You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પનો દાવો - 'બહારથી આવેલા લોકો પાળતુ જાનવર ખાય છે', સત્ય શું છે?
મંગળવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ વચ્ચે ડિબેટ થઈ હતી. અમેરિકાની ચૂંટણીસંબંધિત 90 મિનિટની આ ચર્ચાનું ટેલિવિઝન પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પ અને હૅરિસ વચ્ચે આ ચર્ચા દરમિયાન શાબ્દિક પ્રહારો થયા હતા. રિપબ્લિકન તથા ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવારોએ અર્થતંત્ર, ઇમિગ્રૅશન તથા ઍબૉર્શન જેવા સંવેદનશીલ મુદ્દાઓ ઉપર ચર્ચા અને દાવા કર્યા હતા.
બીબીસી વૅરિફાય દ્વારા આવા જ કેટલાક દાવાઓની પડતાલ કરવામાં આવી હતી.
માઇગ્રન્ટ્સે ઓહાયોમાં પાળતુ પશુ ખાધા?
દાવો : ટ્રમ્પ : "સ્પ્રિંગફિલ્ડમાં તેઓ (ઇમિગ્રન્ટ્સ) શ્વાન ખાઈ જાય છે, જે લોકો આવ્યા છે તેઓ બીલાડીઓ ખાય છે. ત્યાં રહેતા લોકોનાં પાળતુ પશુઓ ખાય જાય છે."
નિષ્કર્ષ : આવું થતું હોવાના પુરાવા નથી.
ટ્રમ્પની ટિપ્પણી એક પાયાવિહોણા દાવા ઉપર આધારિત હતી – જેને ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જેડી વેન્સે શૅયર કરી હતી – જેમાં તાજેતરમાં હૈતીથી આવેલા અને ઓહાયોમાં સ્થાયી થયેલા ઇમિગ્રન્ટ્સ પાળતું પ્રાણીઓને ખાઈ જતાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સ્પ્રિંગફિલ્ડ સિટીના અધિકારીઓએ બીબીસી વૅરિફાયને જણાવ્યું : "ઇમિગ્રન્ટ સમુદાયના લોકો દ્વારા પાળતુ પ્રાણીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય, ઘાયલ કરવામાં આવ્યા હોય કે નુકસાન પહોંચાડાયું હોય તેવા આધારભૂત કે ચોક્કસ અહેવાલ અમને મળ્યા નથી."
આના વિશે વધુ અહીં વાંચો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પકાળમાં મહામંદી જેટલી બેરોજગારી હતી?
દાવો: હૅરિસ : "ડોનાલ્ડ ટ્રમ્પ મહામંદી પછી સૌથી વધુ બેરોજગારીનો દર આપી ગયા હતા."
નિષ્કર્ષ : આ દાવો ખોટો છે.
જાન્યુઆરી 2021માં ટ્રમ્પે તેમનું પદ છોડ્યું ત્યારે બેરોજગારીનો દર 6.4 ટકા જેટલો હતો, પરંતુ મહામંદી પછીનો સર્વોચ્ચ દર નથી.
ઑક્ટોબર 2009માં આર્થિકમંદી ટોચ ઉપર હતી, ત્યારે આ દર 10 ટકા જેટલો હતો. એ પછી તેમાં સતત ઘટાડો થયો છે. જોકે, કોરોનાની મહામારી દરમિયાન અચાનક જ તેમાં ઉછાળ આવ્યો હતો. તાજેતરના ઑગસ્ટ-2024ના ડેટા પ્રમાણે, અમેરિકામાં બેરોજગારીનો દર 4.2 ટકા જેટલો છે.
લાખો લોકોનું જેલો-આશ્રયસ્થાનોમાંથી આગમન
દાવો : ટ્રમ્પ : "આ દેશમાં જેલો અને બંદીગૃહો, માનસિક આરોગ્ય સંસ્થાઓ તથા પાગલખાનાંમાંથી લાખો લોકો આવી રહ્યાં છે."
નિષ્કર્ષ : આ પ્રકારના આંકડા માટે કોઈ આધાર નથી.
જાન્યુઆરી-2021થી લગભગ એક કરોડ માઇગ્રન્ટ્સે સરહદ પાર કરીને અમેરિકામાં પ્રવેશ કર્યો છે.
જોકે, તેમણે જેલમાં સજા વેઠી છે કે કેમ અથવા પાગલખાનામાં હતા કે નહીં, તેના વિશેના આંકડા સાર્વજનિક રીતે ઉપલબ્ધ નથી. અગાઉ સજા થઈ હોય તેવા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવનારાઓ વિશે અમુક ડેટા ઉપલબ્ધ છે.
