ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ અને ટ્રમ્પના ટેરિફ અંગે શું વાત થઈ? વિદેશ સચિવે માહિતી આપી

ઇમેજ સ્રોત, PIB
ગત બુધવારે ભારત પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા 50 ટકા ટેરિફના અમલની શરૂઆત થઈ હતી. હવે આ ઘટનાના બાદ રવિવારે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટની બેઠકમાં સામેલ થવા માટે વડા પ્રધાન મોદી ચીન પહોંચ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લાગુ થયા બાદ ચીન-રશિયાની આગેવાનીવાળી એસસીઓના શિખર સંમેલનમાં પીએમ મોદીના સામેલ થવાની વાતને ઘણા નિષ્ણાતો એક 'સૂચક' ગણાવી રહ્યા હતા.
આ બેઠક દરમિયાન શી જિનપિંગની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડા પ્રધાન સાથેની મુલાકાતો ચર્ચાના કેન્દ્રમાં રહેશે એવું મનાઈ રહ્યું હતું.
નોંધનીય છે કે એસસીઓ ઘણી વાર અમેરિકાનાં હિતો સામે ટકરાય છે. ચીન પોતાના ઉત્તરી શહેર તિયાનજિનમાં 31 ઑગસ્ટથી માંડીને 1 સપ્ટેમ્બરથી શાંઘાઈ કો-ઑપરેશન કાઉન્સિલની બેઠક આયોજિત કરી રહ્યું છે. ચીન આને એસસીઓના ઇતિહાસનું 'અત્યાર સુધીનું સૌથી મોટું સંમેલન' ગણાવી રહ્યું છે.
આ પહેલાં રવિવારે સંમેલન પહેલાં વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી.
જે બાદ ભારતના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં બંને દેશોને 'વિકાસના રસ્તે એકબીજાના સાથીદાર' ગણાવ્યા છે, 'પ્રતિદ્વંદ્વી નહીં.'
નોંધનીય છે કે પીએમ મોદી સાત વર્ષમાં પહેલી વાર ચીન ગયા છે. વર્ષ 2020માં ગલવાનમાં થયેલા સૈન્ય ઘર્ષણ બાદ આ મોદીની પ્રથમ ચીન મુલાકાત છે.
પીએમ મોદી અને જિનપિંગની બેઠકમાં અમેરિકન ટેરિફ પર ચર્ચા થઈ કે નહીં?

ઇમેજ સ્રોત, mea
વિદેશ મંત્રાલયે આ મુલાકાત અંગે વિશેષ પ્રેસ કૉન્ફરન્સ કરી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે વડા પ્રધાનનો સોમવારનો કાર્યક્રમ ઘણી મહત્ત્વપૂર્ણ બેઠકો સાથે સંકળાયેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિક્રમ મિસરીએ કહ્યું, "આવતી કાલે વડા પ્રધાન સમિટના પ્લેનરી સેશનને સંબોધિત કરશે. જ્યાં તેઓ એસસીઓ હેઠળ ક્ષેત્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતનો દૃષ્ટિકોણ શૅર કરશે. એ બાદ તેમની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક થશે અને બાદમાં વડા પ્રધાન ભારત પરત ફરશે."
ભારત અને ચીન વચ્ચે સીધી ઉડાણના સવાલ અંગે તેમણે કહ્યું, "જલદી જ આપણને ભારત અને ચીન વચ્ચે ડાઇરેક્ટ ફ્લાઇટ્સ ફરી એક વાર શરૂ થતી દેખાશે."
મિસરીએ કહ્યું, "પાછલાં કેટલાંક અઠવાડિયાં અને મહિનામાં બંને દેશોએ આ મુદ્દે ગહન વાતચીત કરી છે. આ વર્ષની શરૂઆતમાં ઉચ્ચ સ્તરે એવું બાબત સ્પષ્ટ બની હતી કે આ દિશામાં આગળ વધવું જોઈએ. ત્યારથી ઘણી તકનીકી સ્તરની બેઠકો થઈ છે. હાલમાં જ ભારતીય સિવિલ એવિએશનનું એક પ્રતિનિધિમંડળ બીજિંગ ગયું હતું. વ્યાપક સ્તરે એક સંમતિ બની ચૂકી છે, હવે માત્ર કેટલાક ઑપરેશન મુદ્દા બાકી છે, જેમ કે ઍર સર્વિસ ઍગ્રિમેન્ટ અને શિડ્યૂલિંગ. મારી સમજ એ છે કે આવનારાં કેટલાંક અઠવાડિયાંમાં એનું સમાધાન થઈ જશે અને ફ્લાઇટ્સ ફરીથી શરૂ થઈ જશે."
બૉર્ડર સાથે સંકળાયેલી વાતચીત પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, "આ વાતચીતને આગળ વધારવા માટે ડેડિકેટેડ મિકૅનિઝ્મ બનાવાયાં છે. અમને આશા છે કે ભારત અને ચીન વચ્ચે સીમા ક્ષેત્રોમાં સહયોગ અને સમન્વય માટે જે મોજુદ મિકૅનિઝ્મ છે, તેની બેઠક આગામી દિવસો અને અઠવાડિયાંમાં થશે. બંને પક્ષોના નેતા એકબીજા સાથે વાત કરીને નક્કી કરશે કે સીમા-નિર્ધારણ સાથે સંકળાયેલી વાતચીત કેવી રીતે આગળ વધારાય."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠકમાં અમેરિકાના ટેરિફ પર ચર્ચા થઈ કે નહીં?
આ સવાલના જવાબમાં વિદેશ સચિવે કહ્યું કે, "બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિ પર વાતચીત કરી. તેમણે માન્યું કે પરિસ્થિતિઓને કારણે ઘણા પડકારો સામે આવ્યા છે. જોકે, ચર્ચાનું મુખ્ય કેન્દ્ર દ્વિપક્ષીય સંબંધો જ રહ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે જે કંઈ થઈ રહ્યું છે અને તેનાથી જે પડકારો પેદા થઈ રહ્યા છે, એને પણ બંને નેતાઓએ સ્વીકાર્યું. પરંતુ તેમણે કોશિશ કરી કે આ પરિસ્થિતિનો ઉપયોગ પરસ્પર સહયોગ અને ભારત-ચીનના કારોબારી સંબંધોને આગળ વધારવા માટે કેવી રીતે કરી શકાય છે."
પીએમ મોદીએ મ્યાનમારમાં ચૂંટણીના એલાનનું સ્વાગત કર્યું

ઇમેજ સ્રોત, X/ @narendramodi
પીએમ મોદીએ એસસીઓ સમિટથી અલગ રવિવારે મ્યાનમારના સિનિયર જનરલ મિન ઑન્ગ હ્વાઇંગ સાથે મુલાકાત કરી.
આ તસવીર ઍક્સ પર શૅર કરતાં વડા પ્રધાને લખ્યું, "તિયાનજિનમાં મ્યાનમારના સિનિયર જનરલ મિન ઑન્ગ હ્વાઇંગ સાથે વાતચીત કરી. મ્યાનમાર ભારતની 'ઍક્ટ ઇસ્ટ' અને 'નેબરહૂડ ફર્સ્ટ' નીતિઓનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. વેપાર, કનેક્ટિવિટી, ઊર્જા, ખનન અને સુરક્ષા જેવાં ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત કરી શકાય છે."
વિદેશ મંત્રાલય તરફથી થયેલી પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું, "વડા પ્રધાને મ્યાનમારના સ્ટેટ સિક્યૉરિટી ઍન્ડ પીસ કમિશનના ચૅરમૅન સિનિયર જનરલ મિન ઑન્ગ હ્વાઇંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. વડા પ્રધાને કહ્યું કે ભારત પોતાની 'નેબરહૂડ ફર્સ્ટ' અને 'ઍક્ટ ઇસ્ટ' નીતિઓ અંતર્ગત મ્યાનમાર સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માને છે."
"તેમણે બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારી પર ભાર મૂક્યું અને ચાલી રહેલા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ માટે સિનિયર જનરલ મિન ઑન્ગ હ્વાઇંગનું સમર્થન માગ્યું. બેઠકમાં સુરક્ષા અને સીમા સાથે સંકળાયેલા મુદ્દા પર પણ ચર્ચા થઈ."
વિક્રમ મિસરીએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ મ્યાનમારમાં ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું અને સ્પષ્ટ કર્યું કે "મ્યાનમારમાં શાંતિ અને સ્થિરતા માટે આગળ વધવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે."
વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શું કહ્યું?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું, "દુનિયા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ચીન અને ભારત દુનિયાની બે સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ છે. અમે બંને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છીએ અને ગ્લોબલ સાઉથનો ભાગ છીએ. મિત્ર બન્યા રહેવું, સારા પાડોશી હોવું અને ડ્રૅગન અને હાથીનું સાથે આવવું ખૂબ જ જરૂરી છે."
વડા પ્રધાન મોદીએ શી જિનપિંગ સાથેની બેઠકમાં કઝાનમાં થયેલી મુલાકાત અને તાજેતરના કેટલાક સહમતિઓની ચર્ચા કરી.
તેમણે કહ્યું, "કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. બંને દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ રહી છે. અમારા સહયોગથી 2.8 અબજ લોકોનાં હિત જોડાયેલાં છે. આ સમગ્ર માનવજાતના કલ્યાણનો માર્ગ ખોલે છે. પરસ્પર વિશ્વાસ, સન્માન અને સંવેદનશીલતાના આધારે આપણે સંબંધો આગળ વધારવા પ્રતિબદ્ધ છીએ. SCOની અધ્યક્ષતા માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું."
ચીન સાથે વધતી વેપાર ખાધ

ઇમેજ સ્રોત, MEAIndia @x
વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, વેપાર મામલા અંગે "બંને ઇન્ટરનૅશનલ ટ્રેડને સ્થિર કરવામાં પોતાનાં અર્થતંત્રોની ભૂમિકા પર ભાર મૂક્યું. સાથે જ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવાની સાથોસાથ વેપાર ખાધને ઘટાડવા માટે પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યું."
ભારતીય વિદેશ મંત્રાલયના એક દસ્તાવેજ અનુસાર, ભારત-ચીન વચ્ચે વેપારમાં ચીનનું પલ્લું ભારે રહ્યું છે.
2024-25ના આંકડા જણાવે છે કે ભારતે ચીનમાં 14.25 અબજ ડૉલરની નિકાસ કરી જ્યારે આ દરમિયાન ચીનમાંથી આયાતનો આંકડો 113.46 અબજ ડૉલરનો રહ્યો છે, એટલે કે વેપાર ખાધ લગભગ 99.21 અબજ ડૉલરની હતી.
તેમજ પાછલાં પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો ખબર પડે છે કે ચીમાં ભારતની નિકાસ ધીમે ધીમે ઘટી છે, પરંતુ ચીનમાંથી તેની આયાત વધી છે. એટલે કે 2020-21માં વેપાર ખાધ 44.02 અબજ ડૉલરની હતી, જે 2024-25માં વધીને 99.21 અબજ ડૉલર થઈ ગઈ.
શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "ભારત અને ચીન બંને વ્યૂહરચનાત્મક સ્વાયત્તતા ઇચ્છે છે અને તેમના સંબંધોને કોઈ ત્રીજા દેશના દૃષ્ટિકોણથી ન જોવા જોઈએ."
આ સિવાય મોદીએ શી જિનપિંગને બ્રિક્સ શિખર સંમેલનમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું. 2026માં ભારત બ્રિક્સ સંમેલનની મેજબાની કરી રહ્યું છે. આના જવાબમાં શી જિનપિંગે બ્રિક્સ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પર કૉંગ્રેસના સવાલ
ચીનમાં રવિવારે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની દ્વિપક્ષીય વાતચીત પર કૉંગ્રેસે નિશાન સાધ્યું છે અને સવાલ કર્યા છે.
કૉંગ્રેસનું કહેવું છે, "જૂન 2020માં ગલવાન ખીણમાં ચીની આક્રામકતાને કારણે આપણા 20 બહાદુર જવાનોએ પોતાના જીવનું બલિદાન આપી દીધું હતું. તેમ છતાં 19મી જૂન, 2020ના રોજ વડા પ્રધાન મોદીએ ચીનને ક્લીનચિટ આપી દીધી."
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "શું 'ન્યૂ નૉર્મલ' ચીની આક્રમકતા તથા અમારી સરકારની કાયરતાથી પરિભાષિત કરાવું જોઈએ?"
પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં 15મી જૂન, 2020માં થયેલા સંઘર્ષને ભારત-ચીન સરહદ પર છેલ્લા ચાર દશકનો સૌથી ગંભીર સંઘર્ષ ગણાવાય છે.
આ સંઘર્ષમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે કે ચીનના પણ કેટલાક સૈનિકો માર્યા ગયા હતા.
કૉંગ્રેસે તેના અધિકારિક ઍક્સ એકાઉન્ટ પરથી લખ્યું, "ઑપરેશન સિંદૂરના સમયે ચીન ખૂલીને પાકિસ્તાનનો સાથ આપતું હતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












