કચ્છ ભાગી આવેલાં પાકિસ્તાની તરુણ કપલને દિલ્હીની તિહાર જેલમાં કેમ લઈ જવાયું, તેમણે કઈ રીતે સરહદ પાર કરી હતી?

કચ્છ ઇસ્ટ પોલીસ, પાકિસ્તાનથી સગીર કપલ, પાકિસ્તાનથી ભારત આવેલું ભીલ કપલ, કેવી રીતે અને શા માટે સગીર છોકરો છોકરી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, બીએસએફ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનૅશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Kutch (East) Police

ઇમેજ કૅપ્શન, પોલીસ કસ્ટડીમાં સગીર કપલ.
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાનના થરપારકર જિલ્લામાંથી સરહદ ઓળંગી કચ્છમાં કથિત રીતે શરણ માટે આવી ચડેલાં તરુણ પ્રેમીઓમાંથી તરુણીએ પાકિસ્તાનમાં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેના પ્રેમીએ તેને બચાવી લીધી હતી.

ઉપરોક્ત વાત કચ્છ પોલીસે બીબીસીને જણાવી હતી. કચ્છ પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે આ વિગતો બહાર આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ બનાવ પછી કપલે એમ વિચાર્યું કે તેમના પરિવાર તેમના સંબંધનો સ્વીકાર કરવા રાજી ન હોવાથી પાકિસ્તાનમાં મરવા કરતાં ભારતમાં શરણ મેળવવાનો પ્રયાસ કરવો અને જો તે દરમિયાન મૃત્યુ મળે તો તેને મંજૂર રાખવું.

એવો નિર્ણય લઈને નીકળી પડેલાં સોળેક વર્ષનાં આ તરુણ-તરુણી, જેને પાર કરવું ખૂબ મુશ્કેલ ગણાય છે તે કચ્છનું મોટું રણ વીંધી સહીસલામત રીતે કચ્છ પહોંચી ગયાં.

ભારત સરકારે 15 દિવસ પછી પણ તેમની સામે કોઈ કડક કાયદાકીય પગલાં લીધાં નથી. જોકે, હવે આ તરુણ કપલે પાકિસ્તાન પાછાં ફરવું પડે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.

કથિત રીતે પાકિસ્તાની કિશોર-કિશોરીની રાષ્ટ્રીયતા નક્કી કરવા માટે ભારત સરકારે પાકિસ્તાનની સરકારનો સંપર્ક સાધ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીઓ તેમને મળી શકે તે માટે બંનેને દિલ્હી લઇ જવામાં આવ્યાં છે.

આ કપલ કચ્છ આવ્યું તે પહેલાં પાકિસ્તાનમાં શું બન્યું હતું?

કચ્છ (પૂર્વ) પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ સાગર બાગમારે અગાઉ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે આ તરુણ અને તરુણી ભારત-પાકિસ્તાનની સરહદથી દસેક કિલોમીટર દૂર પાકિસ્તાનના થરપારકર જિલ્લામાં આવેલાં એક ગામના રહીશ છે.

ત્રણ-ચાર દિવસની મુસાફરી દરમિયાન પાણી અને કાદવવાળાં કચ્છનાં મોટા રણને પાર કરીને આ કપલ કચ્છના પૂર્વ ભાગમાં આવેલા ખડીર ટાપુ પર હડ્ડપીય સંસ્કૃતિના અવશેષો માટે જાણીતા ધોળાવીરા ગામ નજીક આવેલ રતનપર ગામે પહોંચ્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તા. 8 ઑક્ટોબરના રોજ આ કપલ ઉપર સ્થાનિકોની નજર પડી હતી, એટલે તેમણે પોલીસને જાણ કરી હતી. એ પછી ખડીર પોલીસ સ્ટેશનના અધિકારીઓને આ તરુણ-તરુણીને અટકાયતમાં લઈ લીધાં હતાં.

ખડીર પોલીસે પોલીસ સ્ટેશન ડાયરીમાં એક જાણવાજોગ નોંધ કરી આ તરુણ-તરૂણીની પ્રાથમિક પૂછપરછ શરુ કરી હતી.

ખડીર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમએન દવેએ બીબીસીને જણાવ્યું કે કિશોરીને એમ લાગ્યું કે તેનો પરિવાર બંનેના સંબંધને સ્વીકારશે નહીં, એટલે તેણે જીવન ટૂંકાવવાનું વિચાર્યું હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર એમએન દવેએ કહ્યું, "છોકરીનો પરિવાર આ સંબંધની વિરુદ્ધમાં હતો. તેના કારણે છોકરીના પરિવારને છોકરાના પરિવાર સાથે ઝઘડો પણ થયો હતો. તેથી, છોકરીને લાગી આવતા તેણે ઘરે જ ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ છોકરાએ તેને બચાવી લીધી હતી."

"તે જ દિવસે છોકરી-છોકરાએ નક્કી કરી લીધું કે તેમનો પરિવાર તેમના સંબંધને સ્વીકારશે નહીં. તેથી જો મરી જ જવાનું હોય તો પાકિસ્તાનમાં મરવા કરતાં ભારત જવાની કોશિશ કરીએ, પછી ભલેને તે કોશિશ કરતા મોત મળે. આમ વિચારીને આ કપલે તે જ દિવસે ભારતની વાટ પકડી હતી."

છોકરીનો પરિવાર બંનેના સંબંધની વિરુદ્ધ કેમ હતો એ વિષે વાત કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એમએન દવેએ જણાવ્યું કે છોકરો-છોકરી એક જ ગામ, એક જ ધર્મ તેમ જ એક જ જ્ઞાતિના છે.

તેમણે કહ્યું, "ઉપરાંત, છોકરો અને છોકરી એક જ પરિવારના છે. છોકરો છોકરીનો દૂરનો કાકો થાય છે. આ કારણે પણ બંને પરિવાર વચ્ચે તકરાર રહેતી."

(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

પોલીસે આ કપલને જેઆઈસીના હવાલે કેમ કર્યું?

કચ્છ ઇસ્ટ પોલીસ, પાકિસ્તાનથી સગીર કપલ, પાકિસ્તાનથી ભારત આવેલું ભીલ કપલ, કેવી રીતે અને શા માટે સગીર છોકરો છોકરી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, બીએસએફ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનૅશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Prashant Gupta

ઇમેજ કૅપ્શન, ભૂજમાં આવેલાં જેઆઈસી ખાતે સગીર કપલને લઈ જવામાં આવ્યું હતું (ભૂજની પ્રતીકાત્મક ફાઇલ તસવીર)

ખડીર પોલીસે આ કપલને ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી તેમની ઓળખ, સરનામાં અને કેવા સંજોગોમાં તેઓ ભારત આવ્યાં અને કચ્છમાં આવવાનાં તેમનાં ઇરાદા વિશે માહિતી મેળવવાની કોશિશ કરી હતી.

આ લાંબી પૂછપરછ બાદ કચ્છ (પૂર્વ) પોલીસે 10 ઑક્ટોબરના રોજ આ કપલને કચ્છના જિલ્લામથક ભુજમાં આવેલા જૉઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (સંયુક્ત પૂછપરછ કેન્દ્ર, જેઆઈસી) ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં.

વિદેશી કે વિદેશી હોવાનું મનાતા લોકો જો ભારતમાં ગેરકાયદેસર પ્રવેશે તો તેમની અટકાયત કરીને જેઆઈસીમાં રાખવામાં આવે છે. અહીં ભારતનાં સુરક્ષાદળો તેમ જ ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ પણ આ રીતે પકડાયેલાઓની પૂછપરછ કરતા હોય છે.

વિદેશી કે વિદેશી હોવાનું મનાતા લોકો ભારતીય કાયદાનો ભંગ કરે, તો તેમના માટેની ન્યાયિક પ્રક્રિયા ભારતીય નાગરિકો માટેની પ્રક્રિયા કરતાં થોડી અલગ હોય છે.

ભારતીય એજન્સીઓ કે પોલીસ દ્વારા પકડાયા બાદ વિદેશી કે વિદેશી હોવાનું મનાતા નાગરિકોની પોલીસ પ્રાથમિક પૂછપરછ કરે છે. ત્યાર બાદ અન્ય એજન્સીઓ તેમની પૂછપરછ કરી શકે તે માટે તેમને જેઆઈસી ખાતે ખસેડવામાં આવે છે.

જેઆઈસીએ આવા લોકોને અટકાયતમાં રાખવાના ખાસ સુવિધાકેન્દ્રો છે. તે જેલ નથી, પરંતુ જેલ જેવાં જ હોય છે. આવા જેઆઈસી ગુજરાત ઉપરાંત રાજસ્થાન વગેરે સરહદી રાજ્યોમાં પણ આવેલાં છે.

જો આવા લોકો વિરુદ્ધ ગુનો નોંધાય, તેમની ધરપકડ થાય અને ત્યાર બાદ કોર્ટ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરે, તો તેમને ભારતીય જેલમાં મોકલી આપવામાં આવે છે.

પરંતુ જો કોર્ટ તેમને નિર્દોષ છોડી મૂકે કે તેમની સજા પૂરી થઈ જાય તો તેમને ફરી જેઆઈસીમાં ખસેડવામાં આવે છે અને બંને દેશો વચ્ચે સંમતિ સાધતા આવા લોકોને તેમના દેશ પાછા મોકલી દેવાય છે.

કપલને દિલ્હી કેમ લઈ જવાયું?

કચ્છ ઇસ્ટ પોલીસ, પાકિસ્તાનથી સગીર કપલ, પાકિસ્તાનથી ભારત આવેલું ભીલ કપલ, કેવી રીતે અને શા માટે સગીર છોકરો છોકરી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, બીએસએફ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનૅશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Kutch (East) Police/BBC

ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતપોતાના દેશના નાગરિક (અથવા મનાતા નાગરિક) બીજા દેશની સરહદ પાર કરે, તો ત્રણ મહિનાની અંદર સામેના દેશને જાણ કરવા માટે બંને દેશ વચ્ચે સહમતિ સધાઈ છે.

જેને 'ઍગ્રિમેન્ટ ઑન કૉન્સ્યુલર ઍક્સેસ' કહેવામાં આવે છે. તે અનુસાર ભારત સરકાર પાકિસ્તાન સરકારના વિદેશ મંત્રાલયના ભારતમાં રહેલ અધિકારીઓને આ રીતે અટકાયતમાં લેવાયેલા પાકિસ્તાની નાગરિકોને (કે મનાતા પાકિસ્તાની નાગરિક) મળવાની અને તેમને મદદ પહોંચાડવાની તક અને મંજૂરી આપે છે.

ભુજ જેઆઈસીના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું, "તરુણ-તરુણીને કૉન્સ્યુલર ઍક્સેસ મળી રહી તે હેતુથી તેમને તા. 21 ઑક્ટોબરે દિલ્હી લઈ જવાયાં છે. સામાન્ય રીતે ગુજરાતમાં પકડાયેલા પાકિસ્તાની નાગરિકોને કૉન્સ્યુલર ઍક્સેસ મળી રહે તે માટે તેમને રાજસ્થાનની જયપુર સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવે છે અને ત્યાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીઓ તેમને મળે છે."

"પરંતુ આ કિસ્સામાં કૉન્સ્યુલર ઍક્સેસ આપવા માટેના સ્થળ તરીકે દિલ્હીની તિહાર જેલ નક્કી થઈ છે. તે અનુસાર તેમને દિલ્હી લઈ જવામાં આવ્યાં છે."

કૉન્સ્યુલર ઍક્સેસ દરમિયાન સામેના દેશના વિદેશ મંત્રાલયના અધિકારીઓ અટકાયતમાં લેવાયેલ લોકોની નામ, સરનામાં, નાગરિકતા વગેરેની ખરાઈ કરે છે.

હવે આ કપલનું શું થશે?

કચ્છ ઇસ્ટ પોલીસ, પાકિસ્તાનથી સગીર કપલ, પાકિસ્તાનથી ભારત આવેલું ભીલ કપલ, કેવી રીતે અને શા માટે સગીર છોકરો છોકરી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, બીએસએફ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનૅશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સગીર કપલને દિલ્હી ખાતે લઈ જવામાં આવ્યું છે (દિલ્હીની પ્રતીકાત્મક ફાઇલ તસવીર)

માન્ય વિઝા વગર ભારતની હદમાં પ્રવેશવું એ ભારતના ધ ફૉરેનર્સ ઍક્ટ, 1946 હેઠળ એક ગુનો બને છે. જો કોર્ટમાં આવો ગુનો સાબિત થાય તો પાંચ વર્ષ સુધીની જેલની સજા કે પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ કે બંને થઈ શકે છે.

ખડીર પોલીસ ઇન્સ્પેટર એમએન દવેએ બીબીસીને જણાવ્યું કે આ કપલ સામે આજ દિન સુધી વિધિવત રીતે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.

દવેએ કહ્યું, "હાલ તો આ કપલને દિલ્હી લઈ જવામાં આવ્યું છે અને તેમની સામે હાલ કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી."

ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસે, માછીમારોના અધિકારોનું રક્ષણ થાય તેમ જ એકબીજાની જેલોમાં રહેલ નિર્દોષ નાગરિકોનો જલ્દી છૂટકારો થાય તે માટે ચળવળ ચલાવી રહેલા મુંબઈસ્થિત પત્રકાર જતીન દેસાઈએ બીબીસીને જણાવ્યું કે પાકિસ્તાનના નાગરિકો જો ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી ભારતમાં આવી જાય તો કેટલીય વાર ભારત આવા લોકો સામે ગુનો નોંધતું નથી અને તેમને પાકિસ્તાન પાછા મોકલી દે છે.

જતીન દેસાઈ કહ્યું, "ભારત ઘણી વાર પાકિસ્તાની નાગરિકો જો ભૂલથી ભારતની સીમમાં આવી જાય તો તેમની સામે કેસ નોંધ્યા વગર કે ખાટલો ચલાવ્યા વગર જ વહેલામાં વહેલી તકે પાકિસ્તાન પાછા મોકલી દે છે."

"આ વર્ષે સપ્ટેમ્બરમાં જ જમ્મુ-કાશ્મીરમાં એવો એક બનાવ બન્યો હતો અને ભારતે એક પાકિસ્તાની નાગરિકને કોઈ પણ ગુનો નોંધ્યા વગર પાછો માકલી આપ્યો હતો. ભારતની સુરક્ષા એજન્સીઓ, ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક પોલીસને આવા લોકોની પૂછપરછ દરમિયાન એમ લાગે કે ભારતમાં તેઓ કોઈ શંકાસ્પદ ઇરાદા સાથે નહીં, પરંતુ અકસ્માતે જ આવી ચડ્યા છે, તો તેમને સામાન્ય રીતે છોડી મુકાય છે."

જતીન દેસાઈએ કહ્યું કે તરુણ-તરુણીને તેમની અટકયાત બાદ બે અઠવાડિયાંમાં જ કૉન્સ્યુલર ઍક્સેસ મળી ગયું, તે કપલ માટી સારી બાબત છે.

જતીન દેસાઈએ કહ્યું, "જો આ કપલ કોઈ ગુનો આચરવાના ઇરાદાથી ભારત નહીં આવ્યું હોય અને ભારતીય એજન્સીઓને તેમની પર શંકા નહીં હોય તો ભારત તેમને પાકિસ્તાન પાછા મોકલી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન