એ ગામ જ્યાં ત્રણથી વધુ દાગીના પહેરવા પર પ્રતિબંધ મૂકાયો

ઇમેજ સ્રોત, Varsha Singh
- લેેખક, વર્ષાસિંહ
- પદ, દેહરાદૂનથી બીબીસી માટે
બજારમાં સોનાના ભાવો આસમાને પહોંચ્યા છે, ત્યારે હાલમાં ઉત્તરાખંડના એક આદિવાસી પ્રદેશના ખેડૂતોએ સામાજિક સમાનતા જાળવવા અનોખો માર્ગ અપનાવ્યો હતો.
આદિવાસી પ્રદેશ જૌનસાર બાવરના ખેડૂતોએ ગામનાં સુખ-શાંતિ જળવાઈ રહે, તે માટે ઘરેણાં પહેરવાની સીમા નક્કી કરી છે. જોકે, મહિલાઓને લાગુ પડતો આ નિર્ણય તેમની ગેરહાજરીમાં લેવાયો હતો.
તાજેતરમાં જ, સોનાના આસમાને પહોંચેલા ભાવથી ચિંતિત થઈને કન્દાડ અને ઈન્દ્રોલી ગામના પુરુષોએ એક બેઠક બોલાવી હતી.
તે સમયે લગ્ન પ્રસંગો માટેનાં શુભ મૂહુર્ત નજીક આવવા માંડ્યાં હતાં અને ગામનાં બે કુટુંબોનાં લગ્ન નક્કી થઈ ચૂક્યાં હતાં.
પુરુષોને ચિંતા હતી કે, સોનું હવે ખરીદી શકાય તેમ ન હતું અને આભૂષણોને લઈને ઘરોમાં તકરારો થઈ રહી હતી.
બંને ગામોની પંચાયતના મુખી "સ્યાનાજી"ની આગેવાનીમાં હાથ ધરાયેલી બેઠકમાં પુરુષોએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે, મહિલાઓ લગ્ન પ્રસંગોમાં માત્ર ત્રણ આભૂષણો પહેરશેઃ નાકની ચૂની, બુટ્ટી અને મંગળસૂત્ર.
કન્દાડ અને ઈન્દ્રોલી ગામ ઉત્તરાખંડના આદિવાસી પ્રદેશ જૌનસાર બાવરનો ભાગ છે.
દહેરાદૂન જિલ્લાના ચકરાતા તહેસીલમાં ટોંસ અને યમુના નદીની વચ્ચે વસેલો આ પ્રદેશ તેની આગવી સામાજિક વ્યવસ્થા, સંસ્કૃતિ, સામુદાયિક જીવન અને તહેવારોની ઊજવણી માટે જાણીતો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ખેડૂત સોનું કેવી રીતે ખરીદશે?'

ઇમેજ સ્રોત, Varsha Singh
કન્દાડ ગ્રામ સભામાં કન્દાડ અને ઈન્દ્રોલી સહિત ચાર ગામોનો સમાવેશ થાય છે. ત્યાં 65 કરતાં વધુ પરિવારો વસે છે અને મતદારોની સંખ્યા 650ની આસપાસ છે.
મુખી સ્યાના અર્જુન સિંહ રાવત જણાવે છે, "બેઠકમાં લગભગ 60-70 પુરુષો હાજર રહ્યા હતા. ગામના નોકરિયાત લોકો આભૂષણો ખરીદી શકે છે, પણ ખેડૂતો નથી ખરીદી શકતા. આથી, આભૂષણો પહેરવાની સીમા આંકવાનો નિર્ણય લેવાયો હતો. તે પછી એવું નક્કી થયું કે, લગ્ન જેવા પ્રસંગોમાં મહિલાઓ નાક, કાન અને ગળામાં ત્રણ દાગીના પહેરશે."

ગામની બેઠકોમાં પરંપરાગત રીતે મહિલાઓને સામેલ કરવામાં આવતી નથી.
સ્યાના રાવત કહે છે, "બેઠકમાં માત્ર પુરુષો આવે છે અને તેઓ જ નિર્ણયો લે છે. જો કોઈ વ્યક્તિ અમારો નિર્ણય ન સ્વીકારે, તો તેણે 50,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે."
કન્દાડ ગામના પુરુષો આ નિર્ણયથી ખુશ જણાઈ રહ્યા છે અને મહિલાઓ પણ નિર્ણય પાછળના તર્ક સાથે સંમત છે. જોકે, તેમની સંમતિ પાછળ આછી નિરાશા છૂપાયેલી છે.
'ઘરેણાં સીમિત ન હોવાં જોઈએ'

ઇમેજ સ્રોત, Varsha Singh
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્યાનાજીનાં પત્ની અનારી દેવીના અવાજમાં પણ આ નિરાશા અનુભવી શકાય છે.
તેઓ કહે છે, "અમે તમામ ગામવાસીઓનો નિર્ણય સ્વીકારી લીધો હતો. અફસોસ તો થયો, પણ સાથે જ આ નિર્ણય સારો પણ છે. જે લોકો પાસે પૈસા નથી, તે લોકો દાગીના શી રીતે બનાવી શકશે?"
અનારી દેવી ભૂતકાળ વિશે વાત કરે છે, ત્યારે તેમના અવાજમાં દાગીનાનો રણકો સંભળાય છે. "મારાં સાસુ પાસે ઘણાં આભૂષણો હતાં, જે તેમનાં સંતાનોમાં વહેંચી દેવાયાં. હવે દાગીના બનાવવા મુશ્કેલ છે. ગામની કેટલીક મહિલાઓ પાસે વધુ દાગીના નથી. આથી, ગામના લોકોએ વિચાર્યું કે, તમામ લોકો એકસમાન હોવા જોઈએ."
અનારી દેવીનું માનવું છે કે, આભૂષણ મહિલાઓની મિલકત છે. મુસીબતના સમયમાં કે, બીમારીની સ્થિતિમાં અથવા તો ઘર બનાવતી વખતે તે કામ આવે છે.
ગામની પંચાયતના નિર્ણયથી સૌપ્રથમ ગામના મુખીનો પરિવાર પ્રભાવિત થયો હતો, કારણ કે, આશરે 20 દિવસ પછી, 29-30 ઑક્ટોબરના રોજ સ્યાના અર્જુન સિંહ રાવતના બે પુત્રોનાં લગ્ન હતાં.
ચકરાતાના ભાંગર ગામથી લગ્ન કરીને કન્દાડ સાસરે આવનાર રેખા ચૌહાણ તેનાં આભૂષણો જોઈને કહે છે, "આભૂષણો સુંદરતા વધારે છે. કેટલીક મહિલાઓ ઇચ્છે છે કે, આભૂષણો પહેરવાની મર્યાદા ન હોવી જોઈએ. જોકે, એક રીતે જોતાં આ નિર્ણય સાચો પણ છે, કારણ કે, દરેકની આર્થિક સ્થિતિ એકસરખી નથી."
'સામાજિક સમાનતાનો પ્રયાસ'
2000ના વર્ષમાં એક તોલા સોનાનો ભાવ 5,000 રૂપિયા કરતાંયે ઓછો હતો.
2025 સુધીમાં તેનો ભાવ એક લાખ રૂપિયાને પાર કરી ગયો હતો. સોનાના ભાવ ઊંચા ગયા છે, પણ ખેડૂતોની આવક ક્યાંય પાછળ રહી ગઈ છે.
અમૃતા રાવતે બપોરે જમ્યા બાદ કામ કરવા માટે ખેતર તરફ જવા ડગ માંડ્યાં.
તે કહે છે, "ખેતીમાં ખાસ આવક થતી નથી. જે લોકો નોકરિયાત છે, બસ તેઓ જ હવે ઘરેણાં ખરીદી શકે છે. બહારની મહિલાઓ સુંદર હોય છે. જ્યારે, ગામની મહિલાઓ બિચારી તડકામાં કામ કરીને નંખાઈ જાય છે. દરેકને મહેચ્છા હોય છે કે, કાશ... મારી પાસે પણ આવા દાગીના હોત. હવે તમામ મહિલાઓ ફક્ત ત્રણ જ દાગીના પહેરી શકશે. તેનાથી સમાનતા જળવાશે અને અન્ય ગામોને પણ તેમાંથી શીખ મળશે."
જૌનસાર બાવર વિસ્તાર તેની આધુનિક ખેતી માટે પણ પ્રસિદ્ધ છે.
અન્ય એક મહિલા કવિતા રાવત જણાવે છે, "અમે મળસ્કે પાંચ વાગ્યે ઊઠી જઈએ છીએ, રસોઈ બનાવીને ખેતરમાં પહોંચી જઈએ છીએ. બપોરે બાર વાગ્યે ઘરે પરત જઈને જમીએ છીએ અને પાછાં ખેતરમાં આવી જઈએ છીએ. અમારે રોજ સવાર-સાંજ ઢોર-ઢાંખરને ચારો આપવાનો હોય છે. અમને આરામ કરવાનો સમય નથી મળતો."
"તહેવાર કે લગ્ન પ્રસંગ હોય, ત્યારે ગામની તમામ મહિલાઓ એકઠી થાય છે. અમે ગીતો ગાઈએ છીએ. અમારાં આભૂષણો પહેરીએ છીએ. વળી, આ દાગીના જરૂર પડ્યે કામ પણ આવે છે."
જોકે, ગામની મોટાભાગની મહિલાઓ આ મુદ્દે મૌન રહેવા માગે છે.
ગામના ખેડૂતોનું માનવું છે કે, સોનાનાં આભૂષણોથી ગામમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધુ પહોળી થઈ રહી છે.
'આખા વર્ષની કમાણી એક તોલા સોના જેટલી'

કન્દાડ ગામના જીત સિંહ રાવત ખેડૂત છે, જ્યારે તેમનો એક ભાઈ દહેરાદૂન શહેરમાં બૅન્ક મૅનેજર છે. બીજો એક ભાઈ સરકારી નોકરી કરે છે.
તેઓ કહે છે, "એક તોલા સોનાનો ભાવ આશરે 1.40 લાખ રૂપિયાની આસપાસ છે અને અમારી વાર્ષિક આવક સવા લાખ રૂપિયા છે. એટલું સોનું અમે ક્યાંથી ખરીદશું?"
"જ્યારે પરિવારની તમામ મહિલાઓ લગ્ન પ્રસંગોમાં એકઠી થાય છે, ત્યારે શહેરોમાં રહેતી અમારી ભાભીઓ પાસે રાણીહાર, મોટી બુટ્ટીઓ, વગેરે જેવાં ઘરેણાં હોય છે."
"જ્યારે ખેતરમાં દિવસ-રાત આકરી મજૂરી કરીને શાકભાજી ઉગાડનારા અમારા જેવા લોકોને આવા રાણીહાર પોસાતા નથી."
"આથી જ અમે આ નિર્ણય લીધો, જેથી કોઈપણ મહિલાને એવી લાગણી ન થાય કે, તેની પાસે બીજા કરતાં ઓછાં ઘરેણાં છે."
ચકરાતા સહિત સમગ્ર જૌનસાર બાવર પ્રદેશનાં ગામડાંઓમાં આજીવિકા અંગે મહિલાઓ સાથે કામ કરનારાં સામાજિક કાર્યકર્તા દીપા કૌશલમ જણાવે છે, "સોશિયલ મીડિયા સહિત ઘણાં સ્થળોએ કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને આવા નિર્ણયો તેમના પર લાદવામાં આવ્યા છે."
"પણ મને લાગે છે કે, આ ઉતાવળે અપાયેલી પ્રતિક્રિયા છે."
તેઓ ઉમેરે છે, "જૌનસાર બાવર એક સંગઠિત સમાજ છે. આ પ્રદેશે હંમેશાં પોતાની મેળે નિર્ણયો લીધા છે. ઘરેણાંને લઈને ઘરોમાં તકરારો થઈ હશે, તેના કારણે જ આવો નિર્ણય લેવાયો હતો."
"સાંસ્કૃતિક સમજ સાથે આ નિર્ણયનું સાંવેદનિક પાસું તપાસવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ અન્યોની સામે લઘુતાગ્રંથિ અનુભવે છે, ત્યારે તે લાગણી વ્યક્ત કરી શકાતી નથી, ફક્ત અનુભવી શકાય છે."
'ઘરેણાં માટે જમીન નહીં વેચીએ'

ઇમેજ સ્રોત, Varsha Singh
દીપા કૌશલમ કહે છે, "સોનું એક પ્રકારની અસ્કયામત છે. પુરુષો પણ જરૂર પડ્યે તેનો લાભ મેળવી શકે છે. પણ તે મહિલાના અસ્તિત્વ સાથે નથી જોડાયેલું. મહિલાઓની વાસ્તવિક સંપત્તિ સોનું નહીં, બલ્કે તેમનો આત્મવિશ્વાસ, શિક્ષણ, સમાજમાં તેમનું સ્થાન અને નિર્ણય લેવાની તેમની શક્તિ છે."
ઈન્દ્રોલી ગામના રહેવાસી અરવિંદ સિંહ ચૌહાણ કન્દાડ ગ્રામ સભાના ગ્રામ પ્રધાન છે અને ગામના સંયુક્ત નિર્ણય થકી તેઓ વડા તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
આ નિર્ણય સાથે સંમત થવા બદલ અરવિંદે ગામની મહિલાઓનો આભાર માન્યો હતો.
તેઓ કહે છે, "ગામમાં સમાનતા લાવવા માટેનો આ પ્રયાસ છે. અમારે ત્યાં પરિવારના પ્રથમ પુત્રનાં લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 10-20 લાખ રૂપિયાનાં ઘરેણાં ખરીદે, તો બીજા પરિવારો પર પણ ઘરેણાં ખરીદવાનું દબાણ ઊભું થશે. તેના કારણે ઘણા લોકો તેમનાં ખેતરો વેચતાં હતાં કે ગીરવે મૂકતાં હતાં. દાગીના માટે જમીન વેચવી પડે, તો તેવા દાગીના શું કામનાં?"
અરવિંદ કહે છે કે, કન્દાડ ગ્રામ સભાનાં બીજાં બે ગામ - બાંગિયાસેડ અને સેંતોલીએ પણ મર્યાદિત દાગીનાનો આ નિર્ણય સ્વીકાર્યો છે.
તેની સાથે, આ વિસ્તારનાં અન્ય ગામોમાં પણ બેઠકો બોલાવીને આ નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે.
'આદિવાસી મહિલાઓના અધિકાર'

ઇમેજ સ્રોત, Varsha Singh
તેમાં આ નિર્ણયનો અમલ કરનારા ચકરાતા તહેસીલના ખારસી ગામનો પણ સમાવેશ થાય છે.
ગામનો એક યુવક સુરેશ ચૌહાણ કહે છે, "કન્દાડ ગામે દાગીનાની સંખ્યા મર્યાદિત કરી, તે પછી અમારા ગામે પણ તે નિર્ણય વિશે વિચાર કર્યો. બહારના લોકોને લાગે છે કે, અમે મહિલાઓને ઓછાં ઘરેણાં પહેરવાની ફરજ પાડીએ છીએ. પણ અમારા વિસ્તારમાં મહિલાઓને આદરભર્યું સ્થાન અપાય છે. અમારો આદિવાસી સમાજ છે અને અમે મહિલાઓના નિર્ણયોને માન આપીએ છીએ. જો કોઈ મહિલા કોઈ મુદ્દે તેના માથા પર બાંધેલી પાઘડી ઉતારી દે, તો તમામ લોકોએ તે સમયે તેની વાત સ્વીકારવી પડે છે."
પોતાનો મત દૃઢ કરવા સુરેશ પરંપરાગત પ્રણાલીનું ઉદાહરણ આપે છે, "અમારા વિસ્તારમાં, જો કોઈ મહિલાને કોઈ પુરુષ ન ગમતો હોય, તો તે તેની સાથે લગ્નનો ઇનકાર કરીને બીજાં લગ્ન કરવા માટે મુક્ત છે. જો તેને બીજો પુરુષ પણ પસંદ ન આવે, તો તે તેને પણ છોડી શકે છે. બીજો કયો સમાજ આટલી સ્વતંત્રતા આપી શકે છે?"
દીપાના જણાવ્યા પ્રમાણે, જે રીતે યુવાનો માટેના નિર્ણયો લેતી વખતે યુવાનોને સામેલ કરવા જોઈએ, તે જ રીતે મહિલાઓને લગતા નિર્ણયો લેતી વખતે મહિલાઓને સામેલ કરવી જોઈએ.
'દારૂ પર કેમ પ્રતિબંધ નથી'

ઇમેજ સ્રોત, Varsha Singh
આભૂષણોને લગતા નિર્ણયથી જૌનસાર બાવરનાં ગામોમાં ઘણો ઊહાપોહ થયો છે. એક માગણી એવી છે કે, ખર્ચા અને સ્થાનિક સંઘર્ષોને કારણે આભૂષણોની સંખ્યા મર્યાદિત કરી દેવાઈ છે, તો શરાબ પર શા માટે પ્રતિબંધ નથી લગાવાતો?
કન્દાડ ગામના ટીકમ સિંહ સ્વીકારે છે કે, આ વિસ્તારના યુવાનો નશીલાં દ્રવ્યોના રવાડે ચઢીને બરબાદ થઈ રહ્યા છે. "અમે વાઇન શૉપમાંથી ખરીદવામાં આવતા દારૂના સેવન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છીએ. જોકે, હજી સુધી તે અંગેનો નિર્ણય લેવાયો નથી."
બીજી તરફ, ખારસી ગામમાં શરાબ પીવા-પીવડાવવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












