ન્યૂઝક્લિક : ભારતમાં મીડિયા સ્વાતંત્ર્ય બાબતે ચિંતા અને સવાલ, શું પત્રકારો સોફ્ટ ટાર્ગેટ છે?

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હી પોલીસના ખાસ વિભાગે ન્યૂઝ પોર્ટલ ‘ન્યૂઝક્લિક’ સાથે જોડાયેલા પત્રકારોના ઘર પર ગયા મંગળવારે દરોડા પાડ્યા અને બે લોકોની ધરપકડ કરી એ પછી ભારતમાં “મીડિયા આઝાદી બાબતે ચિંતા” ફરી ઊભરી આવી છે.

ન્યૂઝક્લિકના સ્થાપક અને વડા તંત્રી પ્રબીર પુરકાયસ્થ અને માનવ સંસાધન વિભાગના વડા અમિત ચક્રવર્તીને બુધવારે સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. એ બન્નેની અનલોફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (યુએપીએ)ની વિવિધ જોગવાઈઓ હેઠળ ધરપકડ કરાઈ છે.

યુએપીએ આતંકવાદવિરોધી કાયદો છે અને આ કાયદા હેઠળ ધરપકડ થયા બાદ જામીન મળવા મુશ્કેલ હોય છે.

ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા પહેલેથી જ ન્યૂઝક્લિક સામે મની લૉન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી હતી. પ્રબીર પુરકાયસ્થે તેની સામે અદાલતમાંથી વચગાળાનો સ્ટે મેળવ્યો હતો.

એ વાતની ચર્ચા પણ થઈ રહી છે કે ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારો ધરપકડ બાદ જામીન પર આસાનીથી મુક્ત ન થઈ શકે એટલા માટે તેમની સામે યુપીએ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે?

યુએપીએ સંબંધે ચિંતા

ન્યૂઝક્લિક મામલામાં યુએપીએની જોગવાઈઓના ઉપયોગને કારણે ભારતીય મીડિયા જગતમાં ચિંતા પ્રસરી ગઈ છે.

એક વરિષ્ઠ પત્રકારે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, "યુએપીએ જેવા આકરા કાયદા હોવા જ ન જોઈએ. આ એવો કાયદો છે, જેનો ઉપયોગ દરેક સરકારે કર્યો છે અને કેટલીક સરકારોએ તેનો ઉપયોગ બીજાની સરખામણીએ વધારે કર્યો છે."

"આપણા જ દેશમાં આપણા જ નાગરિકો વિરુદ્ધ આટલા બધા કાયદાની જરૂર કેમ છે? આતંકવાદીઓ, ખંડણી વસૂલતા લોકો, હત્યારા કે દેશના દુશ્મનો સામે કાર્યવાહી કરવા આપણા દેશમાં પૂરતા કાયદા છે ત્યારે આવા કઠોર કાયદા શા માટે બનાવવા પડે છે?"

ઘણા પત્રકારોનું કહેવું છે કે જે સમયે યુએપીએ લવાયો હતો ત્યારે નાગરિક સમાજમાં તેના વિશે બહુ ચિંતા હતી અને પત્રકારો પણ તે કાયદા વિરુદ્ધ લખતા રહ્યા હતા.

વરિષ્ઠ પત્રકારે કહ્યું હતું, "આ કાયદાઓનો ઉપયોગ નિર્દોષ લોકો સામે કરવામાં આવશે એ અમે જાણતા હતા. આવા કાયદાઓનો ઉપયોગ આતંકવાદીઓ સામે નહીં, પરંતુ મોટા ભાગે સામાન્ય લોકો સામે કરાય છે, કારણ કે આતંકવાદીઓ સામે લડવા માટે તો પહેલેથી જ પૂરતા કાયદા છે."

"સરકારો આવા કાયદાનો ઉપયોગ કાયમ પોતાના નાગરિકો સામે જ કરે છે.”

એક અન્ય વરિષ્ઠ પત્રકારના જણાવ્યા મુજબ, "બધી સરકારો સંદેશવાહકને નિયંત્રિત કરવા ઇચ્છતી હોય છે. કેટલાક વધુ ક્રૂરતા સાથે આવું કરે છે, કેટલાક ઓછી ક્રૂરતા સાથે. સરકાર પોતાની ભલે લોકતંત્ર કહેતી હોય, પરંતુ એકેય સરકારને ટીકા કે સ્વતંત્ર મીડિયા ગમતું નથી."

"મીડિયાનું ગળું દાબી દેવાયું છે અને મીડિયા પોતે પોતાનું ગળું દાબવાની છૂટ આપી રહ્યું છે. આપણે વિરોધ નહીં કરીએ તો એ બદતર થઈ જશે. સત્તા પર ભલે ગમે તે હોય તે બદથી બદતર થતું રહેશે."

વરિષ્ઠ પત્રકાર જ્યોતિ મલ્હોત્રાના જણાવ્યા મુજબ, પત્રકાર ખોટો હોય અને સરકારને એવું લાગે કે તેણે કોઈ સમાચાર યોગ્ય રીતે આપ્યા નથી તો સરકારે તે સમાચારનું ખંડન કરવું જોઈએ, "પરંતુ આતંકવાદવિરોધી કાયદા હેઠળ પત્રકારોને જેલમાં પૂરી દેવું એ તદ્દન અયોગ્ય છે."

જ્યોતિ મલ્હોત્રાએ કહ્યું હતું, "મોદી સરકાર પત્રકારોની ધરપકડ કરીને તેમને ડરાવવા ઇચ્છે છે. અમારો સવાલ એ છે કે તમે પત્રકારોને આતંકવાદવિરોધી કાયદા હેઠળ જેલમાં પૂરી રહ્યા છો તેનું કારણ શું છે?"

"ભારતમાં પત્રકારો હવે આતંકવાદી બની ગયા છે? અને સરકાર પત્રકારોને આતંકવાદી ગણતી હોય તો અમને એ જણાવે કે અમે એવું તે શું લખ્યું છે, જેનાથી તમને લાગે છે કે અમે આતંકવાદી બની ગયા છીએ?"

જ્યોતિ મલ્હોત્રાના જણાવ્યા મુજબ, પ્રેસ સાથે ખરાબ વર્તન કરી શકાય નહીં.

તેમણે કહ્યું હતું, "એક તરફ તો તમે કટોકટીની વાત કરીને પ્રેસની આઝાદી માટે કાયમ તત્પર રહેવાની વાત કરો છો અને બીજી તરફ તમે આ પ્રકારની ધરપકડ કરો છો."

તેમના કહેવા મુજબ, બંધારણમાં પાયાના જે મૂળભૂત અધિકાર છે તેમાં એક મૌલિક અધિકાર અભિવ્યક્તિની આઝાદી છે. ભારતીય નાગરિકોએ પત્રકારો સાથે જોડાવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ અને કહેવું જોઈએ કે જે થઈ રહ્યું છે તે ખોટું છે.

‘મીડિયા પર લગામ તાણવાનો પ્રયાસ’

સમાચાર મુજબ, ન્યૂઝક્લિક સાથે જોડાયેલા કુલ 46 લોકોને દિલ્હી એનસીઆર અને મુંબઈમાં 50થી વધુ જગ્યાએ પૂછપરછ કરાઈ હતી. તેમનાં ડિજિટલ ઉપકરણો જપ્ત કરી લેવાયાં હતાં. ન્યૂઝક્લિકની દિલ્હીસ્થિત ઑફિસ સીલ કરી દેવાઈ છે.

ઈડીના ઇનપુટના આધારે 17 ઑગસ્ટે નોંધાયેલી એક એફઆઈઆરને આધારે પોલીસે મંગળવારે કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે. તે એફઆઈઆરમાં ન્યૂઝક્લિક પર અમેરિકા માર્ગે ચીનથી ગેરકાયદે પૈસા મેળવવાનો આરોપ મુકાયો છે.

ન્યૂઝક્લિક પરની પોલીસ કાર્યવાહી બાબતે ભારતના મીડિયા જગતમાંથી આકરો પ્રતિભાવ મળ્યો છે.

એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, "આ દરોડા મીડિયા પર લગામ તાણવાનો વધુ એક પ્રયાસ છે."

એડિટર્સ ગિલ્ડે જણાવ્યું હતું કે, "વાસ્તવિક અપરાધ થયો હોય તો કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ એ અમે જાણીએ છીએ, પરંતુ એ માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. વિશિષ્ટ અપરાધોની તપાસમાં કઠોર કાયદા હેઠળ ડરાવવા-ધમકાવવાનો માહોલ બનવો ન જોઈએ."

"અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને અસહમતિ અને આલોચનાત્મક અવાજ ઉઠાવવા પર બંધી પણ ન લગાવવી જોઈએ."

એડિટર્સ ગિલ્ડે એમ પણ જણાવ્યું હતું કે, "અમે સરકારને એક સક્રિય લોકતંત્રમાં સ્વતંત્ર મીડિયાના મહત્ત્વની યાદ અપાવીએ છીએ અને એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કરીએ છીએ કે ચોથા સ્તંભનું સન્માન, સંવર્ધન અને રક્ષણ કરવામાં આવે."

‘સરકારની ટીકા કરતા પત્રકારો ટાર્ગેટ પર’

ફાઉન્ડેશન ફૉર મીડિયા પ્રૉફેશનલ્સ(એફએમપી)એ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચોક્કસ પત્રકારો અને મીડિયા સંગઠનોને હેરાન કરવાનો સરકારનો રેકૉર્ડ છે, પરંતુ મંગળવારે "જે યથેચ્છ અને અપારદર્શી રીતે દરોડા પાડવામાં આવ્યા હતા" તે ભારતમાં મીડિયાના સ્વાતંત્ર્યની પરિસ્થિતિને ગંભીર બનાવે છે.

એફએમપીએ જણાવ્યું હતું કે "આ સંદર્ભે કઠોર યુએપીએ કાયદાના અમલનો પહેલાંથી વધુ પ્રભાવ પડશે. એ સિવાય સરકારની ટીકા કરતા પત્રકારો તથા પ્રેસ સંગઠનોને ચૂંટીને નિશાન બનાવવાથી એ દેશ પર ખરાબ અસર થાય છે, જે લોકશાહીની જનની હોવાનો દાવો કરે છે."

એફએમપીએ એમ પણ જણાવ્યું હતું કે મીડિયાને સત્તા સામે સાચું બોલતા અટકાવે તેવો ભયનો માહોલ ન બને તેવાં પગલાં નહીં લેવાનું સુનિશ્ચિત કરવાની સરકારની બંધારણીય અને નૈતિક ફરજ છે.

ડિજિપબ ન્યૂઝ ઇન્ડિયા ફાઉન્ડેશને પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ન્યૂઝ પ્રૉફેશનલ્સ અને ટીકાકારો વિરુદ્ધની પોલીસની આ કાર્યવાહી ઉચિત પ્રક્રિયા અને મૌલિક અધિકારોનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન કરે છે.

ડિજિપબે જણાવ્યું હતું કે "આ કાર્યવાહી વર્તમાન સરકારના મનસ્વી અને ડરાવવાના વર્તનને એક અલગ જ સ્તરે લઈ ગઈ છે. પ્રેસના સ્વાતંત્ર્ય તથા નાગરિક સ્વાતંત્ર્ય અને માનવાધિકારોના અન્ય રૅન્કિંગમાં ભારત નીચે સરકી રહ્યું છે."

"મીડિયા સામેનું ભારત સરકારનું યુદ્ધ વિશ્વની સૌથી મોટી લોકશાહી પરનો ડાઘ છે."

પ્રેસનું સ્વાતંત્ર્યઃ ભારતની પ્રતિષ્ઠા સતત ઘટી રહી છે

વૈશ્વિક મીડિયા પર નજર રાખતી સંસ્થા રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ (આરએસએફ)ના મે, 2023માં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ મુજબ, વિશ્વ પ્રેસ સૂચકાંકમાં ભારતનું રૅન્કિંગ 180 દેશોમાંથી 161મા સ્થાને પહોંચી ગયું છે. ભારત આ લિસ્ટમાં 2002માં 150મા સ્થાને હતું.

આરએસએફે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતમાં મુખ્ય ધારાના તમામ મીડિયા હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના અમીર વેપારીઓના સ્વામિત્વ હેઠળ છે.

રિપોર્ટમાં જણાવાયું હતું કે "નરેન્દ્ર મોદી પાસે સમર્થકોની એક ફોજ છે, જે સરકારની ટીકા કરતા તમામ ઑનલાઇન રિપોર્ટિંગ પર નજર રાખે છે અને સ્રોતો સામે ભયાનક ઉત્પીડન અભિયાન ચલાવે છે."

"વધુ પડતા દબાણના આ બન્ને સ્વરૂપ વચ્ચે ફસાઈને ઘણા પત્રકારો, વ્યવહારમાં ખુદને સેન્સર કરવા મજબૂર હોય છે."

કાર્યવાહી સામે સવાલ શા માટે?

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈના જણાવ્યા મુજબ, ખાસ કરીને નાના ન્યૂઝ પોર્ટલના પત્રકારો સૉફ્ટ ટાર્ગેટ (જેમને નિશાન બનાવવાનું આસાન હોય) છે. "મોટાં સંગઠનોમાં કામ કરતા લોકો પાસે જે સલામતી હોય છે તેવી સલામતી તેમની પાસે હોતી નથી."

ઇન્ડિયા ટુડે ચેનલ પર એક ચર્ચા દરમિયાન રાજદીપે જણાવ્યું હતું કે કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ, પરંતુ સરકારે પત્રકારોને ડરાવવા-ધમકાવવા માટે કઠોર કાયદાઓનો ઉપયોગ ન કરવો જોઈએ, તેવું એડિટર્સ ગિલ્ડે તેના નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે.

રાજદીપે કહ્યું હતું, "પત્રકારો કાયદાથી પર છે એવું કોઈ નથી કહેતું, પરંતુ તમે પત્રકારો પર દરોડા પાડો અને તેમની ધરપકડ કરો ત્યારે તમે યુએપીએ જેવા કાયદાનો ઉપયોગ કોઈને નિશાન બનાવવા માટે નથી કરતા તેનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ."

તેમના જણાવ્યા મુજબ, કોઈને નિશાન બનાવાતા હોય તો આગળ જતાં તેનું પરિણામ ભયાનક આવી શકે છે.

રાજદીપના કહેવા મુજબ, "ન્યૂઝક્લિકને ચીન તરફથી પૈસા મળી રહ્યા છે એવું માનીને તેના જૂનિયર કર્મચારીઓને અટકાયતમાં લેવામાં આવતા હોય તો તમે એક ખતરનાક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છો."

"તેનાથી તદ્દન ખોટો મૅસેજ જઈ રહ્યો છે અને તેમાં પણ પ્રેસ સ્વાતંત્ર્ય સૂચકાંકની વાત હોય તો ભારત ઘણા નીચલા ક્રમે છે. સરકારે કેટલાક ગંભીર સવાલોના જવાબ આપવા પડશે."

"તમે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવા ઇચ્છતા હો તો કરો, પરંતુ તે તમારી પાસે ઉપલબ્ધ નક્કર માહિતીને આધારે કરો અને એ માહિતી કૃપા કરીને જાહેર કરો."

રાજદીપે ઉમેર્યું હતું કે ન્યૂઝક્લિક સામે મની લૉન્ડરિંગનો કેસ 2021થી ચાલી રહ્યો છે "અને હવે એક પીએમએલએને વધારે કઠોર તથા ખતરનાક યુએપીએ કેસમાં બદલવામાં આવી રહ્યો છે."

ડિજિટલ ઉપકરણો જપ્ત કરવાંં બાબતે ચિંતા

ઉપલબ્ધ માહિતી અનુસાર, ન્યૂઝક્લિક સાથે જોડાયેલા જે 46 લોકોને પૂછપરછ કરાઈ હતી એ બધાનાં ડિજિટલ ઉપકરણો જપ્ત કરી લેવામાં આવ્યાં છે.

ફાઉન્ડેશન ફૉર મીડિયા પ્રૉફેશનલ્સના જણાવ્યા મુજબ, પત્રકારોના ડેટા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો મનસ્વી રીતે જપ્ત કરાયાં છે અને તેને ક્લોન કરવામાં આવ્યાં છે એ બાબત વધારે ચિંતાજનક છે. તેમને ક્લૉક કોપીઝ, હેશ વૅલ્યૂ અને મહત્ત્વની અન્ય જાણકારી અપાઈ નથી, જે પુરાવાની અખંડતા સુનિશ્ચિત કરવા અને પત્રકારોના અધિકારોની સલામતી માટે જરૂરી છે.

ફાઉન્ડેશન ફૉર મીડિયા પ્રોફશનલ્સે પત્રકારોના ડિજિટલ ઉપકરણો ખંખોળવા અને જપ્ત કરવા સામે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના દરવાજે ટકોરા માર્યા હતા. તેમનું કહેવું હતું કે તે ઉપકરણોમાં પર્સનલ ડેટા હોય છે અને તેને જપ્ત કરવા તે પ્રાઇવસીના અધિકારની વિરુદ્ધ છે.

ડિજિપબનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે મૌલિક અધિકારોને અનુરૂપ તલાશી તથા જપ્તીના કાયદા માટે દિશાનિર્દેશ માગતી અરજી બાબતે કેન્દ્ર સરકારને જણાવ્યું છે. આ કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

‘લોકશાહી માટે આઝાદ મીડિયા જરૂરી’

દૈનિક ભાસ્કર, ન્યૂઝલૉન્ડ્રી, ધ કાશ્મીરવાલા અને ધ વાયર જેવાં કેટલાંક મીડિયા સંગઠનો પર પાછલાં કેટલાંક વર્ષોમાં સરકારી એજન્સીઓના દરોડા પછી ભારતમાં લોકશાહીનું દમન કરાઈ રહ્યાનો મુદ્દો સતત ઊઠી રહ્યો છે.

વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનનું કહેવું છે કે સરકાર અને તેની વિચારધારા સાથે જોડાયેલાં સંગઠનો બન્નેએ સત્તા સામે સત્ય બોલતા વ્યક્તિગત પત્રકારો સામે વેર વાળવાનો અભિગમ અપનાવ્યો છે.

ઇન્ડિયા ગઠબંધને એક નિવેદનમાં જણાવ્યું હતું કે "ભાજપ સરકારની બળપૂર્વકની કાર્યવાહી કાયમ એવાં મીડિયા સંગઠનો અને પત્રકારો સામે કરાય છે, જેઓ સત્તા સામે સત્ય બોલે છે."

"વિધિની વક્રતા એ છે કે દેશમાં નફરત અને વિભાજનને ભડકાવતા પત્રકારો સામે પગલાં લેવાની વાત આવે ત્યારે ભાજપ સરકાર પંગુ બની જાય છે."

મંગળવારે ન્યૂઝક્લિક સામે કરાયેલી કાર્યવાહી બાદ કૉંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું કે, "વડા પ્રધાન મોદી ડરી ગયા છે. ગભરાયેલા છે. ખાસ કરીને એ લોકોથી જેઓ તેમની નિષ્ફળતા બાબતે સવાલ કરે છે."

"એ વિરોધ પક્ષના નેતા હોય કે પત્રકાર, સત્ય બોલતા લોકો પર ત્રાસ ગુજારાશે. પત્રકારો પરના આજના દરોડા આ વાતની સાબિતી છે."

એક વરિષ્ઠ પત્રકારે તેમની ઓળખ ગુપ્ત રાખવાની શરતે બીબીસીને કહ્યું હતું, "આપણે લોકતંત્ર છીએ તેવું કહેતા હોઈએ તો આઝાદ મીડિયા તેનો બહુ મહત્ત્વનો હિસ્સો છે. તમે મીડિયાની સ્વતંત્રતા પર અંકુશ લાદવા ઇચ્છતા હો, ટીકા તમને પસંદ ન હોય અને મીડિયાને આરોપીના કઠેડામાં સતત ઊભું કરતા હો તો તમારે લોકતંત્ર પર પણ એક નજર નાખવી પડશે અને જોવું પડશે કે લોકતંત્ર, તેણે જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કરી રહ્યું છે કે નહીં."

આ પત્રકારના જણાવ્યા મુજબ, મીડિયાની પણ નૈતિક જવાબદારી છે અને "આપણે આપણી જવાબદારીનું વહન કરતા નથી અને આપણને આપણા માટે જરૂરી સ્વતંત્રતા પણ મળતી નથી."

તેમણે ઉમેર્યું હતું, "હું માનું છું કે ભારતમાં મીડિયાનો એક વર્ગ જવાબદારીપૂર્વક કામ કરતો નથી અને મીડિયાનો એક વર્ગ એવો પણ છે, જે સતત ટીકા કરી રહ્યો છે. એટલે આપણે થોડા ગૂંચવાયેલા છીએ."