You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજારમાં મળતી મીઠાઈમાં ભેળસેળ છે કે નહીં, કેવી રીતે ખબર પડે?
- લેેખક, ડિંકલ પોપલી
- પદ, બીબીસી સંવાદદાતા
દિવાળી રોશની, રોનક અને ફટાકડાં ઉપરાંત મીઠાઈઓનો તહેવાર છે. આ દરમિયાન ઘરના ફ્રિજથી લઈને ભોજનના ટેબલ ઉપર મીઠાઈના ડબ્બા નજરે પડે છે. જોકે, આ મીઠાઈઓમાં ભેળસેળની ચિંતા રહે છે.
દિવાળી હોય, સાતમ-આઠમ કે નવરાત્રિ. આ તહેવારો દરમિયાન દૂધ, ઘી અને માવામાં મોટાપાયે ભેળસેળના સમાચાર છપાતા હોય છે.
જાણકારોના કહેવા પ્રમાણે, તહેવારોના દિવસો દરમિયાન મિઠાઈઓની માગ વધી જાય છે. જેને પહોંચી વળવા માટે ઘણી વખત ભેળસેળ કરવામાં આવે છે.
આ ભેળસેળને કારણે આરોગ્યને નુકસાન થાય છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળે (એફએસએસઆઈ) કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે, જેની મદદથી તમે ઘેરબેઠા જ ભેળસેળ વિશે સહેલાઈથી જાણી શકો છો.
કેવી રીતે કરવું નીરક્ષીર?
ગુજરાતીમાં કહેવાય છે કે વ્યક્તિ પાસે 'નીરક્ષીર'નો વિવેક હોવો જોઈએ. 'નીર' એટલે પાણી અને 'ક્ષીર' એટલે દૂધ. તહેવારો દરમિયાન દૂધમાં પાણીની ભેળસેળ વધી જતી હોય છે. નીચેના અમુક ઉપાયોથી આ ભેળસેળને ચકાસી શકાય છે.
- દૂધનાં અમુક ટીપાંને પ્લૅટ ઉપર રાખીને તેને એક તરફ થોડી નમાવો.
- જો દૂધમાં ભેળસેળ નહીં હોય તો દૂધ ધીમે-ધીમે વહે છે અને સફેદ લીટી જેવું સર્જાશે.
- જો દૂધમાં પાણીની ભેળસેળ હશે તો તે પ્લૅટ ઉપર ઝડપભેર સરકશે અને પાછળ સફેદ લીસોટો નહીં બને.
દૂધમાં કપડાં ધોવાનો પાઉડર પિછાણો
તહેવારો દરમિયાન દૂધના માગમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે. તેને પહોંચી વળવા માટે તેમાં કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાઉડર પણ મેળવવામાં આવે છે. જોકે, કેટલીક સામાન્ય તરકીબો દ્વારા આ પ્રકારની ભેળસેળને પકડી શકાય છે.
- એક કપમાં પાંચથી 10 મિલીલીટર દૂધ લો તથા એટલા જ પ્રમાણમાં પાણી નાખો.
- તેને સારી રીતે ભેળવી દો.
- જો દૂધમાં ડિટર્જન્ટની ભેળસેળ થયેલી હશે, તો તેની ઉપર ખાસ્સા ફીણ વળશે.
- અને જો દૂધમાં થોડા ફીણ વળે તો તમે એવું માની શકો કે દૂધમાં કોઈપણ પ્રકારની ભેળસેળ નથી.
માવામાં ઘાલમેલ
ગુજરાતની મ્યુનિસિપલ કૉર્પોરેશનોના આરોગ્યવિભાગ તથા અલગ-અલગ વિભાગો દ્વારા દર વર્ષે સેંકડો કિલોગ્રામ ભેળસેળવાળો માવો જપ્ત કરવામાં આવે છે.
માવો ડેરીમાં બને છે અને તેમાં કાચા માલ તરીકે દૂધની જરૂર પડે છે. દૂધને ઉકાળીને તેને બનાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તહેવારો દરમિયાન દૂધની ઘટ ઊભી થતી હોય, ત્યારે ભેળસેળની માવા ઉપર પણ અસર પડવાની શક્યતા રહે છે.
માવો સફેદ કે પીળા રંગનો હોય છે અને તે થોડો મીઠો હોય છે. અનેક પ્રકારની મીઠાઈઓમાં માવામાંથી જ બને છે.
તપાસકર્તાઓને માલૂમ પડ્યું છે કે મોટા ભાગના કિસ્સામાં માવામાં સ્ટાર્ચ, વનસ્પતિ ઘી, બ્લોટિંગ પૅપર કે ચૉક પાઉડરની ભેળસેળ કરવામાં આવે છે.
માવામાં મિલાવટ માલૂમ કરો
- એફએસએસઆઈના જણાવ્યા પ્રમાણે, એક ચમચી માવો લો અને તેમાં ગરમ પાણી ભેળવો. પછી એ કપમાં થોડું આયોડિન નાખો. જો માવો વાદળી રંગનો થઈ જાય તો તેમાં સ્ટાર્ચની ભેળસેળ જાણવી. જો તે બ્લૂ કલરનો ન થાય તો એનો મતલબ છે કે માવો શુદ્ધ છે.
- આ સિવાય સલ્ફ્યૂરિક ઍસિડની મદદથી ફૉર્મેલિન જેવાં રસાયણોની હાજરી વિશે માલૂમ કરી શકાય છે.
- એક નાનકડા પાત્રમાં થોડો માવો લો અને તેમાં સલ્ફ્યૂરિક ઍસિડ ભેળવો. જો તે રિંગણી કલર પકડે, તો તેમાં ભેળસેળ થઈ છે.માવો ખરીદતી વખતે પણ આના વિશે માહિતી મેળવી શકાય છે. એફએસએસએઆઈના જણાવ્યા પ્રમાણે, તાજો માવો તૈલી અને દાણેદાર હોય છે. તે સ્વાદમાં થોડો મીઠો હોય છે. જો માવામાં આ બધી ખાસિયત હોય, તો થોડો માવો હાથમાં લો. તેને હથેળી પર ઘસો. જો તેનાથી ચિકાશ ઊભી થાય તો માવો શુદ્ધ છે એમ માની શકાય.
- માવામાં વનસ્પતિ ઘીની ભેળસેળ થઈ છે કે નહીં, તે જાણવા માટે માવાના નમૂનામાં બે ચમચી હાઇડ્રોક્લૉરિક ઍસિડ અને એક ચમચી ખાંડ ભેળવો. જો આમ કરવાથી તેનો રંગ લાલ થઈ જાય, તો માવો અશુદ્ધ છે.
માવો ખરીદતી વખતે પણ આના વિશે માહિતી મેળવી શકાય છે. એફએસએસએઆઈના જણાવ્યા પ્રમાણે, તાજો માવો તૈલી અને દાણેદાર હોય છે. તે સ્વાદમાં થોડો મીઠો હોય છે. જો માવામાં આ બધી ખાસિયત હોય, તો થોડો માવો હાથમાં લો. તેને હથેળી પર ઘસો. જો તેનાથી ચિકાશ ઊભી થાય તો માવો શુદ્ધ છે એમ માની શકાય.
માવામાં વનસ્પતિ ઘીની ભેળસેળ થઈ છે કે નહીં, તે જાણવા માટે માવાના નમૂનામાં બે ચમચી હાઇડ્રોક્લૉરિક ઍસિડ અને એક ચમચી ખાંડ ભેળવો. જો આમ કરવાથી તેનો રંગ લાલ થઈ જાય, તો માવો અશુદ્ધ છે.
ઘી જુઓ અને ઘીની ધાર જુઓ
ગુજરાતી ભાષામાં જોઈ તપાસીને કામ કરવા માટે 'ઘી જુઓ અને ઘીની ધાર જુઓ' શબ્દપ્રયોગ થાય છે. આ વાત ઘીની શુદ્ધતા માટે પણ એટલી જ લાગુ પડે છે.
લગભગ દરેક પ્રકારની પરંપરાગત વાનગીઓ બનાવવા માટે ઘીનો ઉપયોગ થાય છે. તેહવાર સમયમાં ઘીની માગ વધી જાય છે, એટલે બજારમાં ભેળસેળવાળું ઘી પણ વ્યાપકપણે જોવા મળે છે.
ઘી કે માખણમાં સામાન્ય રીતે બટાટા, સક્કરિયાં તથા સ્ટાર્ચવાળા અન્ય પદાર્થોનો ઉપયોગ થાય છે.
ઘીની ભેળસેળ વિશે જાણો
- કાચની પારદર્શક વાટકીમાં અડધી ચમચી ઘી કે માખણ લો.
- તેમાં બે-ત્રણ ટીપાં આયોડિન નાખો.
- જો તે નીલવર્ણી થઈ જાય, તો એનો મતલબ એ છે કે તે ખાવાલાયક નથી.
- આનો મતલબ એવો છે કે તેમાં બટાટા, સકરિયા કે અન્ય પ્રકારનો સ્ટાર્ચ ભેળવવામાં આવ્યો છે.
મીઠાઈમાં મિલાવટ વિશે માલૂમ કરો
મીઠાઈઓમાં ગળપણ માટે ખાંડ, ગોળ કે મધનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં પણ ભેળસેળ થતી હોય છે.
- એક પારદર્શક ગ્લાસમાં પાણી લો.
- તેમાં મધનું એક ટીપું નાખો.
- જો મધ શુદ્ધ હશે, તો તે પાણીમાં નહીં ભળે.
- જો મધનું ટીપું પાણીમાં ઓગળી જાય, તો એનો મતલબ છે કે તેમાં ખાંડ ભેળવવામાં આવી છે.
બીજી રીત
- રૂની વાટને મધમાં ડુબાડો. એ પછી તેને પેટાવો.
- જો મધ શુદ્ધ હશે તો તે સળગી ઊઠશે.
- જો તેમાં પાણી હશે, તો તે સળગશે નહીં. જો વાટ થોડી સળગશે, તો પણ તેમાંથી થોડો અવાજ આવશે.
ખાંડ અને ગોળમાં ચૉક પાઉડર વિશે કેવી રીતે ખબર પડી?
- એક પારદર્શક ગ્લાસ લો.
- તેમાં 10 ગ્રામ જેટલો ગોળ કે ખાંડ ઓગાળો.
- જો તેમાં ચૉક પાઉડરની ભેળસેળ કરવામાં આવી હશે, તો તે ગ્લાસના તળિયે બેસી જશે.
ચાંદીની વરખમાં ભેળસેળ
પરંપરાગત મીઠાઈઓ ઉપર ચાંદીની વરખ ચઢાવવામાં આવે છે. તેનાથી તે આકર્ષક દેખાય છે અને વેચાણ વધે છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવોમાં અસામાન્ય ઉછાળ આવ્યો છે, જેન કારણે તેમાં પણ ભેળસેળ થઈ રહી છે.
ચાંદીના વરખમાં ઍલ્યુમિનિયમ ભેળવવામાં આવે છે. જે શરીર માટે હાનિકારક હોય છે અને તે કૅન્સરકારક હોય છે.
ભેળસેળની ખબર કેવી રીતે પડે?
- ચાંદીના વરખનો ટુકડો લો. તેને બે આંગળી વચ્ચે મૂકીને ઘસો.
- જો વરખમાં વપરાયેલી ચાંદી શુદ્ધ હશે તો તે તૂટીને એકદમ ચૂરો થઈ જશે.
- જો તેમાં ઍલ્યુમિનિયમની ભેળસેળ હશે તો તેના નાના-નાના કટકા થશે અને તેની ગોળીઓ વળશે.
આ સિવાય પણ વરખની શુદ્ધતા ચકાસવાનો એક રસ્તો છે. વરખની ગોળીઓ વાળો. એ પછી તેને આગ ચાંપો. જો ચાંદી શુદ્ધ હશે, તો તે સળગી ઊઠશે. જો તે ઍલ્યુમિનિયમ હશે તો તે ભૂરા રંગની રાખમાં પરિણામશે.
કેસરમાં ભેળસેળ
કેસરનું વજન વધારવા માટે તેમાં રંગ નાખવામાં આવે છે. ઘરબેઠાં પણ આ પ્રકારની ભેળસેળ વિશે જાણી શકાય છે.
- જો કેસર અસલી હશે, તો તે સહેલાઈથી તૂટશે નહીં. બનાવટી કેસર સહેલાઈથી ભાંગી જાય છે.
- આ માટે એક પારદર્શક ગ્લાસમાં પાણી લો અને તેમાં થોડું કેસર નાખો.
- જો રંગ નકલી હશે તો આમ કરવાથી તે સહેલાઈથી પાણીમાં ભળી જશે.
- જો કેસર ઑરિજિનલ હશે, તો જ્યાર સુધી તે પાણીમાં ઓગળશે નહીં, ત્યાર સુધી તેનો રંગ ઊતરશે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન