લોહિયાળ હિંસાની આગમાં ભભૂકી રહેલા બાંગ્લાદેશને કારણે ભારત સામેના પડકારો કેવી રીતે વધી રહ્યા છે?

ઇમેજ સ્રોત, ani
- લેેખક, રાજેશ ડોબરિયાલ
- પદ, બીબીસી માટે
જુલાઈ-ઑગસ્ટ, 2024માં બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા હિંસક આંદોલને શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધી હતી. બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું, તે સમયથી શરૂ થયેલી પ્રગતિ પણ આ આંદોલન સાથે ખોરવાઈ ગઈ.
આ પ્રગતિ હતી આર્થિક સમૃદ્ધિ તરફની. 2020માં ઘણા લોકોને એ જાણીને આંચકો લાગ્યો કે, બાંગ્લાદેશ આર્થિક વૃદ્ધિદરના મામલે ભારતથી આગળ નીકળવા તરફ આગેકૂચ કરી રહ્યું હતું.
પણ, જુલાઈ, 2024માં પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ. 1971ની આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે અનામત યથાવત્ રાખવાના બાંગ્લાદેશ હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ યુવાનોએ શરૂ કરેલું આંદોલન એ હદે બેફામ બન્યું કે, તેના લીધે છેલ્લાં દોઢ વર્ષથી બાંગ્લાદેશ હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે.
પરિસ્થિતિ કઈ હદે વણસી ગઈ છે, તેનો અંદાજ બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના એક નેતાના એ નિવેદન પરથી આવે છે કે, 'દેશમાં લોકશાહીને સ્થાને ટોળાશાહી શા માટે આવી ગઈ છે?'
આ પરથી સવાલ ઊઠે છેઃ આ બધું કેવી રીતે થયું અને શું આપણે સ્થિતિ સુધરવાની અપેક્ષા સેવી શકીએ?
ગત ગુરુવારે ઇન્કિલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીના મોતની ઘટનાને કારણે બાંગ્લાદેશ અને ભારતના સંબંધો વધુ તંગ બન્યા છે, કારણ કે હાદીને ગોળી ધરબી દેનારા હત્યારા 'ભારત નાસી છૂટ્યા' હોવાની અફવા ફેલાઈ છે.
બીબીસીએ આ મામલે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી અને બાંગ્લાદેશની હાલની ગતિવિધિને જોતાં પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરવાના અણસાર જણાઈ રહ્યા છે કે કેમ, તે વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
બાંગ્લાદેશની 'આર્થિક સ્થિતિ કથળી ગઈ છે'

ઇમેજ સ્રોત, Getty Images
સાઉથ એશિયન યુનિવર્સિટીના ઍસોસિએટ પ્રોફેસર ધનંજય ત્રિપાઠી જણાવે છે, "શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવાઈ, ત્યારથી બાંગ્લાદેશમાં સ્થિતિ કથળી ગઈ છે. હાલ ત્યાં ચૂંટાયેલી સરકાર નથી, અરાજકતા વ્યાપેલી છે અને વચગાળાની સરકારે કશું કામ કર્યું નથી. શેખ હસીના દેશ બહાર નીકળી ગયાં, એ પછી ત્યાં ભારે હિંસા ફેલાઈ છે અને લોકોને નિશાન બનાવીને હિંસા આચરવામાં આવી રહી છે. તેના કારણે આર્થિક હાલત ખરાબ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુમાં તેઓ કહે છે, "જોકે, એમ કહેવું પણ સાચું નહીં ગણાય કે, શેખ હસીનાના શાસનમાં બધું સારું ચાલી રહ્યું હતું. જીડીપી વધી રહ્યો હતો, એ ખરું, પણ તે આર્થિક વિકાસમાં રૂપાંતરિત નહોતો થઈ રહ્યો. આર્થિક અસમાનતાને લઈને ત્યાં ઘણા સવાલો પ્રવર્તતા હતા."
"તેમ છતાં, એક માળખું જરૂર ગોઠવાયેલું હતું. પણ હવે વિદેશી રોકાણો ઘટવાં માંડ્યાં છે. આમ થવું સ્વાભાવિક છે. અરાજકતાની સ્થિતિમાં આર્થિક પ્રગતિ પ્રભાવિત થશે જ."
ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટડીઝ ઍન્ડ ફૉરેન પૉલિસીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોફેસર હર્ષ વી. પંત જણાવે છે, "ભારત શરૂઆતથી કહેતું આવ્યું છે કે, જો તમે શેખ હસીનાની સરકારને હઠાવવા માગતા હોવ, તો તે કાર્ય લોકશાહી પદ્ધતિથી કરવું જોઈએ. ગયા વર્ષે બાંગ્લાદેશના માર્ગો પર આપણે ઉશ્કેરાયેલાં ટોળાં જોયાં હતાં. દેશ હજુયે તેમાંથી બહાર નીકળી શક્યો નથી."
"છેલ્લાં દોઢ વર્ષમાં યુનુસ સરકારે આર્થિક વિકાસ, રોજગારી, યુવા વ્યવસ્થાપન જેવા વાસ્તવિક પ્રશ્નો પર શું કામ કર્યું? મને તો કોઈ કામ થયું દેખાતું નથી."
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો દબદબો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રોફેસર ત્રિપાઠી કહે છે કે, જે લોકો શેખ હસીના સાથે ન હતા અને જેમને એવી આશા હતી કે, શેખ હસીના જતાં રહેશે, પછી દેશ બીજી દિશા તરફ આગળ ધપશે, તેઓ પણ નિરાશ થયા છે.
ત્રિપાઠી કહે છે, "વાસ્તવમાં, લોકશાહીમાં જો તમે બંધારણીય રીતે સત્તાની સોંપણી ન કરો અને સત્તા ટોળાંના હવાલે કરી દો, તો બાંગ્લાદેશમાં આજે જે થઈ રહ્યું છે, તેવી સ્થિતિનું નિર્માણ થશે. જોકે, અત્યારે આ બાંગ્લાદેશ માટે ચિંતાનો વિષય છે, પણ આવનારા સમયમાં તે ભારત માટે મુસીબત નોતરશે."
આ સમજાવતાં તેઓ કહે છે, "બાંગ્લાદેશમાં હંમેશાંથી એક જૂથ ભારત વિરોધી રહ્યું છે, પણ શેખ હસીનાને કારણે તે તેનો પ્રભાવ ઊભો કરી શક્યું ન હતું. હવે તે પોતાનો પ્રભાવ પાડવાની સ્થિતિમાં છે. બાંગ્લાદેશનાં ભારત વિરોધી બળો શેખ હસીનાના પણ વિરોધી હતાં, કારણ કે, તેમનું માનવું હતું કે, હસીના ભારત પ્રત્યે કૂણું વલણ ધરાવે છે. તે બળો હવે ત્યાં આગળ પડતી રાજકીય તાકાત ધરાવે છે."
પ્રોફેસર પંત કહે છે, "હાલની પરિસ્થિતિ એવી છે કે, બાંગ્લાદેશ કટ્ટરપંથ તરફ વળી રહ્યો છે અથવા તો એમ કહો કે, ત્યાં કટ્ટરપંથી પક્ષોનું વર્ચસ્વ ઊભું કરવામાં આવી રહ્યું છે. અથવા તો ત્યાં અરાજકતા વ્યાપેલી છે, લોકશાહી સંસ્થાઓ ધ્વસ્ત થઈ ચૂકી છે અને કોઈ કશું કરવા માગતું નથી. અગાઉ લોકો કહેતા હતા કે, ત્યાં જે પણ થાય છે, તે ભારતના કારણે થાય છે. પણ અત્યારે બાંગ્લાદેશની જે હાલત છે, તેના માટે બાંગ્લાદેશ સ્વયં જવાબદાર છે, તેના લોકો જવાબદાર છે."

પ્રોફેસર પંત કહે છે, "જે રીતે લોકશાહી સંસ્થાઓને નિશાન બનાવાઈ રહી છે, એ જોતાં શું તમને લાગે છે કે, ત્યાંનો પ્રગતિશીલ વર્ગ આગળ આવીને મતદાન કરશે? એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેમાં કટ્ટરપંથી જૂથોને મુખ્ય પ્રવાહમાં લવાશે અને સત્તાની ધુરા તેમના હાથોમાં સોંપવામાં આવશે."
તેમના મતે, ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીઓ પછી સ્થિતિ બદલાશે, એવી અપેક્ષા સેવવી વ્યર્થ છે. બાંગ્લાદેશ બે મુખ્ય પ્રવાહના પક્ષો ધરાવે છે અને કટ્ટરપંથીઓ તેમને નિશાન બનાવી રહ્યા છે. બીએનપીને શેખ હસીના સાથે કશી લેવા-દેવા નથી, પણ તે મુખ્ય પ્રવાહનો પક્ષ હોવાથી તેને નિશાન બનાવાઈ રહ્યો છે અને સરકારમાં હવે ચરમપંથીઓનો દબદબો છે.
પ્રોફેસર ત્રિપાઠી જણાવે છે, "શરૂઆતમાં બીએનપીને લાગ્યું હતું કે, શેખ હસીનાની વિદાયથી તેને ફાયદો થશે, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે, બીએનપી પક્ષ અનામત વિરુદ્ધની ચળવળ સાથે જોડાયેલો ન હતો. એક રાજકીય પક્ષ તરીકે, બીએનપી વેરવિખેર થઈ ચૂક્યો છે, દસ વર્ષથી ચૂંટણી લડી રહ્યો નથી અને કોઈ વિરોધપ્રદર્શનો કરી રહ્યો નથી. આથી, જે લોકોએ સમગ્ર ચળવળનું સુકાન સંભાળ્યું અને શેખ હસીનાને દેશ છોડી જવાની ફરજ પાડી (મુખ્યત્વે જમાત-એ-ઇસ્લામી અને કેટલાક સ્વતંત્ર લોકો), તેમને લાભ થશે. અને હવે બીએનપીને આ દેખાઈ રહ્યું છે. અગાઉ, બાંગ્લાદેશમાં બે પક્ષ પ્રકારની વ્યવસ્થા હતી, પણ આ ચળવળ બાદ તેવું રહ્યું નથી."
શું આ યુનુસની વચગાળાની સરકારની નિષ્ફળતા છે?

પ્રોફેસર પંત કહે છે, "બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ પાછળનું સૌથી મોટું કારણ છેઃ વચગાળાની સરકારના વડા, મોહમ્મદ યુનુસ. નોબલ પુરસ્કાર વિજેતા યુનુસને એમ કહીને લવાયા હતા કે, તેઓ બધું સરખું કરી દેશે, પણ યુનુસ સરિયામ નિષ્ફળ રહ્યા. તેમની આગેવાનીમાં બાંગ્લાદેશની શું હાલત થઈ, તેના પર નજર કરો. મેં નથી જોયું કે, મોહમ્મદ યુનુસે કટ્ટરવાદીઓની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હોય. કદાચ તેઓ ઇચ્છે છે કે, કટ્ટરવાદીઓ જ સત્તા પર આવે."
"યુનુસ સરકારે આર્થિક વિકાસ, રોજગારી, યુવાનોના વ્યવસ્થાપન જેવા વાસ્તવિક મુદ્દાઓ પર છેલ્લાં દોઢ વર્ષમાં શું કર્યું? મને કશું કામ દેખાતું નથી."
પ્રોફેસર ત્રિપાઠી કહે છે, "યુવા નેતા હાદીની હત્યા કરીને હત્યારા ભારત નાસી છૂટ્યા, એવું કહેવામાં આવ્યું હતું. આ તમારી નિષ્ફળતા છે, તમારી પોલીસની, તમારી સુરક્ષા સંસ્થાઓ, તમારી વ્યવસ્થાની નિષ્ફળતા છે કે, કોઈ યુવા નેતાની હત્યાનું કાવતરું ઘડે છે, ખુલ્લેઆમ તેને રહેંસી નાખે છે અને પછી સહેલાઈથી ભાગી છૂટે છે."
"હસીના ક્વોટા સિસ્ટમ કે અનામત દૂર ન કરી રહ્યાં હોવાથી જે લોકો અને યુવાનો તેમના વિરોધમાં આગળ આવ્યા હતા, તે પણ હવે નિરાશ થયા છે, કારણ કે, જે મૂળભૂત સમસ્યાઓ હતી, તે મામલે આ દોઢ વર્ષમાં કંઈ થયું નથી અને ભવિષ્યમાં પણ કશું થવાના અણસાર નથી."
ભારત સામેના પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં વિદેશી બાબતો પરની સંસદીય સમિતિ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, 1971ના યુદ્ધ પછી ભારત અત્યારે બાંગ્લાદેશમાં તેની સૌથી મોટી વ્યૂહાત્મક કટોકટીનો સામનો કરી રહ્યું છે.
પ્રોફેસર ત્રિપાઠી ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો માટે ખાસ આશાવાદી નથી.
તેઓ કહે છે, "જ્યાં સુધી તેઓ કોઈ નક્કર પગલાં ન ભરે અને આર્થિક સ્થિતિમાં સુધારો ન લાવે, ત્યાં સુધી તેઓ રાજકીય લાભ મેળવવા માટે ભારતનો ભય આગળ ધરતા રહેશે."
"જો બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતા સ્થપાય, અર્થતંત્રનો વિકાસ થાય, તો તેમણે ભારતનું પણ સમર્થન મેળવવું પડશે, કારણ કે ભારત સાથે તેઓ વિશાળ સ્તર પર વેપાર ધરાવે છે. પણ, ત્યાં અરાજકતા વ્યાપેલી છે અને નજીકના ભવિષ્યમાં વિકાસ થવાનો નથી, ત્યારે ભારતને બલિનો બકરો બનાવવામાં આવશે અને ભારતવિરોધી વલણો પણ કાયમ રહેશે."
પ્રોફેસર પંત જણાવે છે, બાંગ્લાદેશમાં હાલ જે ચાલી રહ્યું છે, તેમાં ભારત દખલગીરી કરે, તેવી શક્યતા ઘણી ઓછી છે, કારણ કે સૌથી પહેલાં તો આ બાંગ્લાદેશનો ઘરેલુ મામલો છે. હવે બાંગ્લાદેશના નાગરિકોએ નક્કી કરવાનું છે કે, તેઓ પ્રગતિના પથ પર આગળ વધવા માગે છે કે પછી કટ્ટરપંથ તરફ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












