You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટમાં ટીઆરપી આગ-દુર્ઘટના મુદ્દે કૉંગ્રેસનાં ધરણાં-પ્રદર્શન
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી આગની દુર્ઘટના અંગે ગુજરાત કૉંગ્રેસ પાર્ટીએ રાજકોટમાં ધરણાં-પ્રદર્શન કર્યાં હતાં અને રેલી કાઢી હતી.
બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી પ્રમાણે આ વિરોધપ્રદર્શનમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા, બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી પણ હાજર રહ્યાં હતાં. નરેન્દ્ર સોલંકી અને કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આ મામલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમેટીએ રાજકોટ શહેર પોલીસ કમિશનરને એક આવેદન પત્ર પણ આપ્યું હતું.
કૉંગ્રેસે આ આવેદનપત્રમાં પીડિતોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની એસઆઈટી એ મૂળ તો 'ભીનું સંકેલો સમિતિ' છે. ત્રિવેદી રાજકોટમાં સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિદેશક છે ને એસઆઈટીને લીડ કરે છે.
પાર્ટીએ આવેદનપત્રમાં કહ્યું, “અગ્નિકાંડ માટે જવાબદાર સત્તાધારી રાજકીય નેતાઓની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે અને એમની તત્કાલિક ધરપકડ કરવામાં આવે.”
આ પ્રદર્શન દરમિયાન હાજર કૉંગ્રેસનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “આ ઘટનાઓની તટસ્થ તપાસ કરીને ગુનેગારોને સજા થવી જોઈએ. આ સજા નથી મળતી એટલે જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટે છે. પીડિતોને જ્યાં સુધી ન્યાય નહિં મળે ત્યા સુધી કૉંગ્રેસ આ પરિવારોને ન્યાય અપાવવાનું કામ કરશે. આ બાબતે ભારતીય જનતા પાર્ટીના 25 સાંસદોએ પણ અમારી સાથે આવવું જોઈએ.”
નોંધનીય છે કે ગયા મહિને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગને કારણે 27 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીનાં વડાં પ્રધાન જિયોર્જિયા મેલોની સાથે શું વાતચીત કરી?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇટાલીનાં વડાં પ્રધાન જિયોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દ્વિપક્ષીય વાર્તા દરમિયાન બંને દેશનાં સમકક્ષો વચ્ચે રક્ષા અને સુરક્ષા સહયોગ પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત બંનેએ ભારત અને ઇટાલી વચ્ચે રક્ષા અને ઔદ્યોગિક સહયોગ વધારવા માટે પણ ચર્ચા કરી હતી.
ઇટાલીનાં વડાં પ્રધાન જિયોર્જિયા મેલોનીના નિમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યા હતા. ભારત જી-7નો ભાગ નથી. જોકે, વડા પ્રધાનને એક મહેમાન તરીકે નિમંત્રિત કરવામા આવ્યા હતા.
વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામા આવેલા એક નિવેદનમાં કહેવામા આવ્યું હતું, “બન્ને પક્ષો રક્ષા ઔદ્યોગિક સહયોગને વધારવાની આશા રાખે છે.”
વડા પ્રધાન મોદીએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઇટાલીના સૈન્યઅભિયાનમાં ભારતીય સેનાના યોગદાનને યાદ કરવા માટે ઇટાલીની સરકારનો આભાર માન્યો હતો.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત ઇટાલીના મોન્ટોનસ્થિત યશવંત ઘાડગે સ્મારકને અપગ્રેડ કરશે.
ત્રીજી વખત વડા પ્રધાન બનનાર નરેન્દ્ર મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. આ દરમિયાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સહિત ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુલ મૅક્રૉન અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી.
કેન્દ્રિય મંત્રી જીતનરામ માંઝી અનામત વિશે શું બોલ્યા?
હિન્દુસ્તાની આવામી મોર્ચા (હમ)ના નેતા અને કેન્દ્રિય મંત્રી જીતનરામ માંઝીએ અનામતના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, “બંધારણ કે અનામતને કોઈ ખતરો નથી, વિપક્ષે આ વિશે ખોટો પ્રચાર કરીને રાજકીય ફાયદા ઉઠાવ્યો છે.”
તેમણે કહ્યું, “બેરોજગારીનો જે સવાલ છે તો નરેન્દ્ર મોદી, નાના અને મધ્યમ ઉદ્યોગો થકી બેરોજગારી દૂર કરવાનો પ્રયત્નો કરી રહ્યા છે. આથી વધારે પ્રયત્નો કોઈ કરી ન શકે.”
મોદી સરકારમાં માંઝી નાના, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી છે.
બિહારનાં પૂર્વ ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવના નોકરી આપવાના દાવા પર માંઝીએ કહ્યું, “તેઓ કહે છે કે 17 મહિનાની અંદર લાખો નોકરીઓ આપી છે. તેઓ લોકોને મૂર્ખ બનાવે છે. મુખ્ય મંત્રીના હસ્તાક્ષર વગર કોઈને પણ નોકરી મળતી નથી.”
તેમણે કહ્યું કે જે લોકોને બંધારણ વિશે ખબર નથી એવા લોકોને તેઓ (તેજસ્વી યાદવ) મૂર્ખ બનાવે છે.
વિપક્ષે 2024ની લોકસભા ચૂંટણીમાં અનામત અને બંધારણના મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. વિપક્ષે ભાજપ પર ચૂંટણી જીત્યા પછી અનામત ખતમ કરવાનો અને બંધારણમાં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
સિરિલ રામફોસા ફરી એકવાર દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે.
સત્તાધારી આફ્રિકી રાષ્ટ્રીય કૉંગ્રેસ (એએનસી) અને વિપક્ષી દળો વચ્ચે એક ઐતિહાસિક ગઠબંધન સમજૂતી પછી દક્ષિણ આફ્રિકાની સંસદે સિરિલ રામફોસેને ફરી એકવાર દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા.
દક્ષિણ આફ્રિકાની નવી સરકારમાં રામફોસાની એએનપી, સેન્ટર-રાઇટ ડેમૉક્રૅટિક અલાયન્સ (ડીએ) અને નાના પક્ષો સામેલ છે.
રામફોસેએ જીત પછી આપેલા ભાષણમાં ગઠબંધનનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું કે મતદારોને આશા છે કે નેતા દેશમાં બધાની ભલાઈ માટે કામ કરશે.
આ સમજૂતી ઘણા રાજકીય નાટકો પછી થઈ હતી. એએનસીના મહાસચિવ ફિકિલે મબાલુલાએ ગઠબંધનને એક ઉલ્લેખનીય પગલું ગણાવ્યું હતું.
રામફોસા 2018માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમણે સત્તાસંઘર્ષ પછી રાષ્ટ્રપતિ અને એએનસીના નેતા તરીકે જૅકબ ઝુમાનું સ્થાન લીધું હતું. તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ બનાવમા સફળ રહ્યા.