You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અવકાશમાં એક વર્ષ કરતાં વધુ સમય રહેવાથી માનવ શરીર પર કેવી અસર થાય છે?
- લેેખક, રિચાર્ડ ગ્રે
- પદ, .
ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ જૂન મહિનાથી અંતરિક્ષમાં છે અને હજુ સુધી તેઓ પૃથ્વી પર પરત નથી આવી શક્યાં. સુનીતા વિલિયમ્સ ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર ઊતરાણ કરશે એવું માનવામાં આવે છે. આટલા લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાથી શરીર પર કેવી અસર થાય છે તે એક સંશોધનનો વિષય છે.
અંતરિક્ષમાં એક જ ટ્રિપમાં સૌથી વધુ સમય ગાળવાનો રેકૉર્ડ હાલમાં 437 દિવસનો છે, પરંતુ પૃથ્વીથી દૂર ભ્રમણકક્ષામાં લાંબા સમય સુધી રહેવાથી અંતરિક્ષયાત્રીના શરીરમાં કેટલાક આશ્ચર્યજનક ફેરફાર આવી શકે છે. તેમના સ્નાયુઓ, મગજ અને તેમના આંતરડાના બૅક્ટેરિયા પણ બદલાઈ શકે છે.
નાસાના અંતરિક્ષયાત્રી ફ્રેન્ક રુબિયોએ અંતરિક્ષમાં લાંબો સમય ગાળ્યો છે. પૃથ્વી પર સાથીદારો સાથે હાથ મિલાવીને અને એક ટૂંકો ફોટોશૂટ કરીને તેઓ અંતરિક્ષમાં જવા રવાના થયા હતા. ત્યાર પછી 371 દિવસ સુધી તેઓ ફૂટબૉલના મેદાન જેવડા કદના મૉડ્યુલ અને સોલર પેનલની વચ્ચે જ રહ્યા હતા.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી તેમનું પ્રસ્થાન અને ઑક્ટોબર 2023માં પૃથ્વી પર તેમનું આગમન એ કોઈ પણ અમેરિકન દ્વારા અત્યાર સુધીની સૌથી લાંબી સિંગલ અંતરિક્ષયાત્રા હતી.
અંતરિક્ષમાં સૌથી લાંબો સમય રહેવાનો અગાઉનો અમેરિકન રેકૉર્ડ 355 દિવસનો હતો જેને રુબિયોએ તોડ્યો હતો. તેમણે અંતરિક્ષમાં વધારે રોકાવું પડ્યું કારણ કે 2023માં તેઓ અને તેમના સાથી અંતરિક્ષયાત્રીઓ જે અંતરિક્ષયાનમાં ઘરે પરત આવવાના હતા તેના કૂલન્ટમાં લિકેજ સર્જાયું હતું.
અંતરિક્ષમાં વધુ મહિના ગાળવાના કારણે રૂબિયોએ પૃથ્વીની કુલ 5936 પ્રદક્ષિણા કરી હતી, જેમાં તેમણે 15.74 કરોડ માઇલ (25.22 કરોડ કિલોમીટર)ની સફર કરી હતી.
જોકે, માનવી દ્વારા અત્યાર સુધીની સૌથી લાંબી અંતરિક્ષની ઉડાનનો રેકૉર્ડ તેઓ તોડી શક્યા ન હતા.
આ રેકૉર્ડ રશિયન અંતરિક્ષયાત્રી વેલેરી પોલિઆકોવના નામે છે જેઓ 1990ના દાયકાના મધ્યમાં મીર સ્પેસ સ્ટેશન પર 437 દિવસ રોકાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સપ્ટેમ્બર 2024માં બે રશિયન અંતરિક્ષયાત્રીઓ ઓલેગ કોનોનેન્કો અને નિકોલાઈ ચુબે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 374 દિવસ ગાળ્યા પછી આઈએસએસ પર સૌથી લાંબું રોકાણ કરવાનો રેકૉર્ડ તોડ્યો હતો.
અમેરિકાનાં અંતરિક્ષયાત્રી ટ્રેસી ડાયસન સાથે આ રશિયન જોડીએ સોયુઝ MS-25 સ્પેસક્રાફ્ટમાં પ્રસ્થાન કર્યું હતું. ટ્રેસીએ લગભગ છ મહિના અંતરિક્ષયાન પર વિતાવ્યા હતા.
કઝાખસ્તાનના ઝેઝકાઝગાન શહેર નજીક તેમની કૅપ્સ્યુલે સહીસલામત ઊતરાણ કર્યું ત્યારે કોનોનેન્કો ચહેરા પર સ્મિત સાથે તેમાંથી બહાર નીકળ્યા હતા.
હવે તેઓ અંતરિક્ષમાં કુલ મળીને સૌથી લાંબો સમય ગાળવાનો રેકૉર્ડ પણ ધરાવે છે. તેમણે ભ્રમણકક્ષામાં કુલ 1,111 દિવસ ગાળ્યા છે.
કોનોનેન્કો અને નિકોલાઈ ચબે આઈએસએસ પરના લેટેસ્ટ મિશનમાં પૃથ્વીની ફરતે 5,984 ચક્કર લગાવ્યા હતા અને 15.8 કરોડ માઇલથી વધુની મુસાફરી કરી. પરંતુ સ્પેસ સ્ટેશનના ઓછા ગુરુત્વાકર્ષણમાં આટલો સમય વિતાવવાથી તેમના શરીર પર અસર પડી હતી. રિકવરી ટીમે તેમને ઊંચકીને કૅપ્સ્યુલમાંથી બહાર કાઢ્યા હતા.
અંતરિક્ષમાં રુબિયોની આ લાંબી સફર પરથી જાણવા મળે છે કે લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાથી માનવીના શરીર પર કેવી અસર થાય છે, કેવી સમસ્યાઓ પેદા થાય છે અને તેનો સામનો કેવી રીતે કરવો. તેઓ એવા પહેલા અંતરિક્ષયાત્રી છે જેમણે મર્યાદિત જિમ સાધનોથી કસરત કરવાથી માનવ શરીર પર કેવી અસર થાય તેના સંશોધનમાં ભાગ લીધો હતો.
સૂર્યમંડળમાં દૂર સુધી સંશોધન કરવા માટે માનવીને મોકલવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે આ બધી માહિતી બહુ મહત્ત્વની સાબિત થશે. ઉદાહરણ તરીકે મંગળ પર જઈને પરત આવવાની વર્તમાન યોજનાઓ હેઠળ લગભગ 1,100 દિવસ (ફક્ત ત્રણ વર્ષથી વધુ) લાગવાની શક્યતા છે. તેઓ જે અંતરિક્ષયાનમાં મુસાફરી કરશે તે ISS કરતા ઘણું નાનું હશે, એટલે કે નાના અને હળવા વજનનાં કસરતનાં સાધનોની જરૂર પડશે.
પરંતુ ફિટ રહેવાની ચિંતાને બાજુમાં રાખીએ તો સ્પેસફ્લાઇટ માનવશરીર પર કેવી અસર કરે છે?
સ્નાયુઓ અને હાડકાં
સતત ગુરુત્વાકર્ષણ વગરની સ્થિતિમાં રહેવાના કારણે અંતરિક્ષમાં આપણાં સ્નાયુઓ અને હાડકાંની ઘનતા ઝડપથી ઓછી થવા લાગે છે. આપણી પીઠ, ગરદન, કાફ (પિંડી) અને ક્વાડ્રિસેપ્સમાં આવેલા સ્નાયુઓને સૌથી વધુ અસર થાય છે જેઓ આપણની મુદ્રા (પોશ્ચર) જાળવવામાં મદદ કરતા હોય છે.
