રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ થવાથી કૉંગ્રેસ પર શી અસર પડશે?

ઇમેજ સ્રોત, FB/RAHUL GANDH
- લેેખક, મયૂરેશ કોણ્ણૂર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

- તાજેતરમાં રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ જવાનો સમાચારોમાં છવાયેલો છે
- ગુરુવારે સુરતની કોર્ટે બદનક્ષીના મામલામાં તેમને બે વર્ષની સજા સંભળાવતાં શુક્રવારે તેમનું લોકસભા સભ્યપદ રદ કરાયું હતું
- આ મામલાને લઈને હવે રાજકારણના જાણકારો કૉંગ્રેસ માટે આ મામલાના મહત્ત્વ અને તેની અસરો અંગે આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે
- રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું, શું આ બાબત ભારતના રાજકારણ પર ઊંડી છાપ કે અસર છોડી શકશે?
- શું આનાથી કૉંગ્રેસ અને રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર કોઈ અસર થશે?
- રાહુલ ગાંધી કે કૉંગ્રેસને આગામી ચૂંટણીઓમાં લાભ થઈ શકે?
- જાણો આ તમામ સવાલો અંગે નિષ્ણાતોનો અભિપ્રાય, આ લેખમાં.

કૉંગ્રેસના રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ થવાના સમાચારથી રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
અદાલતના આ નિર્ણય બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે દિલ્હીથી માંડીને સમગ્ર દેશનું રાજકારણ ભવિષ્યમાં કેવી રીતે બદલાશે.
આ નિર્ણય રાહુલ ગાંધી માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે? પોતાની પ્રતિષ્ઠા હાંસલ કરવાના પ્રયત્ન કરી રહેલી કૉંગ્રેસ માટે આ નિર્ણય કેવો સાબિત થશે? આ નિર્ણયને કારણે વિપક્ષનાં દળો વચ્ચે એકતા સાધવાનું સ્વપ્ન પૂરું થશે? આવા ઘણા પ્રશ્નો આ નિર્ણયને કારણે ઊઠવાના શરૂ થઈ ગયા છે.
2024ની લોકસભા ચૂંટણી યોજાવામાં હજુ એક વર્ષ કરતાં વધુ સમય છે પરંતુ એનાથી પહેલાં કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
આ ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસની ટક્કર સીધી ભાજપ સાથે થવાની છે. આવી પરિસ્થિતિમાં આ સવાલ પણ ઊઠી રહ્યા છે કે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવાથી શું કૉંગ્રેસ આ રાજ્યોમાં પોતાના પક્ષમાં માહોલ બનાવી શકશે?
શું રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ના કારણે હાંસલ થયેલ રાજકીય પ્રતિષ્ઠાને આગળ વધારી શકશે કે પછી એવું માની શકાય કે ભાજપે પોતાના સ્પર્ધકને આ તકે માત આપી દીધી છે?
અમે દેશના અમુક વરિષ્ઠ પત્રકારોને પૂછ્યું કે આ સમગ્ર મામલાનું રાજકીય મહત્ત્વ શું હોઈ શકે છે?

‘રાહુલને લાભ થવાની સંભાવના’
વરિષ્ઠ પત્રકાર સંજીવ શ્રીવાસ્તવનું માનવું છે કે રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષનાં દળો પાસે જનતાને એ બતાવવાની તક છે કે તેમના પર કેવી રીતે નિશાન સાધવામાં આવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે કે, “હવે રાહુલ ગાંધીનું સભ્યપદ જવાના મુદ્દે ‘જન આંદોલન’ ખડું કરે છે કે નહીં. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે સમગ્ર વિપક્ષ આ મામલે રાહુલ ગાંધી સાથે ઊભો છે.”
“એવો મત ઘડાતો જઈ રહ્યો છે કે આ પગલું લોકશાહીની વિરુદ્ધનું છે અને વિરોધ પક્ષના નેતાઓને નિશાન બનાવાઈ રહ્યા છે. આ અંગે સર્વસંમતિ કેવી રીતે બને છે, બધાં દળો એક સાથે કેવી રીતે આવી શકે, કયા કયા મુદ્દે એકતામાં વધારો થાય છે કે વિખેરાય છે, કૉંગ્રેસ પોતાની કૅડરમાં કઈ રીતે જુસ્સો ભરે છે, આ બધું જોવાનું રહેશે.”
જોકે, તેઓ એવું પણ કહે છે કે કૉંગ્રેસ સહિત ઘણાં વિપક્ષનાં દળો હજુ સુધી મતદારોને ભાજપ વિરુદ્ધ ઊભા નથી કરી શક્યાં.
સંજીવ શ્રીવાસ્તવ કહે છે કે, “આના કારણે વિપક્ષનાં દળ અત્યાર સુધી લોકોને પ્રેરિત નથી કરી શક્યાં. આપણે તેમના વિશે વિશ્વાસ સાથે કશું જ ન કહી શકીએ. જોકે, એક વસ્તુ તો સ્પષ્ટ દેખાઈ રહી છે કે આ નિર્ણયથી રાહુલ ગાંધીને ફાયદો થવાની સંભાવના વધુ છે.”
લખનૌમાં રહેતા વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાનને લાગે છે કે જેવી રીતે કટોકટી બાદ જેલમાં જવાની વાતને ઇંદિરા ગાંધીએ એક તકમાં બદલી હતી, કંઈક આવી જ તક રાહુલ ગાંધીને મળી છે. પરંતુ જોઈએ તેઓ શું કરી શકશે?
તેઓ કહે છે કે, “મને લાગે છે કે આ નિર્ણયને કારણે કૉંગ્રેસમાં નવી ઊર્જાનું સંચાર થયું છે. રાહુલ ગાંધીને એક પ્રકારે બૂસ્ટ મળ્યું છે. બધાને ખબર છે કે આ નિર્ણય કેટલી ખોટી રીતે લેવાયો છે. જ્યારે બાબરી મસ્જિદનો નિર્ણય આવે છે ત્યારે તેઓ કહે છે કે આ મોદીજીએ કરાવ્યું છે અને જ્યારે આ નિર્ણય આવ્યો ત્યારે તેઓ કહી રહ્યા છે કે કોર્ટે કર્યું છે, અમારે આનાથી શી લેવાદેવા?”
“આ કંઈક એવું જ છે જ્યારે ઇંદિરા ગાંધીને કટોકટી બાદ રંજાડવામાં આવ્યાં હતાં. ઇંદિરા ગાંધીએ કટોકટી લાદીને ભૂલ કરી હતી. પરંતુ બાદમાં જ્યારે તેમને જેલ મોકલી દેવાયાં તો તેઓ સત્તામાં પાછાં ફર્યાં. મને લાગે છે કે રાહુલ ગાંધી માટે આ વાત ‘બ્લેસિંગ ઇન ડિસગાઉઝ’ હશે. આ પહેલાં કોઈનેય બદનક્ષી માટે બે વર્ષની સજા નથી કરાઈ. તેથી આ બધું ‘બાય ડિઝાઇન’ કરાયું છે.”

‘કૉંગ્રેસ માટે નવો ચહેરો સામે લાવવાની પણ એક તક’

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રમાં ‘લોકસત્તા’ અખબારના સંપાદક ગિરીશ કુબેરને લાગે છે કે હવે કૉંગ્રેસ માટે એક નવો ચહેરો સામે મૂકવાની પણ તક છે.
તેઓ કહે છે કે, “આ કૉંગ્રેસ માટે એક સારી તક છે. જો રાહુલ ગાંધી સામે નથી તો ભાજપ કેવી રીતે ઊભો રહેશે. રાહુલ હંમેશાં ‘પંચિંગ બૅગ’ રહે છે. ભાજપના ‘યશ’માં હંમેશાં રાહુલ ગાંધીનો ‘અપયશ’ પણ એક ભાગ રહ્યો છે. તેથી જો કૉંગ્રેસ સમજી-વિચારીને આગળ જાય અને નવો ચહેરો સામે લાવે તો ભાજપ માટે પડકાર ઊભો થઈ શકે છે, તેમને સહાનુભૂતિ પણ મળશે.”
એક તરફ રાહુલ ગાંધી માટે આ એક સારી તક હોય છે પરંતુ લોકો વિચારી રહ્યા છે કે કૉંગ્રેસ પાર્ટીને કેવી રીતે લાભ થશે?
ગિરીશ કહે છે કે કૉંગ્રેસ સાથે એક પાયાની સમસ્યા છે. કૉંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, અદાણી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા ઉઠાવી રહી છે અ તેમને લોકો પાસેથી પ્રતિક્રિયા મળી રહી છે. પરંતુ કૉંગ્રેસ આ ગતિને જાળવીને નથી રાખી શકી રહી આ આંદોલનને જીવતું નથી રાખી શકતી.
સંજીવ શ્રીવાસ્તવ કહે છે કે, “આનું મોટું કારણ છે કૉંગ્રેસની અંદરની સંગઠન સંબંધી ખામીઓ. કૉંગ્રેસ એવી પાર્ટી પણ રહી છે જે જન આંદોલન અને જન ભાવનાઓની મદદથી સત્તામાં આવી હોય. ઇંદિરા ગાંધીની હત્યા બાદ એવો માહોલ બન્યો હતો અને રાજીવ ગાંધી 400 કરતાં વધુ બેઠકો જીત્યા હતા. પરંતુ હાલ લોકોનો ગુસ્સો, ભાવનાઓ અને સૈલાબ જેવો માહોલ નથી દેખાઈ રહ્યો.”

