કિમ જોંગ ઉન કેમ ટ્રેનમાં ઉત્તર કોરિયાથી ચીન ગયા, તેમાં શું ખાસ છે?

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન તારીખ બે માર્ચ, 2019ના ટ્રેનમાં ચડ્યા તે પહેલાંની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન તારીખ બે માર્ચ, 2019ના ટ્રેનમાં ચડ્યા તે પહેલાંની તસવીર

સામાન્ય રીતે કોઈ દેશના સર્વોચ્ચ નેતા કોઈ બીજા દેશ જતા હોય તો યાત્રા માટે સૌથી ઝડપી અને આરામદાય વિકલ્પ વિમાન પસંદ કરે છે પણ ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન અલગ છે.

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન સોમવારના પોતાની બખ્તરબંધ રેલગાડીમાં સવાર થયા અને મંગળવારના ચીનની સરહદમાં દાખલ થયા.

ટ્રેને ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી ચીનની રાજધાની બેઇજિંગ સુધી લગભગ 1,300 કિલોમીટર લાંબી મુસાફરી કરી.

બુધવારના ચીનની રાજધાની બેઇજિંગમાં 'વિક્ટ્રી ડે' પરેડનું આયોજન થવાનું છે. આમાં કિમ જોંગ ઉન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને દુનિયાના બીજા નેતાઓ સાથે ભાગ લેશે.

દક્ષિણ કોર્યાની યોનહાપ એજન્સી અનુસાર, આ ટ્રેનમાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે આ ઘણી ધીમી ચાલે છે.

વર્ષ 2011માં શાસનની ધૂરા સંભાળ્યા બાદ વર્ષ 2018માં કિમ જોંગ ઉન પ્રથમ વિદેશપ્રવાસ ચીનનો ખેડ્યો હતો, ત્યારે તેમણે આ ટ્રેનનો ઉપયોગ કર્યો હતો.

આ સિવાય તેઓ સિંગાપોરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા હતા.

જોંગ-ઉનની ટ્રેન લીલા રંગની છે. જોકે, આ વાત પર આશ્ચર્ય થઈ શકે છે કે સમય બચાવવા માટે દુનિયાના મોટા ભાગના નેતા વિમાન તેમજ હેલિકૉપ્ટરમાં પ્રવાસ કરે છે, તો પછી ઉત્તર કોરિયાના નેતા ટ્રેન કેમ પસંદ કરે છે અને તેની ખાસિયતો શું છે?

વિમાનમાં મુસાફરી કરવાનો ડર કેમ?

2023માં કિમ જોંગ ઉન ટ્રેન મારફતે રશિયાની યાત્રા પર ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2023માં કિમ જોંગ ઉન ટ્રેન મારફતે રશિયાની યાત્રા પર ગયા હતા

કિમ જોંગના પિતા કિમ જોંગ ઇલ પણ હવાઈ મુસાફરીને નાપસંદ કરતા હતા.

જોંગ ઇલ વર્ષ 2002માં ત્રણ અઠવાડિયા માટે રશિયાના પ્રવાસ પર ગયા હતા, ત્યારે તેમની સાથે મુસાફરી કરનારા એક રશિયન અધિકારીએ તેમને આ ટ્રેન વિશે જણાવ્યું હતું.

આ ટ્રેનમાં દુનિયામાં સૌથી મોંઘી વાઇન મળતી હતી અને બારબેક્યૂની વ્યવસ્થા પણ હતી. ટ્રેનમાં ભવ્ય પાર્ટીઓ થતી.

કિમ જોંગ-ઇલે આ રેલગાડીમાં આશરે 10થી 12 વખત વિદેશ પ્રવાસ ખેડ્યો હતો. મોટાભાગે તેમણે ચીનનો પ્રવાસ કર્યો હતો.

સિનિયર કિમ લાંબી મુસાફરી માટે પણ ટ્રેનનો જ ઉપયોગ કરતા હતા. વર્ષ 1984માં તેઓ આ જ ટ્રેનમાં પૂર્વી યુરોપ પણ ગયા હતા.

તેમનું મૃત્યુ પણ ટ્રેનમાં હૃદયરોગના હુમલાના કારણે થયું હતું.

પરંતુ જે ટ્રેનમાં કિમ જોંગ-ઉન મુસાફરી કરે છે, તે કોઈ સાધારણ ટ્રેન નથી.

કેમ ખાસ છે આ રેલગાડી?

દક્ષિણ કોરિયાના ન્યૂઝ આઉટલેટ અનુસાર, આ ટ્રેનમાં 90 ડબ્બા છે.

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, બેઇજિંગમાં દેખાયેલી આ રેલગાડીમાં 11 ડબ્બા હતા અને દરેક ડબ્બાનો રંગ લીલો હતો.

ટ્રેનની બારીઓ પર ટિન્ટેડ ગ્લાસ હતા, જેથી બહારથી કોઈ એ ન જોઈ શકે કે ટ્રેનમાં કોણ સવાર છે.

આ રેલગાડી વિશે જે કંઈ જાણકારી છે તે ગુપ્ત રિપોર્ટ, ટ્રેનમાં સવાર થઈ ચૂકેલા અધિકારીઓના નિવેદન અને મીડિયાના દુર્લભ કવરેજ પર આધારિત છે.

દક્ષિણ કોરિયાની વર્ષ 2009ના ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, જોંગ-ઉન માટે હાઇ સિક્યૉરિટી ધરાવતા આશરે 90 કોચ તૈયાર રહે છે.

રિપોર્ટના આધારે, કિમના પિતા કિમ જોંગ ઇલના જમાનામાં તેઓ ગમે ત્યારે મુસાફરી કરતા, તો ત્રણ ટ્રેન એક જ ટ્રેક પર દોડતી.

તેમાં એક ઍડવાન્સ્ડ સિક્યૉરિટી ટ્રેન, કિમની ટ્રેન અને ત્રીજી ટ્રેનમાં વધારાના બૉડીગાર્ડ અને સપ્લાયની રહેતી.

પીળી પટ્ટીવાળી લીલા રંગની આ ટ્રેનમાં કૉન્ફરન્સ રૂમ, ઑડિયન્સ ચેમ્બર્સ, બેડરૂમ, સૅટેલાઇટ ફોન, ફ્લૅટ સ્ક્રીન ટેલિવિઝન છે. કેટલીક અન્ય તસવીરોમાં આ ટ્રેનના ડબ્બામાં લાલ રંગની ચામડાની આર્મચેયર છે.

બીબીસીના એક રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાના શીર્ષ નેતાની ખાસ ટ્રેનની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. આની તુલનામાં લંડનની હાઈસ્પીડ ટ્રેનની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે જાપાનની બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક છે.

આ રેલગાડીનું નામ ટાએયેનઘો છે. કોરિયન ભાષામાં આ શબ્દનો અર્થ છે સૂર્ય, જે ઉત્તર કોરિયાના સંસ્થાપક કિમ ઇલ સુંગનું પ્રતીક માનવામાં આવે છે.

સુરક્ષા માટે બુલેટપ્રૂફ કોચ

કિમ જોંગ ઉન ઉત્તર કોરિયામાં બહુ ઓછા બહાર નીકળે છે પરંતુ જ્યારે તેઓ બહાર જાય છે તો મોટાભાગે ટ્રેનમાં જ યાત્રા કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિમ જોંગ ઉન ઉત્તર કોરિયામાં બહુ ઓછા બહાર નીકળે છે પરંતુ જ્યારે તેઓ બહાર જાય છે તો મોટાભાગે ટ્રેનમાં જ યાત્રા કરે છે

ટ્રેનમાં દરેક ડબ્બો બુલેટપ્રૂફ હોય છે. તે સામાન્ય રેલ કોચની સરખામણીએ ખૂબ વધારે ભારે હોય છે.

વધારે વજન હોવાને કારણે તેની ઝડપ પણ ઓછી હોય છે. એક અનુમાન પ્રમાણે, ટ્રેનની ગતિ વધારેમાં વધારે આશરે 59 કિલોમીટર પ્રતિકલાકની છે.

2009ના રિપોર્ટ પ્રમાણે, કિમ જોંગ ઇલના જમાનામાં 100 સુરક્ષા અધિકારી ઍડવાન્સ્ડ ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને તેમની જવાબદારી હતી સ્ટેશનની તપાસ કરવી.

આ સિવાય વધારે સુરક્ષા પ્રદાન કરવા માટે ટ્રેનની ઉપર સૈન્ય હેલિકૉપ્ટર તેમજ વિમાન ઉડાન ભરતા હતા.

વધુ એક ચોંકવનારી વાત એ છે કે ઉત્તર કોરિયામાં અલગઅલગ બાવીસ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યાં છે, જે માત્ર અને માત્ર કિમ જોંગ-ઉનના વ્યક્તિગત ઉપયોગમાં લેવાય છે.

ટ્રેનની તસવીરો અને વીડિયો

ઉત્તર કોરિયાની સરકારી મીડિયા ક્યારેક ટ્રેનની અંદર સવાર પોતાના સર્વોચ્ચ નેતાની તસવીરો તેમજ વીડિયો જાહેર કરે છે.

વર્ષ 2015માં આ જ ટ્રેનના એક કોચમાં કિમ જોંગ-ઉન એક લાંબા સફેદ ટેબલ પર બેઠેલા જોવા મળ્યા હતા. આ દૃશ્ય કૉન્ફરન્સ રૂમ જેવું હતું.

વર્ષ 2011માં જાહેર થયેલા આ જ પ્રકારના વીડિયોમાં તેમના પિતા પણ આ જ રીતે બેઠેલા અને વાત કરતા જોવા મળ્યા હતા.

જૂના વીડિયોમાં ફ્લેટ સ્ક્રીન ટેલીવિઝન જોવા મળ્યું હતું અને નવા વીડિયોમાં લેપટૉપ પણ જોવા મળ્યું હતું.

કિમ જોંગ-ઉન અંગે નવેમ્બર-2015માં રોજ બ્રિટિશ દૈનિક 'ધ ગાર્ડિયન'માં રિપોર્ટ પ્રકાશિત થયો હતો કે જ્યારે તેઓ દેશની અંદર પણ પ્રવાસ પર હોય છે તો કાફલામાં એક મોબાઇલ ટૉઇલેટ હોય છે.

શા માટે ડર રહે છે?

શું કિમ જોંગ-ઉન પોતાના જીવને લઈને આટલી હદે ડરેલા રહે છે?

ઉત્તર કોરિયામાં 1997થી 1999 સુધી ભારતના રાજદૂત રહી ચૂકેલા જગજીત સિંહ સપરાએ તેનો જવાબ આપ્યો હતો, "ડર તો છે. કિમ જોંગ-ઉન જ નહીં, પરંતુ તેમના પિતા અને દાદા પણ સુરક્ષાની બાબતમાં ખૂબ સતર્ક રહેતા હતા.

"કિમ જોંગ-ઉનના પિતા કિમ જોંગ- ઇલ જ્યારે પણ મોસ્કો અને બીજિંગ ગયા તો પ્લેન નહીં, પણ ટ્રેનમાં જ જતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન