બિહાર : દલિત IAS અધિકારીની હત્યામાં દોષિત 'બાહુબલી'ની ફાંસીની સજાથી જેલમુક્તિ સુધીની કહાણી

બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહનસિંહની મુક્તિને લઈને બિહારના રાજકારણમાં હોબાળો મચેલો છે. આનંદ મોહનસિંહને ગોપાલગંજના એ વખતના ડીએમની હત્યાના કેસમાં જનમટીપ થઈ હતી. નીતીશ કુમારની સરકારે જેલ મૅન્યુઅલમાં કરેલા સંશોધન અંતર્ગત આનંદ સહિત 27 કેદીઓને મુક્ત કરી દીધા છે.

પાંચ ડિસેમ્બર 1994ના દિવસે ઉત્તર પ્રદેશના ગોપાલગંજના ડીએમ પટનાથી પાછા ફરી રહ્યા હતા. તેના એક દિવસ પહેલાં ચોથી ડિસેમ્બરે ‘બાહુબલી’ અને ‘રૉબિનહુડ’ની છબિ ધરાવતા છોટન શુક્લાની હત્યાને લઈને તેમના સમર્થકો પટના-મુઝફ્ફરપુર હાઈવે પર પ્રદર્શન કરી રહ્યા હતા.

લાલબત્તીવાળી સરકારી ગાડી જોઈને ભીડે તેમના પર હુમલો કર્યો અને તેમની હત્યા થઈ હતી.

આ કેસમાં ભીડને ઉશ્કેરવા બદલ છોટન શુક્લાના નજીકના મનાતા બિહારના પૂર્વ સાંસદ તેમજ ધારાસભ્ય આનંદ મોહન દોષિત ઠેરવાયા હતા.

તેઓ ભારતના પ્રથમ એવા નેતા હતા, જેમને નીચલી કોર્ટે ફાંસીની સજા સંભળાવી હોય. જોકે, પટના હાઇકોર્ટે આ સજા આજીવન કેદની સજામાં પરિવર્તિત કરી દીધી હતી.

જોકે, તાજેતરમાં બિહારની નીતિશ સરકારે જેલ મૅન્યુઅલમાં સંશોધન કરીને આનંદ મોહન સહિત 27 લોકોને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. જેને લઈને દેશભરમાં ચર્ચા થઈ રહી છે.

આનંદ મોહન એક એવી વ્યક્તિ છે જે બિહારની રાજનીતિમાં ભાજપથી લઈને માયાવતી સુધીના રાજનેતાઓ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આનંદ મોહન કોણ છે?

બિહારના સહરસા જિલ્લાના પચગછિયા ગામના રહેવાસી આનંદ મોહને વિદ્યાર્થીકાળથી જ 1974ના જેપી આંદોલન દરમિયાન એક જાણીતા રાજપૂત ચહેરા તરીકે ઓળખ ઊભી કરી લીધી હતી.

આનંદ મોહને વર્ષ 1990માં જનતા દળની ટિકિટ પર મહિષીથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી. આ સમય સુધી આનંદ મોહન કોસી આ વિસ્તારમાં એક બાહુબલી રાજપૂત નેતા તરીકે અહેવાલોમાં ચમકતા રહેતા હતા.

આનંદ મોહન બિહારમાં અખબારો અને મૅગેઝિનોમાં છપાતી તસવીરોમાં ક્યારેક ઘોડેસવારી કરતાં, તો ક્યારેક બંદૂક સાથે જોવા મળતા હતા.તેમને પૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના નજીકના માનવામાં આવતા હતા. જે તેમની જ જ્ઞાતિના હતા.

વર્ષ 1980 અને 1990ના દાયકામાં બિહારના શિવહર અને તેની આસપાસના વિસ્તારમાં રઘુનાથ ઝા એક કદાવર નેતા માનવામાં આવતા હતા. રઘુનાથ ઝા બિહાર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ઘણી વખત ધારાસભ્ય અને લોકસભા સાંસદ પણ રહ્યા છે.

તેમના પૌત્ર નવનીત ઝા પ્રમાણે, "વર્ષ 1990માં રઘુનાથ ઝા જનતા દળના સંસદીય બૉર્ડના અધ્યક્ષ હતા અને તેમણે જ આનંદ મોહનને 1990માં મહિષી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ અપાવી હતી."

એક તરફ ભાજપ દેશભરમાં રામમંદિર આંદોલન કરીને કૉંગ્રેસની રાજનીતિને પડકાર ફેંકી રહી હતી, ત્યારે બીજી તરફ વીપી સિંહના વડા પ્રધાનપદ હેઠળ ભારતમાં મંડલપંચની ભલામણો અને અનામતની માગને લઈને હોબાળો થઈ રહ્યો હતો.

બિહારમાં જનતા દળે એ સમયે મંડલમંચની ભલામણોનું સ્વાગત કર્યું હતું. શરદ યાદવ, લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન જેવા નેતા તેના સમર્થનમાં હતા. પરંતુ આનંદ મોહન રાજપૂત જ્ઞાતિના હતા અને અનામતવિરોધી માનવામાં આવે છે.

તેમણે વર્ષ 1993માં જનતા દળથી અલગ થઈને 'બિહાર પીપલ્સ પાર્ટી' બનાવી હતી.

એ સમયે લાલુપ્રસાદ યાદવ ઊંચી જાતિના વિરોધી નેતાઓમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચૂક્યા હતા અને તેમના ભાષણોની ખૂબ ચર્ચા થતી હતી.

'રૉબિનહુડ'ની છબિ

આનંદ મોહનના વિસ્તારના જ અન્ય એક બાહુબલી નેતા પપ્પુ યાદવ પણ અનામતના સમર્થનમાં હતા. આ બંને નેતાઓ વચ્ચેની દુશ્મનીના કિસ્સા અવારનવાર અહેવાલોમાં ચમક્યા કરતા હતા. પોતાના વિસ્તારમાં બંને ‘રૉબિનહુડ’ની છબિ ધરાવતા હતા.

કહેવામાં આવે છે કે જ્યારે બંને નેતા ક્યાંક જતા, તો કોનો કાફલો વધારે લાંબો હશે, તેની પણ સ્પર્ધા થતી. આ રાજનૈતિક દુશ્મની વર્ષ 1991માં બિહારની મધેપુરા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી વખતે ખુલીને સામે આવી.આ બેઠક પર તે સમયે જનતા દળના કદાવર નેતા શરદ યાદવ ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ આનંદ મોહન તેમની સામે હતા.

આરોપો પ્રમાણે આનંદ મોહન અને પપ્પુ યાદવ વચ્ચેની દુશ્મનાવટમાં ઘણી વખત ગોળીઓ ચાલી હતી.1990ના દાયકાની શરૂઆતમાં બિહારમાં અનામતને લઈને રાજકીય વંટોળ ઊઠ્યો હતો.

જૂના રાજનૈતિક દિગ્ગજોને પડકારવા માટે ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી ‘બાહુબલી’ અને ‘રૉબિનહુડ’ની છબી ધરાવતા નેતા પણ રાજનીતિમાં આગળ વધવા લાગ્યા હતા.

એવું જ એક નામ હતું મુઝફ્ફરપુરના છોટન શુક્લાનું. છોટન શુક્લા ભૂમિહાર જ્ઞાતિના નેતા અને આનંદ મોહનના નજીકના હતા.આનંદ મોહનની પાર્ટીમાંથી તેઓ કેસરિયા બેઠક પરથી ચૂંટણી લડવાના હતા.

આ દરમિયાન ચાર ડિસેમ્બર 1994ના રોજ મુઝફ્ફરપુરમાં છોટન શુક્લાની હત્યા કરી દેવાઈ હતી. આજ સુધી એ વાત ખબર નથી પડી કે એ હત્યા કોણે કરાવી હતી.

છોટન શુક્લાની હત્યાના બીજા દિવસે એટલે કે પાંચમી ડિસેમ્બરે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન જ ગુસ્સે ભરાયેલી ભીડે આઈએએસ ઑફિસર જી. કૃષ્ણૈયાની હત્યા કરી નાખી હતી.

જી. કૃષ્ણૈયા ગોપાલગંજના ડીએમ હતા અને મુઝફ્ફરપુર સાથે તેમને કંઈ લેવાદેવા નહોતી.

મુઝફ્ફરપુરના વરિષ્ઠ પત્રકાર સંદીપ કુમાર જણાવે છે, "જી. કૃષ્ણૈયા પટનાથી પાછા ફરી રહ્યા હતા અને બીજી બાજુ છોટન શુક્લાના મૃતદેહને લઈને તેમના સમર્થકો પટના-મુઝફ્ફરપુર હાઇવે પર પ્રદર્શન કરી રહ્યા હતા. લાલબત્તીવાળી સરકારી ગાડી જોઈને ભીડે તેમના પર હુમલો કરી દીધો હતો."

જી. કૃષ્ણૈયાની હત્યાના આરોપસર આનંદ મોહનને 2007માં જિલ્લા કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. ડિસેમ્બર 2008માં પટના હાઇકોર્ટે આ સજાને આજીવન કેદની સજામાં પરિવર્તિત કરી નાખી હતી.

આનંદ મોહન પહેલી વખત વર્ષ 1990માં સહરસા મહિષીથી જનતા દળની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 1996માં સમતા પાર્ટીની ટિકિટ પર, જ્યારે વર્ષ 1998માં રાષ્ટ્રીય જનતા દળની ટિકિટ પર શિવહરથી સાંસદ બન્યા હતા. ત્યાર પછી તેમણે 1999માં એનડીએ તરફથી શિવહરથી લોકસભાની ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. જ્યારે વર્ષ 2004માં પણ લોકસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.

આનંદ મોહન શિવહરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમનાં પત્ની લવલી આનંદ પણ બિહારના વૈશાલીમાંથી સાંસદ રહી ચૂક્યાં છે. જ્યારે તેમના પુત્ર ચેતન આનંદ હાલ શિવહરથી જ આરજેડીના ધારાસભ્ય છે.

રાજનીતિના શરૂઆતના સમયમાં આનંદ મોહન અને તેમનાં પત્ની લવલી આનંદ ભલે ચૂંટણી જીતતાં આવ્યાં હોય, પરંતુ બાદમાં તેઓ સતત ચૂંટણી હારતાં રહ્યાં.

થોડા મહિના પહેલાં જ મુખ્ય મંત્રી નીતીશ કુમાર પણ પોતાની એક સભામાં એ સંકેત આપ્યો હતો કે તેમની સરકાર આનંદ મોહનની જેલમુક્તિ માટે પ્રયત્ન કરી રહી છે અને તે વિશે કામ પણ કરી રહી છે.

સજામાફીને લઈને ઉઠેલા સવાલ

નીતીશ સરકારનો સંદેશ છે કે રાજપૂત સમુદાય માટે તેમણે કાયદો બદલીને મોટું કામ કર્યું છે. જોકે, આની અસર એમના દલિત મતો પર પણ પડી શકે એમ છે, કેમ કે જી. કૃષ્ણૈયા પોતે દલિત હતા?

પોતાની મુક્તિ મામલે આનંદ મોહને ગુજરાતમાં બિલકીસબાનો ગૅંગરેપના દોષિતોની મુક્તિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, "ગુજરાતમાં પણ કંઇક આવું જ થયું હતું. જઈને જુઓ. માળા પહેરાવીને કેટલાક લોકોને છોડવામાં આવ્યા છે. શું એ પણ આરજેડી અને નીતિશ કુમારના કહેવા પર થયું છે?"

ભાજપના નેતાઓ આ મામલાને લઈને મૂંઝવણમાં હોય એમ લાગે છે. કેટલાક નેતાઓ જ્યાં નીતિશ કુમાર સરકારના નિર્ણયની ટીકા કરી રહ્યા છે, જ્યારે કેટલાક નેતા આનંદ મોહનના મામલાને કંઇક અલગ રીતે જોઈ રહ્યા છે.

બિહારના પૂર્વ નાયબમુખ્ય મંત્રી સુશીલકુમાર મોદીએ નીતિશ કુમારની જેલ મૅન્યુઅલમાં ફેરફારને લઈને તેમની આકરી ટીકા કરહી છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે બિહારની મહાગઠબંધન સરકારે આનંદ મોહનના બહાને પોતાના 'એમવાય સમીકરણ'ને સાધવાનો પ્રયત્ન કર્યો છે અને ઘણા મોટા આરોપીઓને જેલબહાર કરવાનો રસ્તો ઊભો કર્યો છે.

કંઇક એવું જ નિવેદન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આપ્યું છે અને એ પણ માત્ર આનંદ મોહન પર નહીં, પરંતુ બાકીના અન્ય આરોપીઓ પર.

આનંદ મોહનની જેલમુક્તિ પર ભાજપ ખૂબ સંભાળીને પ્રતિક્રિયા આપી રહ્યો છે. જેના પાછળ એક ખાસ કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

નીતિશ સરકારનો સંદેશ છે કે રાજપૂત સમાજ માટે તેમણે આ કાયદો બદલીને મોટું કામ કર્યું છે.

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને નીતિશ સરકારના નિર્ણયના દલિતવિરોધી ગણાવ્યો છે.