. મારી વિશેષતા અને મર્યાદા બંને પર હું કામ કરું છું. હરિફને સમજી લઉં છું અને સ્માર્ટ રીતે રમવામાં માનું છું,' એમ એક ઇન્ટરવ્યૂમાં તેણે મને સમજાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેરી ખરેખર તેની રમત અને ટેકનિકમાં કેટલાં સ્માર્ટ છે?
'માત્ર બે કલાક બૉક્સિંગ પ્રેક્ટિસ કરો તે પૂરતું છે, પણ તેમાં એક શિસ્ત હોવી જોઈએ.' ફિટનેસ અને ખાણીપીણીની બાબતમાં પણ સંતુલન રાખવું જોઈએ અને પોતાના પર બહુ નીતિનિયમો લાદી દેવા જોઈએ નહીં એમ તેઓ માને છે. તેમને ઘરનું મણીપુરી ખાણું પસંદ છે અને બાફેલાં શાકભાજી અને મચ્છી સાથે પ્રોટીનયુક્ત આહાર લે છે.
મેરી પોતાના મનનું ધાર્યું કરનારી છે. પ્રેક્ટિસનો સમય પોતાના મૂડ અને ટૅમ્પરામેન્ટને અનુકૂળ હોય તેવી રીતે રાખે છે. 37 વર્ષની ઉંમરે જીતવા માટે આવા બદલાવ લાવવા પડે એમ તેઓ કહે છે.
'આજે તમારી સામે છે તે મેરી 2012માં ઘણી જુદી હતી. યુવાન મેરી એક પછી એક પંચ મારી દેતી હતી આજની મેરી આક્રમણ કરવા માટે યોગ્ય તકની રાહ જુએ છે અને પોતાની શક્તિને થોડી બચાવી રાખે છે.'
મેરીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2001માં શરૂ થઈ હતી. પ્રારંભમાં તે તાકાત અને સ્ટૅમિનાને આધારે લડતી હતી. આજે તે પોતાની કુશળતા પર વધુ આધાર રાખે છે.
તેઓ એકમાત્ર મહિલા છે જે છ વાર વર્લ્ડ ઍમેચ્યૉર બૉક્સિંગ ચેમ્પિયન બન્યાં છે. પોતાની પ્રથમ સળંગ સાતેસાત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ મેળવનારાં પણ તેઓ એકમાત્ર ખેલાડી છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં 8 વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ્સ મેળવનારાં એકમાત્ર બૉક્સર છે.
AIBA World Women's Rankingમાં લાઇટ ફ્લાયવેઇટ કૅટેગરીમાં તેમને નંબર વનનું સ્થાન મળ્યું છે. 2014માં દક્ષિણ કોરિયામાં એશિયન ગેમ્સમાં પ્રથમ વાર ગોલ્ડ મેળવનારાં ભારતીય બૉક્સર બન્યાં હતાં. 2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારાં પણ પ્રથમ ભારતીય મહિલા બૉક્સર બન્યાં હતાં. પાંચ વાર એશિયન ઍમેચ્યૉર બૉક્સિંગ ચૅમ્પિયન બનવાનો રેકર્ડ પણ તેમના નામે જ છે.
મણીપુરની આ છોકરી ખરેખર બૉક્સિંગની દુનિયામાં છવાઈ ગઈ છે.
બચપણથી જ તેમના જીવનમાં પડકારો આવતા રહ્યા છે. તેમનું કુટુંબ ગરીબ હતું, એટલું ગરીબ કે રોજ ત્રણવારને બદલે એક જ વાર સરખું ભોજન મળતું હતું.
ઘરકામ કરવાનું પણ મેરી પર આવતું હતું અને તેમ છતાં તે વધુ સારા જીવન માટે મથતી રહ્યાં. પોતાની દુનિયા કેવી રીતે બદલી શકાય તેના જ વિચારો તે કર્યા કરતાં હતાં.
ભણવામાં તેઓ બહુ હોંશિયાર નહોતાં, પણ કોઈ પણ રમતમાં ભાગ લેતી તેમાં જોરદાર દેખાવ કરતી હતી.
તે વખતે ગામનો કિશોર અને બૉક્સર ડિન્ગકો સિંહ એશિયન ગેમ્સમાં બૅંગકોકથી ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો. તેની સફળતાને કારણે મેરી કોમને પણ બૉક્સિંગ માટે પ્રેરણા મળી હતી.
'બૉક્સિંગના કારણે મને નવું જીવન મળ્યું અને વધારે સારું જીવન જીવતા શીખવ્યું. હું હારવા માગતી નહોતી, જીવનમાં પણ નહીં અને રિંગમાં પણ નહીં.'
બૉક્સિંગ કેટલું મુશ્કેલ હતું?
15 વર્ષની ઉંમરે બૉક્સિંગ શીખવાની શરૂઆત મેરીએ કરી હતી. તેઓ કદમાં નાનાં હતાં એટલે હરીફો તેને સહેલાઈથી હરાવી દેતા હતા. અનેક વખત તેમનો ચહેરો ઉઝરડાયો હતો. તેમ છતાં મેરી હિંમત નહોતાં હાર્યાં
'મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. તમે મને નીચે પછાડી દઈ શકો, પણ લાંબો સમય હું પડી રહું નહીં. મારે ફરીથી લડવું જ પડે.'
2000માં આખરે તેણે રાજ્યકક્ષાની બૉક્સિંગસ્પર્ધા જીતી લીધી અને ત્યાર પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. તે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાના પડકારો ઝીલવા તૈયાર થઈ ગઈ હતી.
સદનસીબે તેને ઓનખ્લર કોમ જેવો સમજદાર જીવનસાથી મળ્યો. તેની સાથે 2005માં મેરીનાં લગ્ન થયાં. બે વર્ષ બાદ મેરીએ જોડિયા દીકરાઓને જન્મ આપ્યો. પતિ ઓનખ્લરે બાળકોને સંભાળી લીધાં અને મેરી ફરી ટ્રેનિંગ લેવા લાગ્યાં.
ફરી એક વખત સ્પર્ધામાં ઊતરીને સતત ચોથી વાર 2008માં વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી લીધો. ભારતમાં ત્યાં સુધીમાં ન્યૂઝ ચેનલ્સમાં સ્પૉર્ટ્સનું મહત્ત્વ વધવા લાગ્યું હતું અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેરીની સફળતા તેની નજરે ચડી ગઈ હતી. મેરી કોમ દેશભરમાં લોકપ્રિય બની ગયાં.
આ સિદ્ધિઓ બદલ આ વર્ષે મેરી કોમને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
રમતગમત મંત્રાલય દ્વારા પ્રથમવાર કોઈ મહિલા ખેલાડીનું નામ ભારતના આ (ભારતરત્ન પછી) દ્વિતીય સૌથી મોટા નાગરિક સન્માન માટે મોકલવામાં આવ્યું હતું.
25 એપ્રિલ 2016ના રોજ રાષ્ટ્રપતિએ મેરી કોમને રાજ્યસભાનાં સભ્ય તરીકે નીમ્યાં હતાં. ગૃહમાં સક્રિયતા દાખવીને મેરી કોમે પોતાના રાજ્ય મણીપુરના સ્થાનિક મુદ્દાઓની રજૂઆત પણ કરી છે.
ગરીબ પરિવારનાં મેરી કોમે બધા જ અવરોધોને હઠાવીને ઑલિમ્પિક સુધી પહોંચવાની સિદ્ધિ મેળવી છે. હવે ત્રણ દીકરાનાં માતા મેરી હજીય પોતાનાં સ્વપ્નો માટે સંઘર્ષ કરતાં રહે છે.
સાતમું વર્લ્ડ ચૅમ્પિયનશિપ ટાઇટલ મેળવવા ઉપરાંત મેરી કોમ 2020ના ટોકિયો ઑલિમ્પિકમાં પણ સફળતા ઝંખી રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો