You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વના 10 સૌથી શ્રીમંત કુટુંબોની બ્લુમબર્ગની રૅન્કિંગમાં આ ક્રમે છે અંબાણી પરિવાર
વિશ્વના સૌથી શ્રીમંત પરિવારોની બ્લુમબર્ગની રૅન્કિંગમાં ભારતીય અંબાણી પરિવારનો પણ સમાવેશ થાય છે.
જોકે, વૉલમાર્ટ સુપરમાર્કેટ શૃંખલાના માલિક વૉલ્ટન પરિવાર આ વર્ષની યાદીમાં ટોચ પર છે.
સેમ વૉલ્ટને પહેલી સુપરમાર્કેટ શરૂ કર્યાના છ દાયકાથી પણ વધુ સમય બાદ એમની બહુરાષ્ટ્રીય કંપનીના શૅરોના શાનદાર પ્રદર્શનને કારણે તેમના ઉત્તરાધિકારી પહેલાં કરતાં વધુ ધનવાન બન્યા છે. કંપનીના શૅરો આ વર્ષે 80 ટકા વધ્યા છે.
બ્લુમબર્ગનું કહેવું છે કે આ યાદીમાં સામેલ કંપનીઓની મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેમણે તેમની સંપત્તિ જાળવી રાખી છે.
એ સિવાય કેટલાક મામલાઓમાં તેમણે વ્યાપારી કરારો કર્યા છે, જેને કારણે તેમની સંપત્તિ સારી રીતે જળવાઈ રહી છે.
આ યાદીમાં 25 પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વૉલમાર્ટ, લક્ઝરી બ્રાન્ડ હર્મેસ અને ફાર્માસ્યુટિકલ કંપની રૉશેના માલિક પણ છે.
બ્લુમબર્ગના જણાવ્યા મુજબ, આ વર્ષની યાદીમાં સામેલ મોટાભાગના પરિવારો શૅરબજારમાંથી મળેલા મોટા લાભને કારણે અમીર બન્યા છે.
અમે અહીં વિશ્વના સૌથી શ્રીમંત 10 પરિવારોની વાત કરીશું અને એ પણ જણાવીશું કે તેઓ કેવી રીતે પૈસાદાર બન્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1. વૉલ્ટન પરિવાર
પરિવાર – વૉલ્ટન
કંપની – વૉલમાર્ટ
સંપત્તિ - 432 અબજ ડૉલર
દેશ – અમેરિકા
પેઢી – ત્રીજી
વૉલ્ટન પરિવાર પાસે વૉલમાર્ટ સુપરમાર્કેટ શૃંખલામાં લગભગ 46 ટકા હિસ્સેદારી છે અને તે વિશ્વની સૌથી મોટી પારિવારિક સંપત્તિના ભાગ્યનો આધાર છે.
વૉલમાર્ટના સ્થાપક સેમ વૉલ્ટને પરિવારમાં નિયંત્રણ જાળવી રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે સંપત્તિને તેમનાં બાળકો વચ્ચે વિભાજિત કરી નાખી છે.
2. અલ નાહયાન પરિવાર
પરિવાર – અલ નાહયાન
સેક્ટર – ઔદ્યોગિક
સંપત્તિ – 323 અબજ ડૉલર
દેશ – સંયુક્ત આરબ અમિરાત
પેઢી – ત્રીજી
સંયુક્ત આરબ અમિરાતમાં સત્તારૂઢ અલ નાહયાન પરિવારે ઑઇલના બિઝનેસથી પોતાની સંપત્તિ બનાવી છે.
શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન યુએઈના રાષ્ટ્રપતિ પણ છે.
3. અલ થાની પરિવાર
પરિવાર – અલ થાની
સેક્ટર – ઔદ્યોગિક
સંપત્તિ – 172 અબજ ડૉલર
દેશ – કતાર
પેઢી – ત્રીજી
અલ થાની પરિવારનો કતારમાં ઑઇલ અને ગૅસનો બિઝનેસ છે. આ પરિવારના લોકો રાજનીતિમાં પ્રભાવશાળી પદો પર છે અને વિવિધ બિઝનેસમાં પણ છે.
4. હર્મીસ પરિવાર
પરિવાર – હર્મીસ
સેક્ટર – ફૅશન
સંપત્તિ – 170 અબજ ડૉલર
દેશ – ફ્રાન્સ
હર્મીસ પરિવારની છઠ્ઠી પેઢીમાં 100થી વધારે સભ્યો છે અને તે ફ્રાન્સની ફૅશન કંપનીના માલિક છે.
કંપનીમાં વરિષ્ઠ પદો પર આસીન પરિવારના સભ્યોમાં સીઈઓ એક્સેલ ડુમાસનો પણ સમાવેશ થાય છે.
5. કોચ પરિવાર
પરિવાર – કોચ
કંપની – કોચ ઇન
સંપત્તિ – 148 અબજ ડૉલર
દેશ – અમેરિકા
ફ્રેડરિક, ચાર્લ્સ, ડેવિડ અને વિલિયમ નામના ચાર ભાઈઓને તેમના પિતા પાસેથી ઑઇલ કંપની વારસામાં મળી હતી.
જોકે, વિવાદ સર્જાયા બાદ હવે માત્ર ચાર્લ્સ અને ડેવિડ જ આ બિઝનેસમાં રહ્યા છે.
કોચ કંપની ઑઇલ, કેમિકલ્સ, ઊર્જા, ખનીજ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ફાઇનાન્સ, કોમૉડિટી ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે.
6. અલ સઉદ પરિવાર
પરિવાર – અલ સઉદ
સેક્ટર – ઔદ્યોગિક
સંપત્તિ – 140 અબજ ડૉલર
દેશ – સાઉદી અરેબિયા
સઉદ પરિવારને ઑઇલના કારોબારમાંથી કમાણી થાય છે. બ્લુમબર્ગે આ પરિવારની ચોખ્ખી આવકનું અનુમાન છેલ્લાં 50 વર્ષમાં શાહી પરિવારના સભ્યોને મળતી રૉયલ્ટીના આધારે કર્યું છે.
શાહી દિવાન રાજાની કાર્યકારી ઑફિસ છે.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું વ્યક્તિગત રીતે એક અબજ ડૉલરથી વધારેની સંપત્તિ પર નિયંત્રણ છે.
7. માર્સ
પરિવાર – માર્સ
કંપની – માર્સ ઇન
સંપત્તિ – 133 અબજ ડૉલર
દેશ – અમેરિકા
માર્સ એમ ઍન્ડ એમ મિલ્કી વે તથા સ્નિકર્સ બાર (ચૉકલેટ) જેવાં ઉત્પાદનો માટે જાણીતી છે.
જોકે, પાળેલા પ્રાણીઓની દેખભાળ માટે પ્રોડક્ટ્સનું હવે કંપનીની સંપત્તિમાં અડધાથી વધારે યોગદાન છે.
8. અંબાણી પરિવાર
પરિવાર – અંબાણી
કંપની – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
સંપત્તિ – 99 અબજ ડૉલર
દેશ – ભારત
પેઢી – ત્રીજી
મુકેશ અંબાણી દુનિયાની સૌથી મોટી ઑઇલ રિફાઇનિંગ કંપનીના માલિક છે. તેઓ 27 માળના મકાનમાં રહે છે, જેને વિશ્વનું સૌથી મોંઘું ઘર માનવામાં આવે છે.
તેમને અને તેમના ભાઈને પિતાની સંપત્તિ વારસામાં મળી છે.
9. વર્થાઇમર પરિવાર
પરિવાર – ધ વર્થાઇમર
કંપની – શનૅલ
સંપત્તિ – 88 અબજ ડૉલર
દેશ – ફ્રાન્સ
ઍલન અને જેરાર્ડ નામના ભાઈઓને આ સંપત્તિ વારસામાં મળી છે. એ સંપત્તિનું સર્જન તેમના દાદાએ 1920ના દાયકામાં ડિઝાઇનર કોકો શનૅલને ફાઇનાન્સ કરીને પેરિસમાં કર્યું હતું.
તેમના પરિવારનું પોતાનું ફૅશન હાઉસ છે અને તેઓ રેસના અશ્વો તથા દ્રાક્ષના બગીચાઓના માલિક પણ છે.
10. થૉમસન્સ પરિવાર
પરિવાર – થૉમસન
કંપની – થૉમસન રૉયટર્સ
સંપત્તિ – 87 અબજ ડૉલર
દેશ – કૅનેડા
પેઢી – ત્રણ
આ પરિવાર પાસે ફાઇનાન્સિયલ ડેટા અને સર્વિસ પ્રોવાઇડર કંપની થૉમસન રૉયટર્સનો લગભગ 70 ટકા હિસ્સો છે.
રૉય થૉમ્પસને 1930માં ઓન્ટારિયોમાં એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું ત્યારથી, કૅનેડાના આ સૌથી અમીર પરિવારની અઢળક સંપત્તીનું સર્જન થવાનું શરૂ થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન