સોનું 10 કે 100 રૂપિયામાં પણ ખરીદી શકાય? ડિજિટલ ગોલ્ડ શું હોય અને કેટલું જોખમી ગણાય?

ઇમેજ સ્રોત, Getty Images
સોનાના ભાવમાં ભારે વધારા પછી ઘણા લોકો નાની રકમથી સોનું ખરીદવા માટે ડિજિટલ ગોલ્ડ અપનાવી રહ્યા છે, જેને ઇ-ગોલ્ડ પણ કહેવામાં આવે છે.
જોકે, શૅરબજારનું નિયમન કરતી સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ તાજેતરમાં લોકોને ઑનલાઇન પ્લૅટફૉર્મ મારફત ડિજિટલ ગોલ્ડ / ઈ-ગોલ્ડ પ્રોડક્ટમાં રોકાણ કરવા સામે ચેતવણી આપી છે.
સેબીએ કહ્યું છે કે આ પ્રોડક્ટ્સ સરકાર દ્વારા માન્ય સિક્યૉરિટીઝની શ્રેણીમાં નથી આવતી અને તેથી સેબીના રેગ્યુલેશન હેઠળ નથી.
ડિજિટલ ગોલ્ડ સાથે ચોક્કસ પ્રકારનાં જોખમો સંકળાયેલાં છે જેના તરફ સેબીએ ધ્યાન દોર્યું હતું.
હાલના ભાવે ફિઝિકલ સોનું ખરીદવા માટે મોટી રકમ ખર્ચવી પડે, જ્યારે ઑનલાઇન પ્લૅટફૉર્મ પર બહુ નાના રોકાણથી સોનું ખરીદી શકાય છે. તેથી તેની લોકપ્રિયતા વધી રહી છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશનનો ડેટા કહે છે કે સપ્ટેમ્બર 2025માં ભારતમાં 1410 કરોડનું ડિજિટલ ગોલ્ડ ખરીદાયું હતું, જ્યારે જાન્યુઆરી 2024માં 761 કરોડના ડિજિટલ ગોલ્ડની ખરીદી થઈ હતી. એટલે કે ડિજિટલ સોનાની ખરીદીમાં 85 ટકા વધારો થયો છે.
અહીં આપણે ડિજિટલ ગોલ્ડ/ઇ-ગોલ્ડ શું છે, કઈ રીતે કામ કરે છે અને સેબીએ શા માટે ચેતવણી આપી તેની વાત કરીએ.
ડિજિટલ ગોલ્ડ શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં આજે ઘણી પેમેન્ટ ઍપ્સ અથવા પ્લૅટફૉર્મ પર ડિજિટલ ગોલ્ડ ખરીદવાની સુવિધા આપવામાં આવે છે જેમાં માત્ર 10 રૂપિયા કે 100 રૂપિયામાં પણ સોનું ખરીદી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ખરીદી માટે સંપૂર્ણપણે ઑનલાઇન પેમેન્ટ થાય છે, પરંતુ અન્ડરલાઇંગ ઍસેટ ફિજિકલ સ્વરૂપમાં હોય છે. રોકાણકારો ઇચ્છે ત્યારે ડિજિટલ સોનું વેચીને તેની સામે ફિઝિકલ ડિલિવરી લઈ શકે છે.
જેમ કે MMTC PAMP એ ભારતમાં સોના અને ચાંદીની અગ્રણી રિફાઇનરી છે અને ગોલ્ડના ઑનલાઇન ખરીદી તથા વેચાણની સગવડ આપે છે.
ભારતમાં ડિજિગોલ્ડ અને સેફગોલ્ડ જેવાં પ્લેટફૉર્મ આ રીતે સોનું વેચે છે. તેવી જ રીતે પેટીએમ, ગૂગલ પે, ફોન પે, એમૅઝોન પે જેવી ઍપ પણ તેની સાથે જોડાણ કરીને સોનામાં ટ્રાન્ઝેક્શન કરે છે.
