બંધારણ દિવસ : 'આપખુદશાહી'ના આરોપો વચ્ચે નહેરુએ કહ્યું, પરિસ્થિતિ 'સહનશક્તિની હદ વટાવી ગઈ'

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

બંધારણ અમલી થયાના થોડાક મહિનાઓમાં જ સરકારની આર્થિક અને સામાજિક નીતિઓ સામે પડકાર ઊભા થવા લાગ્યા હતા. નવા બંધારણનો આધાર ટાંકીને વેપારીઓ, જમીનદારો, સંપાદકો અને પીડિત વ્યક્તિઓએ વારે વારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને અદાલતનાં દ્વાર દેખાડવાનું શરૂ કરી દીધું હતું.

સરકાર પર આરોપ હતા કે તે માત્ર નાગરિક હકોનું જ હનન નથી કરતી, બલકે, પ્રેસ પર સેન્સરશિપ પણ લાગુ કરી રહી છે અને જમીનદારોની સંપત્તિ પડાવી લેવાની કોશિશ કરી રહી છે.

બંધારણ લાગુ થયાના 14 મહિનામાં જ અદાલતોએ સરકાર વિરુદ્ધ ઘણા ચુકાદા આપી દીધા હતા.

ભારતીય બંધારણમાં 1951માં લાગુ કરાયેલા પ્રથમ સુધારા બિલ હેઠળ મૌલિક અધિકારોની જોગવાઈઓમાં ઘણા ફેરફાર કરાયા હતા.

આ સુધારામાં અભિવ્યક્તિની આઝાદીને સીમિત કરવા અને જમીનદારી નાબૂદી કાયદાને માન્ય કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. સાથે જ એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે સમાનતાનો અધિકાર સમાજના નબળા વર્ગો માટે ‘વિશેષ અધિકાર’ આપનાર કાયદાના અધિનિયમનને અટકાવતો નથી.

પરંતુ, આ સુધારા માટે સરકારે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

ત્રિપુરદમન સિંહે પોતાના પુસ્તક ‘સિક્સ્ટીન સ્ટૉર્મી ડેઝ ધ સ્ટોરી ઑફ ધ ફર્સ્ટ અમેન્ડમેન્ટ ટૂ ધ કૉન્સ્ટિટ્યૂશન ઑફ ઇન્ડિયા’માં લખ્યું છે, “દિલ્હીમાં આરએસએસના મુખપત્ર ‘ઑર્ગેનાઇઝર’ની ફરિયાદના આધારે અદાલતે સરકારને ખોટી ઠરાવી દીધી હતી.”

“બનેલું એવું કે, દિલ્હીના ચીફ કમિશનરે પૂર્વ પંજાબ સુરક્ષા કાયદા હેઠળ ઑર્ગેનાઇઝરને આદેશ આપેલો કે તે દરેક અંક છાપતાં પહેલાં સરકારની મંજૂરી લે.”

“આ જ રીતે બૉમ્બેમાં નહેરુ અને કૉંગ્રેસ સરકારની ટીકા કરનારા ડાબેરી સાપ્તાહિક ‘ક્રૉસરોડ’ પર પ્રતિબંધ મૂકવાના સરકારી આદેશને અદાલતે રદ કરી દીધો હતો.”

“ઉત્તરપ્રદેશમાં અલાહાબાદ હાઈકોર્ટે જમીનદારી નાબૂદી કાયદા હેઠળ કાર્યવાહી માટેના ઘણા કેસને અમાન્ય જાહેર કરી દીધા હતા.”

ઘણા સરકારી નિર્ણયોને અદાલતમાં પડકારાયા

મધ્ય પ્રદેશમાં બીડી કાયદાને (જેનાથી બીડીના ઉત્પાદન પર સરકારનું નિયંત્રણ રહેતું હતું) સુપ્રીમ કોર્ટે અમાન્ય જાહેર કરી દીધો.

મદ્રાસમાં શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિના આધારે અનામતના સરકારના આદેશને મદ્રાસ હાઈકોર્ટે એવા આધારે રદ કરી દીધો કે એનાથી બંધારણની કલમ 15(1)નું ઉલ્લંઘન થાય છે.

સુપ્રીમ કોર્ટે પણ આ આદેશની પુષ્ટિ કરતાં સરકારી નોકરીઓમાં જાતિના આધારે અનામત પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

બંધારણ અમલી બન્યાના 15 મહિનામાં જ બિહાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મદ્રાસમાં અદાલતોએ સરકાર વિરુદ્ધ ચુકાદા આપ્યા હતા.

ઈ.સ. 1951ની શરૂઆતમાં—જ્યારે ચૂંટણી ખૂબ નજીક હતી એવા સમયે—વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ દેશના બધા મુખ્ય મંત્રીઓને એક પત્રમાં લખ્યું, “પરિસ્થિતિ હવે સહનશક્તિની હદ વટાવી ગઈ છે. આપણે તેનું સમાધાન શોધવું પડશે, જો તેનો અર્થ બંધારણમાં સુધારો હોય તોપણ.” (નહેરુઝ લેટર્સ ટૂ ચીફ મિનિસ્ટર્સ, પૃ. 325)

પ્રથમ સુધારાને કહેવાયો ‘બીજું બંધારણ’

નહેરુએ આનું એકમાત્ર સમાધાન એ શોધ્યું હતું કે બંધારણને એવી રીતે ઢાળી દેવાય કે સરકારી આદેશોને અદાલતમાં પડકારી ન શકાય.

તેમણે મુખ્ય મંત્રીઓને લખેલા પત્રમાં ફરીથી કહ્યું કે, “સરકારની સામાજિક નીતિ લાગુ કરવામાં અદાલતો અને બંધારણને વચ્ચે આવવા નહીં દેવાય.”

આવી પરિસ્થિતિમાં વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 12 મે 1951ના દિવસે સંસદમાં પહેલું બંધારણ સુધારો બિલ રજૂ કર્યું.

આ બિલ મૂળ બંધારણીય જોગવાઈઓ કરતાં એટલું બધું જુદું હતું કે જાણીતા કાયદા-ઇતિહાસવિદ ઉપેન્દ્ર બક્ષીએ તેને ‘બીજું બંધારણ’ કે ‘નહેરુનું બંધારણ’ એવું નામ આપ્યું.

(ઉપેન્દ્ર બક્ષી, જ્યૂડિશરી એજ અ રિસોર્સ ફૉર ઇન્ડિયન ડેમોક્રસી, સેમિનાર, અંક 615)

શ્યામાપ્રસાદ મુખરજીનો વિરોધ

પ્રથમ બંધારણ સુધારાની ચર્ચામાં બોલતાં જવાહરલાલ નહેરુએ કહેલું, “જે ભવ્ય બંધારણનું આપણે નિર્માણ કરેલું, કેટલાક દિવસો પછી વકીલોએ તેનું અપહરણ કરી લીધું.”

રામબહાદુર રાયે પોતાના પુસ્તક ‘ભારતીય બંધારણ, અનકહી કહાની’માં લખ્યું છે, “નહેરુ વકીલો પર નહીં, એ ન્યાયાધીશો પર પ્રહાર કરી રહ્યા હતા જેમણે બંધારણસંમત ચુકાદા આપ્યા હતા.”

“તેમના ચુકાદાથી નહેરુ ગુસ્સે થયા એટલું જ નહીં, બલકે, બંધારણને બદલીને તેમને પાઠ ભણાવવા માગતા હતા.”

રાયે આગળ લખ્યું છે, “અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ મૂકવા માટે અંગ્રેજ જમાનાની જોગવાઈઓ અને શબ્દજાળને પુનઃ સ્થાપિત કરવામાં આવી.”

“જાહેર હિત, રાજ્યની સુરક્ષા અને વિદેશો સાથેના સંબંધો ખરાબ થવા જેવા અપરિભાષિત શાબ્દિક રસ્તા શોધી કાઢવામાં આવ્યા.”

“કૉલોનિયલ (વસાહતી) વાતાવરણમાં જન્મેલી ને ઊછરેલી અમલદારશાહીએ નહેરુના સંકેત મળતાં આ વાતોને બંધારણ સુધારાનો ભાગ બનાવી.”

એ જ વર્ષે આગળ જતાં ભારતીય જન સંઘની સ્થાપના કરનારા શ્યામાપ્રસાદ મુખરજીએ આનો વિરોધ કરતાં કહ્યું, “આનાથી સરકારને પોતાની મરજી મુજબ કરવાની પૂરી આઝાદી મળી ગઈ છે.”

“નહેરુ સરકારે બંધારણના મૌલિક સિદ્ધાંતોને ફેરવી નાખ્યા છે, જેનાથી નાગરિક સ્વતંત્રતામાં સરકારનો હસ્તક્ષેપ વધશે અને ‘અલોકતાંત્રિક’ પગલાં ભરવામાં આવશે.”

પ્રેસ, બુદ્ધિજીવીઓ અને વેપારીઓએ પણ વિરોધ કર્યો

સંસદની બહાર પ્રેસ, બુદ્ધિજીવીઓ, વેપારીઓ, બંધારણવિદો અને વકીલોએ પણ તેનો ભારે વિરોધ શરૂ કરી દીધો.

અખિલ ભારતીય સમાચારપત્ર સંપાદક સંમેલન અને ફિક્કીએ આનો વિરોધ કરતાં પ્રસ્તાવ પસાર કર્યા અને વડા પ્રધાનને મળવા માટે પોતાનાં પ્રતિનિધિમંડળ મોકલ્યાં.

તે સમયના એક યુવા વકીલ અને બાદમાં જજ બનેલા રજિંદર સચ્ચરે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને પત્ર લખીને કહ્યું, “આ સુધારાનો હેતુ સરકારની ટીકાના અવાજો દબાવી દેવાનો છે” (લેટર્સ ટૂ ઍડિટર્સ, 30 એપ્રિલ 1951).

લાહૌર ષડ્‌યંત્ર કેસમાં ભગતસિંહના વકીલ રહેલા પીએન મહેતાએ નહેરુને તેમનું જૂનું નિવેદન યાદ કરાવ્યું હતું, જેમાં તેમણે કહેલું કે, અભિવ્યક્તિની આઝાદી પર નિયંત્રણનો સરકારનો કશો ઇરાદો નથી.

સંસદમાં ઉગ્ર વાદવિવાદ

બંધારણ સુધારા બિલ પરની ચર્ચાની પૂર્વસંધ્યાએ લોકસભા અધ્યક્ષ જીકે માવળંકરે નહેરુને પત્ર લખીને પોતાના વાંધા દર્શાવ્યા હતા.

રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદનો અભિપ્રાય હતો કે ‘અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ મૂકવાનું કશું આવશ્યક કારણ નથી દેખાતું’.

નહેરુએ માવળંકરના પત્રનો જવાબ આપતાં લખ્યું, ‘બંધારણ સુધારો જરૂરી છે, કેમ કે, જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં સરકારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.’

સંસદમાં મૂળ બંધારણસભાના સભ્યો શ્યામાપ્રસાદ મુખરજી, આચાર્ય કૃપલાણી, હરિ વિષ્ણુ કામથ, નઝીરઉદ્દીન અહમદ અને હૃદયનાથ કુંજરૂએ સરકાર પર જોરદાર વાક્‌પ્રહાર કર્યા.

સંસદમાં થયેલી ચર્ચામાં નહેરુએ મુખરજી પર ‘જુઠ્ઠા’ હોવાનો આરોપ કર્યો. મુખરજીએ વળતો જવાબ આપતાં નહેરુને ‘આપખુદ’ કહી દીધા.

હુસૈન ઇમામે કહ્યું કે, ‘આ સુધારાથી સરમુખત્યાર રાજ્યનો પાયો નંખાશે’.

શ્યામનંદન સહાયે કહ્યું કે, ‘એ દુઃખદ છે કે બંધારણને એક સામાન્ય કાયદાની શ્રેણીમાં મૂકી દેવાયું છે’.

રાજ્યસભા વગર બંધારણ સુધારા

કેટલાક કૉંગ્રેસી નેતાઓએ પણ સરકારનો વિરોધ કર્યો કે ચૂંટાયા વગરની, એક કામચલાઉ સંસદને બંધારણમાં સુધારો કરવાનો કશો અધિકાર નથી.

એ મુદ્દે પણ સવાલ થયા કે, બંધારણ સુધારાએ બંને ગૃહમાંથી પસાર થવું જોઈતું હતું. પરંતુ, તે સમયે સંસદમાં એક જ ગૃહ હતું, રાજ્યસભાની રચના નહોતી થઈ.

કાયદામંત્રી ભીમરાવ આંબેડકરે પોતાના બે કલાક લાંબા ભાષણમાં સાંસદોને ભરોસો કરાવ્યો કે સરકારને મળેલા અધિકારોનો દુરુપયોગ કરવાનો તેમનો કશો ઇરાદો નથી.

રામબહાદુર રાય લખે છે, “જે મૌલિક અધિકારોની માંગણી 1895માં શરૂ થઈ હતી, જેના માટે મોતીલાલ નહેરુએ સેન્ટ્રલ ઍસૅમ્બ્લીમાં ખરડો રજૂ કર્યો હતો, જેના માટે 1928માં નહેરુ કમિટીનો રિપોર્ટ આવેલો, તેમાં જ નહેરુ સત્તાના રાજકારણમાં પોતાનો પગ જમાવવા ફેરફાર કરાવી રહ્યા હતા.”

શ્યામાપ્રસાદ મુખરજીએ નહેરુને યાદ કરાવ્યું કે, “અમેરિકન બંધારણમાં પહેલો સુધારો તેના અમલ થયાનાં ત્રણ વર્ષ પછી કરવામાં આવેલો અને ત્યાં પણ નાગરિકોના મૌલિક અધિકારોમાં કાપ નહોતો કરાયો, બલકે, તેનો વિસ્તાર કરાયો હતો” (અસ્થાયી લોકસભા કી કાર્યવાહી, 16 મે 1951).

બંધારણ સુધારા બિલ પસાર

નહેરુએ કેટલાંક અખબારોના સંપાદકોને પોતાની પાસે બોલાવીને પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમાં હિંદુસ્તાન ટાઇમ્સના સંપાદક દેવદાસ ગાંધી, ઇન્ડિયન ઍક્સપ્રેસના માલિક રામનાથ ગોયન્કા અને હિંદુના વી શિવરાવ સામેલ હતા.

દેશવ્યાપી ટીકાએ કૉંગ્રેસના સાંસદોને પણ પાર્ટી-શિસ્તમાંથી ડગમગાવ્યા.

23 મે 1951ના દિવસે જ્યારે કૉંગ્રેસ સંસદીય દળની બેઠક મળી ત્યારે તેમાં 73 સભ્યોએ પોતાની સહી સાથે લેખિત માગણી કરી કે તેમને આ મુદ્દે પાર્ટીના નિયમો હેઠળ બાંધવામાં ન આવે.

પરંતુ તેમને મનાવી લેવામાં આવ્યા. ઉગ્ર ચર્ચા બાદ 2 જૂન 1951ના દિવસે પહેલું બંધારણ સુધારા બિલ પસાર થઈ ગયું. તેના પક્ષમાં 228 અને વિરોધમાં 20 મત પડ્યા. લગભગ 50 સાંસદોએ મતદાનમાં ભાગ ન લીધો.

ગ્રૅન વિલે ઑસ્ટિને પોતાના લેખ ‘ધ એક્સ્પેક્ટેડ ઍન્ડ અનઇન્ટેંટેડ ઇન વર્કિંગ અ ડેમોક્રેટિક કૉન્સ્ટિટ્યૂશન’માં લખ્યું, “સંસદની મદદથી સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવવા માટે આ સુધારો કરવામાં આવ્યો હતો.”

“તેનાથી બંધારણના મૂળ માળખામાં ફેરફાર થઈ ગયો. નહેરુએ બંધારણમાં નવમી અનુસૂચિ જોડાવી, જે સરકારને દરેક પ્રકારના નિર્ણયો કરવાનો અધિકાર આપે છે.”

“આ સુધારાથી સરકારના સામાજિક એજન્ડાને વ્યક્તિગત અધિકારો સામે પ્રાથમિકતા મળી.”

ત્રિપુરદમન સિંહે લખ્યું, “મૌલિક અધિકારોના ભાગ–3, જેને આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો હતો તેને નવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો.”

“ન્યાયતંત્રને સાર્વજનિક રીતે શક્તિહીન બનાવી દેવામાં આવ્યું અને માનવ-અધિકારોને સંકુચિત કરી દેવામાં આવ્યા.”

આ નિર્ણયથી ભારતીય રાજકારણમાં ઘણાં દૂરગામી પરિણામ જોવા મળ્યાં. બાદમાં આ સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો સુધારાની તરફેણમાં આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.