ટ્રમ્પના ટેરિફ : એ પાંચ બાબતો જેનું ભારત ધ્યાન રાખે તો અમેરિકાના ટેરિફની અસર નહીં થાય?

ઇમેજ સ્રોત, Getty Images
"આજે દુનિયામાં આર્થિક સ્વાર્થની રાજનીતિ છે. બધા પોતપોતાનું કરવામાં લાગ્યા છે. અમે બહુ સારી રીતે જોઈ રહ્યા છીએ. આપણા પર દબાણ વધી શકે છે, પરંતુ અમે તેને સહન કરી લેશું."
રશિયા પાસેથી ઑઇલ ખરીદવા બદલ ટ્રમ્પ સરકારે ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો છે. એટલે કે 27 ઑગસ્ટથી ભારત પર કુલ મળીને 50 ટકા ટેરિફ લાગુ થયો છે.
ટેરિફ લાગુ થાય તે અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા. એક કાર્યક્રમમાં મોદીએ જે વાત કરી તેમાં મોટા ભાગની વાત ભારતીય અર્થતંત્ર અને 'આત્મનિર્ભર ભારત' સાથે સંકળાયેલી હતી.
તેમણે કહ્યું કે આત્મનિર્ભરતા અને સ્વદેશી જ વિકસિત ભારતના નિર્માણનો પાયો છે.
તેમણે કહ્યું કે ભારતે આત્મનિર્ભરતાને વિકસિત રાષ્ટ્ર બનવાનો પાયો બનાવ્યો છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણા ખેડૂતો, માછીમારો, પશુપાલકો અને ઉદ્યોગસાહસિકો મજબૂત હોય. વડા પ્રધાને ખાતરી આપી કે તેમની સરકાર નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, દુકાનદારો અને પશુપાલકોનાં હિતોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.
"અમદાવાદની ધરતી પરથી, હું કહેવા માંગુ છું કે નાના ઉદ્યોગસાહસિકો અને ખેડૂતોનું કલ્યાણ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે તેમનાં હિતોનું નુકસાન થવા નહીં દઈએ."

ઇમેજ સ્રોત, PA
મંગળવારે ગુજરાતના હાંસલપુરમાં તેમણે સ્વદેશીની પોતાની વ્યાખ્યા જણાવી હતી.
તેમણે કહ્યું કે જાપાન દ્વારા ભારતમાં કરવામાં આવતું ઉત્પાદન પણ સ્વદેશી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "જાપાન દ્વારા અહીં બનાવવામાં આવતી વસ્તુઓ પણ સ્વદેશી છે. સ્વદેશીની મારી વ્યાખ્યા ખૂબ જ સરળ છે. કોના પૈસા વપરાય છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ડૉલર હોય કે પાઉન્ડ, કરન્સી બ્લૅક છે કે વ્હાઇટ, તેનાથી મને કોઈ ફરક પડતો નથી. પરંતુ જે પ્રોડક્શન હોય, તેમાં મારા દેશવાસીઓનો પરસેવો લાગશે."
અમેરિકાના રાષ્ટ્રપતિએ અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે ભારતીય સામાન પર વધુ 25 ટકા ટેરિફ લગાવવાની ડ્રાફ્ટ નોટિસ પણ જાહેર થઈ ગઈ છે.
ભારત વિરુદ્ધ બુધવારથી ટેરિફ લાગુ થઈ ગયા છે.
અમેરિકા એ ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે અને ભારતીય માલસામાન પર 50 ટકા ટેરિફ લાદવાને મોદી સરકાર અને ભારતીય અર્થતંત્ર માટે મોટો ફટકો માનવામાં આવે છે. પરંતુ પીએમ મોદી ઘણા મંચ પરથી કહી ચૂક્યા છે કે સમયાંતરે આવા આંચકાને પહોંચી વળવા કાયમી વ્યવસ્થા હોવી જોઈએ અને ભારતીય અર્થતંત્રમાં આ શક્તિ છે.
તેમના આ વિશ્વાસનું કારણ શું છે? શું ખરેખર ભારતીય અર્થતંત્ર બાહ્ય આંચકાને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, 'આત્મનિર્ભર અને સ્વદેશી'ના આ ભરોસાનું કારણ શું છે?
આઉટલૂકમાં સુધારો

ઇમેજ સ્રોત, Getty Images
વાસ્તવમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશી રોકાણકારોનો ભારત પર ભરોસો વધ્યો છે અને કેટલાય ઉતારચઢાવ આવવા છતાં ભારતીય અર્થતંત્ર વૃદ્ધિ કરી રહ્યું છે.
ટેરિફના ચિંતાજનક સમાચાર વચ્ચે તાજેતરમાં રેટિંગ એજન્સીઓ એસ ઍન્ડ પી અને ફિચે ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ દર્શાવ્યો છે.
ફિચ મુજબ અમેરિકન ટેરિફમાં વધારાની ભારતીય જીડીપી પર મામૂલી અસર પડશે, કારણ કે ભારતીય જીડીપીમાં અમેરિકન નિકાસનો હિસ્સો માત્ર લગભગ બે ટકા છે.
ફિચના રિપોર્ટ અનુસાર "અમારું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2025-26માં જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા રહેશે, જે ગયા નાણાકીય વર્ષની તુલનામાં ઓછો નહીં હોય."
અન્ય એક રેટિંગ એજન્સી એસ ઍન્ડ પી ગ્લોબલે 18 વર્ષ પછી ભારતનું રેટિંગ વધાર્યું છે. એસ ઍન્ડ પીએ ભારતના લાંબા ગાળાના સૉવરિન રેટિંગ 'BBB-'થી વધારીને 'BBB' કરી દીધું છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે ભારત દુનિયામાં સૌથી મજબૂત દેખાવ કરનાર અર્થતંત્ર પૈકી એક છે. કોવિડ રોગચાળા પછી મજબૂતીની સાથે સુધારો અને નિરંતર વિકાસ જોવા મળી રહ્યો છે.
ભારતનું વિશાળ સ્થાનિક બજાર

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાના કુલ વપરાશમાં 2050 સુધીમાં ભારતનો હિસ્સો વધીને 16 ટકા થઈ શકે છે, જે 2023માં માત્ર નવ ટકા હતો. મેકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના ચાલુ વર્ષના રિપોર્ટમાં આ માહિતી અપાઈ છે.
તે મુજબ 2050 સુધીમાં માત્ર અમેરિકા ભારત કરતાં આગળ હશે અને તેનો હિસ્સો 17 ટકા હશે.
પરચેઝિંગ પાવર પૅરિટી (પીપી)ના આધારે આ અંદાજ લગાવાયો છે, જે દેશો વચ્ચે મૂલ્યના અંતરને એક સરખું કરે છે.
ભારતમાં યુવાનોની વસ્તી મોટી છે જેના કારણે દુનિયાના કુલ વપરાશમાં ભારતની હિસ્સેદારી વધશે.
જીએસટી કલેક્શનમાં વધારો
લોકો માલસામાન કે સર્વિસ ખરીદી વખતે જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) ચૂકવે છે.
જીએસટી કલેક્શનથી સરકારી તિજોરી છલકાય છે. મે 2025માં જીએસટી કલેક્શન 16.4 ટકા વધીને 2.01 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. મે 2024માં જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું.
અગાઉ એપ્રિલમાં જીએસટી કલેક્શન 2.37 લાખ કરોડ રૂપિયા હતું, જે અત્યાર સુધીમાં સૌથી વધારે કલેક્શન હતું.
જીએસટી કલેક્શનથી સરકારી તિજોરી છલકાય છે તે દેખાડે છે કે ઘરેલુ મોરચે ભારતીય અર્થતંત્રનો દેખાવ સારો છે.
ફુગાવા પર નિયંત્રણ

ઇમેજ સ્રોત, Getty Images
એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (એડીબી)એ આ વર્ષે જુલાઈમાં એક રિપોર્ટમાં કહ્યું કે ઘરેલુ માંગમાં મજબૂતી, સારા ચોમાસા અને વ્યાજદરમાં ઘટાડાના કારણે આર્થિક ગ્રોથ 6.5 ટકા સુધી રહેશે. આગામી વર્ષમાં તેમાં વધુ તેજી આવવાની આશા છે.
રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ફુગાવાનો દર 3.8 ટકા અને 2026માં ચાર ટકા રહેવાનો અંદાજ છે.
આ ફુગાવો આરબીઆઇની ટાર્ગેટ રેન્જમાં આવે છે. એડીબી મુજબ ખાદ્ય પદાર્થોના ભાવ ઘટવાથી ફુગાવો કાબૂમાં છે.
જુલાઈમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 1.55 ટકા પર આવી ગયો હતો જે આઠ વર્ષનો સૌથી નીચો સ્તર છે. જૂનમાં રિટેલ ફુગાવાનો દર 2.1 ટકા હતો.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર

ઇમેજ સ્રોત, Getty Images
ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા અને વિદેશી કંપનીઓને આકર્ષવા માટે ભારતે વિશ્વ સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું પડશે.
નિષ્ણાતોનું કહેવું છે કે હજુ પણ જમીન, પાણી અને વીજળી મામલે સુધારા કરવાની જરૂર છે.
જોકે, મોદી સરકાર દરેક બજેટમાં પાયાના માળખા પર વધુ ખર્ચ કરવાની વાત કરે છે. 1 ફેબ્રુઆરી, 2025ના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર માટે કેટલીક મોટી જાહેરાતો કરી હતી.
તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રાજ્યોને વગર વ્યાજે દોઢ લાખ કરોડ રૂપિયા સુધી નાણાં ધીરવાની યોજના સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












