You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોર્ડ પરીક્ષા : એવી કઈ ટેકનિક છે જેનાથી અઘરા લાગતા વિષયો પણ શીખી શકાય?
ગુજરાત સહિત ભારતભરમાં થોડા દિવસોમાં જ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. કેટલાક લોકો માટે અનેક વિષયો ખૂબ જ અઘરા હોય છે.
એટલું જ નહીં શાળા, કૉલેજ કે પછી ઑફિસમાં પ્રમોશન માટે પરીક્ષા આપવાના વિચારથી જ તમે વ્યાકુળ કે બેચેન થઈ ઊઠતા હો તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ બાબતે તમે એકલાં નથી.
ઘણી વાર કોઈ પણ માહિતી અને એમાં પણ જટિલ વિષયોની માહિતી યાદ રાખવી અઘરી છે. એવું નથી કે તમારી સાથે જ આવું જ થાય છે સારી બુદ્ધિમત્તા ધરાવતા અને ઉત્તમ યાદશક્તિ ધરાવતા લોકો સાથે પણ આવું થાય છે.
જોકે ફિઝિક્સમાં નોબેલ વિજેતા અમેરિકાના વૈજ્ઞાનિક રિચાર્ડ ફેમેને (1918-1988) એક સરળ ટેકનિક વિકસાવી છે કે જે કોઈપણ પ્રકારના અભ્યાસ માટે ઘણી મદદરૂપ પુરવાર થઈ છે.
ક્વૉન્ટમ મિકેનિક્સ અને પાર્ટિકલ ફિઝિક્સ જેવા ક્ષેત્રમાં ઘણું મહત્ત્વનું યોગદાન આપનારા આ ભૌતિકશાસ્ત્ર આ ટેકનિકની મદદથી પહેલાં પોતે સમજ કેળવતા અને પછી તે જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા.
તેઓ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે જ અજાણતા જ તેમણે આ રીત વિકસાવી હતી અને તેનું મુખ્ય કામ જટિલ વિષયોને સરળ બનાવવાનું છે અને સરળ રીતે લોકોને સમજાવવાનું છે.
આ રીતમાં તમારે ટેકનિક ગોખવાનું નથી પણ આ રીત તમને પુસ્તકો સાથે પ્રત્યક્ષ રીતે જોડાવાનું, કોઈપણ વિષયને પૂર્ણ રીતે સમજવાનું અને તેને અસરકાર રીતે અમલમાં મૂકવાનું શિખવે છે.
તો અમે તમને આ અનોખી ટેકનિકને તબક્કાવાર સમજાવીશું કે જેનાથી તમને જે વિષયમાં રસ છે તેના વિશે તમે અભ્યાસ કરી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવું શીખવાના ચાર તબક્કા
1. વિષયની પસંદગી કરો
તમે કોઈપણ વિષય પસંદ કરી શકો છો. અર્થશાસ્ત્ર હોય કે ઘરનો હિસાબ , કે પછી તમારે જે ભણવું છે તે. રસાયણશાસ્ત્ર કે પશુવિજ્ઞાન, અથવા એક પછી એક વિષયો શીખવા છે. એ વિષય લખો.
2. વિષયને ભણાવો
તમે બાળકને ભણાવતા હોવ એ રીતે આ વિષય અંગે તમને જે પણ ખબર છે અ બધું જ લખી નાંખો. તમને આમ કરવું વિચિત્ર લાગશે, પણ આ ઘણો મહત્ત્વનો તબક્કો છે.
ધ્યાન રાખજો કે શરૂઆતથી અંત સુધી તમે એકદમ સરળ ભાષામાં તે લખો. તમે જે શબ્દો ખબર છે તે જ સરળ શબ્દોમાં લાખો, જેથી કરીને તમે તમારી જાતની મૂર્ખ બનાવતા અટકાવી શકો. આમ કરવાનું કારણ તમને તમારી ભાષાના તળપદા શબ્દો ખબર છે અને તમે શેના વિષે વાંચી કે લખી રહ્યા છે તે તમને ખબર પડે.
3. તમે લખેલું પાછું વાંચો
બીજી રીતમાં તમને સમજાયું હશે કે તમારા જ્ઞાનમાં થોડો તફાવત છે, એવી ઘણી વાતો હેશે જેને તમે ભૂલી ગયા છો અથવા સમજાવી નથી શક્યા.
તમારે ખરો અભ્યાસ અહીં કરવાનો છે. તમે જ્યાંથી ભણી રહ્યા છો એટલે કે પુસ્તક, તમારી નોંધ કે પછી પૉડકાસ્ટ એને ફરી વાંચો કે સાંભળો અને શોધો કે તમને હજુ શું નથી સમજાયું.
