ભારતીય નૅવીએ 19 પાકિસ્તાની નાગરિકોને ચાંચિયાઓથી બચાવ્યા, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતીય નૅવીના યુદ્ધજહાજ આઈએનએસ સુમિત્રાએ માછલી પકડવા માટે નીકળેલા એક જહાજ પર સવાર 19 પાકિસ્તાની નાગરિકોને સોમાલિયાના પૂર્વીય તટ પરથી સમુદ્રી ચાંચિયાઓના કબ્જામાંથી છોડાવ્યા છે. આઈએનએસ સુમિત્રાએ જે જહાજમાંથી આ લોકોને બચાવ્યા તેના પર ઈરાનનો ધ્વજ લાગેલો હતો.

આઈએનએસ સુમિત્રાને સમુદ્રી લૂંટફાટ રોકવા અને સુરક્ષા અભિયાન માટે સોમાલિયાના પૂર્વ વિસ્તારમાં ઍડનના અખાતમાં તહેનાત કરવામાં આવ્યું છે.

સમાચાર ઍજન્સી પીટીઆઈએ ભારતીય નૅવીના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલના હવાલેથી લખ્યું છે કે, “સોમાલિયાના પૂર્વીય તટે ચાંચિયાઓ સામે વધુ એક અભિયાન સફળ થયું. આઈએનએસ સુમિત્રાએ માછલી પકડવા નીકળેલા જહાજ અલ-નઈમી અને તેના પર સવાર 19 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે. આ સાથે જ 11 સોમાલી ચાંચિયાઓને પણ પકડી લેવામાં આવ્યા છે.”

તેમના જણાવ્યા અનુસાર, 36 કલાકની અંદર જ આઈએનએસ સુમિત્રાએ અરબ સાગરમાં બીજીવાર કોઈ હાઈજેક થયેલા જહાજ અને તેના પર સવાર સદસ્યોને બચાવ્યા છે. તેમાંથી 17 લોકો ઈરાનના અને 19 લોકો પાકિસ્તાનના સદસ્ય હતા.

પહેલા 29 જાન્યુઆરીના દિવસે જ આઈએનએસ સુમિત્રાએ અન્ય એક જહાજના લોકોને બચાવ્યા હતા.

નૌકાદળ શા માટે આ કામ કરી રહ્યું છે?

આ બંને ઑપરેશન દક્ષિણી અરબ સાગરમાં પાર પાડવામાં આવ્યા હતા. જ્યાં ભારતીય નૌકાદળે વેપારી જહાજો પર ચાંચિયાગીરીનાં કૃત્યો માટે ‘મધર શિપ’ તરીકે આ માછીમારી જહાજોનો દુરુપયોગ થાય તે પહેલા જ તેને સફળતાપૂર્વક અટકાવ્યો હતો.

ભારતીય નૌકાદળના આઈએનએસ સુમિત્રાને ચાંચિયાઓ દ્વાર થતી લૂંટફાટની પ્રવૃત્તિઓને રોકવા અને સુરક્ષા અભિયાન માટે સોમાલિયાના પૂર્વ વિસ્તારમાં ઍડનના અખાતમાં તહેનાત કરવામાં આવ્યું છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ઉત્તર અરબી સમુદ્રમાં હાઇજેકિંગના પ્રયાસને નિષ્ફળ બનાવતા ભારતીય નૌકાદળના માર્કોઝ તરીકે ઓળખાતા મરીન કમાન્ડોએ 26 જાન્યુઆરીએ પણ આ પ્રકારના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

તેમણે લાઇબેરિયાના ધ્વજવાળા જહાજમાં સવાર થઈને ‘સેનિટાઇઝેશન’ નામનું ઓપરેશન હાથ ધરીને 15 ભારતીયો સહિત તેના 21 ક્રૂને બચાવ્યા હતા.

ભારતીય નૌકાદળ 2008થી 365-દિવસ 24 કલાક ચાંચિયાગીરી નિષ્ફળ બનાવવા માટે પેટ્રૉલિંગ કરે છે. તે વૈશ્વિક દરિયાઈ વેપાર માટે અને સંદેશાવ્યવહાર માટે જરૂરી એવા આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા કરવાનું મહત્ત્વપૂર્ણ કામ કરી રહી છે.

વર્ષ 2011માં ચાંચિયાગીરીમાં સામેલ એવી ચાર ‘મધર શિપ’ અને 120 ચાંચિયાઓને પૂર્વ અરબ સાગરમાં પકડવામાં આવ્યા હતા. જ્યારે 73 જેટલા માછીમારોને આ ઓપરેશનમાં બચાવી લેવામાં આવ્યા હતા.

2013-14માં આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ 2017 બાદ ફરીથી ઍડનના અખાતમાં અને સોમાલિયાના કિનારા નજીક આવી ઘટનાઓ સામે આવી હતી. 2020માં જહાજના સફળ હાઈજેકિંગની અનેક ઘટનાઓ સામે આવી હતી.

ભારતીય નૅવીએ 2011-2018 વચ્ચે 413 ભારતીય ધ્વજવાળાં જહાજો અને 2,041 વિદેશી જહાજોને સુરક્ષા પૂરી પાડી હતી જેથી તે સલામતીપૂર્વક તેમનાં નિયત સ્થળોએ જઈ શકે.

વર્ષોથી નૌકાદળે અરબી સમુદ્રમાં ચાંચિયાગીરીની આ આફતને અસરકારક રીતે નિયંત્રિત કરીને વધું જોખમવાળા વિસ્તારને અસરકારક રીતે પાછળ ધકેલી દીધો છે.

આ પહેલાં પણ ચાંચિયાગીરીના અનેક બનાવો, વેપારી જહાજો પર ડ્રૉન કે મિસાઈલના હુમલા ડિસેમ્બરથી સતત જોવા મળ્યા છે.

ગત અઠવાડિયે જ માર્શલ આઈલૅન્ડ્સ અને માર્લિન લુઆન્ડા નામનું ઑઇલ ટૅન્કર મિસાઈલ હુમલાનો ભોગ બન્યું હતું.

હાલમાં, ભારતીય નૌકાદળનાં 10થી 12 યુદ્ધજહાજો અરબ સાગરમાં તહેનાત કરવામાં આવેલાં છે. જેમાં આઈએનએસ કૉલકાતા, આઈએનએસ ચેન્નાઈ તથા ઘણી મનવારો સામેલ છે. ભારતીય નૌકાદળના પી8એલ મેરિટાઈમ પેટ્રૉલ ઍરક્રાફ્ટ, એમક્યૂ- 9બી ડ્રૉન અને ડૉર્નિયર ઍરક્રાફ્ટ્સ પણ અરબી સમુદ્રમાં સતત પેટ્રોલિંગનું કામ કરે છે.

સોમાલિયા: ચાંચિયાઓનું ઘર

ભારતની દક્ષિણ-પશ્ચિમે યમન નજીક ઍડનના અખાત પાસે આવેલો સોમાલિયા દેશ ચાંચિયાઓ માટે કુખ્યાત છે.

અરબ સાગર, લાલ સમુદ્ર અને ભૂમધ્ય સાગર – આ ત્રણેય વિસ્તારો એશિયાથી યુરોપના સમુદ્રી વેપાર માટેના રૂટ ગણાય છે. આ રૂટમાં સોમાલિયાના ચાંચિયાઓની લૂંટફાટનો ખતરો વધુ રહેતો હોય છે.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોમાલિયાના કિનારા નજીક સમુદ્રી ચાંચિયાગીરીની આંતરરાષ્ટ્રીય પેટ્રૉલિંગની પ્રવૃત્તિમાં મોટાપાયે ઘટાડો આવ્યો છે. જેના કારણે માછીમારોને પણ ઘણી રાહત થઈ છે.

2011માં ચાંચિયાગીરીની ઘટનાઓ સૌથી વધુ જોવા મળી હતી. એ વર્ષે 237 હુમલાઓ થયા હતા અને તેના કારણે 8 અબજ ડૉલરનું નુકસાન થયું હતું.

2015માં સોમાલિયાના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સમુદાય અહીં નોકરીઓ અને સુરક્ષા તથા દરિયામાં ગેરકાયદે માછીમારી સામે લડવામાં મદદ ન કરે ત્યાં સુધી ચાંચિયાગીરીનો ખતરો ટળવાનો નથી.

કેટલાક સોમાલિયાના માછીમારો વિદેશી લોકોની ગેરકાયદેસર માછીમારીને કારણે તેમની આજીવિકા નાશ પામી હોવાથી ચાંચિયાગીરી તરફ પાછા વળ્યા હતા.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત સહિત યુએનના સલામતી સમિતિના પાંચ સભ્ય દેશો, નાટો વગેરેના સંયુક્ત પ્રયાસોના ભાગરૂપે આવી ઘટનાઓમાં ઘટાડો આવ્યો છે. પણ આ પ્રકારની ઘટનાઓ પર પૂર્ણવિરામ લાગ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી લાલ સમુદ્રમાં ચાંચિયાઓએ જહાજો હાઈજેક કર્યાના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે, જેના કારણે ફરીથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભય વ્યાપ્યો છે.