'હું ક્યારેય દિલ્હી પાછી નહીં આવું...' બાંગ્લાદેશ ધકેલી દેવાયાં પછી ભારત પરત આવનારાં સુનાલી ખાતૂનની કહાણી

- લેેખક, ઇલ્મા હસન
- પદ, બીબીસી સંવાદદાતા
25 વર્ષીય સુનાલી ખાતૂનને હાલમાં ગર્ભાવસ્થાનાં છેલ્લાં અઠવાડિયાં ચાલે છે. તેઓ કહે છે, "મને ડર હતો કે મારું બાળક બાંગ્લાદેશમાં પેદા થશે તો તેની નાગરિકતા બદલાઈ જશે."
આ વર્ષે જૂન મહિનામાં તેમને પડોશી દેશ બાંગ્લાદેશ ધકેલી દેવાયાં હતાં. તેઓ આ મહિનાની શરૂઆતમાં ભારત પરત આવ્યાં છે.
દિલ્હીમાં ઘરોમાં કામ કરતાં પશ્ચિમ બંગાળનાં સુનાલીને તેમના પતિ દાનિશ શેખ અને આઠ વર્ષના પુત્ર સાથે હિરાસતમાં લેવામાં આવ્યાં હતાં. ગેરકાયદે પ્રવાસી હોવાની શંકાના આધારે તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દેવાયાં હતાં.
ત્યાં બાંગ્લાદેશના અધિકારીઓએ પરિવારને ગેરકાયદે દેશમાં ઘૂસવાના આરોપ હેઠળ જેલમાં ધકેલી દીધો.
તેમના ડિપોર્ટેશનની ઘટના રાષ્ટ્રીય સમાચાર બન્યા અને પશ્ચિમ બંગાળ સરકારે તેની આકરી ટીકા કરી હતી. રાજ્ય સરકારે ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો કે તેમણે કોઈ પણ કારણ વગર પરિવારને બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દીધો હતો.
સુનાલી એવા સેંકડો ભારતીયોમાં સામેલ છે જેમને છેલ્લા કેટલાક મહિનામાં ગેરકાયદે પ્રવાસી હોવાની શંકાથી અટકાયતમાં લેવાયા હતા અને બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દેવાયા હતા.
દિલ્હી સરકારે ડિપોર્ટેશનના સત્તાવાર આંકડા નથી આપ્યા, પરંતુ બાંગ્લાદેશ સરકારના ટોચનાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે માત્ર મે મહિનામાં જ 1200થી વધારે લોકોને તેમની સરહદની અંદર "ગેરકાયદે રીતે ધકેલવામાં આવ્યા હતા."
તે જ મહિને ઑલ ઇન્ડિયા રેડિયોએ સમાચાર આપ્યા કે દિલ્હીમાંથી લગભગ 700 લોકોને બાંગ્લાદેશ પાછા મોકલવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીમાં પકડ્યાં અને બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દીધાં

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં કથિત બાંગ્લાદેશીઓ સામેની કાર્યવાહી કોઈ નવી વાત નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધો છે અને 4096 કિલોમીટરની લાંબી સરહદ છે જે પાંચ રાજ્યને સ્પર્શે છે.
પશ્ચિમ બંગાળ સહિતની સરહદ અને નજીકના વિસ્તારમાં રહેતા લોકો કામની શોધમાં અથવા કેટલીક વખત ધાર્મિક અત્યાચારથી બચવા માટે લાંબા સમયથી ભારતમાં આવતા હોય છે.
જોકે માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે હાલમાં બંગાળી બોલનારા મુસલમાનોને નિશાન બનાવાઈ રહ્યા છે અને આ બધું યોગ્ય કાનૂની કાર્યવાહી વગર થઈ રહ્યું છે. અહીં જણાવવું જરૂરી છે કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંને જગ્યાએ બંગાળી ભાષા બોલવામાં આવે છે.
દિલ્હીના વિદેશ પ્રાદેશિક નોંધણી કાર્યાલય (એફઆરઆરઓ) મુજબ સુનાલી ખાતૂન, તેમના પરિવાર અને બંગાળી બોલનારા ત્રણ મુસલમાન પડોશીઓ પાસે ભારતમાં કાનૂની પ્રવેશ અથવા રહેવાના પુરાવા આપવાના દસ્તાવેજ ન હતા. ત્યાર પછી તેમને બધાને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયાં હતાં. તેમની સાત વર્ષની દીકરી ભારતમાં જ રહી ગઈ, કારણ કે સુનાલીના પરિવારને પકડવામાં આવ્યો, ત્યારે તે તેમના સ્વજનો સાથે રહેતી હતી.
નિયમો મુજબ અધિકારીઓએ શંકાસ્પદ અને ગેરકાયદે પ્રવાસીઓના દાવાની પુષ્ટિ તેમના ગૃહરાજ્ય સાથે કરવાની હોય છે. પશ્ચિમ બંગાળ પ્રવાસી મજૂર કલ્યાણ બોર્ડના વડા સમીરુલ ઇસ્લામે બીબીસીને જણાવ્યું કે સુનાલીના મામલામાં આવું કરવામાં આવ્યું ન હતું.
બીબીસીએ આ ડિપોર્ટેશન પર નજર રાખતા દિલ્હીના ગૃહ વિભાગ પાસે આ મામલે તેમનો અભિપ્રાય માગ્યો છે.
ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જ્યાં સુનાલીની નાગરિકતાની તપાસ ચાલે છે, ત્યાં સુધી સુનાલી અને તેમના પુત્રને માનવીય આધાર પર પરત આવવા દેવામાં આવે. ત્યારથી તેઓ પશ્ચિમ બંગાળમાં પોતાનાં માતાપિતા સાથે રહે છે. જામીન પર છૂટ્યા પછી તેમના પતિ બાંગ્લાદેશમાં એક સ્વજન સાથે રહે છે.
'ધક્કો દઈને સરહદ પાર મોકલી દેવાયાં'

સુનાલી કહે છે કે ભારત પરત આવ્યાં પછી તેમના મનમાં મિશ્ર લાગણીઓ છે.
તેમને એક વાતની રાહત છે કે જાન્યુઆરીમાં તેમને જે બાળક પેદા થશે તે ભારતીય નાગરિક હશે, પરંતુ તેમને પોતાના પતિની ચિંતા છે. તેમણે ત્રણ મહિનાથી પોતાના પતિને નથી જોયા, કારણ કે ડિપોર્ટ કરાયા પછી તેમને બાંગ્લાદેશની અલગ-અલગ જેલોમાં રાખવામાં આવ્યા હતા.
તેઓ કહે છે કે વીડિયો કૉલમાં તેમના પતિ ઘણી વખત રડી પડે છે અને કહે છે કે તેમને ઘરે આવવું છે.
સુનાલી કહે છે, "અમે બાંગ્લાદેશી નથી. અમે ભારતીય છીએ. તેમણે અમારી સાથે આવું કેમ કર્યું?"
સુનાલીનો આરોપ છે કે દિલ્હી પોલીસે અટકાયત કર્યાના એક અઠવાડિયા પછી તેમના પરિવાર અને પડોશીઓને વિમાનથી ભારત-બાંગ્લાદેશ સરહદે લઈ જવાયા અને બીએસએફના જવાનોએ તેમને 'ધક્કો મારીને' સરહદ પાર કરી દીધાં.
સુનાલી કહે છે, "તેમણે અમને બાંગ્લાદેશના એક ગાઢ જંગલમાં છોડી દીધાં. ત્યાં ચારે બાજુ નદી-નાળાં હતાં."
સુનાલીનો આરોપ છે કે તેમણે સ્થાનિક લોકોએ કહેલા રસ્તેથી ભારત પાછા આવવાની કોશિશ કરી, ત્યારે બીએસએફના જવાનોએ તેમના પતિ સહિત જૂથના કેટલાક લોકોને માર માર્યો. ત્યાર પછી જે જંગલમાં અગાઉ છોડ્યા હતા, ત્યાં જ ફરી છોડી આવ્યા.
બીબીસીએ સુનાલીના આ આરોપો બીએસએફને મોકલીને તેમનો જવાબ માગ્યો છે.
સ્થાનિક લોકોની મદદથી આ સમૂહ ઢાકા પહોંચ્યો હતો. ત્યાં કેટલાય દિવસો સુધી પૂરતા ખોરાક-પાણી વગર ભટક્યા પછી પોલીસે તેમની ફરીથી ધરપકડ કરી અને જેલમાં નાખી દીધા. સુનાલી કહે છે કે જેલનું ખાવાનું ગર્ભવતી મહિલા માટે બિલકુલ પૂરતું ન હતું અને તેમના સેલમાં શૌચાલયની સગવડ પણ ન હતી.
તેઓ કહે છે, "મને બહુ બીક લાગતી હતી, કારણ કે ત્યાં માત્ર હું અને મારો દીકરો હતા. અમે બસ રડતાં રહેતાં હતાં."
બીબીસીએ સુનાલીના આરોપો પર બાંગ્લાદેશના ગૃહ અને જેલ વિભાગની પણ પ્રતિક્રિયા માગી છે.
'ક્યારેય દિલ્હી પરત નહીં જાઉં'

ભારતમાં તેમનો પરિવાર કોર્ટના ધક્કા ખાતો હતો, જેથી કરીને તેમના નાગરિકતા સાબિત કરીને તેમને પરત લાવી શકાય. હવે તેમનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે.
પશ્ચિમ બંગાળમાં પોતાનાં માતાપિતાના એક રૂમના ઝૂંપડામાં બે નાનાં બાળકો અને એક આવનારા બાળક સાથે બેઠેલાં સુનાલી કહે છે, "મારો પરિવાર વેરવિખેર થઈ ગયો છે."
તેઓ કહે છે કે આ બધાનું પેટ કેવી રીતે ભરવું તેની તેમને ખબર નથી.
પરંતુ એક વાત નક્કી છે. તેઓ કહે છે, "અમે અહીં રહેશું તો કદાચ ત્રણ ટંકનું ખાવાનું પણ ન મળે, પરંતુ હું ક્યારેય દિલ્હી પાછી નહીં જાઉં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












