વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે દિલ્હી હાઇકોર્ટે કયો આદેશ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રીય માહિતી પંચ (સીઆઈસી)ના એ આદેશને રદ કરી દીધો જેમાં દિલ્હી યુનિવર્સિટી (ડીયુ)ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતક ડિગ્રી સાથે જોડાયેલી જાણકારી આપવાનું કહેવામાં આવ્યું હતું.
વર્ષ 2016ના એ આદેશમાં એક આરટીઆઈ કાર્યકર્તાને દિલ્હી યુનિવર્સિટીના 1978ના બીએના રેકૉર્ડ્સ જોવાની પરવાનગી આપવામાં આવી હતી.
લાઇવ લૉના અહેવાલ પ્રમાણે, સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટી તરફથી પેશ થતા કહ્યું હતું કે સીઆઈસીનો આદેશ ફગાવી દેવો જોઈએ.
તેમણે કહ્યું કે પીએમ મોદી પાસે 1978ની બૅચલર ઑફ આર્ટ્સની ડિગ્રી છે. તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. તેને કોર્ટને દેખાડવી જોઈએ. પરંતુ તેને બધા માટે સાર્વજનિક નહીં કરી શકાય.
મહેતાએ એમ પણ કહ્યું હતું કે માત્ર જિજ્ઞાસાના આધારે સૂચનાના અધિકારનો ઉપયોગ નહીં થઈ શકે.
અહેવાલ પ્રમાણે, બીજી તરફ, આરટીઆઈ અરજીકર્તા તરફથી પેશ વકીલ સંજય હેગડેએ કહ્યું હતું કે આ પ્રકારની જાણકારી યુનિવર્સિટી પોતે તેમના નોટિસ બોર્ડ પર, વેબસાઇટ પર કે વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરે છે.
સીઆઈસીએ પોતાના આદેશમાં દિલ્હી યુનિવર્સિટીના રેકૉર્ડ દેખાડવાનો નિર્દેશ આપ્યો હતો અને યુનિવર્સિટીના જનસૂચના અધિકારીની એ દલીલને ફગાવી દીધી હતી કે આ થર્ડ પાર્ટી પર્સનલ ઇન્ફોર્મેશન છે. પંચે એમ પણ કહ્યું હતું કે 'આ તર્કમાં ન તો કોઈ ઠોસ આધાર છે, ન કોઈ કાયદાકીય વૈધતા.'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને શૈક્ષણિક લાયકાત વિવાદોનો વિષય રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Eci
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને વ્યક્તિત્વ પર લખાયેલાં પુસ્તકોમાં તેમના અભ્યાસ વિશેની વિગતો છે. આ વિગતો અનુસાર :
નરેન્દ્ર મોદીની બહુ ઇચ્છા હતી કે પ્રાથમિક શિક્ષણ પછી જામનગરના બાલાચડીની સૈનિક સ્કૂલમાં ભણવા જાય, પણ તેમના પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે ત્યાં ભણવા જઈ શકે.
બીજું કે તેમના પિતાની પણ ઇચ્છા નહોતી કે ભણવા માટે વડનગરથી દૂર જાય. તેમણે નજીકના શહેરની કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો, પણ ત્યાં તેમની હાજરી ઓછી રહેતી હતી એટલે કૉલેજ છોડી દેવી પડી હતી.
બાદમાં તેમણે કોરસપોન્ડસ કોર્સથી દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાંથી એમ.એ. કર્યું હતું.
2007 અને 2012ની વિધાનસભા ચૂંટણી તથા 2014ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍફિડેવિટમાં માહિતી આપી હતી કે તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએનો અભ્યાસ કર્યો છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં આરટીઆઈ કરીને મોદીની અનુસ્નાતક ડિગ્રી માગવામાં આવી ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ માહિતી આપતા કહ્યું હતું કે તેમણે 1983માં પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું છે અને 800માંથી 499 માર્ક્સ મેળવ્યા હતા.
યુનિવર્સિટીએ કહ્યું હતું કે મોદીએ યુરોપિયન પોલિટિક્સ, સોશિયો-પોલિટિકલ થૉટ, પોલિટિકલ સાયકૉલૉજી, મૉડર્ન ઇન્ડિયા અને પોલિટિકલ ટૂલ્સ જેવા વિષયોનો અભ્યાસ કર્યો હતો.
વિવાદ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક જયંતીભાઈ પટેલે મોદીની ડિગ્રી વિશે 2016માં ફેસબુક પર ટિપ્પણી કરી હતી.
જયંતીભાઈ પટેલે કહ્યું હતું કે મોદીની ઍફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીએ જે માહિતી આપી છે તે અભ્યાસક્રમમાં આવા કોઈ વિષયો ઇન્ટર્નલ અને ઍક્સટર્નલ વિદ્યાર્થીઓને ભણાવાતા જ નથી.
જોકે, ગુજરાત યુનિવર્સિટીએ અધ્યાપકના આ દાવાને નકારી કાઢ્યો હતો.
મોદીની એમ.એ.ની ડિગ્રી વિશે માહિતી માટે કેટલાક લોકોએ આરટીઆઈ કરી હતી, ત્યારે તેમને જવાબમાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે 1983માં તેમણે એમ.એ.ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












