રાહુલ ગાંધી : દાદી ઇંદિરાના અંતેવાસીથી જાહેરમાં કેન્દ્ર સરકારનું વટહુકમ ફાડનાર નેતા સુધી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રશીદ કિદવઈ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે

- ગુરુવારે રાહુલ ગાંધીને કથિત બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે દોષિત જાહેર કરતાં તેમનું લોકસભા સભ્યપદ રદ કરાયું હતું
- આ સમાચાર સામે આવતાં જ આ મુદ્દાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી
- રાહુલ નહેરુ-ગાંધી પરિવારના રાજકારણમાં સક્રિય એવા પાંચમી પેઢીની વ્યક્તિ છે
- વિદ્યાર્થીકાળમાં તેમનાથી પ્રભાવિત થઈને વિખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન તેમનાં વખાણ કરી ચૂક્યા છે
- રાહુલ ગાંધીના ભારતના વિચારો, વ્યક્તિત્વ અને તેમની રાજકીય અને અંગત જીવનસફર વિશે જાણવા વાંચો સમગ્ર અહેવાલ

પ્રસિદ્ધ ઇતિહાસકાર અને સમાજશાસ્ત્રી ઇબ્ર ખલદૂનને તૈમૂરે રાજવંશોના ભાગ્ય વિશે પૂછ્યું હતું. ખલદૂને જવાબ આપ્યો હતો કે રાજવંશનો વૈભવ કદાચ જ ચાર પેઢીઓથી આગળ વધી શકે છે.
પ્રથમ પેઢી વિજય તરફ જાય છે. જ્યારે બીજી પ્રશાસન સંભાળે છે. ત્રીજી પેઢી જીત કે પ્રશાસનની જરૂરતથી મુક્ત હોય છે. જેમની પાસે પોતાના પૂર્વજોની સંપત્તિ ખર્ચ કરવાનું એક સુખદ કાર્ય હોય છે.
તેના ફળસ્વરૂપે એક રાજવંશની ચોથી પેઢી પોતાની સંપત્તિની સાથેસાથે માનવ-ઊર્જા પણ ખર્ચ કરે છે. તેથી દરેક રાજવંશનું પતન તેના ઉદયની સાથે જ શરૂ થઈ જાય છે.
ખલદૂન અનુસાર, આ એક પ્રાકૃતિક ઘટના છે અને તેનાથી બચી શકાય એમ નથી.

નહેરુ-ગાંધી પરિવાર અને કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ મહાત્મા ગાંધીના નજીકના સહયોગી તરીકે જવાહરલાલ નહેરુ (1889-1964)એ દેશની સ્વતંત્રતા માટે જંગ લડી. તેઓ નિર્માતા હતા.
તેમનાં પુત્રી ઇંદિરા ગાંધી (1917-1984)એ તેનો વિસ્તાર કર્યો, યુદ્ધ જીત્યું (પાકિસ્તાન સામે અને ભારતીય ઉપમહાદ્વીપમાં બાંગ્લાદેશ બનાવ્યું) અને 20મી સદીના સૌથી શક્તિશાળી વ્યક્તિત્વ તરીકે સામે આવ્યાં.
ઇંદિરાના પુત્ર રાજીવ (1944-1991) પણ ભારતના વડા પ્રધાન બન્યા, તેમણે પણ ઘણા પ્રયોગ કર્યા અને તેનાં પરિણામ પણ ભોગવ્યાં.
સોનિયા ગાંધીના નામે પણ એક અનોખું ગૌરવ છે. તેઓ 138 વર્ષ જૂની કૉંગ્રેસ પાર્ટીનાં સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નહેરુ-ગાંધી પરિવારની પાંચમી પેઢીનું નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે, તેઓ પરિવારના છઠ્ઠા સભ્ય છે જેમણે કૉંગ્રેસ પાર્ટીની અધ્યક્ષતા કરી છે.
138 વર્ષની કૉંગ્રેસમાં નહેરુ-ગાંધી પરિવારનાં સભ્ય 51 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યાં છે. જેમાં સોનિયા ગાંધીએ સૌથી વધુ સમય સુધી (22 વર્ષ) અધ્યક્ષપદ સંભાળ્યું છે.
જવાહરલાલ નહેરુ 11 વર્ષ સુધી એઆઇસીસીના પ્રમુખ રહ્યા, ઇંદિરા ગાંધી સાત વર્ષ સુધી, રાજીવ ગાંધી છ વર્ષ સુધી અને મોતીલાલ નહેરુ બે વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા.
રાહુલ ગાંધી એઆઈસીસીના 87મા અધ્યક્ષ હતા અને તેમનો કાર્યકાળ 18 મહિનાથી પણ ઓછો હતો. તેમણે ડિસેમ્બર 2017થી મે 2019 સુધી પ્રમુખપદ સંભાળ્યું હતું.
2004ની સામાન્ય ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પોતાનાં માતાથી ઘણા અલગ અને મહદંશે બિનપરંપરાગત નેતા રહ્યા.
સોનિયા ગાંધીને ઘણા વિચારવિમર્શ પછી 1998માં ખંડિત કૉંગ્રેસ વારસામાં મળી હતી. તેઓ પોતાના વિદેશી મૂળને લઈને ઘણાં સાવચેત રહ્યાં અને તેમણે કૉંગ્રેસ નેતાઓને એક કર્યા.
તેમણે મહત્તમ પરામર્શ અને લઘુત્તમ શિસ્તની કાર્યવાહીની જાપાનીઝ પ્રણાલીના આધારે પાર્ટી ચલાવી. (1998-2017 અને 2019-22 સુધી વચગાળાનાં પ્રમુખ તરીકે) સોનિયા ગાંધીએ કૉંગ્રેસના વર્ગીકરણના માળખાને હાંસલ કરવાને વધુ મહત્ત્વ આપ્યું.

સતત બોલતા રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
તેની તુલનામાં 53 વર્ષીય રાહુલ ગાંધીએ સ્પષ્ટ અને સાહસ સાથે બોલવાનું ચાલુ રાખ્યું છે. જેમાં તેઓ રાજકીય પરિણામોની ચિંતા કરતા નથી.
લંડન અને કૅમ્બ્રિજમાં તાજેતરમાં જ તેમણે જે નિવેદન આપ્યાં, તેનાથી ઘણા વિવાદ ઊભા થયા અને ભાજપને તેમનાં માતા અને કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીને કહેવું પડ્યું કે તેઓ 'પોતાના પુત્રને કાબૂમાં રાખે.'
નિર્ભય રાહુલ ગાંધી ભારતીય લોકતંત્રની ખરાબ ગુણવત્તાને લઈને બોલ્યા હતા અને તેમણે 'પેગાસસ વિવાદ', 'ચીનના ખતરા' વગેરે વિષય પર વાત કરી હતી.
રાહુલ ગાંધી બે ભારતના સિદ્ધાંતોને લઈને ઘણા હોંશભેર જોવા મળે છે. જેમાં પ્રથમ 'ભારત રાજ્યોનું સંઘ છે' અને બીજું 'જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કથિતપણે કૂટનીતિમાં નિષ્ફળ થયા છે.' તેમાં ચીન-પાકિસ્તાન સાથેના મુદ્દા, પેગાસસ વગેરે જેવા મામલા પણ સામેલ છે.
જોકે, ચૂંટણીના દૃષ્ટિકોણથી કૉંગ્રેસના ઘણા નેતાઓ માને છે કે આ મુદ્દા મતદાન દરમિયાન વોટ આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે.
રાહુલના રાજકીય અભિગમની બિનપરંપરાગત પ્રકૃતિ ભારતીય મતદારોને અપીલ કરવામાં નિષ્ફળ રહી છે. જેઓ ઐતિહાસિક રીતે અને સ્વભાવથી વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર વર્તમાન સરકાર વિરુદ્ધ જવા માગતા નથી.
ભલે તે 1962નો ભારત-ચીન સંઘર્ષ હોય, 1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધ હોય કે પછી 1999નું કારગિલ યુદ્ધ હોય. આ તમામ મામલે સરકાર તરફથી ખામીઓ રહી, પરંતુ મતદાન દરમિયાન મતદાતાઓએ તેને રદિયો આપ્યો અને સરકાર વિરુદ્ધ કોઈ નિર્ણય ન આવ્યો.
ચીન કૉંગ્રેસના ગળામાં ફસાયેલાં હાડકાં જેવું છે. ચીનનો ઉલ્લેખ તેમને 1962ની હારની યાદ અપાવે છે.
વાયનાડના પૂર્વ સાંસદને (કારણ કે લોકસભામાંથી તેમનું સભ્યપદ રદ થઈ ગયું છે) 1971ના યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવવી જોઈએ કે કેવી રીતે તેમનાં દાદી ઇંદિરા ગાંધીએ ચીનના અઘોષિત સમર્થન વચ્ચે પણ પાકિસ્તાનને બે ટુકડામાં વહેંચી દીધું હતું.

પ્રખ્યાત અર્થશાસ્ત્રીએ કર્યાં વખાણ

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધી ઑક્ટોબર 1994થી જુલાઈ 1995 સુધી ટ્રિનિટીના વિદ્યાર્થી હતા અને ડેવલપમૅન્ટ સ્ટડીઝમાં તેમણે એમ. ફિલ કર્યું.
પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. અમર્ત્ય સેન, જેમને 1999માં અટલ બિહારી વાજપેયી સરકારે ભારતરત્ન આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની વડા પ્રધાન બનવાની શક્યતાને નકારી શકાય એમ નથી.
ઑગસ્ટ 2009માં આઉટલુક મૅગેઝિનનાં વિનોદ મહેતા અને અંજલિ પુરીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે રાહુલને 'યોગ્ય' ગણાવતા કહ્યું હતું કે તેઓ એવા શખ્સ છે, જેમનામાં ભારતના નુકસાનને લઈને ઘણી ચિંતાઓ છે અને તેઓ પરિવર્તન ઇચ્છે છે.
પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી સેને કહ્યું, "હું તેમને (રાહુલને) ઓછા જાણુ છું. તેઓ જ્યારે ટ્રિનિટીમાં મને મળવા આવ્યા હતા ત્યારે મેં એક આખો દિવસ તેમની સાથે પસાર કર્યો હતો અને હું ઘણો પ્રભાવિત થયો હતો. તેઓ જે કરવાની યોજના બનાવી રહ્યા હતા, અમે એ વિશે વાત કરી. તે સમયે રાજનીતિ તેમની યોજનાનો ભાગ ન હતો અને તેમણે મને એ વિશે પણ કહ્યું હતું. મારું માનવું છે કે એ તેમનો વાસ્તવિક વિચાર હતો અને બાદમાં તેમણે એ બદલી નાખ્યો. મારા માટે એક વાત એકદમ સ્પષ્ટ હતી કે તેઓ ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે."

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીની આર્થિક અને રાજકીય વિચારધારા સેન્ટર લેફ્ટથી ઘણી પ્રભાવિત હોય તેમ લાગે છે. તેઓ પોતાના રાજકીય નિર્ણયોને રંગ આપે છે અને તે કારણથી જ પાર્ટીના નેતાઓ સાથે તેમનો મતભેદ પણ રહે છે. વર્ષ 2010માં કૅમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ ખુદને 'અર્થશાસ્ત્રી' ગણાવ્યા હતા.
રાહુલનાં જીવનચરિત્રકાર આરતી રામચંદ્રને ઇન્ટરવ્યૂઅર મૅરો ગોલ્ડન અને ઍશલે લૅમિંગને જણાવ્યું, "તેમણે(રાહુલ) આર્થિક ભાષામાં મુદ્દાઓ વિશે વાત કરી, તેમણે 'સપ્લાય અને ડિમાન્ડ'ની તકલીફ પર હકારાત્મક કાર્યવાહીની રીત વિશે વાત કરી અને કહ્યું કે સૂચનાઓ પર શિક્ષકોનો 'એકાધિકાર' હોવો જોઈએ નહીં."
ઇન્ટરવ્યૂ દરમિયાન ડેવલપમૅન્ટ ઇકૉનૉમિક્સમાં એમ. ફિલ કરનારા રાહુલે કહ્યું હતું કે તેમને કૅમ્બ્રિજમાં જે કંઈ પણ શિખવાડવામાં આવ્યું હતું, તેમાંથી ઘણી બાબતોને લઈને તેઓ અસહમત હતા. તેમણે કહ્યું હતું કે તેઓ હાલ અગાઉ કરતાં ઓછી લેફ્ટ-વિંગની વ્યક્તિ છે.
રાહુલના લેફ્ટ પ્રત્યેના ઝોકને તેમના નજીકના સલાહકાર પણ માનતા આવ્યા છે. જેમાંથી કેટલાક જેએનયુથી છે અને તેમનું એઆઈએસએ-લેફ્ટનું બૅકગ્રાઉન્ડ છે.
વર્ષ 2013માં વિશ્વે જોયું હતું કે રાહુલે કેવી રીતે મનમોહનસિંહના વટહુકમની કૉપીને ફાડી હતી. જે રાજનીતિમાં દોષિત અને ભ્રષ્ટ વ્યક્તિને સુરક્ષા આપવા માટે તૈયાર કરાયો હતો. થોડાક દિવસો પછી રાહુલે મનમોહનસિંહની માફી માગી લીધી હતી.
વિડંબના જુઓ કે દસ વર્ષ પહેલાં જે વટહુકમની કૉપી તેમણે ફાડી અને કાયદો બનતા રોક્યો, એ જ તેમનું સંસદ સભ્યપદ બચાવી શકે તેમ હતું.

દાદી ઇંદિરા કેવી રીતે જોતાં હતાં રાહુલને?

ઇમેજ સ્રોત, Getty Images
યોગાનુયોગ, વ્યક્તિત્વની ઓળખના પારખું તરીકેની છાપ ધરાવતાં ઇંદિરા ગાંધી બાળક સ્વરૂપે રાહુલ ગાંધીનાં આચરણ અને દૃઢતાને ખૂબ મહત્ત્વ આપતાં હતાં.
ઑક્ટોબર 1984માં જ્યારે ઇંદિરા ગાંધીનું અવસાન થયું ત્યારે રાહુલ 14 વર્ષના હતા, પરંતુ ત્યારે તેઓ તેમની સાથે એવા મુદ્દા પર વાત કરતા હતા, જેના પર તેઓ રાજીવ કે સોનિયા સાથે વાત કરવાનું ટાળતાં હતાં.
ઉદાહરણ તરીકે, 'ઑપરેશન બ્લુ સ્ટાર' પછી, ઇંદિરા ગાંધીને તેમની હત્યા થવાની બીક હતી અને તેમણે રાહુલને કહ્યું હતું કે 'ચાર્જ લો' અને તેમના મૃત્યુ પર રડશો નહીં.
જૂન 1984માં, ઑપરેશન બ્લુ સ્ટાર પછી જ્યારે ભારતીય સેના પંજાબના સુવર્ણ મંદિરમાંથી ઉગ્રવાદીઓના મૃતદેહ બહાર કાઢી રહી હતી, ત્યારે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને ખાતરી હતી કે તેમનું મૃત્યુ થવાનું છે.
તેઓ રાહુલ સાથે શાંતિથી વાત કરતાં હતાં. તે સમયે તેમણે 14 વર્ષીય રાહુલ સાથે પોતાના અંતિમ સંસ્કારની તૈયારીઓ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તેમણે પોતાનું જીવન જીવી લીધું છે.
કદાચ એ સમયે રાહુલ આ બધુ સમજવા માટે નાના હતા, પરંતુ ઇંદિરાએ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે રાહુલને આદર્શ ભાગીદાર માન્યો હતો, જેના નિર્ણય પર તેમનો ભરોસો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

39 વર્ષ બાદ રાહુલ ગાંધી જ્યારે ભારે મતભેદનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો તેમના રાજકીય અભિયાનમાં ધર્મને સામેલ કરવાના રાહુલના પ્રયાસને એક સમસ્યા તરીકે જુએ છે, જે બિનસાંપ્રદાયિકતાના નહેરુ સાથે સંકળાયેલા વિચારની વિરુદ્ધ છે.
જવાહરલાલ નહેરુની બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યા સ્પષ્ટ હતી. જેનો અર્થ એ હતો કે ધર્મ જીવનના રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાંથી અલગ છે. નહેરુની વિચારસરણીમાં ધર્મ એ વ્યક્તિની ખાનગી બાબત છે. જેમાં રાજ્યે દરેક કિંમતે ખુદને તેનાથી અલગ રાખવું જોઈએ.
નહેરુએ 1953માં તેમના ગૃહમંત્રી કૈલાશનાથ કાત્જુને લખેલા પત્રમાં કહ્યું હતું, "ભારતનું ભાગ્ય મહદંશે હિંદુ દૃષ્ટિકોણ સાતે જોડાયેલું છે. જો વર્તમાન હિંદુ દૃષ્ટિકોણ મૂળભૂત રીતે નહીં બદલાય તો મને ખાતરી છે કે ભારત બરબાદ થવા જઈ રહ્યું છે."
નહેરુએ સતત જોયું કે બહુમતી સમુદાયની સાંપ્રદાયિકતામાં રાષ્ટ્રવાદની સમાનતાની અપાર સંભાવના છે.
બીજા સ્તરે, રાહુલ પોતાને શાસક તરીકે નહીં પણ સત્તાના વિશ્વાસુ તરીકે જુએ છે. જેમ તેમનાં માતા સોનિયા ગાંધી રહ્યાં છે.
જોકે, સોનિયાથી વિપરીત તેમને આશા છે કે તેમની પાર્ટીના મોટા ભાગના સાથીદારો સત્તા અને ઑફિસોના જાળથી દૂર રહેશે.
આ અપેક્ષાના પરિણામે તેમાં કેટલાક નજીકના સાથીઓ અન્ય રાજકીય પક્ષોમાં ગયા છે. તેમાં તેમના વૈચારિક વિરોધીઓનો પણ સમાવેશ થાય છે.
રાહુલ કાં તો સમજી શક્યા નથી અથવા તો તેઓ સમજવા માગતા નથી કે રાજકીય વફાદારી અત્યંત વ્યવહારિક છે.