ઇમેજ સ્રોત, Getty Images
સંજીવ શ્રીવાસ્તવ કહે છે કે, “જે નિર્ણય થયો છે તેને કૉંગ્રેસ સિવાય બીજો કયો પક્ષ આંદોલનમાં બદલી શકે છે, તળિયેથી અવાજ ઉઠાવીને આંદોલનને ઈવીએમ સુધી લઈ જઈ શકાય છે કે કેમ એ જોવાનું રહેશે. આવી વ્યવસ્થા હાલ કૉંગ્રેસ પાસે નથી દેખાઈ રહી તેથી જ્યાં તેમની ભાજપની સાથે સીધી ટક્કર છે ત્યાં કૉંગ્રેસ બેઠકો હારે છે.”
તેઓ કહે છે કે, “શું આ પરિસ્થિતિ રાહુલ ગાંધીનું સભ્યપદ જવાથી એક દિવસની અંદર બદલાઈ જશે? મને એવું નથી લાગતું. પરંતુ આવી સ્થિતિ બનાવવાની કોશિશ તો થઈ શકે. આ એક તક છે. અત્યાર સુધી કૉંગ્રેસ આવું નથી કરી શકી કારણ કે તેની પાસે સંગઠન નથી.”
તેમજ શરત પ્રધાનને લાગે છે કે કૉંગ્રેસ સામાન્ય માણસો સાથે પ્રત્યક્ષપણે વાત કરીને તેમની સાથે થયેલા અન્યાય વિશે જણાવે તો પાર્ટીને ફાયદો થઈ શકે છે.
તેઓ કહે છે કે, “કૉંગ્રેસ જો આ મામલો સારી રીતે સામાન્ય લોકોને જણાવે કે શું થયું છે, તો તેને ફાયદો થઈ શકે છે. પાર્ટીએ અત્યાર સુધી પાછા ફરવાના કોઈ પ્રયાસ નથી કર્યા. લોકોને ‘અન્યાય’ વિશે જણાવવામાં વિપક્ષનાં દળોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હશે. એ લોકોને જણાવે કે આજે રાહુલ ગાંધી સાથે જે થયું છે એ આવતીકાલે ગમે તે અન્ય વ્યક્તિ સાથે પણ થઈ શકે છે.”

‘કર્ણાટકની ચૂંટણીમાં આ વાતની કોઈ અસર નહીં થાય’

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાન અને મધ્યપ્રદેશ પહેલાં આગામી બે માસમાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. હાલ ત્યાં ભાજપ સત્તામાં છે, જે કૉંગ્રેસના અમુક ધારાસભ્યો બહાર નીકળી ગયા બાદ બની છે.
હવે ત્યાં કૉંગ્રેસ ભાજપને પડકાર ફેંકી રહી છે, પરંતુ પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીનું સભ્યપદ ખતમ થવાની વાતની ચૂંટણી પણ કોઈ અસર થશે ખરી?
પ્રોફેસર મુઝફ્ફર અસાદી મૈસુરૂ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર ભણાવે છે. તેમનું કહેવું છે કે આ મુદ્દાની કોઈ અસર નહીં પડે કારણ કે કર્ણાટકનું રાજકારણ સ્થાનિક નેતાઓની આસપાસ ફરે છે.
તેઓ કહે છે કે, “રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરાયાનો નિર્ણય ખૂબ જ અણધાર્યું છે. પરંતુ કર્ણાટકની ચૂંટણી પર આ વાતની કોઈ અસર નહીં થાય એવું મને લાગે છે. કારણ કે, કર્ણાટકમાં તમે કૉંગ્રેસના રાજકારણને જુઓ તો એ રાહુલ ગાંધીની આસપાસ નથી ફરતું.”

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે કે, “અહીં જે સ્થાનિક નેતાઓ છે અને તેઓ પાર્ટી માટે વોટ મેળવે છે. જેમ કે સિદ્ધારમૈયા રાહુલ ગાંધી કરતાં વધુ લોકપ્રિય છે. ખાસ કરીને ઓબીસી સમુદાયોમાંથી આવલનારા નેતા અહીં પાર્ટીની તાકત છે.”
તેઓ કહે છે કે, “આ વખત ચૂંટણીમાં અહીં ઍન્ટિ-ઇન્કમ્બન્સીનો મુદ્દો છે. આ મુદ્દો જ્યારે છવાઈ જાય છે તો રાહુલ ગાંધીના સભ્યપદ જવા જેવા રાષ્ટ્રીય મુદ્દાની અહીં અસર નહીં થાય. એક વસ્તુ એવી બની શકે કે અહીં ભાજપ અને કૉંગ્રેસની વિચારધારાઓની ટક્કર થાય. પરંતુ રાષ્ટ્રીય મુદ્દા કર્ણાટકની ચૂંટણીમાં કોઈ મહત્ત્વ ધરાવતા નથી.”