જ્યારે તમને લાગે કે આ બાબત તમને સ્પષ્ટ થઈ ગઈ છે તેને ફરી પાછા એ રીતે લખો કે તમે એને કોઈ નાના બાળકને ભણાવી રહ્યા છો.
એક વાર તમને જે અઘરું લાગતું હોય તેનો ઉકેલ મળી જાય તો તમે જે મૂળ નોંધ લખી રહ્યા હતા તે ફરી લખવાનું શરૂ કરો.
4. ફરી વાંચો અને સરળ બનાવો
તમે જે લખ્યું છે તે ફરી વાંચો. ખાતરી કરો કે તમને ગૂંચવતા એ વિષય સંબંધિત કોઈ પણ શબ્દો નથી લખ્યા. એને જોરથી વાંચો.
જે છણાવટ કરવામાં આવી છે તે સરળ ન હોય કે ગૂંચવણ ભરેલી હોય તો એમ માનવું જોઈએ કે હજુ કોઈ બાબત છે જે તમને પૂર્ણ રીતે સમજાઈ નથી.
રૂપકો કે ઉદાહરણો બનાવો, આનાથી તમને સ્પષ્ટતા તો મળશે જ પણ સાથે એ દર્શાવશે કે તમે એ વિષયમાં પારંગત થઈ ગયા છો.
ઇલાસ્ટિક બૅન્ડનું ઉદાહરણ
ફેમેનનું કામ ભલે અત્યંત વિશિષ્ટ પ્રકારનું હતું છતાં પણ તેઓ ભૈતિકશાસ્ત્રની સાથે-સાથે તેમના કૌતુક અને વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવાને કારણે પણ જાણીતા હતા.
તેમને કુદરતી ભેટ મળી હતી કે કોઈપણ જટિલમાં જટિલ વિષયને સામાન્યમાં સામાન્ય માણસને સરળતાથી સમજાવી શકે.
ઉદાહરણ લઈએ તો એક વાર તેમણે ઇલાસ્ટિક બૅન્ડ કેવી રીતે કામ કરે છે તેની સમજણ આપી હતી.
"રબર બૅન્ડમાં કેટલાક લાંબા સાંકળ જેવા તો કેટલાક નાના પરમાણુઓ હોય છે."
"તમે જ્યારે બૅન્ડને ખેંચો ત્યારે એ સાંકળ સીધી થાય છે, પરંતુ નાના અણુઓ તેના પર હંમેશાં બૉમ્બમારો કરે છે અને તેમને ફરી નાના બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે લાંબા સમય સુધી તેઓ ખેંચાયેલા રહી શકતાં નથી. એ જે બૉમ્બમારો થાય છે તેના કારણે ગરમી ઉત્પન્ન થાય છે."
"આને તપાસવા માટે એક જાડું ઇલાસ્ટિક બૅન્ડ તમારા હાથ વચ્ચે રાખીને ખેંચો તો એનું તાપમાન વધતું હોવાનું અનુભવાશે, અને તેને મૂળ સ્વરૂપે લાવી દેશો તો ફરી તે ઠંડું થઈ જશે."
"મને રબર બૅન્ડ હંમેશાં આકર્ષક લાગે છે. વિચારો કે તે કઈ રીતે કાગળના થપ્પાને વર્ષો સુધી ઝકડી રાખે છે. વર્ષો સુધી પેલાં નાના અણુઓ નિરંતર મોટા પરમાણુ પર બૉમ્બમારો કરતા રહે છે."
ગેરલાભ
શું એવી કોઈ વસ્તું છે જેના માટે આ ટેકનિક યોગ્ય નથી? કે પછી અભ્યાસની અન્ય પદ્ધતિઓની જેમ આનાં પણ કોઈ ગેરલાભો છે?
યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત યુનિવર્સિટી ઑફ યૉર્ક દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ આ ટેકનિક સરળ વિષયો માટે ઉપયોગી નથી કે પછી એવા વિષયો જેમાં તમારે માત્ર ગોખવાનું હોય.
આ ટેકનિકમાં શીખવા, સમજવા અને તમારા શબ્દોમાં સમજાવવા માટે ઘણો સમય અને ઘણી મહેનત લાગે છે.
પરંતુ જો એના ફાયદો જુઓ તો કોઈ પણ વિષય પ્રત્યેની તમારી સમજને વધુ ઊંડી બનાવે છે, તમારા વ્યક્તિગત અનુભવો સાથે જ્ઞાનને જોડે છે અને તમારા વિચારોને સમજાવવાની ક્ષમતા વિકસાવે છે.
એટલે જો હવે જ્યારે પણ તમારી પરીક્ષા નજીક આવે ત્યારે ફેમેનની આ ટેકનિક અપનાવી જુઓ અને જાણો કે તમારા માટે કામ કરે છે કે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન