રાષ્ટ્રીય સલામતી કાયદા હેઠળ પકડવામાં આવેલા અમૃતપાલ સિંહના પાંચ સાથી કોણ છે?

- લેેખક, ગગનદીપ સિંહ
- પદ, બીબીસી પંજાબી
‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. અમૃતપાલ સિંહે પોલીસથી બચવા માટે કથિત રીતે જે મોટરસાયકલનો ઉપયોગ કર્યો હતો તે બુધવારે જપ્ત કરવામાં આવી હતી.
પંજાબ પોલીસે અમૃતપાલનાં પત્ની કિરણદીપકોરની પણ પૂછપરછ કરી હતી. કિરણદીપકોર નોન-રેસિડેન્ટ ઇન્ડિયન છે. પોલીસે તેમને 'વારિસ પંજાબ દે' સંગઠનને મળતા નાણાં વિશે પૂછપરછ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે અમૃતપાલ સિંહ જે મોટરસાયકલ પર બેસીને નાસી ગયો હતો તે જાલંધરમાં એક નહેર પાસેથી મળી આવી હતી.
જાલંધરના એસએસપી સ્વર્ણદીપ સિંહે જણાવ્યું હતું કે અમૃતપાલ મોટરસાયકલ ત્યાં છોડીને ફિલ્લોર તરફ નાસી છૂટ્યો છે. પોલીસ તેને શોધવા આકરી મહેનત કરી રહી છે.
અમૃતપાલના સંગઠન 'વારિસ પંજાબ દે' સાથે જોડાયેલા પાંચ લોકોની રાષ્ટ્રીય સલામતી કાયદા (એનએસએ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેમને આસામની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસે જાલંધરના શાહકોટ વિસ્તારમાં અમૃતપાલના કાફલાને 18 માર્ચે રોક્યો હતો અને તેના કેટલાક સાથીઓની ધરપકડ કરી હતી.
પોલીસના દાવા મુજબ, અમૃતપાલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ અમૃતપાલના પિતા તરસેમ સિંહે કહ્યું હતું કે “અમૃતપાલની ધરપકડ કરવામાં આવી હશે, પરંતુ પોલીસ કદાચ એ જણાવતી નથી.”
પોલીસના જણાવ્યા અનુસાર, અમૃતપાલના કાકા હરજિત સિંહ સહિત 150થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે તે પાંચ લોકોને એનએસએ હેઠળ ધરપકડ કરી છે તેમના, પંજાબના અલગ-અલગ વિસ્તારમાં રહેતા પરિવારો તેમજ ગામલોકો સાથે બીબીસીએ વાત કરી હતી.
એ પાંચ પૈકીના ત્રણ આરોપી સાધારણ પરિવારના છે. એક શખ્સ અભિનેતા છે, જ્યારે પાંચમી વ્યક્તિ અમૃતપાલના કાકા હરજિત સિંહ છે.

અમૃતપાલ સિંહ કોણ છે?
- અમૃતપાલ સિંહ વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ છે. પોતાનું લક્ષ્ય શીખો માટે એક સ્વાયત ખાલિસ્તાન રાજ્ય બનાવવાનું હોવાનું તેઓ જણાવે છે.
- વર્ષો સુધી દુબઇમાં રહ્યા બાદ ગત સપ્ટેમ્બરમાં તેઓ પંજાબ પાછા ફર્યા હતા અને અમૃત સંચાર તથા નશામુક્તિ આંદોલનના નામે તેમણે યુવાનોને પોતાની સાથે જોડવાનું શરૂ કર્યું હતું.
- જોકે, વિવાદિત ભાષણો, દરગાહોમાંની બેન્ચને આગ ચાંપવાને તથા અજનાલા પોલીસ થાણા સામે હિંસાને કારણે તેઓ વિવાદમાં રહ્યા છે.
- પોલીસ ગત શનિવારથી તેમનો પીછો કરી રહી છે અને પંજાબમાંના તેમને ટેકેદારોની મોટા પાયે ધરપકડ કરવામાં આવી રહી છે.
- પોતાના પુત્રના જીવ પર જોખમ હોવાનું અમૃતપાલના પિતા તરસેમ સિંહે જણાવ્યું છે.

દૌલતપુરા ઊંચા ગામના બસંત સિંહની એનએસએ હેઠળ ધરપકડ થઈ છે

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
22 વર્ષના બસંત સિંહ પંજાબના દૌલતપુરા ઊંચા ગામના રહેવાસી છે. દલિત પરિવારના બસંત સિંહે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક ખાનગી બૅન્કમાં કામ કર્યું હતું. એ પછી તેમણે જંતુનાશક દવાઓ બનાવતી એક કંપની માટે પણ કામ કર્યું હતું.
દૌલતપુરા ગામના ભૂતપૂર્વ સરપંચ સુરજિત સિંહે બીબીસીના સંવાદદાતાને જણાવ્યું હતું કે તેમનો દીકરો છેલ્લા બે-ત્રણ મહિનાથી ભાગ્યે જ ઘરે આવતો હતો. એ મોટા ભાગે અમૃતપાલ સિંહના ગામ જલ્લુખેડા ખાતેના નશામુક્તિ કેન્દ્રમાં રહેતો હતો.
એ પછી તે બરનાલાના ચીમા ગામમાં વધુ એક નશામુક્તિ કેન્દ્રના સંચાલન માટે ગયો હતો, એમ જણાવતા સુરજિત સિંહે કહ્યું હતું કે “મારા દીકરાની ચીમા ગામમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે મને જણાવ્યું હતું.”
સુરજિત સિંહના જણાવ્યા અનુસાર, બસંત સિંહ ખેડૂત આંદોલન દરમિયાન સાથી અભિનેતા દીપ સિદ્ધુથી પ્રેરિત થયો હતો અને તેમની સાથે જોડાયો હતો. બાદમાં તે અમૃતપાલ સિંહ સાથે જોડાયો હતો. પહેલાં બસંતના વાળ કાપી નાખવામાં આવ્યા હતા.
પોતાના દીકરાને નિર્દોષ ગણાવતાં તેમણે સવાલ કર્યો હતો કે બસંતને આસામની જેલમાં શા માટે મોકલવામાં આવ્યો છે? તેને પંજાબની જેલમાં પાછો લાવવો જોઈએ.
પોતાના દીકરા માટે ન્યાયની માગ કરતાં તેમણે ઉમેર્યું હતું કે બસંતે કોઈ ગુનો કર્યો નથી. મારો દીકરો તો નશાવિરોધી ઝુંબેશ ચલાવતો હતો.

મોગા જિલ્લાના ગુરમીત સિંહને ધરપકડ બાદ આસામ મોકલી દેવાયા

38 વર્ષના ગુરમીત સિંહ મોગા જિલ્લાના બુકનવાલા ગામના રહેવાસી છે અને જાટ શીખ પરિવારના છે. તેમનું ઘર ગામની બહારના વિસ્તારમાં આવેલું છે અને તેમાં તેમનો પરિવાર રહે છે.
ગુરમીત સિંહની પણ એનએસએ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને આસામની જેલમાં મોકલવામાં આવ્યા છે.
તેમના પિતા મહેસૂલ વિભાગમાંથી પટવારી તરીકે નિવૃત્ત થયા હતા. ગુરમીત સિંહને બે દીકરી છે અને તેમણે બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
તેઓ છેલ્લા પાંચ વર્ષથી મોગા જિલ્લાના ગાંવ સિંઘાવાલામાં રહેતા તેમના સાળા તરણદીપ સિંહ સાથે ભાગીદારીમાં ફર્નિચરની દુકાન ચલાવતા હતા.
ગુરમીતના પિતાએ જણાવ્યું હતું કે ગુરમીતની તેની દુકાનેથી ધરપકડ કરવામાં આવી હતી. પછી પોલીસે પછી તેમના જમાઈની પણ ધરપકડ કરી હોવાનો આરોપ છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગુરમીત દિલ્હીમાં આખું વર્ષ ચાલેલા ખેડૂત આંદોલન દરમિયાન દીપ સિદ્ધુના સંપર્કમાં આવ્યો હતો. ગુરમીતનો પરિવાર 'વારિસ પંજાબ દે' સંગઠનની ગતિવિધિથી અજાણ છે અને તેઓ અમૃતપાલને વ્યક્તિગત રીતે ક્યારેય મળ્યા નથી.
જોકે, પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કે ગુરમીત સિંહ 'વારિસ પંજાબ દે' સંગઠનના મહત્ત્વના સભ્ય છે.
તેમની ધરપકડને કારણે ગામના લોકોમાં તણાવ સર્જાયો છે, કારણ કે લોકો આ વિશે વાત કરવા ઉત્સુક નથી.
ગામના વૃદ્ધોએ બીબીસીને જણાવ્યું હતું કે ગુરમીત સિંહ ગામના યુવાનોને નશીલા પદાર્થોનું સેવન કરતા અટકાવતા હતા.

પંજાબી ફિલ્મોના અભિનેતા દલજિતસિંહ કલસી

ઇમેજ સ્રોત, RAVINDER ROBIN/BBC
અભિનેતા દલજિતસિંહ કલસીએ અનેક પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 2017માં પ્રદર્શિત થયેલી 'સરદાર સાબ' નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ દિવંગત અભિનેતા દીપ સિદ્ધુના સૌથી નજીકના સાથી છે.
દીપના મૃત્યુ બાદ તેમના ઘણા દોસ્તો ભાઈ મનદીપ સાથે ચાલ્યા ગયા હતા, પરંતુ દલજિતસિંહ હંમેશાં અમૃતપાલ સાથે રહ્યા છે.
અમૃતપાલને 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા બનાવવાની દરખાસ્તને તેમણે ટેકો આપ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે 'વારિસ પંજાબ દે' સંગઠનને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવવાના મામલામાં તેમની સામે તપાસ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કલસી હાલ ગુડગાંવમાં રહે છે.
પોતાની ફેસબુક પ્રોફાઇલમાં કલસીએ જણાવ્યું છે કે તેઓ ઓલ ટાઈમ મૂવીઝ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના ડિરેક્ટર છે અને તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. પોતે અમૃતસરના રહેવાસી હોવાને તેમણે ફેસબુક પર જણાવ્યું છે.

અમૃતપાલ સિંહ મામલામાં અત્યાર સુધી શું થયું?
- પંજાબ પોલીસ અમૃતપાલ તથા 'વારિસ પંજાબ દે' સંગઠનના કાર્યકરો સામે 18 માર્ચથી કાર્યવાહી કરી રહી છે.
- પોલીસના જણાવ્યા અનુસાર, અમૃતપાલ ફરાર થઈ ગયો છે, પરંતુ તેમના 150થી વધુ કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
- મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર 18 માર્ચથી લાદવામાં આવેલો પ્રતિબંધ હવે ત્રણ જિલ્લા પૂરતો સીમિત છે.
- પોલીસે અમૃતપાલની ધરપકડ કરી હોવાનો આક્ષેપ તેના પિતાએ કર્યો છે.
- વારિસ પંજાબ દે સંગઠનના વકીલે આરોપીઓને હાઈકોર્ટમાં રજૂ કરવા માટે અરજી દાખલ કરી છે.
- પોલીસના જણાવ્યા અનુસાર, અમૃતપાલ એક વીડિયોમાં છેલ્લી વખત નંગલ અંબિયન ગુરુદ્વારામાં જોવા મળ્યો હતો.
- અમૃતપાલના પાંચ સાથીને આસામની દિબ્રુગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમની એનએસએ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
- પંજાબના ઘણા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઠેકઠેકાણે નાકાબંધી કરવામાં આવી છે અને ફ્લેગ માર્ચ પણ ચાલુ છે.
- અમૃતપાલના સમર્થનમાં પંજાબ ઉપરાંત બ્રિટન તથા અમેરિકામાં પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ભગવંત સિંહ ઉર્ફે પ્રધાનમંત્રી બાજેક

ઇમેજ સ્રોત, BHAGWANT SINGH PARDHAN MANTRI/FB
ભગવંત સિંહ ઉર્ફે પ્રધાનમંત્રી બાજેક સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરવાને લીધે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તેઓ ટિકટોક, યૂટ્યૂબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં પ્લૅટફૉર્મ્સ પર વીડિયો અપલોડ કરતા હતા.
ખેડૂત પરિવારના ભગવંત સિંહ ‘પ્રધાનમંત્રી બાજેક’ નામથી એક સોશિયલ મીડિયા પેજ ચલાવે છે. તેમાં તેઓ સામાજિક તથા રાજકીય મુદ્દાઓ વિશે વ્યંગાત્મક વીડિયો અપલોડ કરે છે.
પંજાબ સરકારે એનએસએ હેઠળ ધરપકડ કરી હોય તેવા તેઓ ચોથા આરોપી છે. તેમને પણ આસામની જેલમાં મોકલવામાં આવ્યા છે.
અમૃતપાલ સિંહના સંપર્કમાં આવ્યા પહેલાં તેઓ વાળ કપાવતા હતા, પરંતુ અમૃતપાલને મળ્યા બાદ તેમણે અમૃત પાન (શીખ બનવાના એક સંસ્કાર) કર્યું હતું.
ભગવંત સિંહ સામે અનેક ગુના નોંધાયેલા છે અને એ પૈકીના મોટા ભાગના ધરમકોટ પોલીસસ્ટેશનમાં નોંધાયેલા છે.
ભગવંત સિંહ તેમના ખેતરમાં કામ કરતા હતા ત્યારે મોગા પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ભગવંત સિંહે પોલીસથી ભાગવાનો પોતાનો એક વીડિયો પણ શૂટ કર્યો હતો અને તેને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.
ગામના સરપંચ હરનેક સિંહે જણાવ્યું હતું કે નાના ખેડૂત પરિવારના ભગવંત સિંહ તેમની પારિવારિક જમીન પર ખેતીનું કામ કરે છે.
તેમના પાડોશી હરજિંદર સિંહે બીબીસીને જણાવ્યું હતું કે ભગવંત સિંહને ગામમાં કોઈ સાથે ઝઘડો થયો નથી અને સરકારે તેમના પરિવાર સાથે ન્યાય કરવો જોઈએ.

અમૃતપાલ સિંહના કાકા હરજિત સિંહનું આત્મસમર્પણ

ઇમેજ સ્રોત, Getty Images
અમૃતપાલ સિંહના કાકા હરજિત સિંહે રવિવારે રાતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમને પણ એનએસએ હેઠળ આસામની જેલમાં મોકલવામાં આવ્યા છે. અમૃતપાલ તેના આ કાકાની સૌથી નજીક હોવાનું માનવામાં આવે છે.
પોતે દુબઈમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા હોવાનું હરજિત સિંહે બીબીસીને તાજેતરમાં જણાવ્યું હતું. આ બિઝનેસમાં અમૃતપાલ તથા તેના પિતા તરસેમ સિંહ પણ જોડાયેલા છે.
અમૃતપાલ સિંહ માને છે કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં કાકા હરજિત સિંહે બહુ મોટું યોગદાન આપ્યું છે.
હરજિત સિંહ અને તેમના મોટાભાઈ તરસેમ સિંહ છેલ્લા ઘણા મહિનાથી પંજાબમાં છે અને મોટા ભાગનો સમય પોતાના ગામ જલ્લુખેડામાં પસાર કરે છે.

















