You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન: ટીવી ડિબેટમાં ગેસ્ટ વચ્ચે મારામારી, ચાલુ ચર્ચાએ આવું કેવી રીતે બન્યું?
પાકિસ્તાનની પ્રાઇવેટ ટીવી ચેનલ ‘એક્સપ્રેસ ન્યૂઝ’ના પ્રાઇમ ટાઇમ ટૉક શો દરમિયાન થયેલી મારપીટની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
વાઇરલ થયેલી આ વીડિયો ક્લિપમાં જોવા મળે છે કે મહેમાનો વચ્ચે ઝઘડો થાય છે અને બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ જાય છે.
આ બે મહેમાનો છે પીએમએલ-એનના સેનેટર ડૉ. અફનાનુલ્લાહ ખાન અને પીટીઆઈ કોર કમિટીના સભ્ય અને વકીલ શેર અફઝલ ખાન મારવાત.
જોકે, આ કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ થયું ન હતું અને તેનું રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સ સ્ટુડિયોમાં થયેલી મારપીટની ટીકા કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો ઍન્કરની ભૂમિકા પર સવાલો ઉઠાવી રહ્યા છે.
શું છે આખો મામલો?
પીએમએલ-એનના નેતા ડૉ. અફનાનુલ્લા ખાન અને ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના શેર અફઝલ ખાન મારવાત એકબીજાના રાજકીય નેતૃત્વના ચરિત્ર પર સવાલ ઉઠાવે છે અને વિવાદ વધતાં તેઓ એકબીજા પર શાબ્દિક હુમલો કરે છે.
આ દરમિયાન કાર્યક્રમના ઍન્કર જાવેદ ચૌધરી દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરે છે.
તે જ સમયે અફઝલ ખાન મારવાત પોતાની સીટ પરથી ઊભા થાય છે અને ડૉ. અફનાનુલ્લાહ ખાનને થપ્પડ મારે છે. જે બાદ બંને મહેમાનો મારામારી કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે રાત્રે આ રેકૉર્ડિંગ બાદ આ કાર્યક્રમ ટીવી પર પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, પરંતુ લડાઈનો ભાગ કાપી નાખવામાં આવ્યો હતો.
જોકે વરિષ્ઠ પત્રકાર અને ઍન્કર જાવેદ ચૌધરીના કાર્યક્રમમાં આવું પહેલી વાર નથી બન્યું.
આ પહેલા પણ જૂન 2021માં તેમના એક કાર્યક્રમમાં તત્કાલીન પીટીઆઈ નેતા ફિરદોસ આશિક અવાને પીપીપી નેતા કાદિર મંડુખેલને થપ્પડ મારી હતી.
ઝઘડામાં સામેલ નેતાઓએ શું કહ્યું?
શેર અફઝલ ખાન મારવાતે આરોપ લગાવ્યો કે 'એક્સપ્રેસ ટીવી હોસ્ટ જાવેદ તે અપ્રિય ઘટના વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.'
તેમણે કહ્યું કે, “તેઓ અફવા ફેલાવી રહ્યા છે કે મારો વિરોધી એક સુપરમૅન હતો. તેઓ એ નથી કહી રહ્યા કે અફનાન સ્ટુડિયોથી ભાગી ગયા અને નજીકના એક ઓરડામાં જતા રહ્યા જે મને આજનો કાર્યક્રમ જોયા પછી ખબર પડી. હું લગભગ પાંચથી સાત મિનિટ સુધી સ્ટુડિયોમાં હતો. પછીથી મને કહેવામાં આવ્યું કે એ ભાગ કાપી નાખવામાં આવ્યો છે.
પીએમએલ-એન સેનેટર ડો. અફનાનુલ્લાહ ખાને કહ્યું, “મારવાતે મારા પર ટૉક શોમાં હુમલો કર્યો, હું અહિંસામાં માનું છું પણ હું નવાઝ શરીફનો સૈનિક છું. મારવાતે જે કર્યું તે પીટીઆઈ અને ખાસ કરીને ઇમરાન ખાન માટે એક મહત્ત્વપૂર્ણ પાઠ છે. તેઓ પોતાનો ચહેરો બતાવી શકશે નહીં.”
કાર્યક્રમના ઍન્કર અને વરિષ્ઠ પત્રકાર જાવેદ ચૌધરીએ જણાવ્યું હતું કે, "આ એક નિંદનીય ઘટના છે અને તે થવી જોઈતી ન હતી. પરંતુ તે અચાનક બન્યું હતું અને અમને ખબર ન હતી કે એક વ્યક્તિ અચાનક ઊભી થઈ જશે અને બીજા પર કોફી ફેંકશે અથવા તો લડાઈ કરશે. તમને કેવી રીતે ખબર પડે?"
તેમણે કહ્યું, "અત્યાર સુધી એવું કોઈ મશીન નથી બન્યું કે જે કોઈ વ્યક્તિના ઈરાદાને ચકાસી શકે અને તે થોડી વાર પછી શું કરવા જઈ રહ્યો છે તે કહી શકે. મેં અત્યાર સુધીમાં 3072 શો કર્યા છે અને આ માત્ર બીજી વાર બન્યું છે. એટલે એવું કહેવું કે આવું મારા જ કાર્યક્રમમાં બને છે એ ખોટું છે."
તેમણે કહ્યું, "તેમાં કોઈ શંકા નથી કે આ બીજી આવી ઘટના છે જે ન થવી જોઈતી હતી અને મને તેનો અફસોસ છે. હું ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશ."
જાવેદ ચૌધરીએ આ અપ્રિય ઘટનાને સોશિયલ મીડિયા પર સાર્વજનિક કરવા માટે કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોને જવાબદાર ઠેરવ્યા હતા.
શોના હોસ્ટે શું કરવું જોઇએ?
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો શેર કરીને નિંદા કરી રહ્યા છે.
શો દરમિયાન કોઈ પરિસ્થિતિને ટાળવા અથવા વાતચીતને આ હદે પહોંચતા અટકાવવા માટે શોના હોસ્ટે શું કરવું જોઈએ?
પત્રકાર અસ્મા શિરાઝી કહે છે, “ઍન્કરનો પ્રયાસ એવો હોવો જોઈએ કે કાર્યક્રમમાં ભાગ લેનારા મહેમાનોને માત્ર કાર્યક્રમની સામગ્રી સુધી જ સીમિત કરવામાં આવે અને જો અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો મહેમાનને રોકીને વિષય પર આવવાનું કહેવામાં આવે.”
તેમણે કહ્યું, “ઘણી વખત શોના હોસ્ટ હસ્તક્ષેપ કરે છે પરંતુ ગરમ થઈ જતી ચર્ચાઓ દરમિયાન મહેમાનો તેની અવગણના કરે છે. આવી સ્થિતિમાં પ્રોગ્રામ હોસ્ટ માટે શો કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ જો કોઈ કાર્યક્રમમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી હોય, તો ઍન્કરે જોવું જોઈએ કે તેના કાર્યક્રમના વિષય અથવા સામગ્રીમાં ક્યાં સમસ્યા છે."
તેમણે કહ્યું કે જો પરિસ્થિતિ વધુ વણસે તો યજમાન પરિસ્થિતિની તાકીદે ધ્યાનમાં લઈને બ્રેક લઈ શકે છે અને તે દરમિયાન મહેમાનોને સમજાવી શકે છે.