જગદીપ ધનખડના રાજીનામા અંગે અમિત શાહ પહેલીવાર શું બોલ્યા, વિપક્ષે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલી વાર પ્રતિક્રિયા આપી છે.
અમિત શાહે કહ્યું છે કે જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિને નજરકેદ કરવામાં આવ્યા હોવાની અટકળોને એમણે ફગાવી દીધી છે.
કૉંગ્રેસનું કહેવું છે કે અમિત શાહના નિવેદનથી જનદીપ ધનખડના ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં , અમિત શાહે ધનખડના રાજીનામા ઉપરાંત, 130મા બંધારણીય સુધારા અને આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જેવા મુદ્દાઓ પર સરકારનો પક્ષ મૂક્યો છે.
શું જગદીપ ધનખડ નજરકેદ છે?

ઇમેજ સ્રોત, ANI
શું ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પર સરકાર દ્વારા રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું?
આ પ્રશ્નના જવાબમાં અમિત શાહ કહે છે, "ધનખડ સાહેબના પત્રમાં રાજીનામું આપવાનું કારણ સ્પષ્ટ છે. તેમણે પોતાના સ્વાસ્થ્યનું કારણ આપીને રાજીનામું આપ્યું છે. તેમણે સરકારના તમામ મંત્રીઓ અને વડા પ્રધાનનો સારા કાર્યકાળ માટે આભાર માન્યો છે."

અમિત શાહના નિવેદન પછી, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઍક્સ પર લખ્યું , "આજે ગૃહમંત્રીએ આ વિશે કંઈક કહ્યું, પરંતુ તેનાથી રહસ્ય વધુ ઘેરું થયું છે. ખેડૂતોના સમર્થક રહેલા ઊર્જાવાન અને નીડર જગદીપ ધનખડ એક મહિનાથી વધુ સમયથી સંપૂર્ણપણે ગુમ કેમ છે તે કોઈને ખબર નથી."
શું જગદીપ ધનખડ નજરકેદ છે અને શું તેઓ બળવો કરવા માંગતા હતા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલ અંગે અમિત શાહ કહે છે, "કોઈએ વાતનું વતેસર ન કરવું જોઈએ. ધનખડજીએ પદ પર રહીને બંધારણ મુજબ સારું કામ કર્યું છે. તેમણે આરોગ્યને કારણે રાજીનામું આપ્યું છે. કોઈએ આ વાતને વધુ પડતી ખેંચીને કંઈક શોધવાનો પ્રયાસ ન કરવો જોઈએ."
'જેલમાંથી સરકાર નહીં ચાલે'

