ભારત અન્ય દેશો સાથે મિત્રતા રાખવામાં સફળ છે કે નિષ્ફળ, વિદેશનીતિ અંગે નિષ્ણાતો શું કહે છે?

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, નરેન્દ્ર મોદી, વડા પ્રધાન, ચીન, યુએસએ, વેપાર, ટ્રેડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાત વર્ષ બાદ નરેન્દ્ર મોદી ચીનની મુલાકાત લેવાના છે
    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે 13 ઑગસ્ટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન અને ટ્રમ્પ વચ્ચે અલાસ્કામાં વાતચીત નિષ્ફળ રહી તો ભારત પર 25 ટકાના ટેરિફમાં હજુ વધારો થઈ શકે છે.

આ સમાચાર ઍક્સ પર રિપોસ્ટ કરતાં જિયોપૉલિટિક્સ અને અર્થશાસ્ત્ર પર નજર રાખતા ફ્રાન્સના અરનૉડ બરટ્રેન્ડે લખ્યું, "આ સ્પષ્ટપણે ભારતની મલ્ટિ-એલાઇનમેન્ટ ડિપ્લોમેટિક વ્યૂહરચનાની નાકામી છે. આ વ્યૂહરચનાથી ભારતે ખુદને બધા માટે જરૂરી બનાવવાનું હતું, પરંતુ એ બધા માટે બિનજરૂરી બની ગયું."

"બીજા શબ્દોમાં કહીએ તો ભારતે ખુદને એવું બનાવી લીધું કે જેને લોકો કોઈ પણ જોખમ વગર સરળતાથી ઈજાગ્રસ્ત કરી રહ્યા છે. ચીન સાથે વિવાદમાં ઊતર્યા વિના જ્યારે ટ્રમ્પે પ્રતિબંધો દ્વારા કડક સંદેશ આપવાનો હોય તો તેઓ ભારતને ધમકાવે છે, કારણ કે ભારત એટલું મોટું છે કે એ થોડું મહત્ત્વપૂર્ણ બની જાય છે, પરંતુ એટલું તાકતવર નથી કે અસરકારક પલટવાર કરી શકે."

અરનૉડ બરટ્રેન્ડે લખ્યું છે કે, "જ્યારે તમે બધાના મિત્ર બનવાના પ્રયાસ કરો છો તો તમે દરેક માટે પ્રેશર વાલ્વ બની જાઓ છો. ખાસ કરીને ત્યારે જ્યારે તમે પોતાનું વલણ મનાવડાવાની ક્ષમતા નથી ધરાવતા."

મલ્ટિ-એલાઇનમેન્ટનો અર્થ છે કે ભારત તમામ જૂથો સાથે રહેશે. આને નહેરુની નૉન-એલાઇનમેન્ટ એટલે કે જૂથનિરપેક્ષ હોવાની નીતિથી અલગ માનવામાં આવે છે, પણ ઘણા લોકો માને છે કે બંને વચ્ચે માત્ર શબ્દનો જ ફરક છે, કારણ કે જ્યારે તમે બધાની સાથે હોવાનો દાવો કરો છો ત્યારે તમે કોઈની સાથે નથી હોતા.

મલ્ટિ-એલાઇનમેન્ટની નીતિ શું નિષ્ફળ થઈ રહી છે?

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, નરેન્દ્ર મોદી, વડા પ્રધાન, ચીન, યુએસએ, વેપાર, ટ્રેડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 15 ઑગસ્ટથી અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને એકમેકને ખૂબ ઉષ્માભેર મળ્યા હતા

પરંતુ અરનૉડની ભાષા ભારત માટે છ દિવસ બાદ બદલાયેલી દેખાઈ. 19 ઑગસ્ટના રોજ વડા પ્રધાન મોદીએ ચીની વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાતની તસવીર પોસ્ટ કરી હતી.

આ પોસ્ટને રિપોસ્ટ કરતાં અરનૉડે લખ્યું છે, "ભારત વિશે તમે ગમે એ કરી શકો, પરંતુ મોદીમાં એવું રાજકીય સાહસ છે, જે યુરોપમાં નથી. તમે કલ્પના કરો કે જો યુરોપે આ જ કામ રશિયા સાથે કર્યું હોત તો ટ્રમ્પને આટલી તક ન મળી હોત. યુરોપને ટ્રમ્પની મધ્યસ્થીની જરૂર ન પડી હોત."

"હું તો એ વિશે વાતેય નથી કરી રહ્યો કે કેવી રીતે ટ્રમ્પે યુરોપના નેતાઓ સાથે શાળાનાં બાળકોની જેમ વ્યવહાર કર્યા અને આર્થિક નુકસાન પહોંચાડ્યું. સ્થિતિ એ છે કે યુરોપને દરેક પ્રકારે કિંમત ચૂકવવી પડી રહી છે. એક તો અમેરિકાની પાછળ પાછળ ફરતા દેશ તરીકે અપમાન થઈ રહ્યું છે અને ટ્રમ્પ આ સ્થિતિનું આર્થિક દોહન પણ કરી રહ્યા છે. યુરોપને છદ્મ યુદ્ધની કિંમત પણ ચૂકવવી પડી રહી છે અને પોતાના પાડોશમાં વેર પણ ઊભું કરવું પડી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ટ્રમ્પ રશિયા સાથે સંબંધ સુધારી રહ્યા છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અરનૉડે લખ્યું છે કે, "ચીન માટે ભારતીયોના મનમાં જે પ્રકારની શત્રુતાનો ભાવ છે, એવો યુરોપમાં રશિયા માટે નથી. એટલે કે ભારત માટે આ બધું કરવું એ યુરોપની સરખામણીમાં રાજકીય રીતે વધુ મુશ્કેલ હતું. એશિયાના નેતા જે રીતે વ્યૂહરચનાત્મક સ્વાયત્તતા માટે પ્રતિબદ્ધ દેખાઈ રહ્યા છે, એવી પ્રતિબદ્ધતા યુરોપમાં નથી."

અરનૉડના આ બદલાયેલા વલણ અંગે અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના આંતરરાષ્ટ્રીય સંપાદક સ્ટેનલી જૉનીએ લખ્યું છે કે, "દેશ લાંબા ગાળા માટે વિચારે છે અને વિશ્લેષક નાના ગાળા માટે."

ફ્રાન્સમાં ભારતના રાજદૂત રહેલા જાવેદ અશરફને સવાલ પુછાયો કે શું ખરેખર મોદી સરકારની મલ્ટિ-એલાઇનમેન્ટની નીતિ નિષ્ફળ થઈ રહી છે?

જાવેદ અશરફ કહે છે કે, "હું એવું નથી માનતો. નરેન્દ્ર મોદી એસસીઓ સમિટમાં જાય તો તેનો અર્થ એવો નથી કે તેમનો આ પ્રવાસ અમેરિકાની વિરુદ્ધ છે. ટ્રમ્પ આવ્યા એ પહેલાંથી જ ચીન સાથેના સંબંધોમાં સુધારાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. અમેરિકા સાથે પણ વેપારના સ્તરે ખરાબ છે, અન્ય સંબંધો તો જેમના તેમ જ છે."

જાવેદ અશરફ કહે છે, "ભારત અને અમેરિકા વચ્ચે કોઈ સમાધાન ન થવાનું કારણ એ પણ છે કે ભારતે પોતાનાં હિતો સાથે સમાધાન નથી કર્યું. એટલે કે ભારત અમેરિકા સાથે વ્યૂહરચનાત્મક સ્વાયત્તતા સાથે જ વાત કરી રહ્યું છે. ચીન અને રશિયા વધુ શક્તિશાળી છે, તેથી તેઓ અમેરિકાને એની જ ભાષામાં જવાબ આપી રહ્યાં છે. જો અમારી પાસે પણ એવી તાકત હોત તો અમે પણ જવાબ આપ્યો હોત. ફરક માત્ર આટલો જ છે."

થિંક ટૅન્ક બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનનાં સિનિયર ફેલો તન્ની મદાન માને છે કે ભલે ટ્રમ્પના વલણ સાથે મોદીની ચીન મુલાકાતને જોડવામાં આવે એવી શક્યતા છે, પરંતુ ચીન સાથે સંબંધો સુધારવાની આ પ્રક્રિયા અચાનક શરૂ નથી થઈ.

તન્ની મદાને બ્લૂમબર્ગને કહ્યું, "ગયા વર્ષે રશિયાના કજાનમાં પણ વડા પ્રધાન મોદીની મુલાકાત ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઈ હતી. ભારત ચીન સાથે સંબંધો સુધારવા માટે એટલા માટે કોશિશ કરી રહ્યું છે, જેથી એ પોતાનો વ્યૂહરચનાત્મક અને આર્થિક વ્યાપ વધારી શકે અને સરહદે તણાવ ન વધવા દે."

"પરંતુ પ્રશ્ન એ છે કે શું ચીન આ પ્રતિબદ્ધતાઓ પર ખરું ઊતરશે? આપણે જોયું છે કે વાતચીતના નવા પ્રયત્નો સીમા પર તણાવને કારણે અધૂરા રહી ગયા. જો ચીન ભારતને કમજોર ગણતું હોય તો સીમા પર તણાવની હજુ વધુ ઘટનાઓ જોવા મળી શકે છે."

પીએમ મોદીની ચીન મુલાકાત

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, નરેન્દ્ર મોદી, વડા પ્રધાન, ચીન, યુએસએ, વેપાર, ટ્રેડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 19 ઑગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે થઈ હતી

ચીનના વિદેશમંત્રી વાંગ યી 18 અને 19 ઑગસ્ટના રોજ ભારતની મુલાકાતે હતા. એ બાદ તેઓ 21 ઑગસ્ટના રોજ પાકિસ્તાન પહોંચ્યા છે. ભારત બાદ વાંગ યીની પાકિસ્તાન મુલાકાતના ઘણા અર્થ કઢાઈ રહ્યા છે.

શાંઘાઈની ફુદાન યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાથી ચીનના સંબંધોના નિષ્ણાત લિન મિનવાંગે ન્યૂયૉર્ક ટાઇમ્સને જણાવ્યું, "જો ભારત ચીન સાથે સંબંધોને સુધારવા માગતું હોય તો ચીન તેનું સ્વાગત કરશે, પરંતુ ભારતને કોઈ છૂટ નહીં મળે. ચીન પોતાનાં હિતો સાથે સમાધાન નહીં કરે અને ના પાકિસ્તાનને સમર્થન આપવાનું બંધ કરશે."

અમેરિકાએ ભારત વિરુદ્ધ 50 ટકા ટેરિફ લાદ્યો છે. જો 27 ઑગસ્ટથી ભારત વિરુદ્ધ આ 50 ટકા ટેરિફ લાગુ થઈ જાય છે તો અમેરિકા સાથે વેપાર કરવો મુશ્કેલ બની જશે.

પાછલાં ચાર વર્ષોથી અમેરિકા ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. 2024-25માં ભારતનું અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર 131.84 અબજ ડૉલરનો હતો.

જો અમેરિકા સાથેનો આટલો મોટો વેપાર અવરોધિત થાય તો ભારતના અર્થતંત્ર પર અસર પડવાનું સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં ભારત પર દબાણ છે કે કાં તો એ અમેરિકા સાથે સંબંધ સુધારે કાં પછી નવા બજારની તલાશ કરે.

બ્લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં લખ્યું છે કે, "ભારત જો રાજદ્વારી પ્રયાસ સિવાય અમેરિકા સામે નમવાનો ઇનકાર કરવાનું પસંદ કરે તો તો તેણે પોતાનો સૌથી મોટો વેપાર પાર્ટનર અને વિશ્વનું સૌથી મોટું કન્ઝ્યુમર બજાર ગુમાવવું પડી શકે છે. ચીન સાથે ભાઈચારો વધારવો કે દેશમાં આર્થિક સુધારા જેવાં પગલાં સારાં છે, પરંતુ આનાથી અમેરિકાના સ્થાનની ભરપાઈ નહીં થઈ શકે."

અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને ચીન બીજા ક્રમે છે. ભારત પણ એક ઊભરતું અર્થતંત્ર છે, આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન સાથે ખરાબ સંબંધ રાખીને પોતાની મુશ્કેલીઓ વધારવા નથી માગતું.

પરંતુ એ વાત સત્ય છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ઉષ્માપૂર્ણ નથી. આવું ત્યારે છે, જ્યારે અમેરિકા અને ચીન બંને ભારતના ટોચના કારોબારી ભાગીદાર છે. ચીન ભારતનો બીજો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. 2024-25માં ચીન સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર 127.7 અબજ ડૉલર હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તિયાનજિનમાં 31 ઑગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી આયોજિત એસસીઓ (શંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન) સમિટમાં સામેલ થવા ચીન જઈ રહ્યા છે. મદી સાત વર્ષ બાદ ચીન જઈ રહ્યા છે.

ભારત અને ચીન એકબીજાની જરૂરિયાત

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, નરેન્દ્ર મોદી, વડા પ્રધાન, ચીન, યુએસએ, વેપાર, ટ્રેડ

ઇમેજ સ્રોત, Getty Images

મોદીની આ મુલાકાત ફરી વાર ત્યારે થવા જઈ રહી છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં એપ્રિલ 2020થી પહેલાંની યથાસ્થિતિ બહાલ નથી થઈ શકી.

ચીને 2020 બાદ ઘણી વાર અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ કહે છે. એ અલગ વાત છે કે ભારત વન ચાઇના પૉલિસીને માને છે, જેમાં તિબેટ અને તાઇવાન બંને ચીનનો ભાગ છે.

પીએમ મોદીના એસસીઓ સમિટમાં સામેલ થવા માટે ચીન જવાના નિર્ણયને ખૂબ અપેક્ષિત નથી માનવામાં આવી રહ્યો. 2023માં એસસીઓની અધ્યક્ષતા ભારત પાસે હતી અને ભારતે આ સમિટનું વર્ચ્યુઅલ આયોજન કર્યું હતું.

સમિટના વર્ચ્યુઅલ આયોજન કરવાના નિર્ણયનો અર્થ એવો કાઢવામાં આવ્યો કે ભારત ચીનના દબદબાવાળાં જૂથો અંગે ઝાઝું ઉત્સાહિત નથી. બીજી તરફ 2022માં ભારતમાં જી-20 સમિટ આયોજિત થયું હતું અને તેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ નહોતા થયા. આવી સ્થિતિમાં મોદીની ચીન મુલાકાતને અમેરિકા સાથે ભારતના ખરાબ થઈ રહેલા સંબંધો સાથે જોડીને જોવામાં આવી રહી છે.

'કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડો-પ્રેસિફિક સ્ટડીઝ'ના સંસ્થાપક પ્રોફેસર ચિંતામણિ મહાપાત્રા એવું નથી માનતા કે અમેરિકા સાથે બ્રેકઅપ થવાના કારણે ભારત ચીનને પ્રેમ પ્રસ્તાવ મોકલી રહ્યું છે.

પ્રોફેસર મહાપાત્રા કહે છે કે, "ના તો અમેરિકા સાથે બ્રેકઅપ થયું છે અને ના ચીનને કોઈ નવો પ્રેમ પ્રસ્તાવ મોકલવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે કેટલાક નિર્ણય લીધા ચે, જેની અસર માત્ર ભારત પર જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં છે. પરંતુ ભારતના દરેક નિર્ણયને ટ્રમ્પ સાથે સાંકળીને ન જોઈ શકાય. ચીન સાથેનો આપણો વેપાર તણાવ દરમિયાન પણ વધ્યો છે."

ભારતના ઉદ્યોગોની નિર્ભરતા ચીની તકનીક પર વધી છે. બ્લૂમબર્ગ અનુસાર, ભારતે 2024માં ચીનને 48 અબજ ડૉલરની કિંમતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણ આયાત કર્યાં હતાં.

ભારતના ટેલિકૉમ નેટવર્ક, સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ચીની તકનીકની જરૂર છે. આ સિવાય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પણ કાચો માલ ચીન પાસેથી જ આયાત કરે છે.

ભારત રેર અર્થ મામલે પણ ચીન પર જ આધારિત છે. એ સિવાય ભારત ઇલેક્ટ્રિક ગાડીઓ, અક્ષય ઊર્જા સાથે કન્ઝ્યૂમર ઇલેક્ટ્રૉનિક્સ સેક્ટર્સનું લક્ષ્ય હાંસલ ન કરી શકે. હાલમાં જ ચીને તેની આયાતને સીમિત કરી હતી, જેના કારણે ઘણા ઉદ્યોગો ખરાબ રીતે અસરગ્રસ્ત થયા હતા. ખાસ કરીને ઑટો સેક્ટર પર વધુ અસર થઈ હતી. બીજી તરફ ચીનને પણ ભારતની જરૂર છે. ભારત એક મોટું બજાર છે અને ચીન માટે પોતાનો સામાન વેચવાની પૂરતી સંભાવનાઓ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન