વડોદરામાં ગૅંગરેપ કેસ મામલે ત્રણેય આરોપીઓને પોલીસે કેવી રીતે ઝડપી પાડ્યા

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડોદરા જિલ્લામાં સગીરા સાથે સામૂહિક બળાત્કારની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, ઘટનામાં સામેલ બીજા બે વ્યક્તિની પણ ઓળખ કરી લેવામાં આવી છે.

સોમવારે વડોદરા પોલીસ કમિશ્નર નરસિંમ્હા કોમરે જણાવ્યું, "વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સામુહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને છેલ્લાં 10 વર્ષ કરતાં વધુ સમયથી વડોદરામાં રહે છે. બે આરોપીઓ તાંદલજા વિસ્તારના છે અને ત્રીજો આરોપી એક્તાનગરમાં રહે છે."

તેમણે વધુમાં જણાવ્યું કે ત્રણેય આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. બીજા બે આરોપીની પણ ઓળખ થઈ ગઈ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વડોદરા જિલ્લામાં શુક્રવારે મોડી રાતે સગીરા સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી.

પોલીસે આ મામલે આપેલી માહિતી અનુસાર, સગીરા બીજા નોરતે મોડી રાત્રે પોતાના બાળપણના મિત્ર સાથે ભાયલી ગામના વિસ્તારમાં રસ્તા પર બેસીને વાતો કરતાં હતાં, પાંચેક શખ્સોએ ત્યાં આવીને તેમની સાથે અભદ્ર ભાષામાં બોલાચાલી કરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર સગીરા અને તેમના મિત્રએ પ્રતિકાર કરવામાં આવતા બે લોકો ત્યાંથી ભાગી ગયા હતા. બાકીના ત્રણ લોકોમાંથી એક વ્યક્તિએ સગીરાના મિત્રને પકડી રાખ્યો અને અન્ય બે ઇસમોએ સગીરા સાથે બળાત્કાર કર્યો હતો.

પીડીતાનાં માતાએ ભાયલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આ અંગે તપાસ હાથ ધરી હતી.

વડોદરા પોલીસે આ ઘટનામાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 70 (2), 309 (4), 351 (3), 65(1), 54 તેમજ પૉક્સો ઍક્ટની કલમ 10, 9, 6, 5, 11, 12, 17 અને 16 હેઠળ કેસ દાખલ કર્યો છે.

1100 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા

સામૂહિક બળાત્કારની ઘટનામાં સામેલ આરોપીઓને પકડવા માટે પોલીસે મોબાઇલ ડેટા અને સીસીટીવી ફૂટેજનો સહારો લીધો હતો.

નરસિંમ્હા કોમરે જણાવ્યું, ''આરોપીઓ સામૂહિક બળાત્કાર કર્યા બાદ પીડિતાનો મોબાઇલ ફોન ઝૂંટવીને ભાગી ગયા હતા. અમે પીડિતાના મોબાઇલ પર કૉલ કર્યો હતો અને તેના આધારે લોકેશન ટ્રૅસ કરવામાં આવ્યું હતું. મોબાઇલ સીડીઆર તેમજ મોબાઇલ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ.''

''સમગ્ર કેસમાં પુરાવા ભેગા કરવા માટે અમે 45 કિલોમીટરના રૂટમાં 1100 સીસીટીવીનાં ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. તેમજ આરોપીઓની બાઇક રજીસ્ટ્રેશન નંબર અને વિવિધ પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પીડિતા અને તેના મિત્ર દ્વારા આપવામાં આવેલાં વર્ણનો તેમજ ઘટના સ્થળ પરથી મળેલા ફીઝીકલ પુરાવા પણ અમને કામે લાગ્યા હતા.''

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓનાં નામ

  • મુન્ના અબ્બાસ બનજારા (27)
  • આફતાબ સુબેદાર બનજારા (36)
  • શાહરુખ કિસ્મત અલી બનજારા (26)

વડોદરા પોલીસ અનુસાર મુન્ના અબ્બાસ મૂળ ઉત્તરપ્રદેશના ગોંડા જીલ્લાનો છે અને છેલ્લાં 10 વર્ષથી વડોદરામાં રહે છે. હાલ તે તાંદલજા વિસ્તારનાં એકતાનગરમાં સગર્ભા પત્ની સાથે રહે છે. મુન્ના અબ્બાસ સામે પત્નીને દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ જીપીરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાયેલ છે.

બીજો આરોપી આફતાબ સુબેદાર મૂળ ઉત્તરપ્રદેશના આંબેડકનગર જીલ્લાનો છે અને છેલ્લાં 14 વર્ષથી તાંદલજાના એકતાનગરમાં ત્રણ બાળકો અને પત્ની સાથે રહે છે. આફતાબ એ મુન્ના બનજારાના ભાઇનો સાળો છે. તે પોતાનું સ્કૂટર રસ્તામાં મૂકીને આરોપી મુન્ના સાથે બાઇક પર બેસીને ગુનાવાળી જગ્યા પર ગયો હતો.

શાહરુખ કીસ્મત અલી બનજારા મૂળ ઉત્તરપ્રદેશના અકબરપુર જીલ્લાનો છે અને 14 વર્ષથી તાંદલજા વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહે છે.

કેવી રીતે ઘટી ઘટના?

વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "પીડિતા મિત્ર સાથે બહાર ગયાં હતાં. તેઓ બન્ને બેઠાં હતાં, ત્યારે આરોપીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. બે આરોપી અભદ્ર ભાષા બોલ્યા બાદ ભાગી ગયા હતા."

"જ્યારે ત્રણ શખ્સ ત્યાં ઊભા રહ્યા હતા. એમાંથી એક આરોપીએ પીડિતાના મિત્રને પકડી રાખ્યો હતો. જ્યારે અન્ય બે શખ્સોએ પીડિતા સાથે બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ મળી છે. પીડિતા અને તેના મિત્ર બન્ને સગીર વયનાં છે."

તેમણે જણાવ્યું કે, "આરોપીઓ પીડિતાનો મોબાઇલ ફોન છીનવી ગયા છે, જ્યારે પોલીસને ઘટનાસ્થળ પરથી પુરાવા મળ્યા છે."

રોહન આનંદે ઉમેર્યું, "હાલમાં અમે કંઈ વધુ કહીએ તો તપાસને અસર થઈ શકે છે, એથી આ અંગે વધુ કહી શકીશું નહીં."

"આરોપીઓની ઓળખ થઈ શકી નથી. પોલીસે ટૅક્નિકલ સર્વેલન્સ હાથ ધર્યું છે. પીડિતાના મેડિકલ રિપોર્ટ હાથ ધરવામાં આવ્યા છે અને પોલીસે ગૅંગરેપનો ગુનો દાખલ કર્યો છે."

બે સગીર, પાંચ આરોપી

આ પહેલાં રોહન આનંદે પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે, "ગઈકાલે (શુક્રવારે) મોડી રાત્રે સૅક્સ્યુઅલ અસૉલ્ટની એક ગંભીર ઘટના સામે આવી છે. સગીર પીડિતા તેમના પરિવાર સાથે વહેલી સવારે લગભગ ચાર વાગ્યે પોલીસ સ્ટેશને આવ્યાં હતાં."

"પીડિતા સગીર વયનાં છે, તેઓ ટ્રૉમામાં હતાં, જેથી પહેલાં અમે તેમની સાથે વાત કરીને કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી."

રોહન આનંદના કહેવા પ્રમાણે, "રાત્રે લગભગ સાડા બાર વાગ્યા આસપાસ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. બનાવ વિશે માહિતી મળતા પોલીસે તત્કાળ ઘટનાસ્થળે ધસી જઈને વિસ્તારને કૉર્ડન કરીને તપાસ હાથ ધરી હતી."

પોલીસની તપાસમાં શું બહાર આવ્યું?

ત્રણેય આરોપીઓ ઝડપાયા તે અગાઉ પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળ ઉપર અંધારું હોવાને કારણે આરોપીઓના દેખાવ વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી ન હતી.

રોહન આનંદના કહેવા પ્રમાણે, "પોલીસને આરોપીના ચહેરોમહોરો, શરીરનો બંધો. વાતોની શૈલી વિશે માહિતી મળી છે. જેના આધારે અમે અલગ-અલગ ટીમોનું ગઠન કર્યું છે અને તપાસ હાથ ધરી છે."

"આ કેસ અમારા માટે પડકારજકન છે. જિલ્લા અને શહેર પોલીસની અલગ-અલગ ટીમો આરોપીઓને ઝડપી લેવા માટે કામે લાગી છે. આ સિવાય અમે ટેકનિકલ પુરાવા એકઠા કરવાની કામગીરી પણ હાથ ધરી છે."

પોલીસ બંદોબસ્ત અંગે પૂછતા જિલ્લા વડાએ જણાવ્યું હતું, "તહેવારના મોસમમાં દરેક ખૂણામાં પોલીસ પહોંચી શકે નહીં. તેમજ આ જગ્યા પર દિવસે પણ સૂમસામ દેખાય છે. ત્યાં આસપાસ સોસાયટી છે, પરંતુ લોકોની અવરજવર ખૂબ જ ઓછી હોય છે."

પોલીસને આરોપીએ પહેરેલા ગૅજેટ્સ પણ મળી આવ્યા છે, જેની ટેકનિકલ તથા એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.