You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાહરુખ ખાન દુનિયાના સૌથી ધનાઢ્ય સેલિબ્રિટીઝમાં સામેલ, કેટલા કરોડની સંપત્તિના માલિક છે?
- લેેખક, શર્લિન મોલન
- પદ, બીબીસી ન્યૂઝ
બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન પહેલી વખત 'અબજોપતિની ક્લબ'માં સામેલ થયા છે અને હવે તેઓ દુનિયાના સૌથી ધનાઢ્ય અભિનેતાઓમાં ગણાય છે.
59 વર્ષીય શાહરુખ ખાન પાસે લગભગ 1.2 અબજ ડૉલર (લગભગ 12,490 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025માં આ આંકડા આપવામાં આવ્યા છે. હુરુન ઇન્ડિયા દ્વારા દર વર્ષે ભારતના સૌથી ધનાઢ્ય લોકોનું રેન્કિંગ જાહેર થાય છે.
શાહરુખ ખાન હવે વિશ્વની સૌથી વિખ્યાત સેલિબ્રિટીઝ જેમ કે આર્નોલ્ડ શ્વાર્ઝનેગર પૉપ સ્ટાર રિહાના, ગોલ્ફર ટાઈગર વૂડ્સ અને ગાયિકા ટેલર સ્વિફ્ટની શ્રેણીમાં આવી ગયા છે. ફૉર્બ્સ મૅગેઝિનના અંદાજ મુજબ ટેલર સ્વિફ્ટની નેટવર્થ 1.4 અબજ ડૉલર (14 હજાર કરોડ રૂપિયાથી વધુ) છે.
આ લિસ્ટમાં જુહી ચાવલા, રિતિક રોશન, અમિતાભ બચ્ચન અને ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર પણ સામેલ છે.
ત્રણ દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સભ્ય
શાહરુખ ખાનને ઘણા લોકો 'કિંગ ઑફ રોમાન્સ' તરીકે ઓળખે છે. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુ સમય ગાળ્યો છે. તેઓ માત્ર અભિનેતા નથી, પરંતુ એક મોટી પ્રોડક્શન કંપની અને ક્રિકેટ ટીમના માલિક પણ છે.
હુરુન ઇન્ડિયાના સંસ્થાપક અને મુખ્ય રિસર્ચર અનસ રહમાન જુનૈદે બીબીસીને જણાવ્યું કે, "ખાનનું અબજોપતિ તરીકેનું સ્ટેટસ મુખ્યત્વે રેડ ચિલિઝ ઍન્ટરટેઇન્મેન્ટ (તેમની પ્રોડક્શન કંપની) અને નાઇટ રાઇડર સ્પૉર્ટ્સ (આઇપીએલ ક્રિકેટ ટીમ)માં ભાગીદારીના કારણે છે."
તેમની અન્ય કમાણીમાં ફિલ્મોની કમાણી, ઍડવર્ટાઈઝિંગ અને દુનિયાભરમાં પ્રોપર્ટીમાં રોકાણ સામેલ છે.
ભારતનું બદલાતું અર્થતંત્ર
જુનૈદ કહે છે કે શાહરુખ ખાન અબજોપતિઓની ક્લબમાં સામેલ હોય તે ભારતના અર્થતંત્રનું બદલાતું સ્વરૂપ દર્શાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "જેમ જેમ ભારતીય અર્થતંત્ર પરિપક્વ બનતું જાય છે અને વેલ્યૂ ક્રિયેશનના આગળના તબક્કામાં વધતું જાય છે, તેની સાથે સાથે આપણે મૅન્યુફેક્ચરિંગ, આઇટી, અને બૅન્કિંગ જેવાં નવાં સેક્ટરોને ઊભરતા જોઈ શકીએ છીએ."
હવે સ્પૉર્ટ્સ, મનોરંજન અને આઇપી આધારિત વ્યવસાય ભારતમાં વેલ્થ ક્રિયેશનના મુખ્ય સ્રોત બની ગયા છે.
તેમણે કહ્યું કે અમેરિકામાં પણ આવી જ રીતે પરિવર્તન થયું હતું. ત્યાં એક સમયે ધનાઢ્યોની યાદીમાં ઉદ્યોગપતિઓ અને બૅન્કરોનાં નામ જોવા મળતાં હતાં. હવે તેમાં સ્પૉર્ટ્સ ટીમના માલિકો, મીડિયાના દિગ્ગજો અને સેલિબ્રિટી આધારિત બ્રાન્ડ સામેલ છે. માઇકલ જૉર્ડન, લેબ્રોન જેમ્સ, ઓપરા વિનફ્રી અને બિયોન્સ તેનાં ઉદાહરણ છે.
ફૉર્બ્સના અહેવાલ મુજબ ઘણા સેલિબ્રિટીઝ અત્યંત ધનિક છે, છતાં 'તેમની સંપત્તિ અબજો ડૉલર સુધી પહોંચે તે દુર્લભ છે'. દુનિયામાં બે ડઝન કરતાં પણ ઓછા લોકોએ આ સિદ્ધિ મેળવી છે.
હુરુનના લિસ્ટમાં આ વર્ષે વધુ ચાર બોલીવૂડ સેલિબ્રિટીઝ અને તેમના પરિવાર સામેલ થયા છે. પરંતુ શાહરુખની સંપત્તિ તેમના કરતાં ઘણી વધારે આંકવામાં આવે છે.
શાહરુખ સાથે ફિલ્મોમાં કામ કરનારા જુહી ચાવલા અને તેમનો પરિવાર બીજા ક્રમે છે. તેમની સંપત્તિ 88 કરોડ ડૉલર (7790 કરોડ રૂપિયા) હોવાનો અંદાજ છે.
ત્યાર પછી રિતિક રોશન ત્રીજા ક્રમે છે, જેમની સંપત્તિ 26 કરોડ ડૉલર (2160 કરોડ રૂપિયા) છે.
ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરની સંપત્તિ 20 કરોડ ડૉલર (લગભગ 1880 કરોડ રૂપિયા) છે, જ્યારે અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર પાસે 18.3 કરોડ ડૉલર (1630 કરોડ રૂપિયા)ની સંપત્તિ હોવાનો અંદાજ છે.
કરણ જોહર વર્ષ 2024માં ચર્ચામાં રહ્યા હતા જ્યારે તેમણે પોતાની પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શનમાં 50 ટકા હિસ્સેદારી અદર પૂનાવાલા (ભારતના અગ્રણી રસી ઉત્પાદક)ને 11.9 કરોડ ડૉલર (1055 કરોડ રૂપિયા)માં વેચી હતી.
હુરુન ઇન્ડિયા મુજબ આ વર્ષે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 350ને પાર કરી ગઈ છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ટોચના બે સ્થાન પર યથાવત્ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન