You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાયનોસોરનો નાશ કરનારી ઉલ્કા જ્યારે પૃથ્વી સાથે અથડાઈ એ દિવસે શું થયું હતું?
- લેેખક, જ્યોર્જિના રાનાર્ડ
- પદ, સાયન્સ રિપોર્ટર
કરોડો વર્ષો અગાઉ પૃથ્વી પરથી ડાયનોસોરનો નાશ કેવી રીતે થયો તે હજુ પણ એક સંશોધનનો વિષય છે અને વૈજ્ઞાનિકોને તેમાં નવું નવું જાણવા મળે છે.
હવે વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે લગભગ 6.6 કરોડ વર્ષ અગાઉ પૃથ્વી સાથે વિશાળ ઉલ્કા ટકરાઈ અને ડાયનોસોર નાશ પામ્યા, ત્યારે તે ઉલ્કા એકલી ન હતી.
એ જ યુગ દરમિયાન પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે એક બીજો, નાનો અવકાશી ખડક પણ સમુદ્રમાં તૂટી પડ્યો હતો અને તેણે એક મોટો ખાડો બનાવ્યો હતો.
વૈજ્ઞાનિકોના મતે તે એક "વિનાશક ઘટના" હશે. તેનાથી ઍટલાન્ટિક મહાસાગરમાં ઓછાંમાં ઓછાં 800 મીટર ઊંચાં મોજાં સાથે સુનામી સર્જાઈ હશે.
હેરિઓટ-વૉટ યુનિવર્સિટીના ડૉ. ઉસ્ડેન નિકોલ્સનને સૌપ્રથમ 2022માં નાદિર ક્રેટર (ખાડો) મળ્યો હતો. પરંતુ તેની રચના કેવી રીતે થઈ તે અંગે અનિશ્ચિતતા હતી.
ડૉ. નિકોલ્સન અને તેમના સાથીદારોને હવે ખાતરી છે કે સમુદ્રના તટમાં એક વિશાળ ઉલ્કા અથવા લઘુગ્રહ પડવાથી 9 કિમીનું ડિપ્રેશન સર્જાયું હતું.
આ ઘટનાનો ચોક્કસ સમય જાણી શકાયો નથી. આ ઉપરાંત મેક્સિકોમાં 180 કિમી પહોળો ચિક્સલબ ખાડો પાડી દેનાર ઉલ્કાથી પહેલાં આ ઘટના બની હતી કે પછી બની હતી એ પણ નક્કી નથી. તે ઘટના વખતે પૃથ્વી પર તે ડાયનોસોરના રાજનો અંત આવ્યો હતો.
પરંતુ તેઓ કહે છે કે નાના ખડક પણ ક્રેટેસિયસ સમયગાળાના અંતમાં ટકરાયા હતા જ્યારે ડાયનોસોર લુપ્ત થઈ ગયા હતા. તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હશે ત્યારે વિશાળ અગનગોળો રચાયો હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ નિકોલ્સન કહે છે, "કલ્પના કરો કે લઘુગ્રહ ગ્લાસગો પર પડે અને તમે લગભગ 50 કિમી દૂર એડિનબર્ગમાં રહો છો. તે સમયે રચાયેલો આગનો ગોળો આકાશમાં સૂર્યના કદ કરતાં લગભગ 24 ગણો મોટો હશે. તેનાથી આસપાસમાં બધું સળગી ગયું હશે."
તે સમયે હવામાં પ્રચંડ વિસ્ફોટ થયો હશે અને 7ની તીવ્રતાના ધરતીકંપ જેવો આંચકો અનુભવાયો હશે.
તેના કારણે કદાચ સમુદ્રતળમાંથી મોટા પ્રમાણમાં પાણી બહાર નીકળી ગયું હશે અને પછી ધસમસતું નીચે આવ્યું હશે, જેના કારણે સપાટી પર વિશેષ છાપ બની હશે.
આપણા સૌરમંડળમાંથી આટલા મોટા લઘુગ્રહ કે ઉલ્કા માટે એકબીજાથી થોડા જ સમયમાં તૂટીને આપણા ગ્રહ પર પડે તે અસામાન્ય છે.
પરંતુ સંશોધકો નથી જાણતા કે શા માટે આ બંને પૃથ્વી પર આટલી નજીક અથડાયા હતા.
72 હજાર કિલોમીટરે ઝડપે પૃથ્વી સાથે અથડાઈ ઉલ્કા
નાદિર ખાડો બનાવનાર લઘુગ્રહ લગભગ 450-500 મીટર પહોળો હતો અને વૈજ્ઞાનિકો માને છે કે તે લગભગ 72,000 કિમી/કલાકની ઝડપે પૃથ્વી સાથે અથડાયો હશે.
માનવી એ તાજેતરમાં જોયેલી આવી મોટી ઘટના છેલ્લે 1908માં તુંગુસ્કામાં બની હતી, જ્યારે સાઇબિરીયાના આકાશમાં 50 મીટરના લઘુગ્રહનો વિસ્ફોટ થયો હતો.
નાદિર લઘુગ્રહનું કદ બેનુના જેવડું હતું, જે હાલમાં પૃથ્વીની નજીક પરિભ્રમણ કરતો સૌથી જોખમી પદાર્થ છે.
નાસાના વૈજ્ઞાનિકો માને છે કે બેનુ 24 સપ્ટેમ્બર 2182ના દિવસે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. પરંતુ આમ થવાની સંભાવના 2,700ની સામે માત્ર 1 છે.
માનવ ઇતિહાસમાં આ કદના લઘુગ્રહની ટક્કરની અસર ક્યારેય જોવા મળી નથી. વૈજ્ઞાનિકોએ સામાન્ય રીતે પૃથ્વી પરના ખાડા અથવા અન્ય ગ્રહો પરના ખાડાઓની છબીઓનો અભ્યાસ કરવો પડે છે.
નાદિર ક્રેટર (ખાડા)ને વધુ સમજવા માટે ડૉ. નિકોલ્સન અને તેમની ટીમે ટીજીએસ નામની જિયોફિઝિકલ કંપનીના ઉચ્ચ-રિઝોલ્યુશન થ્રીડી ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
મોટા ભાગના ખાડા હવે ભૂંસાઈ ગયા છે પરંતુ આ એક સારી રીતે સચવાયેલો ખાડો હતો. એટલે કે વૈજ્ઞાનિકો ખડકોના સ્તરોમાં વધુ તપાસ કરી શકે છે.
ડૉ. નિકોલ્સન કહે છે કે, "આ પ્રથમ વખત બન્યું છે જ્યારે આપણે આવા ઇમ્પેક્ટ ક્રેટરની અંદર જોવામાં સક્ષમ થયા છીએ. આ ખરેખર રોમાંચક છે. વિશ્વમાં ફક્ત 20 સમુદ્રી ખાડા છે પરંતુ કોઈનો આ રીતે વિગતવાર અભ્યાસ કરવામાં નથી આવ્યો."
આ તારણો નેચર કૉમ્યુનિકેશન્સ અર્થ ઍન્ડ ઍન્વાયર્નમેન્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન