ચીનમાં પુતિને શહબાઝને શું કહ્યું કે જે ભારત માટે ટેન્શન વધારનારું છે?

પાકિસ્તાન, વડા પ્રધાન, શાહબાઝ શરીફ, વ્લાદિમીર પુતિન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, @CMShehbaz

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે ચીનમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.
    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

1955માં સોવિયત કમ્યુનિસ્ટ પાર્ટીના ફર્સ્ટ સેક્રેટરી નિકિતા ખ્રુશ્ચેવ શ્રીનગર આવ્યા હતા. તેમને તે સમયે જમ્મુ-કાશ્મીરના યુવરાજ કર્ણસિંહે આમંત્રિત કર્યા હતા.

આ મુલાકાત દરમિયાન ખ્રુશ્ચેફે કહ્યું હતું કે, "પાકિસ્તાને તેમને અને સોવિયત યુનિયનના પ્રીમિયર નિકોલાઈ બુગૈનનને કાશ્મીર ન જવા માટે કહ્યું હતું."

તેમણે કહ્યું, "પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કરાચીમાં સોવિયત રાજદૂતને કર્ણસિંહના આમંત્રણને સ્વીકાર ન કરવા વિનંતી કરી હતી."

તેના પર ખ્રુશ્ચેફે કહ્યું, "આ દુશ્મનાવટભર્યું વર્તન છે. પાકિસ્તાને પોતે વધારાની જવાબદારી લઈ લીધી છે. બીજા દેશના આંતરિક મામલામાં આ પ્રકારનો હસ્તક્ષેપ અભૂતપૂર્વ છે."

"ભૂતકાળમાં કોઈ પણ દેશે આમ કરવાનું સાહસ કર્યુ નથી કે અમારે કોને દોસ્ત કે દુશ્મન બનાવવા જોઈએ. ભારત સાથે અમારા સંબંધો બહું સારા છે."

તેમણે કાશ્મીર મુદ્દે પણ સ્પષ્ટ કહ્યું, "કેટલાક દેશો માત્ર આ મુદ્દો લોકપ્રિય છે એટલા માટે રસ દાખવે છે. કેટલાકને લાગે છે કે કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી છે એટલે તે પાકિસ્તાન સાથે જવું જોઈએ. પણ કાશ્મીરીઓએ ભારત સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. તેઓ સામ્રાજ્યવાદી શક્તિઓના હાથમાં રમકડાં બનવા માંગતા નથી."

પાકિસ્તાન પર ખ્રુશ્ચેફનો ગુસ્સો

1955, સોવિયત કમ્યુનિસ્ટ પાર્ટીના ફર્સ્ટ સેક્રેટરી નિકિતા ખ્રુશ્ચેવ, શ્રીનગર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોવિયત કમ્યુનિસ્ટ પાર્ટીના ફર્સ્ટ સેક્રેટરી નિકિતા ખ્રુશ્ચેવે પાકિસ્તાનની અમેરિકા સાથેની નિકટતાની આલોચના કરી હતી.

એ મુલાકાતમાં તેમણે ભારતના વિભાજનની પણ તીવ્ર શબ્દોમાં ટીકા કરી અને કહ્યું કે વિભાજન ધર્મના કારણે નહીં, પણ ત્રીજા દેશની "ભાગલા પાડો અને રાજ કરો" નીતિથી થયો હતો.

તેમણે પાકિસ્તાનની અમેરિકા સાથેની નિકટતાની પણ ટીકા કરી હતી. તે સમયે પાકિસ્તાન 'બગદાદ પેક્ટ'નો ભાગ બન્યું હતું, જેને ખ્રુશ્ચેફે સોવિયત વિરોધી ગણાવ્યું હતું.

1955માં, તુર્કી, ઇરાક, બ્રિટન, પાકિસ્તાન અને ઈરાને મળીને 'બગદાદ પેક્ટ' ની રચના કરી.

બગદાદ કરારને તે સમયે એક રક્ષણાત્મક સંગઠન કહેવામાં આવતું હતું. આમાં પાંચ દેશોએ તેમનાં સામાન્ય રાજકીય, લશ્કરી અને આર્થિક લક્ષ્યો પ્રાપ્ત કરવા વિશે વાત કરી. તે નાટોની તર્જ પર હતું.

શ્રીનગરની મુલાકાત દરમિયાન, નિકિતા ખ્રુશ્ચેવે ભારતને કહ્યું હતું કે, "અમે તમારી ખૂબ નજીક છીએ. જો તમે અમને પર્વતની ટોચ પરથી બોલાવો તો પણ અમે તમારી પડખે રહીશું."

પરંતુ હવે ન તો સોવિયેત યુનિયન અસ્તિત્વમાં છે અને ન તો 1955નો સમય. સોવિયેત યુનિયનના વિઘટન છતાં, કાશ્મીર પર રશિયાનું વલણ બદલાયું નથી પરંતુ પાકિસ્તાન પર રશિયાનું વલણ હવે ખ્રુશ્ચેવ જેવું નથી રહ્યું.

ચીનમાં SCO સમિટ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી.

ઇમેજ સ્રોત, @narendramodi

ઇમેજ કૅપ્શન, ચીનમાં SCO સમિટ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે પણ દ્વિપક્ષીય બેઠક થઈ હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પીએમ મોદી ચીનથી પાછા આવ્યા પછી તરત જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ વચ્ચે મુલાકાત થઈ હતી.

આ મુલાકાતમાં પુતિને કહ્યું કે પાકિસ્તાન હજુ પણ રશિયાનો પરંપરાગત ભાગીદાર છે.

શહબાઝ શરીફે કહ્યું કે, "તેઓ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોનું સન્માન કરે છે, પણ પાકિસ્તાન પણ રશિયા સાથે મજબૂત સંબંધ ઇચ્છે છે — અને પુતિન એ વાત પર સહમતિ દર્શાવતા નજર આવ્યા હતાં."

થિન્ક ટૅન્ક બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન્સનાં સિનિયર ફૅલો તન્વી મદાને લખ્યું કે, "પુતિન કોઈ એક દેશ સાથે બંધાયેલા નથી. તેમણે શહબાઝ સાથે મુલાકાત કરી અને કહ્યું કે તેઓ પાકિસ્તાન સાથે સારા સંબંધ ઇચ્છે છે. પહલગામ હુમલા પછી રશિયાના વલણ પર કોઈએ ધ્યાન આપ્યું નહીં કારણ કે બધાનું ધ્યાન ટ્રમ્પ પર હતું."

તન્વી મદનને લાગે છે કે પહેલગામમાં થયેલા હુમલા પછી રશિયાએ ભારતને નિરાશ કર્યું હતું પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં.

તન્વી મદનએ 4 મેના રોજ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "12 વર્ષથી ઓછા સમયમાં, રશિયાએ યુક્રેન પર બે વાર હુમલો કર્યો છે અને ભારતને પાકિસ્તાન સાથેના વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે કહી રહ્યું છે."

થિંક ટૅન્ક ORF ખાતે ભારત-રશિયા સંબંધોના નિષ્ણાત ઍલેક્સી ઝાખારોવે ઍક્સ પર શાહબાઝ શરીફ અને પુતિન વચ્ચેની મુલાકાત વિશે લખ્યું છે, "મોદી ચીન ગયા પછી, પુતિન અને શહબાઝ શરીફે દ્વિપક્ષીય એજન્ડા પર ચર્ચા કરી. પુતિને પાકિસ્તાનને પરંપરાગત ભાગીદાર ગણાવ્યું, વેપાર વધારવાની વાત કરી, UNSCમાં સહયોગ વધારવા માટે કહ્યું અને શહબાઝ શરીફને મૉસ્કો આવવા આમંત્રણ આપ્યું. શહબાઝ શરીફે દક્ષિણ એશિયામાં સંતુલન નીતિ માટે પુતિનનો પણ આભાર માન્યો."

ભારત, રશિયા, ચીન, પાકિસ્તાન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, @narendramodi

ઇમેજ કૅપ્શન, ભારતને ચિંતા છે કે રશિયા અને ચીનની મિત્રતામાં પાકિસ્તાન પણ સામેલ થઈ શકે છે.

શું રશિયા ખરેખર પાકિસ્તાનનું પરંપરાગત ભાગીદાર છે?

નવેમ્બર 1955માં દિલ્હીના પાલમ એરપોર્ટ પર જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી સાથે સોવિયેત કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રથમ સચિવ નિકિતા એસ. ખ્રુશ્ચેવ અને સોવિયેત યુનિયનના વડા પ્રધાન નિકોલાઈ બુગેન્યાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવેમ્બર 1955માં દિલ્હીના પાલમ ઍરપૉર્ટ પર જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધી સાથે સોવિયેત કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રથમ સચિવ નિકિતા એસ. ખ્રુશ્ચેવ અને સોવિયેત યુનિયનના વડા પ્રધાન નિકોલાઈ બુગૈનન (જમણે)

પુતિને પાકિસ્તાને પરંપરાગત ભાગીદાર કહ્યો છે. આ અંગે દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના રશિયા અને મધ્ય એશિયા અધ્યયન કેન્દ્રના પ્રોફેસર રાજનકુમાર કહે છે કે, "પાકિસ્તાન ક્યારેય રશિયાનો પરંપરાગત ભાગીદાર રહ્યો નથી — ન તો સોવિયત યુગમાં, ન તો પછી. અત્યારે પુતિન જે કહી રહ્યા છે તે ઐતિહાસિક રીતે ખોટું છે."

પ્રોફેસર રાજનકુમાર કહે છે, "ભારતે રશિયાને સ્પષ્ટપણે કહી દીધું છે કે જો પાકિસ્તાન સાથે તમારી નિકટતા વધશે, તો આપણા સંબંધો પર ચોક્કસપણે અસર પડશે. પરંતુ પાકિસ્તાન હંમેશા ચીન દ્વારા રશિયા સાથેની નિકટતા વધારવાનો પ્રયાસ કરતું રહ્યું છે."

"સ્વાભાવિક છે કે પાકિસ્તાન અને રશિયા બંને ચીનના મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. પાકિસ્તાનની વ્યૂહરચના આ ખંડમાં ભારતના સંતુલનને અસ્થિર કરવાની છે."

"ભારતે યુરેશિયન ખંડમાં રશિયા સાથે સારા સંબંધો જાળવીને પાકિસ્તાનને નિયંત્રણમાં રાખ્યું છે. ભારત માટે સૌથી મોટો ખતરો પાકિસ્તાન, રશિયા અને ચીનનું એક થવું છે. રશિયા અને ચીન પહેલેથી જ સાથે છે."

ભારત, રશિયા, ચીન, નરેન્દ્ર મોદી, પુતિન, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત માટે સૌથી મોટો ખતરો પાકિસ્તાન, રશિયા અને ચીનનું એક થવું છે

પ્રોફેસર રાજનકુમાર કહે છે, "આ ફક્ત હું જ નથી કહી રહ્યો, પરંતુ થિંક ટૅન્ક કાર્નેગી ઍન્ડોમેન્ટનાં સિનિયર ફૅલો એશ્લે જે ટેલિસ પણ આ જ માને છે. તેમણે કહ્યું કે ભારત સંપૂર્ણપણે અમેરિકન છાવણીમાં જઈ શકે નહીં કારણ કે ભારતને ખતરો છે."

"જો ચીન, રશિયા અને પાકિસ્તાન હાથ મિલાવશે, તો એ જ ગ્રેટ ગેઇમ શરૂ થશે, જેની વાત બ્રિટિશ ભારતમાં થઈ રહી હતી. ભારત આ પરિસ્થિતિ ઊભી થવા દેશે નહીં."

1965માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયાનો પક્ષ ખૂબ જ સંતુલિત હતો.

રશિયાએ તાશ્કંદમાં જે કરાર કર્યો હતો તે પણ ભારતની વિરુદ્ધ ગયો. આ કરાર પછી, પાકિસ્તાનને લાગ્યું કે રશિયા સંપૂર્ણપણે તેની વિરુદ્ધ નથી.

1991માં, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં 'દક્ષિણ એશિયા પરમાણુ મુક્ત ક્ષેત્ર'નો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો ભારતે વિરોધ કર્યો હતો.

ભારતે દલીલ કરી હતી કે જ્યાં સુધી ચીનનો સમાવેશ ન થાય ત્યાં સુધી આ પ્રસ્તાવનો કોઈ અર્થ નથી.

એવું કહેવાય છે કે પાકિસ્તાનનો આ પ્રસ્તાવ ભારતના પરમાણુ કાર્યક્રમને વિક્ષેપિત કરવાનો હતો પરંતુ સોવિયેત સંઘે પાકિસ્તાનના આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.

પુતિન ક્યારેય પાકિસ્તાન નથી ગયા

પુતિન, રશિયા, પાકિસ્તાન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુતિન છેલ્લાં 25 વર્ષથી રશિયાની સત્તાના કેન્દ્રમાં રહ્યા પરંતુ તેઓ ક્યારેય પાકિસ્તાન ગયા નથી.

અમેરિકા રશિયા સાથે ભારતની મિત્રતાને લઈને અસહજ છે. પણ ભારત અમેરિકાની નારાજગી સામે નમવા માગતુ નથી.

ઘણા વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા ભારત પર રશિયા સાથે મિત્રતા તોડવાનું દબાણ કરે છે જેને કારણે પુતિનની જ સ્થિતિ મજબૂત થાય છે.

અમેરિકા ભારતની સામે ટેરિફ વધારવાની ધમકી આપે છે તો થિન્ક ટૅન્ક અનંતા સેન્ટરના સીઈઓ ઇંદ્રાણી બાગચીએ લખ્યું હતું, "આ બહું ખતરનાક છે. પશ્ચિમનું માનવું છે કે ભારત રશિયા માટે ખાસ છે. એટલા માટે પુતિનને સાધવા માટે ભારતને સજા આપો. પુતિન પોતાનાં હિતો પરથી પાછીપાની કરતા નથી એને કોઈ ફર્ક નથી પડતો કે ભારતને નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતમાં ભારત એક પંચિંગ બૅગ બની જશે અને એ પરિણામોથી પ્રભાવિત થશે જેમાં એની કોઈ ભૂમિકા નહીં હોય."

ઇંદ્રાણી બાગચીની વાતને આગળ વધારતાં તન્વી મદાને લખ્યું હતું, "જો ટ્રમ્પ ભારતને પરેશાન કરશે તો પુતિનને ફાયદો થશે. ભારત અને અમેરિકાના સંબંધો ખરાબ થશે તો ભારતમાં રશિયા સાથે સંબંધો મજબૂત કરવાની માંગ થશે. આ કારણે ભારત ચીન સાથે સમજૂતી કરવા માટે તૈયાર રહેતો જણાશે."

ટ્રમ્પ ચીન સાથેની સ્પર્ધા વિશે ચિંતિત નથી

ડોનાલ્ડ ટ્રમ્પ, ચીન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ હાલમાં ચીન સાથેની સ્પર્ધા વિશે ચિંતિત ન હોવાનો વિશ્લેષકોનો મત છે.

તન્વી મદનના મતે, "ભારતમાં કેટલાક લોકો એવું વિચારી રહ્યા છે કે આપણે વ્યૂહાત્મક સ્વાયત્તતા તરફ પાછા ફરીશું અથવા ચીનની નજીક જઈશું. મને નથી લાગતું કે ટ્રમ્પ ભારત વિશે આ રીતે વિચારે છે. ટ્રમ્પ હાલમાં ચીન સાથેની સ્પર્ધા વિશે ચિંતિત નથી."

આ બધા છતાં, પ્રોફેસર રાજનકુમારને લાગે છે કે પુતિન પાકિસ્તાન અંગે ભારતની ચિંતાને સમજે છે. આના સમર્થનમાં, એમ કહી શકાય કે પુતિન છેલ્લાં 25 વર્ષથી રશિયામાં સત્તાના કેન્દ્રમાં છે અને આજ સુધી તેમણે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી.

આજ સુધી કોઈ રશિયન રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. જ્યારે સોવિયેત યુનિયનનું પતન થયું ન હતું, ત્યારે પણ કોઈ રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની મુલાકાત લીધી ન હતી.

સોવિયેત યુનિયનના પતનનાં 16 વર્ષ પછી, રશિયન વડા પ્રધાન મિખાઇલ ફ્રાદકોવ 11 એપ્રિલ, 2007ના રોજ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા.

દક્ષિણ એશિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં પુતિન મુલાકાત લે છે.

તારીખ 17 માર્ચ, 2016ના રોજ, પાકિસ્તાનમાં તત્કાલીન રશિયન રાજદૂત ઍલેક્સી ડેડોવે, ઇસ્લામાબાદના સ્ટ્રેટેજિક સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટમાં પાકિસ્તાન-રશિયા સંબંધો અંગે કહ્યું હતું કે, "સમસ્યા એ છે કે મુલાકાત ફક્ત ઔપચારિક ન હોવી જોઈએ. મુલાકાત માટે એક નક્કર કારણ હોવું જોઈએ. જો કોઈ નક્કર કારણ હોય, તો મુલાકાત ચોક્કસપણે થશે. આ માટે તૈયારીઓ અને સમજૂતી થવી જરૂરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન