સૌથી ઝડપથી વિકસતું જતું ભારતનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વના સૌથી વધુ ઝડપે વિકસતા અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે?

જીડીપીના નવીનતમ આંકડા ગંભીર ચિત્ર રજૂ કરે છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ માસ દરમિયાન ભારતીય અર્થતંત્રે છેલ્લા સાત ત્રિમાસિક ગાળાનો સૌથી ઓછો 5.4 ટકાનો વિકાસદર નોંધાવ્યો છે, જે રિઝર્વ બૅન્કની સાત ટકાની આગાહી કરતાં ઘણો ઓછો છે.

આ દર વિકસિત દેશોની સરખામણીએ ઘણો મજબૂત હોવા છતાં પ્રસ્તુત આંકડો ગતિ ધીમી પડ્યાનો સંકેત આપે છે.

આ માટે ઘણાં પરિબળો જવાબદાર હોવાનું અર્થશાસ્ત્રીઓ જણાવે છે. ગ્રાહક માંગ નબળી પડી છે. ખાનગી રોકાણ વર્ષોથી સુસ્ત છે અને તાજેતરનાં વર્ષોમાં વૃદ્ધિના એક મહત્ત્વના પ્રેરક સરકારી ખર્ચમાં ઘટાડો થયો છે. ભારતની ગુડ્ઝ એક્સપૉર્ટ લાંબા સમયથી ખોરંભાયેલી છે અને 2023માં તેનો વૈશ્વિક હિસ્સો માત્ર બે ટકા હતો.

ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ કંપનીઓ (એફએમસીજી) વેચાણ ઓછું હોવાનું જણાવી રહી છે, જ્યારે પબ્લિકલી લિસ્ટેડ કંપનીઓના વેતનખર્ચમાં પાછલા ત્રિમાસિકમાં ઘટાડો થયો છે. અગાઉ તેજીમય વલણ ધરાવતી રિઝર્વ બૅન્કે પણ 2024-25ના નાણાકીય વર્ષ માટેનું વૃદ્ધિનું અનુમાન સુધારીને 6.6 ટકા કર્યું છે.

અર્થશાસ્ત્રી રાજેશ્વરી સેનગુપ્તા કહે છે, "જીડીપીના લેટેસ્ટ આંકડા પછી આભ તૂટી પડ્યું હોય એવું લાગે છે. આ બધું થોડા સમયથી આકાર પામી રહ્યું હતું. તે સ્લોડાઉનનો સ્પષ્ટ સંકેત છે અને માંગની સમસ્યા ગંભીર છે."

નાણામંત્રી નિર્મલા સીતારમણ વધારે ઊજળું ચિત્ર રજૂ કરે છે. તેમણે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે આ ઘટાડો "પ્રણાલીગત નથી," પરંતુ ચૂંટણી-કેન્દ્રિત ત્રિમાસિક ગાળામાં સરકારી ખર્ચમાં થયેલા ઘટાડાનું પરિણામ છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિથી આ ઘટાડો સરભર થઈ જશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક વપરાશને અસર કરતા સ્થિર વેતન, ધીમી વૈશ્વિક માંગ અને કૃષિમાં આબોહવા વિક્ષેપ જેવા પડકારો હોવા છતાં ભારત સંભવતઃ સૌથી વધુ ઝડપે વિકસતાં અર્થતંત્રો પૈકીનું એક બની રહેશે.

સરકારી અધિકારીઓ અને નિષ્ણાતોના વિપરીત મત

કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રી, અર્થશાસ્ત્રીઓ અને રિઝર્વ બૅન્ક નાણાકીય નીતિસંબંધી જૂથના ભૂતપૂર્વ સભ્ય સહિતના કેટલાક લોકો એવી દલીલ કરે છે કે ફુગાવાને અંકુશમાં રાખવા પર રિઝર્વ બૅન્કનું વધારે પડતું ધ્યાન વધુ પડતા નિયંત્રિત વ્યાજના દરનું કારણ બન્યું છે અને સંભવતઃ તેને લીધે વૃદ્ધિ થંભી ગઈ છે.

વ્યાજના ઊંચા દર ધંધા તથા ગ્રાહકો માટે ઋણને વધુ ખર્ચાળ બનાવે છે. તેનાથી રોકાણ અને વપરાશ બંનેમાં ઘટાડો થાય છે. રોકાણ અને ઉપભોગ બંને આર્થિક વિકાસના મુખ્ય પ્રેરકો છે. મુખ્યત્વે વધતા જતા ફુગાવાને કારણે રિઝર્વ બૅન્કે વ્યાજના દર લગભગ બે વર્ષથી યથાવત્ રાખ્યા છે.

સત્તાવાર આંકડા અનુસાર, રિઝર્વ બૅન્કની ચાર ટકાની ટાર્ગેટ સિલિંગ સામે ઑક્ટોબરમાં દેશમાં ફુગાવો વધીને 6.2 ટકા થયો હતો અને 14 માસની ટોચે પહોંચ્યો હતો. તે મુખ્યત્વે કન્ઝ્યુમર પ્રાઇસ બાસ્કેટનો અડધો હિસ્સો ગણાતા ખાદ્યપદાર્થોના ભાવમાં થયેલા વધારાને આભારી હતો. દાખલા તરીકે શાકભાજીના ભાવમાં ઑક્ટોબરમાં 40 ટકાથી વધુનો વધારો થયો હતો. ખાદ્યપદાર્થોના ભાવમાંનો વધારો અન્ય રોજિંદા ખર્ચ અથવા તો કોર ઇન્ફ્લેશનને અસર કરી રહ્યો હોવાના સંકેતો પણ વધી રહ્યા છે.

જોકે, માત્ર વ્યાજના ઊંચા દર ધીમી વૃદ્ધિનું સંપૂર્ણ કારણ સમજાવી શકતા નથી. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ડેવલપમેન્ટ ઇકૉનૉમિસ્ટ હિમાંશુ કહે છે, "ઉપભોગની માંગ નહીં વધે ત્યાં સુધી વ્યાજ દર ઘટાડવાથી વૃદ્ધિ થશે નહીં. રોકાણકારો માંગ હોય ત્યારે જ ઋણ લેતા હોય છે અને રોકાણ કરતા હોય છે."

રિઝર્વ બૅન્કના નિવૃત્ત થઈ રહેલા ગવર્નર શક્તિકાંતા દાસ માને છે કે "ભારતની વૃદ્ધિની કથા અકબંધ છે. ફુગાવા અને વૃદ્ધિ વચ્ચે સરસ સંતુલન છે."

અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે છૂટક ધિરાણનું પ્રમાણ વિક્રમજનક રીતે ઊંચું અને બિનસલામત લોનમાં વધારો થતો હોવા છતાં શહેરી માંગ નબળી પડી રહી છે. સારા ચોમાસા અને ખાદ્યપદાર્થોના ઊંચા ભાવથી ગ્રામીણ માંગ વધુ ઉજ્જવળ છે.

મુંબઈસ્થિત ઇંદિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચનાં ઍસોસિએટ પ્રોફેસર રાજેશ્વરી સેનગુપ્તાએ બીબીસીને જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર "ટુ-સ્પીડ ટ્રેજેક્ટરી" પર કામ કરી રહ્યું છે, જે તેની "જૂના અને નવા અર્થતંત્ર" દ્વારા સંચાલિત છે. ભારતની વર્તમાન કટોકટીનાં મૂળ તેમાં છે.

અન્ય મૂંઝવણભર્યા સંકેતો

મધ્યમ અને નાના ઉદ્યોગો, કૃષિ અને પરંપરાગત કૉર્પોરેટક્ષેત્ર સહિતના વિશાળ અનૌપચારિક જેમાં સામેલ છે તેવું જૂનું અર્થતંત્ર હજુ પણ લાંબા સમયથી સુધારાઓની રાહ જોઈ રહ્યું છે.

તેનાથી વિપરીત, કોવિડ પછી સેવાઓની નિકાસમાં આવેલી તેજી પર આધારિત નવા અર્થતંત્રે 2022-23માં મજબૂત વૃદ્ધિનો અનુભવ કર્યો છે. આઉટસોર્સિંગ 2.0 ચાવીરૂપ ચાલકબળ બની રહ્યું છે. તેમાં ભારત વૈશ્વિક કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી)ના વિશ્વના સૌથી મોટા કેન્દ્ર તરીકે સામે આવી રહ્યું છે, જે હાઇ-ઍન્ડ ઑફશોર સર્વિસીસનું કામ કરે છે.

કન્સલ્ટિંગ ફર્મ ડેલોના જણાવ્યા અનુસાર, વિશ્વના 50 ટકાથી વધુ જીસીસી હવે ભારતમાં સ્થિત છે. આ કેન્દ્રો રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ, એન્જિનિયરિંગ ડિઝાઇન અને કન્સલ્ટિંગ સર્વિસિસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે 46 અબજ ડૉલરની રેવન્યૂ સર્જી રહ્યાં છે અને 20 લાખ કુશળ કામદારોને રોજગાર આપી રહ્યાં છે.

રાજેશ્વરી સેનગુપ્તા કહે છે, "લક્ઝરી ચીજવસ્તુઓ, રિઅલ એસ્ટેટ અને એસયુવીની માંગને ટેકો આપીને જીસીસીના આ પ્રવાહે શહેરી વપરાશને વેગ આપ્યો છે. કોવિડ રોગચાળા પછીનાં બે-અઢી વર્ષ સુધી તેનાથી શહેરી ખર્ચમાં વધારો થયો છે. મોટા ભાગના જીસીસી સ્થપાઈ ગયાં છે અને વપરાશની પૅટર્ન બદલાઈ રહી છે ત્યારે શહેરી ખર્ચમાંનો વધારો પણ ધીમે ધીમે ઘટી રહ્યો છે."

તેથી નવું અર્થતંત્ર ધીમું પડ્યું છે ત્યારે જૂના અર્થતંત્રમાં વૃદ્ધિના ઉદ્દીપકોનો અભાવ દેખાય છે. ખાનગી રોકાણ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ મજબૂત કન્ઝમ્પ્શન ડિમાન્ડ વિના કંપનીઓ રોકાણ કરશે નહીં. રોજગાર સર્જન અને આવક વધારવા માટે રોકાણ વધાર્યા વિના કન્ઝમ્પ્શન ડિમાન્ડ રિકવર થઈ શકે નહીં. "આ એક વિષચક્ર છે," એમ રાજેશ્વરી સેનગુપ્તા કહે છે.

બીજા મૂંઝવણભર્યા સંકેતો પણ છે. ભારતની સરેરાશ ટેરિફ 2013-14માં પાંચ ટકા હતી, જે હવે વધીને 17 ટકા થઈ ગઈ છે, જે અમેરિકા સાથે વેપાર કરતા અન્ય એશિયન દેશો કરતાં વધારે છે. નિકાસકારો બહુવિધ દેશોમાંથી આયાત પર આધાર રાખતા હોય તેવી વૈશ્વિક મૂલ્ય ઋંખલાઓની દુનિયામાં ઊંચા ટેરિફ કંપનીઓ માટે બિઝનેસ કરવાનું મોંઘું બનાવે છે. વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધા કરવાનું તેમના માટે મુશ્કેલ બને છે.

અર્થશાસ્ત્રી અરવિંદ સુબ્રમણ્યન તેને "વાર્તામાંનો નવો વળાંક" કહે છે.

નીચા વ્યાજદર અને પ્રવાહિતાને વેગ આપવાની માંગ વધી રહી હોવા છતાં રિઝર્વ બૅન્ક ડૉલરનું વેચાણ કરીને રૂપિયાનું ઘટતું મૂલ્ય વધારવાના પ્રયાસ કરી રહી છે, જે તરલતાને મુશ્કેલ બનાવે છે. રિઝર્વ બૅન્કે રૂપિયાને ધોવાણથી બચાવવા માટે ઑક્ટોબરથી તેના વિદેશી મુદ્રા ભંડારમાંથી 50 અબજ ડૉલરનો ખર્ચ કર્યો છે.

ડૉલર ખરીદવા માટે ખરીદદારોએ રૂપિયામાં ચુકવણી કરવી પડે છે, જેનાથી માર્કેટમાં તરલતા ઘટે છે. હસ્તક્ષેપ દ્વારા રૂપિયાના મજબૂતી જાળવીને વૈશ્વિક બજારોમાં ભારતીય માલ વધુ મોંઘો બનાવવાથી સ્પર્ધાત્મકતામાં ઘટાડો થાય છે. જેનાથી નિકાસની માંગમાં ઘટાડો થાય છે.

ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હોવાની વાત 'અતિશયોક્તિભરી'?

સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને બીબીસીને કહ્યું હતું, "મધ્યસ્થ બૅન્ક રૂપિયાને મજબૂત શા માટે બનાવી રહી છે? આ નીતિ અર્થતંત્ર અને નિકાસ માટે ખરાબ છે. કદાચ તે દેખાડા માટે એવું કરી રહી છે. ભારતીય ચલણ નબળું છે, એવું તેઓ દેખાડવા ઇચ્છતા નથી."

ટીકાકારો ચેતવણી આપે છે કે ભારત સૌથી ઝડપભેર વિકસતું અર્થતંત્ર હોવાની કથા "અતિશયોક્તિ સાથે" રજૂ કરવાનું રોકાણ, નિકાસ અને રોજગાર સર્જનમાં અડચણ બની રહ્યું છે. રાજેશ્વરી સેનગુપ્તા કહે છે, "આપણે હજુ પણ ગરીબ દેશ છીએ. આપણી માથાદીઠ જીડીપી 3,000 ડૉલરથી ઓછી છે, જ્યારે અમેરિકાની 86,000 ડૉલર છે. તમે તેના કરતાં વધુ ઝડપે વિકસી રહ્યા છો, એવું તમે કહેતા હો તો તે અર્થહીન છે."

બીજા શબ્દોમાં કહીએ તો વધુ નોકરીઓનું સર્જન કરવા અને આવક વધારવા માટે ભારતને નોંધપાત્ર રીતે ઊંચા અને સાતત્યસભર વિકાસદરની જરૂર છે.

ટૂંકા ગાળામાં વૃદ્ધિ અને વપરાશને વેગ આપવાનું સરળ નહીં હોય. ખાનગી રોકાણનો અભાવ છે ત્યારે હિમાંશુ સૂચવે છે કે આવક અને વપરાશ વધારવા માટે સરકાર સંચાલિત રોજગાર યોજનાઓમાં વેતનવૃદ્ધિ કરવી જોઈએ. રાજેશ્વરી સેનગુપ્તા જેવા અન્ય લોકો ટેરિફ ઘટાડવાનું અને ચીનથી વિયેતનામ જેવા દેશોમાં જતા એક્સપૉર્ટ ઇન્વેસ્ટમેન્ટને આકર્ષિત કરવાની હિમાયત કરે છે.

સરકાર ભારતની વૃદ્ધિની કથાથી ઉત્સાહિત છે. બૅન્કો મજબૂત છે, ફૉરેક્સ રિઝર્વ મજબૂત છે. નાણાકીય નીતિ સ્થિર છે અને અત્યંત ગરીબ હોય તેવા લોકોનું પ્રમાણ ઘટ્યું છે. મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન જણાવે છે કે જીડીપીના લેટેસ્ટ આંકડાનું વધુ પડતું અર્થઘટન ન કરવું જોઈએ. "આપણે ખરાબની સાથોસાથ સારી વાતનોય આ રીતે છેદ ન ઉડાડવો જોઈએ, વૃદ્ધિની ગાથામાં સબસલામત છે."

વિકાસની ગતિમાં થોડી તેજી આવી શકે, એ દેખીતું છે. શંકાનું કારણ આ જ છે. રાજેશ્વરી સેનગુપ્તા કહે છે, "પોતાની મહત્ત્વાકાંક્ષાને આંબવાના પ્રયાસો કર્યા વિના કોઈ દેશ આટલા લાંબા સમય સુધી મહત્ત્વાકાંક્ષી રહી શકે નહીં. મથાળાઓમાં ભારતની ઉંમર અને દાયકાઓ વિશે વાત થઈ રહી છે ત્યારે હું તે સાકાર થવાની રાહ જોઈ રહી છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.