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બુધવારે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 130મા બંધારણીય સુધારા બિલ, 2025 રજૂ કર્યું હતું, જેનો વિપક્ષી સાંસદોએ જોરદાર વિરોધ કર્યો.
આ બિલમાં ભ્રષ્ટાચાર અથવા ગંભીર ગુનાના કેસમાં ઓછામાં ઓછા 30 દિવસ માટે અટકાયતમાં રાખવામાં આવેલા અથવા ધરપકડ કરાયેલા વડા પ્રધાન, મુખ્ય મંત્રી અને કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓને પદ પરથી હઠાવવાની જોગવાઈ છે.
પ્રિયંકા ગાંધીએ બિલને 'કઠોર' ગણાવ્યું, જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ તેને 'ગેરબંધારણીય' ગણાવ્યું.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ઍક્સ પર પોસ્ટ કરીને બિલની ટીકા કરી.
તેમણે લખ્યું, "જો કોઈ વ્યક્તિને ખોટો કેસ દાખલ કરીને જેલમાં મોકલવામાં આવે અને પછીથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવે, તો તેની સામે ખોટો કેસ દાખલ કરનાર મંત્રીને કેટલાં વર્ષની જેલ થવી જોઈએ?"
એએનઆઈ સાથેની મુલાકાતમાં અમિત શાહે કહ્યું, "દેશમાં એનડીએના મુખ્ય મંત્રીઓની સંખ્યા વધુ છે, વડા પ્રધાન પણ એનડીએના છે. તેથી આ બિલ ફક્ત વિપક્ષ માટે નથી. તે અમારા મુખ્ય મંત્રીઓને પણ આવરી લે છે. તેઓ (વિપક્ષ) કહી રહ્યા છે કે તમારા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી નથી."
"આ લોકો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ જાણે છે કે જો કોઈ વ્યક્તિ સામે આરોપો છે, તો તમે કોર્ટમાં જઈ શકો છો. કોર્ટ નક્કી કરશે કે એફઆઈઆર સાચી છે કે નહીં. આમાં શાસક પક્ષ અને વિપક્ષની વાત જ ક્યાં આવે છે?"
અમિત શાહનું કહેવું છે કે વડા પ્રધાન હોય કે મુખ્ય મંત્રી, આ દેશમાં જેલમાંથી કોઈ સરકાર ચલાવી શકતું નથી.
કૉંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો કહી રહ્યા છે કે સરકાર એવી સ્થિતિ ઊભી કરશે કે 30 દિવસમાં જામીન નહીં મળે અને વિપક્ષી મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું પડશે.
અમિત શાહે આ અંગે કહ્યું, "વિરોધી પક્ષોનો પોતાના પદ પર ચોંટી રહેવાનો આ તર્ક છે. મારું માનવું છે કે આપણી કોર્ટ સંવેદનશીલ છે અને જ્યારે કોઈ પોતાનું પદ ગુમાવે છે, ત્યારે કોર્ટ ચોક્કસ નિર્ધારિત સમયમર્યાદામાં જામીન પર નિર્ણય લેશે."
"જો સરકાર કંઈક ખોટું કરે છે, તો અદાલત ત્રીસ દિવસની અંદર નક્કી કરશે કે શું સાચું છે અને શું ખોટું."
કૉંગ્રેસ પર બેવડાં ધોરણોનો આરોપ લગાવતા ગૃહમંત્રીએ કહ્યું, "મનમોહન સરકાર દરમિયાન, કૉંગ્રેસ દોષિત સાંસદોને બચાવવા માટે એક વટહુકમ લાવી હતી, જેને રાહુલ ગાંધીએ જાહેરમાં ફાડી નાખ્યો હતો.''
"હવે એ જ રાહુલ દોષિત લાલુ યાદવ સાથે ચૂંટણી લડી રહ્યા છે. હવે લોકસભા અને રાજ્યસભાના સભ્યો સંયુક્ત સમિતિમાં આ બિલની સમીક્ષા કરશે."
વિપક્ષની પ્રતિક્રિયા
રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝા કહે છે કે અમિત શાહ લોકશાહીને વિરોધ-મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં મનોજ ઝાએ કહ્યું, "આ બિલ દ્વારા, માત્ર વિપક્ષ-મુક્ત લોકશાહીનો પ્રયાસ જ નથી કરવામાં આવી રહ્યો, પરંતુ લખનૌમાં બેઠેલા તેમના હરિફોને પણ પૂરા કરવાનો પ્રયાસ છે. તેઓ આંતરિક વિરોધ અને બાહ્ય વિરોધ બંનેને ખતમ કરવા માંગે છે."
"આ બિલ પહેલા પસાર થશે નહીં, અને જો તે પસાર થશે, તો તે સુપ્રીમ કોર્ટમાં એક મિનિટ પણ ટકી શકશે નહીં."

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર)નાં સાંસદ સુપ્રિયા સુળેએ કહ્યું કે દેશમાં પીએમએલએ કાયદો પહેલાંથી જ અસ્તિત્વમાં છે, તેથી આવા કાયદાની કોઈ જરૂર નથી.
સીપીઆઈ(એમ)નાં નેતા સુભાષિની અલીએ અમિત શાહના ઇન્ટરવ્યૂ પર કહ્યું કે આ બિલનો હેતુ વિપક્ષી મુખ્ય મંત્રીઓને નિશાન બનાવવાનો છે.
એએઆઈ સાથે વાત કરતાં સુભાષિની અલીએ કહ્યું, "કોઈપણ રાજકીય ગુનેગાર - પછી ભલે તે મંત્રી હોય કે મુખ્ય મંત્રી, જ્યાં સુધી તે વિપક્ષમાં હોય ત્યાં સુધી ગુનેગાર હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાતાની સાથે જ બધા કેસ પાછા ખેંચી લેવામાં આવે છે."
"આનું સૌથી મોટું ઉદાહરણ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી છે, જેમણે મુખ્ય મંત્રી બન્યા પછી તેમની સામેના બધા કેસ પાછા ખેંચી લીધા હતા."
બીબીસી માટે ક્લેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