ચાલુ વર્ષે સપ્ટેમ્બર-2024 સુધી લગભગ 14 લાખ લોકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતી વખતે ઝડપી લેવામાં આવ્યા હતા. બૉર્ડર પેટ્રોલ દ્વારા ગુનાઓ વિશેનો ડેટાબેઝ ચકાસવામાં આવતાં, લગભગ 14 હજાર 700 લોકોને અગાઉ સજા થઈ હોવાનું બહાર આવ્યું હતું.
જે આ ગાળા દરમિયાન સરહદ પરથી ઝડપાયેલા કુલ લોકોના લગભગ એક ટકા જ છે અને ટ્રમ્પના દાવા પ્રમાણે, 'મિલિયન્સ'માં નથી.
ટ્રમ્પ ગર્ભપાત ઉપર પ્રતિબંધ મૂકશે?
દાવો: હૅરિસ: "જો ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવશે તો તેઓ ગર્ભપાત પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લાદી દેશે."
નિષ્કર્ષ: આ નિવેદન ગેરમાર્ગે દોરનારું છે. જો રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવે તો આ પ્રકારના રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ (મૂકતા કાયદા ઉપર) હસ્તાક્ષર કરવાની વાતને ટ્રમ્પ નકારી ચૂક્યા છે.
ટ્રમ્પે કહ્યું છે કે ગર્ભપાત ઉપર નિયંત્રણ લાદવાનો નિર્ણય તેઓ રાજ્યો ઉપર છોડી દેશે.
સાથે જ હૅરિસે 'એમના પ્રૉજેક્ટ 2025' વિશે ચર્ચા કરી હતી – જમણેરી ઝોક ધરાવતા હૅરિટેજ ફાઉન્ડેશન દ્વારા એક દસ્તાવેજ બહાર પાડવામાં આવ્યો હતો, જેનો હૅરિસે ઉલ્લેખ કર્યો હતો. ફાઉન્ડેશનને લાગે છે કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ આ બધા નીતિવિષયક નિર્ણયો લેશે.
તેમાં પણ રાષ્ટ્રીય પ્રતિબંધનો પ્રસ્તાવ નથી, પરંતુ તેમાં ગર્ભપાત ઉપર નિયંત્રણની હિમાયત કરવામાં આવી છે.
ટ્રમ્પે આ દસ્તાવેજ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ હોવાની વાતને નકારી છે, તેમનું કહેવું છે: "મને પ્રૉજેક્ટ 2025 વિશે કંઈ ખબર નથી. તેની પાછળ કોણ છે, તેના વિશે મને જાણ નથી."
અગાઉની ટ્રમ્પ સરકારના અનેક પૂર્વ અધિકારીઓ પ્રૉજેક્ટ 2025 સાથે જોડાયેલા છે.
બાઇડનના સમયમાં ઐતિહાસિક મોંઘવારી
દાવો: ટ્રમ્પ: "અત્યારસુધીની સૌથી ભયંકર મોંઘવારી" (બાઇડનના કાર્યકાળ દરમિયાન હતી.)
નિષ્કર્ષ: આ દાવો ખોટો છે.
રાષ્ટ્રપતિ બાઇડનના કાર્યકાળ દરમિયાન જૂન-2022માં મોંઘવારી 9.1 ટકાના દર ઉપર પહોંચી ગઈ હતી. એ સમયે વિશ્વના અનેક દેશોમાં મોંઘવારી અસામાન્ય દરે વધી હતી.
છેલ્લે વર્ષ 1981માં અમેરિકામાં મોંઘવારીનો દર નવ ટકા ઉપર પહોંચ્યો હતો. એ પહેલાં પણ અમેરિકાના ઇતિહાસમાં અનેક વખત મોંઘવારીનો ઉચ્ચદર નોંધાયો છે.
જુલાઈ-2024માં આ દર ગગડીને 2.9 ટકા ઉપર આવી ગયો હતો. છતાં મોંઘવારી સતત વધી રહી છે, જે અનેક મતદારો માટે મહત્ત્વપૂર્ણ બાબત છે.
ટ્રમ્પ ટૅરિફને કારણે ચાર હજાર ડૉલરનું ભારણ
દાવો: હૅરિસ: "અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ટ્રમ્પના વેચાણવેરાને કારણે મધ્યમવર્ગના પરિવારો ઉપર વર્ષે લગભગ ચાર હજાર ડૉલરનું ભારણ પડશે."
નિષ્કર્ષ: હૅરિસનું કહેવું છે કે ટ્રમ્પ દ્વારા આયાત ઉપર વેચાણવેરો લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ પ્રકારના કરથી પરિવારો ઉપર આટલું ભારણ વધી શકે છે, જ્યારે અન્યોનું અનુમાન છે કે આથી ઓછો બોજ પડશે.
ટ્રમ્પ ભારપૂર્વક કહે છે કે તેનું ભારણ અન્ય દેશો ઉપર પડશે, જ્યારે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકાના આયાતકારો તથા ગ્રાહકોએ પણ તેની આર્થિકકિંમત ચૂકવવી પડશે.
એક વિશ્લેષણના આધારે લૅફ્ટ-ઑફ-સેન્ટરનું વલણ ધરાવતી થિંક ટેન્ક સેન્ટર ફૉર અમેરિકન પ્રૉગ્રેસ દ્વારા ચાર હજાર ડૉલરનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. – ટ્રમ્પે તમામ પ્રકારની આયાતો ઉપર 10થી 20 ટકા અને ચીનમાંથી થતી આવતા સામાન ઉપર 60 ટકાનો કર લાદવાની વાત કહી છે.
થિંક ટેન્ક દ્વારા અમેરિકા દ્વારા દરવર્ષે વિદેશથી આયાત કરવામાં આવતાં સામાનનો આંકડો કાઢવામાં આવ્યો, ત્યારબાદ આ ચીજો ઉપર નવા કર લાદવામાં આવે તો જેટલી રકમ આવે, તેને અમેરિકાના પરિવારોની સંખ્યા વડે ભાંગવામાં આવી હતી.
જો પરિવારદીઠ ગણતરી કરવામાં આવે તો તે વર્ષે ચાર હજાર 600 ડૉલર હોય અને જો "મધ્યમ આવક" ધરાવતા પરિવારોને ધ્યાને લેવામાં આવે તો તે વર્ષે ત્રણ હજાર 900 ડૉલર જેટલી બેસે છે.
અન્ય અનુમાનો આના કરતાં ઓછા છે. પિટરસન ઇન્સ્ટિટ્યૂટને લાગે છે કે જો દર 10 ટકા હોય તો વર્ષે એક હજાર 700 ડૉલર અને 20 ટકા હોય તો બે હજાર 500 ડૉલર જેટલું ભારણ પડશે.
અમેરિકામાં ક્રિમિનલ્સ મોકલતા વેનેઝુએલામાં ગુનાખોરી ઘટી
દાવો: ટ્રમ્પ: "વેનેઝુએલામાં ગુનાખોરી...ખૂબ જ ઘટી છે કારણ કે તેમણે ગુનેગારોને ત્યાંથી ખસેડીને આમને (હૅરિસને) આપી દીધા છે, જેથી કરીને આપણાં દેશમાં ઘૂસાડી શકે."
નિષ્કર્ષ: વેનેઝુએલા દ્વારા આવું કરવામાં આવતું હોના કોઈ પુરાવા નથી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ત્યાં આર્થિકસ્થિતિ સુધરી હોવાને કારણે ગુનાખોરી ઘટી છે.
વેનેઝુએલાની સરકાર દ્વારા ગુનાખોરીના વિશ્વસનીય આંકડા બહાર પાડવામાં નથી આવતા, પરંતુ વેનેઝુએલન ઑબ્ઝર્વેટરી ઑફ વાયૉલન્સ નામની સ્વતંત્ર સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે.
ઑબ્ઝર્વેટરીના વર્ષ 2023ના વાર્ષિક અહેવાલ પ્રમાણે વર્ષ દરમિયાન હિંસક મૃત્યુનાં આંકડામાં આગલા વર્ષની (2022) સરખામણીએ 25 ટકા જેટલો ઘટાડો થયો હતો.
ઑબ્ઝર્વેટરીએ બીબીસી વૅરિફાયને જણાવ્યું: "અમેરિકામાં ગુનો આચરવાની તકો ઘટી છે એટલે ગુનાખોરી ઘટી છે : બૅન્કોમાં લૂંટવા માટે પૈસા નથી એટલે બૅન્કોમાં ધાડો નથી પડી રહી ; ખંડણી ચુકવવા માટે પૈસા ન હોવાથી અપહરણ નથી થતા."
તેમના કહેવા પ્રમાણે, વેનેઝુએલાની સરકાર દ્વારા ગુનેગારોને અમેરિકા મોકલવામાં આવતા હોય તેવા પુરાવા તેમણે નથી જોયા.
લુસી ગિલ્ડર, મેરલિન થોમસ, ડેનિયલ પાલુમ્બો, ગૅરી જ્યોર્જિવા અને કાયાલિન ડેવલિન દ્વારા રિપોર્ટિંગ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન