You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીતીશકુમાર ભાજપના સમર્થનથી ફરી મુખ્ય મંત્રી બનશે, જીતનરામ માંઝીનો દાવો
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા, પટણાથી
બિહારમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ અને અટકળો વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું છે કે નીતીશકુમાર રવિવારે બપોરે ત્રણ વાગે ફરીથી મુખ્ય મંત્રીપદના શપથ લેશે, તેમને ભાજપનુ સમર્થન મળશે.
તેમણે દાવો કર્યો છે કે નવી સરકારમાં મુખ્ય મંત્રી ભલે નીતીશકુમાર હોય પણ તે સરકારની કમાન ભારતીય જનતા પાર્ટીનાં હાથમાં રહેશે.
માંઝીએ કહ્યું કે તેમની પાર્ટી એનડીએનો ભાગ છે તેથી તેમની પાર્ટીના ધારાસભ્યો પણ આ સરકારમાં સામેલ થશે.
કયા આધારે તેમણે આ દાવાઓ કર્યા છે અને જો એવું થયું તો નીતીશકુમાર સાથે વણસેલા સંબંધો હોવા છતાં પણ શું તેઓ તેમની સાથે કામ કરી શકશે?
બિહારના રાજકારણમાં અચાનક આવી ખેંચતાણ કેવી રીતે થઈ? બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં બિહારના પૂર્વ મુખ્ય મંત્રીએ આ બધા સવાલોના જવાબ આપ્યા.
જીતનરામ માંઝીએ બીબીસીને જણાવ્યું કે નીતીશકુમાર કોઈ પણ સમયે આરજેડી સાથેનું ગઠબંધન તોડીને ભાજપની સાથે ગઠબંધન કરી શકે છે.
તેમણે ઉમેર્યું, “ભાજપના શીર્ષ નેતાઓ સાથે તેમની વાતચીત થઈ છે અને ત્યાર પછી તેમણે પણ નીતીશકુમારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.”
માંઝીએ કહ્યું કે નીતીશકુમાર એનડીએ સાથે જવા માગે છે. લગભગ નક્કી જ છે કે તેઓ ભાજપ સાથે જશે. અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે નરેન્દ્ર મોદી એટલે કે એનડીએ સાથે જશું. નીતીશકુમાર જો રાજીનામું આપીને એનડીએ સાથે જોડાશે તો અમે તેમનો પણ સાથ આપીશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિહારના પૂર્વ મુખ્ય મંત્રીએ દાવો કર્યો છે કે રવિવારે નીતીશકુમાર રાજ્યપાલને ધારાસભ્યોના સમર્થનની સૂચિ આપશે અને બપોરે ત્રણ વાગ્યે શપથગ્રહણ સમારંભ યોજાશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે જે દાવા કરી રહ્યા છો તે સાચા પડવાની કેટલી શક્યતા છે? માંઝીએ જવાબ આપતા કહ્યું કે હાલમાં જે માહિતી છે તેના આધારે 100 ટકા શક્યતા છે.
નવી સરકારમાં માગ્યાં બે મંત્રીપદ
જીતનરામ માંઝીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે તેમની વાત થઈ હતી અને તેમના કહેવાથી અમે નીતીશકુમારનું સમર્થન કરીશું.
તેમણે કહ્યું, “અમારી પાર્ટી હિન્દુસ્તાન આવામ મોરચાના ચારેય ધારાસભ્યો એનડીએ સાથે છે. એનડીએની મુખ્ય પાર્ટી ભાજપ છે. અમિત શાહ સાથે વાત થઈ છે. તેમણે પણ સલાહ આપી છે કે નીતીશકુમારનો સાથ આપવો જોઈએ.”
નવી સરકાર બને તો તેમાં તમારી અને તમારી પાર્ટીની શું ભૂમિકા રહેશે? આ વિશે માંઝીએ કહ્યું કે અમારી તરફથી નવી સરકારમાં બે મંત્રીપદની માગ કરવામાં આવી છે.
માંઝીએ કહ્યું, “ જ્યારે એક અપક્ષ ધારાસભ્યને એક મંત્રીપદ આપવામાં આવે તો અમારી પાસે તો ચાર ધારાસભ્ય અને એક એમએલસી છે. અમે નક્કી કર્યું છે કે આ હિસાબે નવી સરકારમાં બે મંત્રી તો બનાવવા જોઈએ.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટીને બે મંત્રીપદ આપવા માટે સહમતિ બની છે કે નહીં, તો તેમણે કહ્યું, “સહમતિ છે કે નહીં તે એ લોકો જાણે. અમારી તો આ માગ છે.”
નીતીશ સાથેની ખેંચતાણને ભૂલી શકશે?
અગાઉ બિહાર વિધાનસભામાં અનામતને લઈને થઈ રહેલી ચર્ચા દરમિયાન મુખ્ય મંત્રી નીતીશકુમાર જીતનરામ માંઝી પર ગુસ્સે થયા હતા.
નીતીશકુમારે તો એ પણ કહ્યું હતું કે તેમની ભૂલ અને મૂર્ખતાના કારણે જીતનરામ માંઝી બિહારના મુખ્ય મંત્રી બન્યા હતા.
ત્યાર પછી નીતીશકુમાર વિશે જીતનરામ માંઝીએ કહ્યું, “તેમનું મગજ ઠેકાણે નથી. તેઓ મર્યાદા તોડી રહ્યા છે. હું તેમના કરતાં સાડા ચાર વર્ષ મોટો છું અને રાજકારણમાં પણ તેમનાથી વરિષ્ઠ છું.”
આ પ્રકારની ટિપ્પણી અને ખેંચતાણ પછી હવે નવી સરકારમાં એક સાથે કેવી રીતે રહેશો?
આ વિશે માંઝીએ કહ્યું કે સરકાર ભલે નીતીશકુમારની હોય પણ તેની કમાન ભાજપ પાસે રહેશે અને અમે ભાજપની સાથે છીએ.
માંઝીએ ઉમેર્યું, “તેઓ મુખ્ય મંત્રી બનશે તો પોતાની વાતોને દબાવશે, તેમને પણ અનુભવ થશે. અમે બન્ને જ્યારે દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે હું મજાક કરી રહ્યો હતો અને માફી પણ માગી. રાજકારણમાં આવું ચાલ્યા કરે છે. ભૂતકાળની વાતોને ભૂલી જવી જોઈએ.”
માંઝીએ કહ્યું કે ઘણી વાતોને લોકોનું હિત ધ્યાનમાં રાખીને અવગણવી જોઈએ. તેમણે કહ્યું કે આજ લોકોના હિતની વાત છે. આ સરકાર બદલવાની જરૂર છે, કારણ કે બિહારના લોકો તબાહ થઈ રહ્યા છે ત્યારે કોઈ પણ અંગત બાબતને ખતમ કરવી જોઈએ.
અંગત રીતે તેમની વાતોથી ઠેસ પહોંચી છે તો આ વાતની પીડા તેમને હંમેશાં રહેશે?
આ સવાલનો જવાબ આપતા માંઝીએ કહ્યું કે નીતીશકુમારે ઘણી વખત આવું કર્યું છે. તેમણે વડા પ્રધાનને ભોજનનું આમંત્રણ આપીને પછી ના પાડી હતી. જોકે, નરેન્દ્ર મોદીએ આ વાતને ભૂલીને તેમને મુખ્ય મંત્રી તરીકે સ્વીકાર્યા છે તો અમે કોણ છીએ?
જીતનરામ માંઝી 68 વર્ષની ઉંમરે 20મે 2014ના રોજ બિહારના 23મા મુખ્ય મંત્રી બન્યા હતા.
તે વર્ષે બનેલી નાટકીય ઘટનામાં ત્યારના બિહારના મુખ્ય મંત્રી અને જેડીયુના નેતા નીતીશકુમારે રાજીનામું આપ્યા પછી મુખ્ય મંત્રી તરીકે માંઝીના નામની જાહેરાત થઈ હતી.
નીતીશકુમારે 2014ની લોકસભા ચૂંટણીમાં જેડીયુના ખરાબ પ્રદર્શનને કારણે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. નીતીશકુમારે મુખ્ય મંત્રીના નામ માટે માંઝીનું નામ આપ્યું હતું.
વિપક્ષ તે સમયે માંઝી પર ડમી મુખ્ય મંત્રી હોવાનો આરોપો કરી રહ્યો હતો. જેડીયુએ તેમને દસ મહિના પછી રાજીનામું આપવાનું કહ્યું હતું, કારણ કે પાર્ટી ફરી એક વાર નીતીશકુમારને મુખ્ય મંત્રી બનાવવા માગતી હતી.
જોકે, માંઝીએ પદ છોડવાની ના પાડી દીધી. બાદમાં જેડીયુએ માંઝીની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી. જ્યારે ભાજપે વિધાનસભામાં માંઝીને સમર્થન આપવાનું કહ્યું હતુ.
જોકે, ઝડપથી બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે માંઝીએ 20 ફેબ્રુઆરી 2015ના રોજ રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેમણે હિન્દુસ્તાન આવામ મોરચા નામની પાર્ટી બનાવી.
પહેલેથી જ ભૂમિકા તૈયાર થઈ રહી હતી?
બિહારમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ઘટનાક્રમ બદલાઈ રહ્યા છે. બધાં મુખ્ય દળોની બેઠકોનો દોર ચાલુ છે.
અટકળો તો અનેક ચાલી રહી છે, પરંતુ મુખ્ય મંત્રી નીતીશકુમાર અને તેમની પાર્ટી તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
આખરે આવી સ્થિતિ કેમ પેદા થઈ? આ સવાલ પર જીતનરામ માંઝીએ કહ્યું કે જેડીયુ અને આરજેડીમાં પહેલેથી ખેંચતાણ વધવા લાગી હતી અને આ હાલતની ભૂમિકા પહેલેથી તૈયાર થઈ રહી હતી.
તેમણે કહ્યું, "જેમનાં માતાપિતા 2005 પહેલાંથી સીએમ હતા અને તેમના કાર્યકાળમાં જે ગોટાળા થયા તેનો હવાલો આપીને સીએમ કહે છે કે 2005થી પહેલાંની સ્થિતિ પેદા ન કરો. તો આ પરોક્ષ રીતે તેજસ્વી યાદવ પર નિશાન સધાઈ રહ્યું હતું."
માંઝીનું માનવું છે કે આખામાં મામલામાં ત્યારે વળાંક આવ્યો જ્યારે કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાનું એલાન થયું.
તેમણે કહ્યું, "જ્યારે કર્પૂરી ઠાકુરજીને ભારતરત્ન અપાયો તો નીતીશકુમારે સીધું કહ્યું કે કર્પૂરી ઠાકુર પરિવારવાદની વિરુદ્ધ હતા અને તેમણે પોતાની હયાતી સુધી તેમના પરિવારને રાજકારણમાં ન આવવો દીધો. તેમણે કહ્યું કે હું પણ એવું જ કરી રહ્યો છું, પરંતુ કેટલાક લોકો પોતાનાં બાળકોને આગળ વધારી રહ્યા છે."
"એવામાં તેમનો ઈશારો સોનિયા ગાંધી તરફ હતો કે તેઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આગળ કરી રહ્યાં છે અને સાથે જ લાલુ યાદવ પર પણ હતો. તો આ લોકોને અહેસાસ થઈ ગયો કે આ હવે આપણી સાથે રહેવાના નથી."
કેટલાંક વર્ષ પહેલાં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં જીતનરામ માંઝીએ કહ્યું હતું કે માણસે 75 વર્ષની ઉંમરે રાજકારણમાં સંન્યાસ લઈ લેવો જોઈએ.
આ નિવેદનનો હવાલો આપતા તેમને પૂછવામાં આવ્યું કે તમે ખુદ 75 પાર કરીને ચૂંટણી લડ્યા છો અને હજુ રાજકારણમાં પણ સક્રિય છો.
આના પર માંઝીએ કહ્યું, "2020માં નીતીશકુમારના આગ્રહથી હું ચૂંટણી લડ્યો હતો. 2025માં હું ચૂંટણી નહીં લડું. વિધાન પરિષદ અને રાજ્યસભામાં ચૂંટણીની વાત નથી. ત્યાં રહીને આપણે આગળ પણ લોકોની સેવા કરી શકીએ છીએ."