You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનીતા વિલિયમ્સ અને વિલમોરને લીધા વિના અંતરિક્ષયાન ધરતી પર પાછું કેમ આવ્યું?
- લેેખક, રેબેકા મોરેલે અને એલિસન ફ્રાન્સિસ, માઇકલ શીલ્સ મેકનામી
- પદ, બીબીસી ન્યૂઝ
બૉઇંગના સ્ટારલાઇનરે તેની પૃથ્વી પર પરત આવવાની મુસાફરી પૂર્ણ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ)થી રવાના થયેલું આ યાન છ કલાકનું અંતર કાપીને ધરતી પર પાછું ફર્યું છે.
અંતરિક્ષમાંથી કોઈને લીધા વિના ઑટોપાઇલટ મોડમાં યાત્રા કરનારું આ અંતરિક્ષયાન શનિવારે ન્યૂ મૅક્સિકોના વ્હાઇટ સૅન્ડર્સ હાર્બરમાં સુરક્ષિત ઊતરી ગયું છે.
એટલે હજુ પણ સુનીતા વિલિયમ્સ અને વિલમોરને ધરતી પર પાછાં લાવી શકાયાં નથી.
પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કર્યા બાદ સુરક્ષિત લૅન્ડિંગ માટે પૅરાશૂટ ખોલવામાં આવ્યા હતા અને તેની ગતિ નિયંત્રિત કરાઈ હતી.
જૂનના પ્રથમ સપ્તાહમાં અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને વિલમોરને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં મોકલાયાં હતાં.
નાસાને લાગ્યું કે યાનમાં તકનીકી ખામીને કારણે અંતરિક્ષયાત્રીઓને આઈએસએસમાં જ રાખવા સારું રહેશે. હવે તેમને ધરતી પર લાવવા ફેબ્રુઆરી સુધી શક્ય નથી.
નાસાએ અગાઉ કહ્યું હતું કે સુનીતા વિલિયમ્સ અને વિલમોર માનસિક રીતે સ્થિર છે અને તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે.
નાસાના કૉમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મૅનેજર સ્ટીવ સ્ટિચે મીડિયાને કહ્યું કે "બંને અંતરિક્ષયાત્રા અંગેના પોતાના કામ માટે પ્રતિબદ્ધ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરૂઆતથી જ સમસ્યા
બૉઇંગ સ્ટારલાઇનર પહેલું અંતરિક્ષયાન હતું, જેને યાત્રીઓને અંતરિક્ષ સ્ટેશનમાં લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ નવા અંતરિક્ષયાન દ્વારા સુનીતા વિલિયમ્સ અને વિલમોરને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યાં હતાં.
પરંતુ પાંચ જૂને ફ્લોરિયાના કેપ કૅનાવેરલથી ઉડાન ભર્યા બાદ તેમાં સમસ્યા સર્જાઈ હતી.
બૉઇંગના એન્જિનિયરો અને નાસાના અધિકારીઓએ આ તકનીકી સમસ્યાને નિવારવા ઘણા પ્રયાસો કર્યા હતા. આખરે ઑગસ્ટના અંત સુધીમાં એ નિર્ણય કરાયો કે અંતરિક્ષયાત્રીઓને આ સ્થિતિમાં પૃથ્વી પર લાવવા સુરક્ષિત નથી.
જોકે નિર્ણય લેતા અગાઉ બૉઇંગે તર્ક આપ્યો હતો કે અંતરિક્ષયાનને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવી શકાય છે.
નાસાના કૉમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મૅનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું કે નાસા અને બૉઇંગના અધિકારીઓ વચ્ચે આ મામલે કેટલીક ચિંતાઓ હતી.
તેમણે કહ્યું કે "અંતરિક્ષ અને મૉડલિંગમાં અનિશ્ચિતતાને કારણે નાસાની ટીમને ભરોસો નહોતો."
બીજી તરફ સ્પેસઍક્સના માધ્યમથી યાત્રીઓને પાછા લાવવામાં મુશ્કેલી પડી રહી છે.
સ્પેસઍક્સ સપ્ટેમ્બરના અંત સુધીમાં પોતાનું યાન તૈયાર કરી લેશે.
માનવામાં આવે છે કે વિલમોર અને સુનીતા વિલિયમ્સ આગામી ફ્રેબુઆરીમાં આ યાનમાં પૃથ્વી પર પરત ફરી શકે છે.
નાસાના કૉમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મૅનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું કે "હજુ ઘણું કામ કરવાનું બાકી છે" અને એ નક્કી કરવામાં "થોડો સમય લાગશે" કે આગળ શું થશે.
આ ચર્ચામાં માત્ર નાસાના અધિકારી સામેલ હતા. બે બૉઇંગ પ્રતિનિધિ હાજર નહોતા, જેમને રહેવું જોઈતું હતું.
એમની ગેરહાજરી અંગે પૂછતાં નાસાના અધિકારી જોએલ મોન્ટાલબાનોએ કહ્યું કે બૉઇંગે મિશનનું પ્રતિનિધિત્વ "નાસાને સોંપવાનો" નિર્ણય કર્યો છે.
બૉઇંગે સ્ટારલાઇનર ટીમો દ્વારા સફળ અને સુરક્ષિત અડૉકિંગ, ડીઑર્બિટ, રી-એન્ટ્રી અને લૅન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે કરાયેલા કામને માન્યતા આપવા માટે એક નિવેદન જાહેર કર્યું છે.
તેણે કહ્યું કે "તે ડેટાનું વિશ્લેષણ કરશે અને કાર્યક્રમ માટે આગામી પગલું નક્કી કરશે."
સ્ટિચે અગાઉ સ્વીકાર કર્યો હતો કે સ્ટારલાઇનરથી અંતરિક્ષયાત્રીઓને પાછા લાવવાના નિર્ણય વખતે બૉઇંગ અને નાસા વચ્ચે "તણાવ" હતો.
બૉઇંગે તર્ક આપ્યો હતો કે તેનું અંતરિક્ષયાન બંનેને લઈને સુરક્ષિત પાછું આવી શકે છે.
"અનિશ્ચિતતા અને મૉડલિંગને કારણે નાસાની ટીમ અસહજ હતી." પ્રતિદ્વંદ્વી કંપની સ્પેસઍક્સના ઉપયોગ કરવાની યોજનાએ અંતરિક્ષયાત્રીઓની વાપસીમાં મોડું કર્યું છે.
હાલમાં શું સ્થિતિ છે અને પછી શું થશે?
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનનાં મૅનેજર ડાના વીગેલે કહ્યું કે અંતરિક્ષયાત્રી પોતાના વિસ્તારિત મિશન માટે સારી રીતે અનુકૂલન સાધી રહ્યાં છે. બંનેએ અગાઉ અંતરિક્ષમાં બે લાંબા ગાળાના પ્રવાસ પૂર્ણ કર્યાં છે.
તેમણે કહ્યું કે બંને ભાર વિનાના વાતાવરણમાં સ્વસ્થ રહેવા માટે જરૂરી કસરત કરી રહ્યાં છે અને હવે તેમની પાસે પોતાના અનિયોજિત આઠ મહિનાના સમય માટે જરૂરી બધાં ઉપકરણો છે.
તેમણે કહ્યું, "જ્યારે તેમને પહેલી વાર મોકલ્યાં ત્યારે તેઓ અમારી પાસેથી ઘણાં કપડાં ઉધાર લઈ ગયાં હતાં અને હવે અમે તેમાં કેટલીક ચીજો બદલી નાખી છે."
એમણે જણાવ્યું કે જુલાઈમાં એક પુનર્આપુર્તિ અભિયાન અંતર્ગત બન્ને 'ક્રૂની પસંદગીની વસ્તુઓ' મોકલવામાં આવી હતી, જે માટે અગાઉ વિનંતી કરાઈ હતી.
"આથી હાલ એમની પાસે પ્રવાસનાં ઉત્તમ સાધનો ઉપલબ્ધ છે, જે અન્ય ક્રૂ મેમ્બરના કામમાં પણ આવી શકે છે. અમારી પાસે અન્ય કાર્ગો વ્હિકલ પણ આવી રહ્યું છે. એ રીતે એમને બાકીના અભિયાન માટે જે પણ જરૂરી હશે એ તમામ વસ્તુઓ ઉપબબ્ધ કરાવાશે."
તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે સ્ટારલાઇનરમાં જે સમસ્યા સર્જાઈ તે એક ઝટકા સમાન છે, જે એક નાણાકીય ખોટનો સામનો કરી રહ્યું છે.
હાલની વિમાન દુર્ઘટનાઓ અને પાંચ વર્ષ અગાઉ થયેલી બે ગંભીર દુર્ઘટના બાદ પણ તેની પ્રતિષ્ઠામાં સુધારો થયો નથી. પરંતુ આટલી સમસ્યા હોવા છતાં લૅન્ડિંગ કંપની અને નાસા માટે આ એક આવકારદાયક પરિણામ સાબિત થઈ શકે છે.
સ્ટીવ સ્ટિચ કહે છે કે વાહન અમારી પાસે આવ્યાના કેટલાક મહિના સુધી ઉડાન પછી પણ અમે વિશ્લેષણ કરીએ છીએ.
અમેરિકન અંતરિક્ષ એજન્સીએ અંતરિક્ષયાન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે- અંતરિક્ષયાત્રાઓને અંતરિક્ષમાં લઈ જવા માટે બે અમેરિકન કંપનીઓનું હોવું એ નાસા માટે છેલ્લા ઘણા સમયનું એક લક્ષ્ય હતું.
2011માં નાસાનું અંતરિક્ષ શટલ બેડામાંથી નિવૃત્ત થયા બાદ નાસા એક દશકથી વધુ સમય સુધી પોતાના અંતરિક્ષયાત્રીઓ અને કાર્ગો પરિવહન માટે રશિયાના સોયુજ અંતરિક્ષયાન પર નિર્ભર રહ્યું છે. નાસાનું કહેવું છે કે આ આદર્શ સ્થિતિ નથી.
2014માં બૉઇંગ અને સ્પેસઍક્સે કૉમર્શિયલ અંતરિક્ષયાન માટે જોડાણ કર્યું હતું. બૉઇંગને 4.2 બિલિયન ડૉલર (અંદાજે 35,274 કરોડ રૂપિયા) અને સ્પેસઍક્સને 2.6 બિલિયન ડૉલર (અંદાજે 21,836 કરોડ રૂપિયા) મળ્યા હતા.
અત્યાર સુધીમાં સ્પેસઍક્સે નાસા માટે નવ ચાલકદળવાળી ઉડાનો, તેમજ કેટલાંક કૉમર્શિયલ મિશન પણ લૉન્ચ કર્યાં છે. પરંતુ બૉઇંગ દ્વારા ચાલકદળવાળું અંતરિક્ષયાન પહેલી વાર મોકલાયું છે.
બૉઇંગના સ્ટારલાઇનરના વિકાસમાં નિષ્ફળતાઓને કારણે અગાઉનાં વર્ષોમાં મોડું થયેલું છે. 2019 અને 2022માં માનવરહિત વિમાનોને પણ તકનીકી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
જોકે નાસાના પ્રશાસક બિલ નેલ્સનને વિશ્વાસ છે કે સ્ટારલાઇનર ફરી એક વાર ક્રૂ સાથે હવામાં ઉડાન ભરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન