અમેરિકાને ભારતીય ગવારની કેમ જરૂર છે? ગવાર ગમ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જાહ્નવી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
તમે ગવારનું શાક તો ખાતા જ હશો, પરંતુ તમે જાણો છો કે એ જ ગવાર ભારતને વર્ષે લાખો ડૉલર કમાવી આપે છે અને અમેરિકામાં તેની મોટી માત્રામાં નિકાસ કરવામાં આવે છે?
ક્લસ્ટર બીન્સ એટલે કે ગવાર ભારતમાં એક શાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ ગવારના બીન્સ એટલે કે તેનાં બીજમાંથી 'ગવાર ગમ' બનાવવામાં આવે છે.
ગવાર ગમની પાવડરની સ્વરૂપમાં ખૂબ મોટી માગ છે, કારણ કે તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં દ્રાવણને ઘટ્ટ બનાવવા માટે સ્ટેબિલાઇઝર અને બાઇન્ડર તરીકે કરવામાં આવે છે.
તેનો ઉપયોગ જમીનમાંથી ગૅસ અને ક્રૂડ ઑઇલ કાઢવા માટે, ખાસ કરીને શૅલ પ્રકારના ખડકોમાંથી ફ્રેંકિગ એટલે કે હાઇડ્રોલિક ફ્રૅક્ચરિંગ માટે કરવામાં આવે છે.
આ પ્રક્રિયા દરમિયાન ગવાર ગમ અને અન્ય પદાર્થોનું મિશ્રણ ખડકની તિરાડોમાં છોડવામાં આવે છે. તેનાથી ઑઇલ સરળતાથી વહે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પેટ્રોલિયમ ઉદ્યોગ ઉપરાંત ગવાર ગમનો ઉપયોગ અન્ન, ઔષધ, કાગળ અને કાપડ ઉદ્યોગમાં તથા સૌંદર્ય પ્રસાધનો ઉત્પાદનોમાં પણ કરવામાં આવે છે. આ બધાની વચ્ચે ભારત ગવાર ગમનો મુખ્ય સ્રોત છે.
ગવારની ખેતી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા તેમજ મહારાષ્ટ્રમાં થાય છે. તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પણ ગવાર ઉગાડવામાં આવે છે.
ભારતીય ગવારની અમેરિકા સહિતના દેશોમાં માગ

ઇમેજ સ્રોત, Getty Images
ગુવારની ખેતી પાકિસ્તાન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ચીન અને આફ્રિકામાં પણ થાય છે, પરંતુ ઍગ્રિકલ્ચર ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઍક્સ્પૉર્ટ ડેવલપમેન્ટ ઑથૉરિટી (ઍપેડા)ના આંકડા મુજબ, વિશ્વના કુલ પૈકી 80 ટકા ગવારનું ઉત્પાદન ભારતમાં થાય છે. માત્ર રાજસ્થાનમાં જ 72 ટકા ગવારનું ઉત્પાદન થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગવારને પુષ્કળ સૂર્યપ્રકાશ અને મધ્યમ વરસાદની જરૂર હોય છે. ભરપૂર વરસાદ થાય તો ગવારના છોડ પર પાંદડાં વધુ ઊગે છે અને શીંગ તથા બીજનું કદ વધતું નથી.
તેથી ચોમાસાની મધ્યમાં જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે એટલે કે જુલાઈ-ઑગસ્ટમાં ગવારનું વાવેતર કરવામાં આવે છે અને તેનો પાક ઑક્ટોબર-નવેમ્બરમાં લેવામાં આવે છે.
ભારતમાં ઉત્પાદિત કુલ પૈકીના 90 ટકા ગવાર ગમની નિકાસ કરવામાં આવે છે.
ભારતમાંથી વિવિધ સ્વરૂપે ગવાર તથા ગવાર ગમની નિકાસ કરવામાં આવે છે.
ઍપેડાની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા મુજબ, 2023-24માં ભારતમાંથી 4,17,674 મેટ્રિક ટન ગવાર ગમની નિકાસ કરવામાં આવી હતી, જેની કિંમત 541.65 કરોડ ડૉલર હતી.
અમેરિકા સૌથી મોટો આયાતકાર દેશ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત ગવાર ગમનો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જ્યારે અમેરિકા સૌથી મોટો આયાતકાર દેશ છે. અમેરિકા ઉપરાંત જર્મની, રશિયા, નૉર્વે અને નેધરલૅન્ડ્સને પણ ભારત ગવારની નિકાસ કરે છે.
ભારતે 2023-24માં અમેરિકામાં 106 મિલિયન ડૉલરના મૂલ્યના ગવાર ગમની નિકાસ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તા પર આવ્યા પછી તેમણે અમેરિકન ઑઇલ અને કુદરતી ગૅસ ઉદ્યોગ પરનાં નિયંત્રણો હટાવ્યાં છે. તેથી ગવાર ગમની માંગમાં મોટો વધારો થવાની અપેક્ષા હતી.
જોકે, ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો ત્યારથી બંને દેશો વચ્ચેના વ્યાપારના ભવિષ્ય બાબતે મૂંઝવણ સર્જાઈ છે.
અમેરિકન ટેરિફની અસર ગવાર ગમ માર્કેટને પણ થશે, એવું માનવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












