"ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીનું હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ"

ઈરાનના સરકારી ટીવીની માહિતી પ્રમાણે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીનું હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

આ દુર્ઘટનામાં ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન સહિત હેલિકૉપ્ટરમાં સવાર અન્ય લોકોનું પણ મૃત્યુ નિપજ્યું છે.

સમાચાર એજન્સી એએફપીના અહેવાલ પ્રમાણે, હેલિકૉપ્ટરમાં બૉડીગાર્ડ, પાઇલટ, કો-પાઇલટ, સુરક્ષા પ્રમુખ જેવા અધિકારીઓ પણ હતા.

બચાવ દળના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા પછી આ જાણકારી સામે આવી છે.

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ પ્રમાણે ઈરાનના એક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકૉપ્ટર સંપૂર્ણપણે બળી ગયું છે.

દુર્ઘટનાસ્થળ જ્યાં હાર્ડ લૅન્ડિંગની આશંકા હતી તેનાથી બે કિલોમીટર દૂર છે.

ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીની શોધ માટે ચાલી રહેલા અભિયાનમાં તુર્કીના ડ્રોને હેલિકૉપ્ટર કઈ જગ્યાએ ક્રૅશ થયું તેની જાણકારી મેળવી લીધી છે.

સમાચાર એજન્સી અનાદોલુ પ્રમાણે, તુર્કીએ રાષ્ટ્રપતિ રઈસીના હેલિકૉપ્ટર ક્રૅશના શોધ અભિયાનમાં મદદ માટે ડ્રોન મોકલ્યા હતા.

એજન્સીએ ડ્રોનનું ફુટેજ જાહેર કર્યું છે, જેમાં રાતના એક પહાડ પર કાળાં નિશાન જોવા મળી રહ્યાં છે.

એજન્સીના અહેવાલ મુજબ ફૂટેજમાં જે પણ જાણકારી મળી છે તે ઈરાનના અધિકારીઓ સાથે શૅર કરવામાં આવી છે.

આ હેલિકૉપ્ટર રઈસીના કાફલાના ત્રણ હેલિકૉપ્ટર પૈકી એક હતું.

રાષ્ટ્રપતિ રઈસીની શોધમાં રવિવારથી જ મોટું અભિયાન ચાલી રહ્યું છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખામેનઈએ કહ્યું છે કે ઈરાનના વહીવટીતંત્રને આ દુર્ઘટનાને કારણે અસર થશે નહીં.

ભારત સહિત વિશ્વભરનાં નેતાઓ ઈરાનના રાષ્ટ્રપતિની સલામતી માટે પ્રાર્થના કરે છે.

ઈરાનની આપાત સેવા પ્રમાણે ઘટનાસ્થળ માટે આઠ ઍમ્બુલન્સને મોકલવામાં આવી હતી. જોકે, ખરાબ વાતાવરણને કારણે બચાવદળને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક મીડિયા પ્રમાણે, રાષ્ટ્રપતિ રઈસી અઝરબૈઝાનમાં કિઝ કલાસી અને ખોદાફરીન ડૅમનું ઉદઘાટન કર્યા પછી તબરેઝ શહેર તરફ જઈ રહ્યા હતા.

બચાવદળ સાથે હાજર ફાર્સ ન્યૂઝના એક સંવાદદાતાએ આપેલી માહિતી પ્રમાણે ભારે ધુમ્મસને કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.

રિપોર્ટર અનુસાર, આ પહાડી અને વૃક્ષોથી ભરેલા વિસ્તારમાં વિઝિબિલિટી માત્ર પાંચ મીટર સુધીની હતી.

જ્યાં હેલિકૉપ્ટરે હાર્ડ લૅન્ડિંગ કર્યું હતું, ત્યાંનો વિસ્તાર તબરેઝ શહેરથી પચાસ કિમી દૂર વર્ઝેકાન શહેરની પાસે છે.

તબરેઝ ઈરાનના પૂર્વીય અઝરબૈઝાન પ્રાંતની રાજધાની છે.

ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુ પછી હવે શું થશે?

ઈરાનના બંધારણમાં એ વાતની જોગવાઈ છે કે જો રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય તો સત્તા કોની પાસે રહેશે.

ઈરાનના બંધારણના અનુચ્છેદ 131 પ્રમાણે, જો રાષ્ટ્રપતિની મોત થાય કે તેઓ પદ પરથી હટે તો ચૂંટણી થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિનો પદભાર ઉપ-રાષ્ટ્રપતિ સંભાળી શકે છે.

ઇબ્રાહીમ રઈસીના મૃત્યુ પછી હવે ઉપ-રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબર ઈરાનના રાષ્ટ્રપતિ બની શકે છે.

મોહમ્મદ મોખબર વધુમાં વધુ 50 દિવસ સુધી જ દેશના રાષ્ટ્રપતિ રહી શકે છે.

બંધારણ અનુસાર 50 દિવસની અંદર રાષ્ટ્રપતિને ચૂંટવા માટે ચૂંટણી થવી જોઈએ.

જોકે, આ વાત ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ

ની મંજૂરી પર આધાર રાખે છે.

ઇબ્રાહીમ રઈસીનું મૃત્યુ દુર્ઘટનામાં થઈ હતી. આ કારણે કહેવું મુશ્કેલ છે કે આવનારા 50 દિવસોમાં ઈરાનમાં ચૂંટણી થશે કે નહીં.

ઇબ્રાહીમ રઈસીને છેલ્લી ચૂંટણીમાં કોઈ ખાસ પડકાર મળ્યો ન હતો. છેલ્લી ચૂંટણીમાં માત્ર 30 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ઈરાનના મોટાભાગના મતદારોએ છેલ્લી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

અમેરિકાના વરિષ્ઠ સંસદ સભ્યએ આ ઘટના વિશે શું કહ્યું?

ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીના હેલિકૉપ્ટર ક્રેશની ઘટના વિશે અમેરિકાના સંસદ સભ્ય ચક શૂમરે પ્રતિક્રિયા આપી હતી.

સેનેટમાં ડેમોક્રેટ પાર્ટીના વરિષ્ઠ સંસદ સભ્ય ચક શૂમરે કહ્યું કે હેલિકૉપ્ટર ક્રેશ પાછળ કોઈ પણ પ્રકારનું ષડ્યંત્ર છે તેવું હાલમાં ન કહી શકાય.

શૂમરે કહ્યું, “અત્યાર સુધી કોઈ પુરાવા મળ્યા નથી જેના આધારે કહી શકાય કે હેલિકૉપ્ટર ક્રેશ પાછળ કોઈ ષડ્યંત્ર હતું.”

“ઉત્તર પશ્ચિમ ઈરાનમાં જ્યા હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યા વાતાવરણ અત્યંત ખરાબ હતું. આ દુર્ઘટના જ લાગી રહી છે, પરંતુ આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ બાકી છે.”

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને દુર્ઘટના વિશે બધી જ જાણકારી આપવામા આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારત ઈરાનની સાથે છે

ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના મોત પર ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યકત કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એકસ પર લખ્યું, “ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીના નિધનને કારણે ભારે આઘાત લાગ્યો છે.”

“ભારત-ઈરાનના સંબંધોને મજબૂત કરવામાં ઇબ્રાહીમ રઈસીનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું અને તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં ભારત ઈરાનની સાથે છે.”

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહયાનના મૃત્યુથી આઘાત લાગ્યો છે.

“મારી મુલાકાત તેમની સાથે જાન્યુઆરી 2024માં થઈ હતી. આ મુશ્કેલ સમયમાં અમે ઈરાનના લોકોની સાથે છીએ.”

કોણ છે ઇબ્રાહીમ રઈસી

રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસી ઈરાનના કટ્ટરપંથી નેતા અને દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ અલી ખમેનેઈના નજીક માનવામાં આવે છે.

તેમણે વર્ષ 2021માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી હતી. ચૂંટણી અભિયાન દરમિયાન રઈસીએ પોતાનો એક એવી વ્યક્તિ તરીકે પ્રચાર કર્યો કે તેઓ રૂહાની શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અને આર્થિક સંકટને નાથવા સૌથી સારો વિકલ્પ છે.

ઈરાની ન્યાયપાલિકાના પ્રમુખ રહેલા રઈસીના રાજકીય વિચારો ‘અતિ કટ્ટરપંથી’ માનવામાં આવે છે.

ઇબ્રાહીમ રઈસીનો જન્મ વર્ષ 1960માં ઈરાનના બીજા નંબરના સૌથી મોટા શહેર મશહદમાં થયો હતો. શિયા મુસ્લિમો માટે સૌથી પવિત્ર માનવામાં આવતી મસ્જિદ પણ આ શહેરમાં જ આવેલી છે.

રઈસીના પિતા એક મૌલવી હતા. રઈસી જ્યારે માત્ર પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું.

ઇબ્રાહીમ રઈસી શિયા પરંપરા પ્રમાણે હંમેશાં કાળી પાઘડી પહેરે છે, જે દર્શાવે છે કે તેઓ મહંમદ પગમ્બરના વંશજ છે.

તેમણે પણ તેમના પિતાના પગલે ચાલતા 15 વર્ષની ઉંમરે જ કોમ શહેરમાં આવેલી એક શિયા સંસ્થામાં ભણતર શરૂ કર્યું.

તેમણે પોતાના વિદ્યાર્થીજીવન દરમિયાન પશ્ચિમ દેશો દ્વારા સમર્થિત મહંમદ રેઝા શાહની વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ અયાતોલ્લા રૂહોલ્લા ખોમૈનીએ ઇસ્લામિક ક્રાંતિ થકી વર્ષ 1979માં શાહને સત્તામાંથી હટાવી દીધા હતા.

‘ડેથ કમિટી’ના સભ્ય

ઇબ્રાહીમ રઈસીએ ઇસ્લામિક ક્રાંતિ પછી ન્યાયપાલિકામાં કામ કરવાનું શરૂ કર્યું અને કેટલાંય શહેરોમાં વકીલ તરીકે કામ કર્યું હતું.

તેમણે આ દરમિયાન ઈરાની ગણતંત્રના સંસ્થાપક અને વર્ષ 1981માં ઈરાનના રાષ્ટ્રપતિ બનેલા અયાતોલ્લા રૂહોલ્લા ખુમૈની પાસેથી શિક્ષણ પણ મળી રહ્યું હતું.

રઈસી જ્યારે માત્ર 25 વર્ષના હતા ત્યારે તેઓ ઈરાનના ડેપ્યુટી પ્રોસિક્યૂટર (સરકારના બીજા નંબરના વકીલ) બની ગયા.

ત્યાર બાદ તેઓ જજ બન્યા અને વર્ષ 1988માં બનેલા ગુપ્ત ટ્રાઇબ્યૂનલ્સમાં સામેલ થઈ ગયા હતા. આ ટ્રાઇબ્યૂનલ “ડેથ કમેટી”ના નામે પણ જાણીતી છે.

આ ટ્રાઇબ્યૂનલ્સમાં હજારો રાજકીય કેદીઓ પર ફરીથી કેસ ચલાવવામાં આવ્યા, જે કેદીઓ પોતાની રાજકીય પ્રવૃત્તિઓને કારણે અગાઉથી જ જેલની સજા ભોગવી રહ્યા હતા.

આ રાજકીય કેદીઓમાં મોટા ભાગના લોકો ઈરાનમાં ડાબેરી અને વિપક્ષી સમૂહ મુજાહિદીન-એ-ખલ્કા અથવા પીપલ્સ મુજાહિદીન ઑર્ગેનાઇઝેશન ઑફ ઈરાનના સભ્યો હતા.

આ કમિટીએ કુલ કેટલા રાજકીય કેદીઓને મોતની સજા ફટકારી તેની ચોક્કસ સંખ્યાની માહિતી નથી. જોકે, માનવાધિકાર સમૂહોનું કહેવું છે કે લગભગ 5,000 પુરુષો અને મહિલાઓ સામેલ હતાં.

આ કેદીઓને ફાંસી પછી અજ્ઞાત સામૂહિક કબરોમાં દફન કરવામાં આવ્યા હતા. માનવાધિકાર કાર્યકર્તાઓ આ ઘટનાને માનવતાની વિરુદ્ધ ગુનો ગણાવે છે.

ઇબ્રાહીમ રઈસીએ આ મામલે પોતાની ભૂમિકા નકારી હતી. રઈસીએ કહ્યું હતું કે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતોલ્લા ખોમૈનીના ફતવા પ્રમાણે આ સજા ‘યોગ્ય’ હતી.