ટ્રમ્પ સાથે રહેવું કે ચીન સાથે જવું, ભારતની વિદેશ નીતિની 'અગ્નિપરીક્ષા'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વર્ષ 2020માં પોતાની પુસ્તક 'ધ ઇન્ડિયા વે: સ્ટ્રૅટજીઝ ફૉર એન અનસર્ટેન વર્લ્ડ'માં લખ્યું હતું, "આ સમય છે જ્યારે અમને અમેરિકા સાથે જોડાવું છે, ચીનને સંભાળવું છે, યુરોપ સાથે સંબંધો વધારવા છે, રશિયાને આશ્વસ્ત કરવું છે, જાપાનને સાથે લાવવું છે, પાડોશનો વિસ્તાર કરવો છે અને પરંપરાગત સહયોગીઓ સાથે સંબંધોનો વિસ્તાર કરવો છે."
છેલ્લા દાયકાથી ભારતે પોતાને નવી બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થામાં એક મહત્ત્વપૂર્ણ ધરી તરીકે રજૂ કર્યું છે — એક પગ અમેરિકા તરફ, બીજો રશિયા તરફ અને ચીન પર પાકી નજર.
પરંતુ હવે આ માળખું ડગમગતું દેખાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકા હવે ભારતના વખાણ કરવાને બદલે તેનું આલોચક બની ગયું છે.
ટ્રમ્પનું અમેરિકા ભારત પર આરોપ લગાવે છે કે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી ભારત યુદ્ધમાં રશિયાની મદદ કરી રહ્યું છે.
હવે ભારત ટ્રમ્પની ખુલ્લી આલોચના અને ઊંચાં ટેરિફ્સનો સામનો કરી રહ્યું છે.
બહુધ્રુવીય વિશ્વનો વિચાર તૂટી રહ્યો છે. આવા સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઇજિંગમાં નિર્ધારિત મુલાકાત ઘણા લોકોને રાજનૈતિક જીત નહીં પરંતુ વ્યવહારિક સમાધાન લાગે છે.
વિદેશ નીતિનો મુશ્કેલ વળાંક

ઇમેજ સ્રોત, Getty Images
ભારત એક સાથે બે ગ્રૂપમાં છે —
તે જાપાન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સાથે 'ક્વાડ'નો ભાગ છે, જે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકાના નેતૃત્વ હેઠળ કાર્યરત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ તે ચીન-રશિયા દ્વારા નેતૃત્વ પામેલા 'શંઘાઈ સહયોગ સંગઠન' (SCO)નું પણ સભ્ય છે, જે ઘણીવાર અમેરિકાનાં હિતો સામે ટકરાય છે.
ભારત રશિયા પાસેથી સસ્તું ઑઇલ ખરીદે છે અને સાથે જ અમેરિકી રોકાણ અને ટૅક્નૉલૉજીને આકર્ષિત કરે છે.
ભારત ચીનના તિયાનજિનમાં યોજાનાર SCO સમ્મેલનમાં ભાગ લેવા તૈયાર છે. પીએમ મોદી તેના માટે ચીન પહોંચી ગયા છે.
આ ઉપરાંત ભારત I2U2 (ભારત, ઇઝરાયલ, UAE અને અમેરિકા) જૂથમાં પણ છે, જે ટૅક્નૉલૉજી, ખાદ્ય સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે.
ફ્રાંસ અને UAE સાથે ભારતની ત્રિકોણીય પહેલ પણ છે.
વિશ્લેષકો કહે છે કે આ સંતુલન બનાવવાની કોશિશ વ્યર્થ નથી.
ભારત વ્યૂહાત્મક સ્વાયત્તતાને મહત્ત્વ આપે છે અને તે માને છે કે વિવિધ જૂથો સાથે જોડાવું તેને નબળું નહીં પરંતુ મજબૂત બનાવે છે.
વિશ્લેષણ અને પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
ઓ. પી. જિન્દાલ યુનિવર્સિટીના પ્રોફેસર અને પૂર્વ રાજદૂત જીતેન્દ્રનાથ મિશ્રા કહે છે,"હૅજિંગ ખરાબ વિકલ્પ છે, પણ કોઈ એક જૂથમાં જોડાવું એથી પણ ખરાબ છે. ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ એ ખરાબ વિકલ્પ છે — હૅજિંગ."
હૅજિંગ એટલે અનિચ્છનીય નુકસાનથી બચવાની વ્યૂહરચના.
મિશ્રા કહે છે, "ભારત કદાચ કોઈ મહાશક્તિ સાથે સંપૂર્ણપણે ઊભા રહેવાનો આત્મવિશ્વાસ નથી રાખતું. એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હોવાને કારણે તે ઈતિહાસની અન્ય મહાશક્તિઓ જેવો માર્ગ અપનાવવાનું પસંદ કરે છે — પોતાની શરતો પર શક્તિશાળી બનવું."
પરંતુ હકીકત એ છે કે ભારતની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓ તેની ક્ષમતા કરતાં ઘણી મોટી છે.
તેની $4 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમા સ્થાને છે, પણ ચીનની $18 ટ્રિલિયન અને અમેરિકાની $30 ટ્રિલિયનની તુલનામાં ખૂબ ઓછી છે.
ભારતનો સંરક્ષણ ક્ષેત્રનો ઉદ્યોગ પણ નબળો છે. તે હથિયાર આયાતમાં વિશ્વમાં બીજું સૌથી મોટો દેશ છે, પણ નિકાસકર્તાઓની ટોચની યાદીમાં નથી.
ચીન સાથે સંબંધો બદલાઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્લેષકો માને છે કે આ અસમાનતા ભારતની કૂટનીતિને આકાર આપે છે.
મોદી ચીન સાત વર્ષ પછી ગયા છે ત્યારે સંબંધોમાં થોડી ઉષ્મા દેખાઈ રહી છે — 2020ના ગલવાન સંઘર્ષ પછીથી સંબંધો ઠંડા રહ્યા છે.
ભારત અને ચીન વચ્ચે $99 અબજની વેપાર ખાધ છે, જે ભારતના સંરક્ષણ બજેટ કરતાં પણ વધુ છે.
ચીનના રાજદૂત શૂ ફેહોંગે તાજેતરમાં અમેરિકાને "દબંગ" તરીકે સંબોધ્યું હતું.
પાછલા અઠવાડિયે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારત આવ્યા હતા અને કહ્યું કે બંને દેશોએ "સાથે મળીને ભાગીદાર બનવું જોઈએ, સ્પર્ધક કે જોખમ બનીને નહીં."
વિકલ્પ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્લેષક હેપીમોન જેકબ કહે છે, "અને વિકલ્પ શું છે?"
તેમના મતે, આગામી ઘણા દાયકાઓ સુધી ચીનને સંભાળવું ભારત માટે "મુખ્ય વ્યૂહાત્મક પડકાર" રહેશે.
તેમણે 'હિન્દુસ્તાન ટાઇમ્સ'માં લખ્યું કે ભારત-ચીન-રશિયા ત્રિકોણના સંદર્ભમાં આ વાતચીત જોવી જોઈએ.
તે કહે છે કે આ વાતચીત અમેરિકી નીતિઓના જવાબમાં નવા ગઠબંધનો સંકેત આપે છે.
પરંતુ તેઓ ચેતવણી પણ આપે છે કે "જો ભારત-ચીન સંબંધો સામાન્ય નહીં થાય તો ચીન ટ્રમ્પ સાથે ભારતની નારાજગીનો ભૂ-રાજનીતિક લાભ નહીં લઈ શકે."
વિશ્વ રાજકારણની મોટી તસવીર

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટાનફૉર્ડ યુનિવર્સિટીના સુમિત ગાંગુલી કહે છે, "અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધા મૂળભૂત રીતે વિરોધી છે. રશિયા હવે ચીનનું 'જ્યુનિયર પાર્ટનર' બની ગયું છે."
તો ભારત માટે શું શક્યતા છે?
ગાંગુલી કહે છે, "મારા મતે, ભારતની હાલની વ્યૂહરચના એ છે કે ચીન સાથે કામચલાઉ સંબંધો જાળવી રાખે અને સમય પસાર કરે."
રશિયા સાથેના સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે રશિયા સાથેના સંબંધોમાં અમેરિકાના દબાણ સામે ઝુકાવના ઓછા સંકેત આપ્યા છે.
સસ્તું રશિયન ઑઇલ તેની ઊર્જા સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે.
વિદેશ મંત્રી જયશંકરની તાજેતરની રશિયા યાત્રાએ સ્પષ્ટ કર્યું કે ભારત આ સંબંધો મજબૂત રાખવા ઇચ્છે છે — એ તેની ઍનર્જીની લાઇફલાઇન છે અને વિદેશ નીતિની સ્વાયત્તતાનો સંકેત પણ.
ગાંગુલી કહે છે, "ભારત રશિયા સાથે સંબંધો મજબૂત રાખે છે કારણ કે તેને ડર છે કે રશિયા ચીન તરફ વધુ ન ખસી જાય."
ભારતનો ડર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જીતેન્દ્ર નાથ મિશ્રા યાદ અપાવે છે,"1974 અને 1998નાં પરમાણું પરીક્ષણો પછી અમેરિકા દ્વારા ભારત પર કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. પણ એક દાયકાથી પણ ઓછા સમયમાં બંનેએ ઐતિહાસિક પરમાણુ કરાર કર્યો."
અત્યારે પ્રશ્ન એ નથી કે સંબંધો સુધરશે કે નહીં — પ્રશ્ન એ છે કે તેમને કઈ દિશામાં લઈ જવા જોઈએ.
તેમનું કહેવું છે કે અમેરિકાની શક્તિ થોડી ઘટી છે, પરંતુ તે આજે પણ "બન્ને એશિયાઈ દિગ્ગજો" પર ભારે છે. તેથી ભારતે ચીનને રોકવા માટે અમેરિકા સાથે "વિશિષ્ટ ભાગીદારી" કરવી જોઈએ.
જો ભારત કોઈ જૂથમાં નહીં જાય, તો તે એક 'શત્રુ મહાશક્તિ'ને પોતાના દરવાજા પર ઊભી જોઈ શકે છે.
પરંતુ ચીન અને અમેરિકા માટે ભારતની પૂર્વ રાજદૂત રહી ચૂકેલાં નિરુપમા રાવ કહે છે, "ભારત એટલું મોટું અને મહત્ત્વાકાંક્ષી છે કે તે કોઈ એક મહાશક્તિ સાથે બંધાઈ શકતું નથી. તેની પરંપરા અને હિતો લચીલાપણું માંગે છે. દુનિયા હવે બે જૂથમાં નથી વહેંચાઈ રહી, પણ વધુ જટિલ રીતે વહેંચાઈ રહી છે. આવા સમયમાં વ્યૂહાત્મક અસ્પષ્ટતા નબળાઈ નહીં, પણ સ્વાયત્તતા છે."
પરંતુ આ વિખરાતા વિચારો વચ્ચે એક વાત સ્પષ્ટ છે — ભારત હવે રશિયા સમર્થિત, ચીનના નેતૃત્વવાળી અને ગેર-અમેરિકી વૈશ્વિક વ્યવસ્થામાં પોતાને આરામદાયક અનુભવી રહ્યું નથી.
સુમિત ગાંગુલી કહે છે, "સાચી વાત એ છે કે ભારત પાસે મર્યાદિત વિકલ્પો છે. ચીન સાથે સમાધાનની કોઈ શક્યતા નથી, સ્પર્ધા ચાલુ રહેશે. રશિયા પર 'થોડી હદ સુધી' ભરોસો રાખી શકાય છે."
અમેરિકા સાથેના સંબંધો અંગે તેઓ કહે છે, "ભલે ટ્રમ્પ હજુ ત્રણ વર્ષ સત્તામાં રહે, પરંતુ અમેરિકા અને ભારતનો સંબંધ ટકી રહેશે."
"બન્ને દેશોનું એટલું બધું દાવ પર છે કે ટ્રમ્પની અણઘડતાથી આ સંબંધ તૂટી નહીં શકે."
અન્ય વિશ્લેષકો પણ માને છે કે હાલમાં ભારત પાસે વધુ સારા વિકલ્પો નથી. સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે તે અમેરિકા તરફથી મળતા આઘાતોને સહન કરતો રહે.
જિતેન્દ્રનાથ મિશ્રા કહે છે, "વ્યૂહાત્મક ધૈર્ય જ ભારતની સાચી શક્તિ છે. ભારતે આંધીને પસાર થવા દેવી જોઈએ. સમય સાથે ભાગીદારો પાછા આવી જાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












