ચીન 'અત્યાર સુધીના સૌથી મોટા' એસસીઓ સમિટથી દુનિયાને શું સંદેશ આપવા માગે છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
- લેેખક, બીબીસી મૉનિટરિંગ
ચીનમાં 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તરીય શહેર તિયાનજિનમાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠકનું આયોજન થયું છે. ચીન આને એસસીઓના ઇતિહાસમાં 'સૌથી મોટું સમિટ' ગણાવી રહ્યું છે.
ચીન પાંચમી વખત એસસીઓ સમિટનું આયોજન કરી રહ્યું છે. અગાઉ ચીને 2018માં ચિંગદાઓમાં એસસીઓ સમિટનું આયોજન કર્યું હતું.
ચીન કહે છે કે આ વર્ષે તિયાનજિનમાં એસસીઓ સમિટ "રાષ્ટ્રાધ્યક્ષ સ્તરની રાજદ્વારી અને સ્થાનિક રાજદ્વારી બેઠકોમાં સૌથી મહત્ત્વપૂર્ણ બેઠકોમાંની એક છે."
એવું માનવામાં આવે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સમયગાળા દરમિયાન રાજ્યના વડાઓની કાઉન્સિલની 25મી બેઠક અને એસસીઓ પ્લસ બેઠકને સંબોધિત કરશે. આ સતત બીજું વર્ષ છે જ્યારે એસસીઓ પ્લસનું આયોજન કરાઈ રહ્યું છે.
શી જિનપિંગ પાસે શું અપેક્ષા રાખવામાં આવે છે?

ઇમેજ સ્રોત, SERGEI GUNEYEV/POOL/AFP via Getty Images
22 ઑગસ્ટના રોજ ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત એક પ્રેસ કૉન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ "શાંઘાઈ સ્પિરિટને આગળ ધપાવતા SCO માટે ચીનના વિઝન અને દરખાસ્તો વિશે વાત કરશે. તેઓ સમયની જરૂરિયાતોને અનુરૂપ બનવા અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા અંગે પણ ચર્ચા કરશે."
2001માં શાંઘાઈમાં અસ્તિત્વમાં આવેલ એસસીઓ શાંઘાઈ સ્પિરિટને અનુસરે છે. આમાં પરસ્પર વિશ્વાસ, સહિયારો લાભ, સમાનતા, પરામર્શ, સંસ્કૃતિઓની વિવિધતા માટે આદર અને સહિયારા વિકાસ તરફ કામ કરવાના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
રવિવારથી શરૂ થયેલા આ શિખર સંમેલનમાં શી જિનપિંગ " એસસીઓના વિકાસ અને સહયોગને મજબૂત બનાવવા માટે ચીને લીધેલાં પગલાં અને વ્યાપક ભાગીદારી"ની રૂપરેખા આપશે અને બીજા વિશ્વયુદ્ધ પછીના આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સુરક્ષિત રાખવામાં અને વૈશ્વિક શાસન સુધારવામાં એસસીઓની સંભવિત ભૂમિકાનો પણ પ્રસ્તાવ મૂકશે."
સમિટના અંતે એસસીઓ સભ્યદેશો સંયુક્ત રીતે તિયાનજિન ઘોષણાપત્ર જારી કરશે. તેઓ આગામી દાયકા માટે એસસીઓની વિકાસ વ્યૂહરચનાને પણ મંજૂરી આપશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમયગાળા દરમિયાન સુરક્ષા, અર્થતંત્ર, પરસ્પર સંબંધો અને સાંસ્કૃતિક સહયોગ પરના ઘણા દસ્તાવેજો પણ બહાર પાડવામાં આવશે.
26 ઑગસ્ટના રોજ શાંઘાઈના અખબાર જિફાંગ ડેઇલીમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એસસીઓના વિકાસ માટેની 10 વર્ષની વ્યૂહરચના આ શિખર સંમેલનમાં બહાર પાડવામાં આવનાર "સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોમાંની એક" હશે.
આ સમિટમાં કોણ કોણ ભાગ લઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Contributor/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૂળરૂપે એસસીઓની સ્થાપના 2001માં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હવે આ સંગઠનમાં 10 સભ્યદેશ છે. ભારત અને પાકિસ્તાન 2017માં આ સંગઠનમાં જોડાયા હતા અને ઈરાન અને બેલારુસ પણ છેલ્લાં બે વર્ષમાં તેમાં જોડાયા હતા.
આ 10 સભ્યદેશના નેતાઓ તિયાનજિનમાં યોજાઈ રહેલા સમિટમાં હાજર રહેશે.
આ ઉપરાંત મંગોલિયા નિરીક્ષક તરીકે અને સંગઠનના 14 ડાયલૉગ પાર્ટનરમાંથી 8 - અઝરબૈજાન, આર્મેનિયા, કંબોડિયા, માલદીવ્સ, નેપાળ, તુર્કી, ઇજિપ્ત અને મ્યાનમાર પણ તેમાં ભાગ લેશે.
પરિષદમાં દક્ષિણ-પૂર્વ એશિયા પર વધુ ભાર મૂકવામાં આવશે.
ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા અને વિયેતનામને પણ મહેમાન દેશો તરીકે પરિષદમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. એવી અપેક્ષા છે કે આ દેશોના પ્રતિનિધિઓ તુર્કમેનિસ્તાન સાથે એસસીઓ પ્લસ બેઠકમાં હાજરી આપશે.
તુર્કમેનિસ્તાન 2024માં કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં પ્રથમ એસસીઓ પ્લસ બેઠકમાં મહેમાન દેશ તરીકે હાજરી આપી હતી, જેમાં ડાયલૉગ પાર્ટનર અઝરબૈજાન, કતાર, યુએઇ અને તુર્કી પણ હાજર રહ્યા હતા.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમિટમાં ભાગ લેનારા નેતાઓનું સ્વાગત કરવા માટે ભોજન સમારંભનું આયોજન કરશે અને તે દરમિયાન અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે તેવી અપેક્ષા છે.
જોકે, મોટા ભાગની નજર શી જિનપિંગની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતો પર છે, જે ચીનની સાથે આ સંગઠનના સૌથી મહત્ત્વપૂર્ણ દેશો છે.
પુતિન છેલ્લે મે 2024માં ચીન ગયા હતા, જ્યારે મોદી સાત વર્ષમાં પહેલી વાર ચીન ગયા છે. મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો પર જામેલો બરફ છેલ્લા એક વર્ષમાં થોડો પીગળી રહ્યો હોય તેવું લાગે છે.
ઑગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી તેણે આ કાર્યક્રમ માટે કોઈ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મોકલ્યો નથી. આ વખતે જાહેર કરાયેલા સહભાગીઓની યાદી મુજબ અફઘાનિસ્તાન આ વખતે પણ પરિષદમાં ભાગ લેશે નહીં.
અફઘાનિસ્તાનને વર્ષ 2012માં નિરીક્ષકનો દરજ્જો મળ્યો હતો. આ વર્ષે જુલાઈમાં અફઘાનિસ્તાનને રશિયા તરફથી રાજદ્વારી માન્યતા પણ મળી હતી. તે જ સમયે એક અઠવાડિયા પહેલાં ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કાબુલની એક દિવસીય મુલાકાત લીધી હતી.
આ મૈત્રીપૂર્ણ પહેલ છતાં પરિષદમાં તેમની ગેરહાજરી દર્શાવે છે કે તાલિબાનની ભાગીદારી અંગે સંગઠનમાં હજુ પણ મતભેદો છે.
28 ઑગસ્ટના મીડિયા અહેવાલો અનુસાર સમિટમાં ભાગ લેનારા 22 વિદેશી નેતાઓમાંથી 18 ત્રીજી સપ્ટેમ્બરે બીજિંગમાં યોજાનારી લશ્કરી પરેડમાં પણ ભાગ લેશે.
મીડિયા શું કહી રહ્યું છે?

ઇમેજ સ્રોત, VCG/VCG via Getty Images
રવિવારથી શરૂ થયેલી એસસીઓ સમિટ પહેલાં ચીની મીડિયાએ સંગઠનના વિકાસની પ્રશંસા કરી છે. અહેવાલો અનુસાર આ સંગઠન હવે "વિશ્વની લગભગ અડધી વસ્તી, એક ચતુર્થાંશ જમીન વિસ્તાર અને લગભગ એક ચતુર્થાંશ વૈશ્વિક જીડીપી"નું પ્રતિનિધિત્વ કરે છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયે 27 ઑગસ્ટના રોજ જણાવ્યું હતું કે 2024માં એસસીઓ સભ્યદેશો સાથે ચીનનો વેપાર "રેકૉર્ડ" 512.4 અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે.
સરકારી ગ્લોબલ ટાઇમ્સે ચીનના ટોચના થિંક ટૅન્ક ચાઇનીઝ ઍકેડૅમીના એક રિસર્ચ ફેલોને ટાંકીને કહ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર અને રાજકારણમાં એસસીઓનો મજબૂત પ્રભાવ "પ્રાદેશિક આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવામાં ફાળો આપી શકે છે."
ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા અખબાર પીપલ્સ ડેઇલીએ 23 ઑગસ્ટના રોજ લખ્યું હતું કે "એસસીઓ એક નવા પ્રકારના આંતરરાષ્ટ્રીય સંબંધો અને પ્રાદેશિક સહયોગનું એક મૉડલ છે. તે નોંધપાત્ર વૈશ્વિક પ્રભાવ ધરાવતું રચનાત્મક બળ છે."
અખબારે એમ પણ લખ્યું કે એસસીઓ "ઇતિહાસની સાચી બાજુ" પર ઊભું છે અને "ન્યાય અને નિષ્પક્ષતાની" હિમાયત કરે છે.
તેમાં એમ પણ લખ્યું કે "પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સંગઠનનો સામાન્ય અવાજ વૈશ્વિક શાસનને વધુ ન્યાયી અને તર્કસંગત દિશામાં લઈ જશે અને ગ્લોબલ સાઉથમાં એકતાને વધારશે અને માનવતાને સહિયારા ભવિષ્ય તરફ દોરી જશે."
ઘણાં અખબારોએ શાંઘાઈ સ્પિરીટનો ઉલ્લેખ કર્યો છે, જે મૂળભૂત રીતે આ સંગઠનમાં પરસ્પર સહયોગનો માર્ગદર્શક સિદ્ધાંત છે.

ઇમેજ સ્રોત, Chip Somodevilla/Getty Images
23 ઑગસ્ટના રોજ શિન્હુઆમાં પ્રકાશિત થયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે "બદલાતા સમય સાથે આનું સમકાલીન મહત્ત્વ વધુ સ્પષ્ટ થયું છે. તે વૈશ્વિક શાસનના વર્તમાન સંકટને ઉકેલવા, આંતરરાષ્ટ્રીય મતભેદોને દૂર કરવા અને માનવજાત માટે સહિયારા ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે વૈચારિક પ્રેરણા પૂરી પાડે છે."
એસસીઓમાં સંકલનકાર્ય માટે જવાબદાર રાજદૂત ફેન ઝિયાનરોંગે "શાંઘાઈ સ્પિરિટ"ને સંગઠનનો "આત્મા" ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આ ભાવના "સ્થિરતા, વિકાસ અને એકતા માટે એસસીઓ દેશોની માગણીઓ સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે" અને "શીતયુદ્ધની માનસિકતા અને સંસ્કૃતિઓના સંઘર્ષ જેવા જૂના વિચારોથી નોખી છે."
સંગઠનના વૈશ્વિક પ્રભાવ અને અપીલ ઉપરાંત મીડિયામાં સંગઠન, બીગ ડેટા, ઊર્જા અને ટકાઉ વિકાસમાં સંગઠનના દેશોમાં થયેલી પ્રગતિ વિશે પણ લખવામાં આવ્યું.
મીડિયાએ 2025ને "ટકાઉ વિકાસનું એસસીઓ વર્ષ" તરીકે વર્ણવ્યું અને કહ્યું કે સંગઠન પાસે ટકાઉ વિકાસને અનુસરવામાં "પરસ્પર લાભો" અને "અપાર સંભાવનાઓ" રહેલી છે.
શિન્હુઆના એક અહેવાલ મુજબ ઉપવાણિજ્યમંત્રી લિંગ જીએ જણાવ્યું હતું કે આ થીમ હેઠળ ચીન તેના ભાગીદારો સાથે તેલ, ગૅસ, ઉત્પાદન, ગ્રીન ઍનર્જી અને ડિજિટલ અર્થતંત્રમાં સહયોગને પ્રોત્સાહન આપી રહ્યું છે.
તેમણે કહ્યું કે "આશા છે કે આ પ્રયાસો ઉદ્યોગ પરિવર્તનને પ્રોત્સાહન આપશે અને સભ્યદેશો વચ્ચે ઔદ્યોગિક અને સપ્લાય ચેનને વધુ ગાઢ બનાવવામાં મદદ કરશે."
ચીનનું ધ્યાન ક્યાં છે – એસસીઓ કે બ્રિક્સ?

ઇમેજ સ્રોત, Murat Gok /Anadolu via Getty Images
એસસીઓ મૂળ મધ્ય એશિયા માટે પ્રાદેશિક સુરક્ષા સહયોગના સંગઠન તરીકે શરૂ થયું હતું, પરંતુ હવે ત્રણ ખંડોમાં ફેલાયેલા દેશો આ સંગઠનમાં જોડાયા છે.
આનું આ વિસ્તરણ "ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવવા", "બહુપક્ષીયતા"ની હિમાયત કરવા અને "વર્ચસ્વનો વિરોધ" કરવા જેવા નૅરેટિવ હવે તેને બ્રિક્સ જેવું સહકાર સંગઠન બનાવવા જઈ રહ્યું છે.
બ્રિક્સમાં ભારત, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે ચીનનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ ચીન દ્વારા પણ કરવામાં આવે છે.
એસસીઓમાં સમાવિષ્ટ 26 સભ્યદેશો ભાગીદારો અને નિરીક્ષકોમાંથી નવ દેશો BRICS સાથે પણ સંકળાયેલા છે. ગ્લોબલ સાઉથના દેશોને સમાવવાના પ્રયાસો વચ્ચે તાજેતરનાં વર્ષોમાં BRICSનો વિસ્તાર થયો છે. તેમાં હવે 10 સભ્યો અને 10 ડાયલૉગ પાર્ટનર છે.
આ વર્ષની શરૂઆતમાં એવા સંકેતો મળ્યા હતા કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સને એટલું મહત્ત્વ આપી રહ્યા નથી.
આનું કારણ એ હતું કે તેમણે જુલાઈમાં બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપી ન હતી, પરંતુ વડા પ્રધાન લી ચિયાંગ તેમની જગ્યાએ ગયા હતા. તે સમયે આ સંગઠનના પ્રભાવ અને એકતા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા.
રાષ્ટ્રપતિ બન્યા પછી શી જિનપિંગ દરેક એસસીઓ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
એસસીઓ અંગે તેમણે કહ્યું હતું કે "ચીને હંમેશાં તેની પડોશી રાજદ્વારીમાં એસસીઓને પ્રાથમિકતા આપી છે" અને તેઓ તેને "વધુ અર્થપૂર્ણ અને મજબૂત" બનાવવા પ્રતિબદ્ધ છે.
એ જોવાનું બાકી છે કે શું ચીન ખરેખર એસસીઓ તરફ ઝુકાવ ધરાવે છે કે કેમ.
પરંતુ હાલ પૂરતું એસસીઓ અને બ્રિક્સ બંને "સંરક્ષણવાદ અને એકપક્ષીયતા"નો વિરોધ કરે છે અને "આધિપત્ય અને દબંગાઈ"ના પ્રયાસોને નકારે છે. બંને જૂથો એવા સંદેશાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે જે ગ્લોબલ સાઉથ અને ન્યાયી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની હિમાયત કરે છે.
મીડિયા રિપોર્ટ્સમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે શું વધુ સભ્યો અને ભાગીદારો ઉમેરવાથી સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર એસસીઓનો પ્રભાવ નબળો પડી શકે છે.
મીડિયા રિપોર્ટ્સમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જ્યારે "વૈશ્વિક ઊથલપાથલ" છે અને "કેટલાક દેશો મનસ્વી રીતે અન્ય દેશો પર વધારાના ટેરિફ લાદી રહ્યા છે", ત્યારે આ જૂથ ફક્ત એકતાનું પ્રદર્શન માત્ર ન બની રહે.
સિન્હુઆ સાથેની એક મુલાકાતમાં રાજદૂત ફેન શિયાનરોંગે જણાવ્યું હતું કે, "એસસીઓ તેના દરવાજા ખુલ્લા રાખશે અને શાંઘાઈ સ્પિરિટને સ્વીકારનારા અને આ મોટા પરિવારનો ભાગ બનવા માગતા દેશોનું સ્વાગત કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