આ ઉપરાંત કેટલાક જ્વેલર્સ પણ પોતાની વેબસાઇટ દ્વારા ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ ઑફર કરે છે. તેમાં તનિષ્ક, કલ્યાણ જ્વેલર્સ વગેરે સામેલ છે.
રોકાણકારો કઈ રીતે ખરીદ-વેચાણ કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડિજિટલ સોનું ખરીદવા માટે તમે પેમેન્ટ ઍપ અથવા જ્વેલર પાસે રજિસ્ટ્રેશન કરાવવું પડે. તે સમયે કેવાયસી (નો યૉર કસ્ટમર) પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાં PAN નંબર, સરનામાં અને ઓળખના પુરાવા તથા બૅન્ક ખાતાની વિગત આપવાની હોય છે. ત્યાર બાદ ઑનલાઇન પેમેન્ટ કરીને તરત સોનું ખરીદવામાં આવે છે. રોકડ રૂપિયા કે ચેક સ્વીકારવામાં આવતા નથી.
રોકાણકાર જે ડિજિટલ સોનું ખરીદે તેની સામે સેફ વૉલ્ટમાં ફિજિકલ સ્વરૂપમાં સોનું સંગ્રહ કરવામાં આવે છે. તેથી સોનાના ભાવમાં સ્ટોરેજ અને લૉજિસ્ટિકનો ખર્ચ પણ ઉમેરાય છે.
સોનું ખરીદ્યા પછી વેચવા માટે કોઈ લૉક-ઇન પિરિયડ નથી હોતો. સોનાને સામાન્ય રીતે અનિશ્ચિત મુદ્દત માટે હોલ્ડ કરી શકાય છે, પરંતુ કેટલાંક પ્લૅટફૉર્મ પર 10 વર્ષ સુધી જ હોલ્ડ કરવાની લિમિટ હોય છે.
કોઈ ગ્રાહક જ્યારે ડિજિટલ ગોલ્ડ ખરીદે ત્યારે તેટલા પ્રમાણમાં ભૌતિક પ્રમાણમાં સોનું સંગ્રહ કરવામાં આવે છે અને તેમાં સિક્યૉરિટી એજન્સીઓનો ખર્ચ, લૉજિસ્ટિક્સનો ખર્ચ વગેરે ઉમેરાય છે.
રોકાણકારો જ્યારે ભૌતિક સ્વરૂપમાં સોનું મેળવવા માગે ત્યારે તેમને સોનાના સિક્કા અથવા બારના સ્વરૂપમાં ડિલિવરી મળે છે. તેમાં ઘડામણ ચાર્જ, ડિલિવરી ચાર્જ, ટૅક્સ વગેરે ઉમેરાય છે.
સેબીએ ડિજિટલ ગોલ્ડ વિશે કેમ ચેતવણી આપી?

ઇમેજ સ્રોત, Getty Images
મહત્ત્વની વાત એ છે કે ડિજિટલ ગોલ્ડને ખરીદવા કે વેચવાની પ્રક્રિયામાં સેબી અથવા આરબીઆઇ જેવી કોઈ એજન્સીની ભૂમિકા નથી. આ ઉપરાંત પ્લૅટફૉર્મ પર સોનાના જે ભાવ દેખાડવામાં આવે તેની પારદર્શિતા વિશે પણ સવાલો છે. તેથી ડિજિટલ ગોલ્ડ ખરીદતી વખતે તેનો ઊંચો ભાવ વસૂલવામાં આવે અને વેચતી વખતે નીચો ભાવ મળે તેવી શક્યતા રહે છે.
સોનાના ભાવ હજુ વધારે વધશે તેવી ગણતરીથી લોકો ડિજિટલ ગોલ્ડની ખરીદી વધારતા જાય છે, તેના કારણે સેબીએ આ ચેતવણી આપી હોઈ શકે છે.
આ મામલે સર્ટિફાઈડ ફાઇનાન્સિયલ પ્લાનર બીરેન પાડલિયાએ કહ્યું કે, "ડિજિટલ ગોલ્ડમાં સૌથી મોટો પ્રશ્ન સેફ્ટીનો છે, કારણ કે તમે મોબાઇલ ઍપ કે પ્લેટફૉર્મ દ્વારા જે સોનું ખરીદો છો, તેનું કસ્ટોડિયન કોણ છે તેની ખબર નથી હોતી. ગમે ત્યારે ડિફોલ્ટની ઘટના બને તો રોકાણકારો કોની પાસે જાય?"
તેઓ કહે છે કે "દાયકાઓ અગાઉ અનુભવ ટ્રી પ્લાન્ટેશનની સ્કીમ આવી હતી જેમાં ઝાડ વાવીને અમુક વર્ષે તગડું રિટર્ન આપવાની લાલચ અપાઈ હતી. તેમાં જે લોકોના રૂપિયા ગયા તેમને હજુ વળતર નથી મળ્યું. તેથી રેગ્યુલેશન હેઠળ ન હોય તેવી કોઈ નાણાકીય પ્રોડક્ટમાં રોકાણ કરવું ન જોઈએ."
ડિજિટલ ગોલ્ડ ખરીદવામાં કેટલાક ચાર્જિસ પણ છે. જેમ કે ડિજિટલ ગોલ્ડ ખરીદનારાઓ સોનાના સિક્કા અથવા બારની ડિલિવરી માગે ત્યારે તેના પર મિન્ટિંગ ચાર્જ લાગે છે, જે સોનાની કુલ વેલ્યૂમાં વધારો કરે છે. તેથી રોકાણકારો સોનાની ફિજિકલ ડિલિવરી લેવાના બદલે રૂપિયા મેળવે તો વધુ યોગ્ય રહે છે.
ડિજિટલ ગોલ્ડ સિવાય બીજા કયા વિકલ્પ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સેબીએ રોકાણકારોને જણાવ્યું છે કે સોનામાં રોકાણ કરવું હોય તો બીજાં સાધનો પણ છે જેને સેબી દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે.
સેબીએ જણાવ્યું છે કે "રોકાણકારો ઍક્સચેન્જ ટ્રેડેડ કૉમોડિટી ડેરિવેટિવ્ઝ, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઑફર કરતા ગોલ્ડ ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) અને શૅરબજારમાં ટ્રેડ થતા ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિટ્સ (ઇજીઆર)માં રોકાણ કરી શકે છે. આ તમામ સેબી દ્વારા રેગ્યુલેટ થતાં ઉત્પાદનો છે."
ગોલ્ડ ETFમાં નાની રકમથી રોકાણ કરી શકાય છે અને તેનું શૅરબજારમાં શૅરની જેમ જ ટ્રેડિંગ થાય છે. જોકે, ગોલ્ડ ETFમાં લેવડદેવડ કરવા માટે ડિમેટ એકાઉન્ટ જરૂરી છે.
ડિમેટ એકાઉન્ટ ન હોય તો ગોલ્ડ ETFમાં રોકાણ કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. આ ઉપરાંત રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા સોવેરિન ગોલ્ડ બોન્ડ (SGB) પણ ખરીદી શકાય. આરબીઆઈએ ચાલુ વર્ષથી નવા સોવેરિન ગોલ્ડ બૉન્ડ બહાર પાડવાનું બંધ કર્યું છે અને છેલ્લે ફેબ્રુઆરી 2025માં બૉન્ડ ઇસ્યૂ કરાયા હતા. રોકાણકારો સેકન્ડરી માર્કેટમાં આ બૉન્ડમાં રોકાણ કરી શકે છે જેના માટે ડિમેટ ઍકાઉન્ટ જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












