અરબી સમુદ્રમાં બનશે નવી સિસ્ટમ, ગુજરાતમાં વરસાદ કે વાવાઝોડું આવશે?

ગુજરાતમાં એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ ગઈ છે. હાલ લક્ષદ્વીપ અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં હજી વધારે મજબૂત બનશે અને પછી તે દરિયાની અંદર આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે.

અરબી સમુદ્રમાં સિસ્ટમની વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે ગુજરાતના બાકીના વિસ્તારોમાંથી પણ ચોમાસું 2 કે 3 દિવસોમાં વિદાય લે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

ભારતમાં આ વર્ષે ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને ગુજરાતમાં ચોમાસામાં સરેરાશથી વધાર વરસાદ થયો છે.

અરબી સમુદ્રની સિસ્ટમ વાવાઝોડા જેટલી મજબૂત બનશે?

હવામાન વિભાગના કહેવા પ્રમાણે લક્ષદ્વીપની આસપાસ બનેલું સાયક્લૉનિક સર્ક્યુલેશન મજબૂત બનશે અને 9 ઑક્ટૉબરના રોજ તે લૉ-પ્રેશર એરિયા બને તેવી સંભાવના દેખાઈ રહી છે.

ભારતની ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે આ સાયક્લૉનિક સર્ક્યુલેશન એ આવનારા વાવાઝોડા પહેલાંના સંકેત છે, એટલે કે આ સિસ્ટમ વધારે મજબૂત બનીને વાવાઝોડું બની શકે છે.

સ્કાયમેટ પ્રમાણે આ સિસ્ટમ ત્રણથી ચાર દિવસ લક્ષદ્વીપની આસપાસ જ રહેશે અને તે બાદ તે મજબૂત બનશે અને પછી દરિયામાં આગળ વધે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જારી કરેલા બુલેટીન પ્રમાણે મોટા ભાગનાં હવામાનનાં મૉડલ, IMD GFS, NCUM, GEFS, NCEP GFS, ECMWF, એવું દર્શાવી રહ્યાં છે કે 9 ઑક્ટોબરના રોજ લૉ-પ્રેશર એરિયા બનશે.

હવામાનનાં મૉડલો IMD GFS, NCUM, NCEP અને GFS એવું દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને 11થી 13 ઑક્ટોબરના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. આ મૉડલો એવું પણ દર્શાવી રહ્યાં છે કે જે બાદ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને પછી તે વાવાઝોડું બને તેવી શક્યતા છે.

જ્યારે બેથી ત્રણ મૉડલ આ સિસ્ટમ વધારે મજબૂત થાય તેવી શક્યતાં દર્શાવતાં નથી, જોકે, આ તમામ મૉડલોમાં એક સામ્યતા જોવા મળે છે કે આ સિસ્ટમ આગળ વધીને ઓમાન તરફ જશે અને હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત તરફ નહીં આવે.

સ્કાયમેટનું કહેવું છે કે સંભવિત તોફાન કે વાવાઝોડા વિશેની ખૂબ વહેલી માહિતી સચોટ હોતી નથી, મોટાં ભાગનાં મૉડલ્સ 4થી 5 દિવસની આગાહી વધારે સ્પષ્ટરૂપે કરે છે પરંતુ લાંબાગાળાની આગાહીમાં ફેરફારો થતા હોય છે.

અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડશે?

હાલની સ્થિતિ પ્રમાણે લૉ-પ્રેશર ઍરિયા લક્ષદ્વીપની આસપાસ બનશે અને તેના કારણે દક્ષિણ ભારત અને એ તરફના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ જો વધારે મજબૂત બનીને વાવાઝોડામાં પરિવર્તિત થાય તો વધારે વિસ્તારો પર તેની અસર થવાની સંભાવના દેખાઈ રહી છે.

હાલ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની કોઈ આાગહી કરવામાં આવી નથી, પરંતુ આ સિસ્ટમ જો ઓમાન તરફ જાય અને ગુજરાતની પાસેથી પસાર થાય તો રાજ્યમાં ફરીથી વરસાદ થવાની સંભાવના છે.

લૉ-પ્રેશર ઍરિયા જો ઉત્તર તરફ આગળ વધીને પછી પશ્ચિમ તરફ એટલે કે ઓમાન તરફ જાય તો મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે.

હાલ છે તે પ્રમાણે સ્થિતિ રહે તો 16થી 17 ઑક્ટોબરની આસપાસ રાજ્યમાં ફરીથી વરસાદ વધે તેવી સંભાવના છે. ત્યાં સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.

ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને તરફ એક સાથે વાવાઝોડાં સર્જાયાં હતાં. 'તેજ' નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં અને 'હૈમૂન' નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું હતું.

જોકે, તેજ ભારતના દરિયાકિનારાથી દૂર યમન તરફ આગળ વધી ગયું હતું, એટલે તેની કોઈ અસર દેશના ભૂ-ભાગો પર જોવા મળી ન હતી. જ્યારે હૈમૂન બાંગ્લાદેશના કૉક્સ બજાર ઉપર ત્રાટક્યું હતું અને ત્યાં ઘણું નુકસાન થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.