માઇક્રોગ્રેવિટીની સ્થિતિમાં તેમના ભાગે કંઈ કામ રહેતું નથી. તેથી તેનો ક્ષય (ઍટ્રોફી) શરૂ થાય છે.
અંતરિક્ષમાં માત્ર બે અઠવાડિયાં પછી મસલ માસ 20 સુધી જેટલું ઘટી શકે છે અને ત્રણથી છ મહિનાના લાંબા મિશન પર તે 30 ટકા સુધી ઘટી જાય છે.
પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળના કારણે માનવીનું હાડપિંજર સખત મિકેનિકલ તણાવમાંથી પસાર થાય છે, પરંતુ અંતરિક્ષયાત્રીઓ પર આવું કોઈ યાંત્રિક દબાણ નથી હોતું. તેથી તેમના હાડકાંમાંથી ખનીજ ઘટવા લાગે છે અને તેની શક્તિ ઘટી જાય છે.
અંતરિક્ષયાત્રીઓ અવકાશમાં વિતાવેલા દર મહિને તેમના અસ્થિ સમૂહમાં એકથી બે ટકા ગુમાવે છે અને છ મહિનાના સમયગાળા દરમિયાન તે 10 ટકા સુધી ગુમાવી શકે છે. (પૃથ્વી પર, વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ દર વર્ષે અડધા ટકાથી લઈને એક ટકા સુધી બોન માસ ગુમાવે છે).
તેના કારણે તેમને ફ્રૅક્ચર થવાનું જોખમ વધી શકે છે અને સાજા થવામાં પણ વધુ સમય લાગે છે. પૃથ્વી પર પાછા ફર્યા પછી તેમના બોન માસને સામાન્ય થવામાં ચાર વર્ષ સુધીનો સમય લાગી શકે છે.
આનો સામનો કરવા માટે અંતરિક્ષયાત્રીઓ ISS પર ભ્રમણકક્ષામાં હોય ત્યારે દિવસમાં અઢી કલાક સખત કસરત કરે છે. આઈએસએસ પર 'જિમ' આવેલું છે જેમાં કસરતના ઉપકરણનો ઉપયોગ કરીને તેઓ સ્ક્વૉટ્સ, ડેડલિફ્ટ્સ, રૉઝ અને બેન્ચ પ્રેસિસ કરે છે.
તેની સાથે થોડી થોડી વારે ટ્રેડમિલ અને ઍક્સરસાઇઝ બાઇક પર ચલાવે છે. તેઓ પોતાનાં હાડકાંને શક્ય તેટલાં સ્વસ્થ રાખવા માટે ડાયટ સપ્લિમેન્ટ્સ (પૂરક આહાર) પણ લે છે.
જોકે, તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આવી કસરત કરવા છતાં સ્નાયુના કાર્ય અને કદમાં જે નુકસાન થાય છે તેને સંપૂર્ણપણે રોકી શકાતું નથી. રેઝિસ્ટન્સ કસરતમાં વધુ લોડ લેવાથી કે પછી અત્યંત તીવ્ર ઇન્ટરવલ ટ્રેનિંગથી મસલ્સ લૉસનો સામનો કરી શકાય કે નહીં તેનું પરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવી છે.
અંતરિક્ષયાત્રીના શરીરને ગુરુત્વાકર્ષણ બળ નીચે ખેંચતું નથી, તેથી ISS પરના રોકાણ દરમિયાન તેમની ઊંચાઈ થોડી વધી જાય છે. કારણ કે તેમની કરોડરજ્જુ થોડી લાંબી થાય છે. આનાથી અવકાશમાં હોય ત્યારે તેમને પીઠનો દુખાવો અને પૃથ્વી આવ્યા પછી સ્લિપ્ડ ડિસ્ક જેવી સમસ્યાઓ નડી શકે છે.
રૂબિયોએ પૃથ્વી પર પાછા ફરતા પહેલાં આઈએસએસ પર એક બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે તેની કરોડરજ્જુની સાઈઝ વધી રહી છે. તેમણે કહ્યું કે અંતરિક્ષયાન જમીન પર પટકાય ત્યારે અંતરિક્ષયાત્રીઓ પોતાની સીટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય ત્યારે તેમને ગરદનમાં સામાન્ય ઈજા થવાની શક્યતા રહે છે, પરંતુ કરોડરજ્જુ વધવાના કારણે ઈજા ટાળવામાં મદદ મળી શકે છે.
વજનમાં ઘટાડો
ભ્રમણકક્ષામાં વજનનું કંઈ ખાસ મહત્ત્વ નથી રહેતું. માઇક્રોગ્રેવિટીના કારણે જે ચીજને નીચે ખેંચીને બાંધવામાં ન આવે તે બધી ચીજો આઈએસએસની આસપાસ મુક્ત રીતે તરતી રહે છે જેમાં માનવશરીર પણ સામેલ છે. તેથી ભ્રમણકક્ષામાં હોવ ત્યારે તંદુરસ્ત વજન જાળવી રાખવું એ એક પડકાર છે.
નાસા પૂરતો પ્રયાસ કરે છે કે અંતરિક્ષયાત્રીઓને અલગ અલગ પ્રકારનો પોષક આહાર મળે, જેમાં સ્પેસ સ્ટેશન પર તાજા ઉગાડવામાં આવેલા કચુંબરનાં પાનનો પણ સમાવેશ થાય છે. આમ છતાં અંતરિક્ષયાત્રીના શરીરને અસર તો થાય જ છે.
નાસાના અંતરિક્ષયાત્રી સ્કૉટ કેલીએ આઈએસએસ પર 340 દિવસ ગાળ્યા પછી લાંબા ગાળાની અંતરિક્ષની ઉડાનની અસરોના અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમના જોડિયા ભાઈ પૃથ્વી પર હતા ત્યારે સ્કૉટે ભ્રમણકક્ષામાં પોતાનું સાત ટકા વજન ગુમાવ્યું હતું.
દૃષ્ટિને અસર
પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળ આપણા શરીરમાં લોહીને નીચે તરફ દબાણ કરવામાં મદદ કરે છે, જ્યારે હૃદય તેને ફરીથી પમ્પ કરે છે. અંતરિક્ષમાં આ પ્રક્રિયા ખોરવાઈ જાય છે (જોકે શરીર કંઈક અંશે અનુકૂલન કરી લે છે), અને માથામાં સામાન્ય કરતાં વધારે લોહી એકઠું થઈ શકે છે.
તેમાંથી અમુક લોહી આંખના પાછળના ભાગમાં અને ઓપ્ટિક નર્વની આસપાસ એકઠું થઈ શકે છે જેનાથી એડીમા થઈ શકે છે. આનાથી દ્રષ્ટિમાં ફેરફાર થઈ શકે, તેની તીક્ષ્ણતા ઘટી શકે અને આંખમાં જ સ્ટ્રક્ચરલ ફેરફારો થઈ શકે છે. અંતરિક્ષમાં ફક્ત બે અઠવાડિયા પછી આ ફેરફારો થવાનું શરૂ થઈ જાય છે, પરંતુ જેમ જેમ તે સમય વધતો જાય તેમ તેમ જોખમ પણ વધે છે.
અંતરિક્ષયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યાના લગભગ એક વર્ષની અંદર દૃષ્ટિના કેટલાક ફેરફારોને ઉલટાવી નાખે છે, પરંતુ કેટલાક ફેરફાર કાયમ માટે રહી જાય છે.
ગેલેક્ટિક કૉસ્મિક કિરણો અને એનર્જેટિક સૌર કણોના સંપર્કમાં આવવાથી આંખને લગતી અન્ય તકલીફો પણ થઈ શકે છે. પૃથ્વીનું વાતાવરણ આપણને આનાથી બચાવવામાં મદદ કરે છે પરંતુ એકવાર આઈએસએસ પર ભ્રમણકક્ષામાં આવ્યા પછી આવું કોઈ રક્ષણ મળતું નથી.
વધારાના કિરણોત્સર્ગને બહાર રાખવા માટે અંતરિક્ષયાનમાં કવચ હોય છે, પરંતુ ISS પરના અંતરિક્ષયાત્રીઓએ તેમની આંખોમાં પ્રકાશના ઝબકારા જોયા હોવાનું કહ્યું છે કારણ કે કૉસ્મિક કિરણો અને સૌર કણો તેમની આંખમાં રેટિના અને ઑપ્ટિકલ તંતુ સાથે અથડાતા હોય છે.
ન્યુરલ શફલિંગ
સ્કૉટ કેલીએ ISS પર લાંબો સમય ગાળ્યા પછી તેમના સંજ્ઞાનાત્મક પ્રદર્શન (કૉગ્નિટિવ પર્ફૉર્મન્સ)માં ખાસ ફરક નહોતો પડ્યો.
તેમનો દેખાવ પૃથ્વી પર રહેલા તેમના જોડિયા ભાઈ જેવો જ હતો. જો કે, સંશોધકોએ નોંધ્યું હતું કે કેલીના લેન્ડિંગ પછી લગભગ છ મહિના સુધી તેમની જ્ઞાનાત્મક કામગીરીની ઝડપ અને ચોકસાઈમાં ઘટાડો થયો હતો.
શક્ય છે કે તેમનું મગજ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ અને ઘરની એકદમ અલગ જીવનશૈલીમાં ઝડપથી એડજસ્ટ થઈ ગયું હતું.
2014માં ISS પર 169 દિવસો ગાળનારા એક રશિયન અંતરિક્ષયાત્રી પરના અભ્યાસમાં જાણવા મળ્યું કે ભ્રમણકક્ષામાં હોય ત્યારે માનવીના મગજમાં કેટલાક ફેરફારો થાય છે. મગજમાં મોટર ફંક્શનને લગતા ભાગોમાં ન્યુરલ કનેક્ટિવિટીના સ્તરોમાં ફેરફારો થયા છે. આ ઉપરાંત વેસ્ટિબ્યુલર કોર્ટેક્સમાં પણ ફેરફાર થયો હતો જે આપણી પોતાની ગતિના અભિગમ, સંતુલન અને ખ્યાલમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અંતરિક્ષમાં વજનનો અનુભવ નથી થતો તેથી આ કદાચ આશ્ચર્યજનક નથી. અંતરિક્ષયાત્રીઓએ શીખવું પડે છે કે ગુરુત્વાકર્ષણ વગરની સ્થિતિમાં તેમણે કેવી રીતે હલનચલન કરવું અને જ્યાં ઉપર કે નીચે જેવી કોઈ ચીજ નથી ત્યાં પોતાની જાતને કઈ રીતે અનુકુળ બનાવવી.
તાજેતરના અભ્યાસે અંતરિક્ષના લાંબા મિશન દરમિયાન મગજની રચનામાં થતા અન્ય ફેરફારો વિશે ચિંતા જગાવી છે. રાઇટ લેટરલ અને થર્ડ વેન્ટ્રીકલ્સ તરીકે ઓળખાતા મગજના પોલાણો (જે સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહીને સંગ્રહિત કરવા, મગજને પોષક તત્ત્વો પૂરા પાડવા અને કચરાનો નિકાલ કરવા માટે જવાબદાર છે) પર અંતરિક્ષમાં સોજો આવી શકે છે અને તેને ફરીથી સામાન્ય આકાર પ્રાપ્ત કરવામાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે.
મૈત્રીપૂર્ણ બૅક્ટેરિયા
તાજેતરનાં વર્ષોમાં થયેલાં સંશોધનો પરથી એ સ્પષ્ટ છે કે આપણા શરીરમાં અને શરીર ઉપર રહેતા સુક્ષ્મજીવોની રચના અને વિવિધતા એ સારી તંદુરસ્તીની મહત્ત્વની ચાવી છે. આ માઇક્રોબાયોટા આપણે કેવી રીતે ખોરાક પચાવીએ છીએ તેના પર અસર કરી શકે છે. આપણા શરીરમાં સોજા (ઇનફ્લેમેશન)ના સ્તર પર તથા મગજની કામ કરવાની પદ્ધતિને પણ અસર કરી શકે છે.
અંતરિક્ષ મથકની સફર પછી કેલીની તપાસ કરતા સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે તેના આંતરડામાં રહેતા બૅક્ટેરિયા અને ફૂગ અવકાશમાં ઉડાન ભર્યા તે પહેલાંની તુલનામાં ખૂબ જ બદલાઈ ગયા હતા.
આ કદાચ બહુ આશ્ચર્યજનક નથી કારણ કે અંતરિક્ષમાં તેમનો ખોરાક સાવ અલગ હતો અને તેમણે જેમની સાથે દિવસો ગાળ્યા તે લોકો પણ અલગ હતા. આપણે જેમની વચ્ચે વસીએ છીએ તે લોકો પાસેથી આપણને અત્યંત મોટા પ્રમાણમાં આંતરડા સંબંધિત અને મૌખિક સૂક્ષ્મજીવો મળે છે. પરંતુ કિરણોત્સર્ગના સંસર્ગ, રિસાયકલ્ડ પાણીના ઉપયોગ અને તેમની શારીરિક પ્રવૃત્તિમાં ફેરફારે પણ તેમાં ભૂમિકા ભજવી હતી.
ત્વચા
નાસાના હવે પાંચ અંતરિક્ષયાત્રી એવા છે જેમણે અંતરિક્ષમાં 300થી વધારે દિવસો ગાળ્યા છે. પરંતુ કેલીની મદદથી આપણે જાણી શક્યા કે અંતરિક્ષમાં રહેવાથી ત્વચા પર કેવી અસર થાય છે. સ્પેસ સ્ટેશનથી પરત ફર્યા પછી લગભગ છ દિવસ સુધી તેની ત્વચામાં સંવેદનશીલતા અને ફોલ્લીઓ વધી હોવાનું જણાયું હતું. સંશોધકોના અનુમાન મુજબ સ્પેસ મિશન દરમિયાન ત્વચાની ઉત્તેજનાના અભાવના કારણે ત્વચાને લગતી તકલીફો પડી હોઈ શકે છે.
જનીન પર અસર
અંતરિક્ષમાં કેલીની લાંબી મુસાફરીનું એક મહત્ત્વનું તારણ એ નીકળ્યું કે તેમના ડીએનએ પર અસર થઈ હતી. ડીએનએના દરેક સ્ટ્રેન્ડના અંતે ટેલોમેર્સ તરીકે ઓળખાતી રચનાઓ હોય છે, જે આપણા જનીનોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય, તેમ તેમ તે ટૂંકી થતી જાય છે, પરંતુ કેલી અને અન્ય અંતરિક્ષયાત્રીઓ પરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે અંતરિક્ષમાં આ ટેલોમેર્સની લંબાઈને બદલાય છે.
કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના પર્યાવરણીય અને રેડિયોલૉજિકલ હેલ્થના પ્રોફેસર સુસાન બેઈલી કહે છે, "અંતરિક્ષની ઉડાન દરમિયાન ટેલોમેર્સની લંબાઈ વધી ગઈ તે સૌથી આશ્ચર્યજનક બાબત હતી." કેલી અને તેમના ભાઈનો અભ્યાસ કરતી ટીમમાં સુસાન બેઈલી પણ સામેલ હતાં.
તેમણે અન્ય 10 અંતરિક્ષયાત્રીઓ સાથે અલગ અભ્યાસ કર્યા છે જેમણે લગભગ છ મહિનાના ટૂંકા મિશનમાં ભાગ લીધો હતો.
સંશોધનમાં જાણવા મળ્યું કે તમામ અંતરિક્ષયાત્રી પૃથ્વી પર પાછા ફર્યા પછી તેમના ટેલોમર્સની લંબાઈ ઝડપથી ઘટી ગઈ હતી.
અંતરિક્ષયાત્રીઓ પરત આવ્યા ત્યારે તેમના ડીએનએમાં પહેલાં કરતા વધારે ટૂંકા ટેલોમર્સ હતા.
આ બાબત લાંબા ગાળાના આરોગ્ય અને વૃદ્ધાવસ્થાની ઝડપની જાણકારી આપે છે.
તેઓ કહે છે કે આવું શા માટે થાય છે તે હજુ સંશોધનનો વિષય છે. "અમારી પાસે કેટલીક કડીઓ છે. પરંતુ રુબિયો જેવા ક્રૂ મેમ્બર્સ જેમણે અંતરિક્ષમાં લાંબો સમય વિતાવ્યો છે તેઓ આ બધું સમજવામાં અને આરોગ્ય પર થતી અસરો જાણવામાં બહુ મહત્ત્વપૂર્ણ સાબિત થશે."
આમ થવા પાછળનું એક કારણ કદાચ એ હોઈ શકે કે અંતરિક્ષમાં અનેક પ્રકારના રેડિયોશનનો સંસર્ગ થાય છે. અવકાશયાત્રીઓ ભ્રમણકક્ષામાં રેડિયેશનના લાંબા ગાળાના સંપર્કમાં રહે છે અને તેમના ડીએનએ નુકસાન થતું હોવાના સંકેતો છે.
અંતરિક્ષમાં જનીનની અભિવ્યક્તિમાં પણ કેટલાક ફેરફારો થયા હતા. કોશિકાઓમાં પ્રોટીન ઉત્પન્ન કરવા માટે ડીએનએને ઓળખવાની પદ્ધતિને જિન એક્સપ્રેશન કહે છે. કેલીમાં થયેલો આ ફેરફાર કદાચ અંતરિક્ષયાત્રાને કારણે હતો. ડીએનએના કેટલાક નુકસાન તેમના હાડકાની રચના અને સ્ટ્રેસ સામે રોગપ્રતિકારક તંત્રના પ્રતિભાવ સાથે સંબંધિત છે.
જો કે, આમાંથી મોટાભાગના ફેરફારો પૃથ્વી પર પાછા ફર્યાના છ મહિનાની અંદર સામાન્ય થઈ ગયા હતા.
જૂન 2024માં એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું કે અંતરિક્ષની ઉડાન દરમિયાન પુરુષ અને સ્ત્રી અંતરિક્ષયાત્રીઓનું રોગપ્રતિકારક તંત્ર કઈ રીતે અલગ અલગ પ્રકારે વર્તે છે. સ્પેસ ઍક્સ ઇન્સ્પિરેશન 4 મિશનના ક્રૂ પાસેથી મેળવેલા નમૂનાઓમાંથી જનીન અભિવ્યક્તિના ડેટાનો ઉપયોગ કરીને રોગપ્રતિકારક તંત્ર, વૃદ્ધત્વ અને સ્નાયુ વૃદ્ધિ સાથે સંબંધિત 18 પ્રોટીનમાં ફેરફારોને ઓળખવામાં આવ્યા હતા. આ મિશનના સભ્યોએ 2021માં અંતરિક્ષમાં માત્ર ત્રણ દિવસ પસાર કર્યા હતા.
અગાઉના મિશન પર જઈ આવેલા 64 અન્ય અંતરિક્ષયાત્રીઓની સાથે તેમની જનીન પ્રવૃત્તિની તુલના કરતા ત્રણ પ્રોટીનમાં અભિવ્યક્તિ જોવા મળી હતી જેણે સોજામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જનીનના ફેરફારની વાત આવે ત્યારે સ્ત્રી કરતા પુરુષો અંતરિક્ષમાં વધુ સંવેદનશીલ હોય છે. તેમની જનીન પ્રવૃત્તિમાં વધારે વિક્ષેપ થાય છે અને પૃથ્વી પર પાછા ફર્યા પછી તેને સામાન્ય સ્થિતિમાં આવવામાં પણ વધુ સમય લાગે છે.
ખાસ કરીને સંશોધકોએ શોધી કાઢ્યું કે ઇન્ટરલ્યુકિન-6 અને ઇન્ટરલ્યુકિન-8 તરીકે ઓળખાતા બે પ્રોટીનની જનીન પ્રવૃત્તિને સ્ત્રી કરતા પુરુષ અંતરિક્ષયાત્રીમાં વધારે અસર થઈ હતી. ઇન્ટરલ્યુકિન-6 શરીરમાં સોજાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જ્યારે ઇન્ટરલ્યુકિન-8 ચેપની જગ્યાએ ઇમ્યુન સેલ પેદા કરે છે. ફાઇબ્રિનોજેન નામનું અન્ય એક પ્રોટીન જે લોહીના ગંઠાઈ જવા સાથે સંબંધિત છે, તેને પણ પુરુષ અંતરિક્ષયાત્રીઓમાં વધારે અસર થઈ હતી.
પરંતુ સંશોધકો કહે છે કે મહિલાઓને અંતરિક્ષયાત્રાને લગતી અસરો કેમ ઓછી થાય છે તે જાણવું જરૂરી છે. પરંતુ તે કદાચ સ્ટ્રેસનો પ્રતિભાવ આપવાની અલગ અલગ ક્ષમતા સાથે સંબંધિત હોઈ શકે છે.
તમે એક વિડિઓમાં નાસાના અંતરિક્ષયાત્રી પેગી વ્હીટસનને અંતરિક્ષમાં તેમના શરીરમાં કેવા ફેરફાર થયા તેના વિશે વાત કરતા જોઈ શકો છો. તેમણે અંતરિક્ષમાં કુલ મળીને 675 દિવસ ગાળ્યા છે અને બીજા કોઈપણ અમેરિકન કરતાં ભ્રમણકક્ષામાં વધુ સમય વિતાવ્યો છે. જો કે હાલમાં આ વર્લ્ડ રેકૉર્ડ રશિયન અંતરિક્ષયાત્રી ઓલેગ કોનોનેન્કોના નામે છે જેમણે અવકાશમાં કુલ 878 દિવસ પસાર કર્યા છે.
રોગપ્રતિકારક તંત્ર
અંતરિક્ષયાત્રી સ્કૉટ કેલીને અંતરિક્ષમાં મોકલતા પહેલાં, અંતરિક્ષની સફર દરમિયાન અને ત્યાર પછી પણ અનેક વૅક્સિન આપવામાં આવી હતી. તેમની રોગપ્રતિકારક શક્તિનો દેખાવ સામાન્ય હતો. પરંતુ બેઇલીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે અંતરિક્ષયાત્રીઓ ભ્રમણકક્ષામાં હોય ત્યારે તેમના પર પડતા રેડિયેશનના ડોઝને અનુરૂપ શ્વેત રક્તકણોની સંખ્યામાં ઘટાડો થાય છે.
જોકે, પૃથ્વી પર વિકસેલી, બે પગવાળી અને મોટું દિમાગ ધરાવતી પ્રજાતિ, એટલે કે માનવી પર અંતરિક્ષયાત્રાની કેવી અસરો થાય છે તેના વિશે હજુ ઘણા પ્રશ્નોના જવાબ શોધવાના બાકી છે. અંતરિક્ષમાં 371 દિવસ ગાળી આવેલા રુબિયોનાં તબીબી પરીક્ષણો, લોહીનાં નમૂના અને બીજી માહિતીનું સંશોધકો વિશ્લેષણ કરે છે, ત્યારે તેમને હજુ ઘણું જાણવા મળશે તે નક્કી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન