EDની નજર શું માત્ર વિપક્ષના નેતાઓ અને સરકારો પર છે? હકીકત શું છે?

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પ્રવર્તન નિદેશાલય(ઈડી)ના સમન્સ પર ગુરુવારે કહ્યું, "ભાજપ ખુલ્લેખુલ્લાંજ સીબીઆઈ અને ઈડીને ઉપયોગ કરીને બીજી પાર્ટીઓના નેતાઓને તોડીને પોતાનામાં સામેલ કરવા માગે છે."

કેજરીવાલે પોતાની પણ ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી અને ઈડીના સમન્સને ગેરકાયદે ગણાવ્યું હતું.

ઈડીએ ત્રીજી જાન્યુઆરીએ કેજરીવાલને હાજર થવા કહ્યું હતું. તારીખ બીજી નવેમ્બર, 21 ડિસેમ્બર પછી આ ત્રીજીવાર બન્યું છે જ્યારે કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી.

ઈડી કથિત દારૂનીતિ મામલે કેજરીવાલની પૂછપરછ કરવા માગે છે. આ જ મામલે પાર્ટીના અનેક નેતાઓની પહેલા ધરપકડ થઈ ચૂકી છે.

ઈડીના સમન્સ પર કેજરીવાલે કહ્યું, "એવા કેટલાંય ઉદાહરણ છે, જ્યાં કેટલાક પાર્ટીના નેતાઓ સામે ઈડી, સીબીઆઈના કેસ ચાલી રહ્યા હતા. જેવા તે નેતાઓ ભાજપમાં ભળ્યા એટલે તેમની સામેના કેસો બંધ કરી દેવામાં આવ્યા અથવા તો તેની તપાસ ધીમી કરી દેવામાં આવી. જે તેમની પાર્ટીમાં સામેલ થઈ જાય છે તેમના બધા મામલા રફેદફે કરી દેવામાં આવે છે. જે તેમની પાર્ટીમાં સામેલ નથી થતા તેમને જેલ જવું પડે છે."

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, "જે રાજ્યોમાં ભાજપની સરકારો છે ત્યાં આ તપાસ ઍજન્સીઓ ચૂપ છે. જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં તપાસ ઍજન્સીઓ આક્રમક છે."

પરંતુ શું આ વાત સાચી છે?

આ લેખમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. પહેલા આંકડાઓ પર એક નજર ફેરવીએ.

આંકડાઓ શું ઇશારો કરે છે?

સંસદમાં જુલાઈ 2023માં સરકારે જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ ઍક્ટ એટલે કે પીએમએલએ હેઠળ ઈડીએ 3110 કેસ છેલ્લા ત્રણ વર્ષમાં દાખલ કર્યા છે.

  • 2022-23: 949 કેસ
  • 2021-22: 1180 કેસ
  • 2020-21: 981 કેસ

જ્યારે ફૉરેન ઍક્સચેન્જ મેનેજમેન્ટ ઍક્ટ એટલે કે ફેમા હેઠળ છેલ્લાં ત્રણ વર્ષોમાં 12 હજાર 233થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

  • 2022-23: 4173 કેસ
  • 2021-22: 5313 કેસ
  • 2020-21: 2747 કેસ

સપ્ટેમ્બર 2022માં ઇન્ડિયન ઍક્સપ્રેસે ઈડીએ દાખલ કરેલા કેસો પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

આ અહેવાલ અનુસાર, 18 વર્ષના રેકૉર્ડને જોવામાં આવે તો ઈડીએ જે 147 નેતાઓ સામે પૂછપરછ કરી અથવા તો ધરપકડ કરી તેમાંથી 85 ટકા નેતાઓ વિપક્ષના હતા.

જ્યારે સીબીઆઈના રડાર પર રહેલા 200 નેતાઓમાંથી 80 ટકા નેતાઓ વિપક્ષના હતા. આ 18 વર્ષોમાં કેન્દ્રમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેની સરકારો રહી છે.

પીએમએલએમાં 2005, 2009 અને 2012માં સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારે કૉંગ્રેસ સત્તામાં હતી.

2019માં મોદી સરકારે પીએમએલએમાં બદલાવ કરીને ઈડીને એ સત્તા આપી હતી કે તે લોકોના આવાસ પર દરોડા પાડી, સર્ચ ઑપરેશન અને ધરપકડ કરી શકે છે.

અગાઉ ઈડી જો એફઆઈઆર અને ચાર્જશીટમાં પીએમએલએ કલમો અન્ય કોઈ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવે તો જ તપાસ કરતી હતી, પરંતુ હવે ઈડી પોતે જ એફઆઈઆર નોંધી શકે છે અને ધરપકડ કરી શકે છે.

ઈન્ડિયન ઍક્સપ્રેસ અનુસાર, લગભગ 95 ટકા એટલે કે 2014થી 2022 દરમિયાન ઇડી દ્વારા નિશાન બનાવવામાં આવેલા 115 નેતાઓ વિપક્ષના હતા.

ઈડીએ 2004-14માં 26 નેતાઓની પૂછપરછ કરી હતી. તેમાંથી લગભગ 54 ટકા એટલે કે 14 નેતાઓ વિપક્ષના હતા.

જોકે, આ આંકડા માત્ર 2022 સુધીના છે. આ પછી, 2023 માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી અને તે દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ વિવિધ રાજ્યો પર ઈડી અને સીબીઆઈ દ્વારા પાડવામાં આવેલા દરોડાઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા.

દિલ્હી: કેજરીવાલની ‘આપ’ સરકાર

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર 2013થી છે અને અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રી છે.

સીબીઆઈએ ફેબ્રુઆરી, 2023માં દિલ્હીના તત્કાલીન ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ ધરપકડ દિલ્હીની દારૂ નીતિમાં કથિત ગોટાળાના આરોપોને લઇને કરવામાં આવી હતી.

ત્યારબાદ આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહની પણ ઈડીએ આ જ મામલામાં ધરપકડ કરી છે.

આ મામલો દિલ્હીની દારૂ નીતિ-2021 સાથે સંબંધિત છે, જેની તપાસનો આદેશ લૅફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ જુલાઈ 2022માં આપ્યો હતો.

નવી દારૂ નીતિ નવેમ્બર 2021માં લાગુ કરવામાં આવી હતી. આ અંતર્ગત દિલ્હીને 32 ઝૉનમાં વહેંચવામાં આવ્યું હતું અને દરેક ઝૉનમાં 27 દુકાનો ખોલવાની હતી. આ અંતર્ગત દારૂ માત્ર ખાનગી દુકાનો પર જ વેચી શકાય તેવો નિયમ લાવવામાં આવ્યો હતો.

દિલ્હી સરકારે એવો દાવો કર્યો હતો કે તેનો ઉદ્દેશ્ય દારૂ માફિયા, કાળા બજારીને ખતમ કરવાનો અને સમાન વિતરણ સુનિશ્ચિત કરવાનો છે.

આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાદમાં સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી.

સીબીઆઈ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે નવી દારૂ નીતિ હેઠળ, કોરોનામાં દારૂના વેપારથી થયેલા નુકસાનને ટાંકીને લાયસન્સ ફી નાબૂદ કરવામાં આવી હતી. જેના કારણે દિલ્હી સરકારને લગભગ 140 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

એવો પણ આરોપ છે કે લાયસન્સ આપવા માટે લાંચ લેવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીએ પંજાબની ચૂંટણીમાં આ પૈસાનો ઉપયોગ કર્યો હતો.

સીબીઆઈ અને ઈડી બંનેએ આ કેસની તપાસ કરી હતી.

ઑક્ટોબર, 2023માં સુપ્રીમ કોર્ટે ઈડીને પૂછ્યું હતું કે, તમારા મત પ્રમાણે જો દારૂની નીતિથી આમ આદમી પાર્ટીને ફાયદો થયો હતો, તો પછી તેને આ કેસમાં મુખ્ય આરોપી કેમ ન બનાવવામાં આવી?

નવેમ્બરમાં ઈડીએ કેજરીવાલને પૂછપરછ માટે પહેલું સમન્સ જાહેર કર્યું હતું.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલનું નામ ચાર્જશીટમાં નથી. ન તો તેઓ આરોપી છે અને ન તો તેઓ સાક્ષી છે, તો તેમને શા માટે બોલાવવામાં આવી રહ્યા છે?

કેજરીવાલે 4 જાન્યુઆરીએ પણ કહ્યું હતું કે, "તેઓ મારી ઈમાનદારી પર હુમલો કરવા માગે છે. મને મોકલવામાં આવેલ આ સમન્સ ગેરકાયદેસર છે. ભાજપનો ઉદ્દેશ્ય તપાસ કરવાનો નથી. તેઓ મને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરતો રોકવા માગે છે."

"સીબીઆઈએ મને આઠ મહિના પહેલા બોલાવ્યો હતો, હું ગયો પણ હતો. બે વર્ષથી ચાલી રહેલી તપાસમાં હવે મને કેમ બોલાવવામાં આવી રહ્યો છે?"

ભાજપ નેતાઓનું કહેવું છે કે દાળમાં કંઈક કાળું છે, તેથી જ કેજરીવાલ ઈડીની પૂછપરછ માટે નથી જઈ રહ્યા.

ઝારખંડ: હેમંત સોરેનની સરકાર

ઝારખંડમાં 2019થી ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે અને હેમંત સોરેન મુખ્ય મંત્રી છે.

હેમંત સોરેન ભાજપ સામે આરોપો લગાવતાં કહે છે, "2019માં ઝારખંડની ઝારખંડ મુક્તિ મોરચાની સરકારને પાડી દેવાના પ્રયત્નો ભાજપ કરતો રહ્યો છે. તેને તેમાં સફળતા હાથ ન લાગી તો ઈડીના ઓફિસરોને કામે લગાડી દેવામાં આવ્યા."

સોરેને જે વાત કરી તેના પુરાવાઓ પાંચ વર્ષમાં બનેલી અનેક ઘટનાઓ છે જેમાં સોરેન અથવા તેમના સાથીઓ નિશાના પર રહ્યા છે.

ઈડી હેમંત સોરેનને સાત વખત સમન્સ પાઠવીને હાજર થવા કહી ચૂકી છે. પરંતુ સોરેન એકેય વખત ઈડી સામે હાજર થયા નથી. ઈડીએ કહ્યું હતું કે આ છેલ્લું સમન્સ છે. સોરેનને પહેલું સમન્સ 14 ઑગસ્ટ, 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

હેમંત સોરેને ઈડીને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું કે, "એકવાર પૂછપરછમાં સામેલ થઈને હું તમામ સંપત્તિની જાણકારી આપી ચૂક્યો છું. એ તમામ કાયદેસર છે. હવે જે પણ પૂછવું હોય તે ચિઠ્ઠી મારફત પૂછી શકાય છે."

સોરેને ઈડીની કાર્યવાહીને લઈને ઝારખંડ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી પરંતુ તેમને રાહત ન મળી.

ઈડી કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં સોરેનની પૂછપરછ કરવા માગે છે.

3 જાન્યુઆરીના રોજ, ગેરકાયદે માઇનિંગ અને મની લૉન્ડરિંગ સંબંધિત કેસોમાં ઈડી દ્વારા સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદ પિન્ટુની મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલો હતા.

અભિષેક પ્રસાદે ઈન્ડિયન ઍક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "હા, મારી પાસે ખાણો છે પરંતુ મને પૂર્વ સીએમ રઘુબર દાસના કાર્યકાળ દરમિયાન તેને ચલાવવાની પરવાનગી મળી હતી."

નવેમ્બર 2022માં પણ ઈડી દ્વારા કથિત ગેરકાયદે માઇનિંગ સંબંધિત કેસમાં સોરેનની પૂછપરછ કરવામાં આવી હતી. આ જ કેસમાં જુલાઈ 2022માં સોરેનના નજીકના સહયોગી પંકજ મિશ્રાની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

2021માં એક મહિલા પોલીસ અધિકારી રૂપા તિર્કીએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. આ કેસમાં પંકજ મિશ્રાનું નામ પણ સામે આવ્યું હતું અને ભાજપના સમર્થન અને પરિવારના પ્રયાસો બાદ સીબીઆઈએ પણ આ કેસમાં તપાસ શરૂ કરી હતી.

બિહાર: તેજસ્વી યાદવ પર સકંજો કસાયો

બિહારના ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવ પણ ઈડીના રડાર પર છે.

5 જાન્યુઆરીના રોજ તેજસ્વીને પણ ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલો કથિતપણે ‘નોકરીને બદલે જમીન’ સાથે જોડાયેલો છે.

22 અને 27 ડિસેમ્બર, 2023ના રોજ પણ તેજસ્વી અને લાલુ યાદવને ઈડીએ હાજર થવા કહ્યું હતું પરંતુ બંને લોકો હાજર ન થયા.

ફેબ્રુઆરી, 2023માં દિલ્હીની રાઉઝ ઍવન્યૂ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેમનાં પત્ની, દીકરીઓ સહિત અન્ય કેટલાય લોકો સામે સમન્સ જાહેર કર્યું હતું. આ મામલે માર્ચમાં બિહારમાં ઈડીએ અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા.

આ કથિત ગોટાળો એ સમયનો છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રેલવે મંત્રાલયમાં લોકોને નોકરી આપવાના બદલામાં તેમની પાસેથી જમીન લેવામાં આવી હતી.

કર્ણાટક: ડીકે શિવકુમાર

કર્ણાટકની કૉંગ્રેસ સરકારના નાયબ મુખ્ય મંત્રી ડીકે શિવકુમાર પણ વર્ષોથી ઈડીના નિશાને છે.

જ્યારે શિવકુમાર સરકારમાં ન હતા ત્યારે સપ્ટેમ્બર 2019માં તેમને ઈડીએ ધરપકડ કરી છે.

કર્ણાટકમાં પહેલાંની કૉંગ્રેસ-જેડીએસ અને તે પહેલાની કૉંગ્રેસ સરકારમાં ડીકે શિવકુમાર કેબિનેટમાં હતા.

જાન્યુઆરી 2024માં સીબીઆઈએ કેરળના જયહિંદ ચેનલને નોટિસ જાહેર કરીને ડીકે શિવકુમારનું ચેનલમાં કેટલું રોકાણ છે તે અંગે જાણકારી માગી છે. ચેનલના એમડીને 11 જાન્યુઆરી, 2024ના રોજ હાજર થવા કહેવામાં આવ્યું છે.

સમાચાર ઍજન્સી પીટીઆઈ અનુસાર, સીબીઆઈએ 2020માં ડીકે શિવકુમાર સામે કેસ દાખલ કર્યો હતો.

એ કેસ 2013-18 વચ્ચે 74 કરોડની આવકને લઈને દાખલ કરવામાં આવ્યો હતો.

મે 2022માં પણ ઈડીએ પીએમએલએ હેઠળ શિવકુમાર સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

બીબીસીના સ્થાનિક પત્રકાર ઇમરાન કુરૈશી અનુસાર, ડીકે શિવકુમારની રાજકીય કારકિર્દીમાં ગુજરાતની એક રાજ્યસભા સીટ માટે થયેલી ચૂંટણીઓ અતિશય મહત્ત્વની ગણાય છે. એ ચૂંટણીમાં મુકાબલો અમિત શાહ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા અહમદ પટેલ વચ્ચે હતો. એ દરમિયાન ગુજરાત કૉંગ્રેસ ધારાસભ્યોને બેંગલુરુના એક રિસૉર્ટમાં રાખવામાં આવ્યા હતા અને તેમાં ભૂમિકા ડીકે શિવકુમારની હતી.

આ ઘટના પછી તેમના ઠેકાણાઓ પર ઇન્કમટૅક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.

તમિલનાડુ: ડીએમકેની સ્ટાલિન સરકાર

તમિલનાડુમાં ડીએમકેની સરકાર છે અને એમકે સ્ટાલિન મુખ્ય મંત્રી છે.

ગયા વર્ષે 2023માં ઈડીએ ડીએમકે સરકારના મંત્રીઓની ઑફિસ પર દરોડા પાડ્યા હતા.

તમિલનાડુ પોલીસે લાંચ લેવાના આરોપમાં ઈડીના અધિકારીની પણ ધરપકડ કરી હતી.

ડીએમકેના મંત્રી સૅન્થિલ બાલાજીની પણ ઈડીએ ગયા વર્ષે ધરપકડ કરી હતી.

4 જાન્યુઆરી, 2023 ના રોજ સૅંથિલના રિમાન્ડ 11 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે.

સીએમ સ્ટાલિન ઘણી વખત ભાજપ સરકાર પર કેન્દ્રીય ઍજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે.

વિપક્ષના નેતાઓ પર કેન્દ્રીય ઍજન્સીઓનો સકંજો

રાજસ્થાન

રાજસ્થાન અને છત્તીસગઢમાં જ્યારે કૉંગ્રેસની સરકાર હતી ત્યારે ઈડીએ સત્તા સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.

રાજસ્થાનના તત્કાલીન મુખ્ય મંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ઈડીએ નવેમ્બરમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ઈડીએ 3 જાન્યુઆરી, 2024ના રોજ વૈભવના ઠેકાણાઓ પર દરોડા પણ પાડ્યા હતા.

ઑક્ટોબર, 2023માં પણ ઈડીએ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા, કૉંગ્રેસ નેતા ઓમ પ્રકાશ હુડલા, સરકારના અનેક અધિકારીઓ અને જળ જીવન મિશન સાથે સંકળાયેલા નેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા.

છત્તીસગઢ

જ્યારે ભૂપેશ બઘેલ છત્તીસગઢમાં સત્તા પર હતા, ત્યારે ડિસેમ્બર 2022માં તેમના નાયબ સચિવ સૌમ્ય ચૌરસિયાની ઈડીએ કથિત ગેરકાયદે વસૂલાત સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી.

ફેબ્રુઆરી 2023માં જ્યારે રાયપુરમાં કૉંગ્રેસનું અધિવેશન ચાલી રહ્યું હતું ત્યારે ઈડીની સક્રિયતા પર અનેક સવાલો ઊભા થયા હતા.

છત્તીસગઢની ચૂંટણીમાં મહાદેવ ઍપનો મુદ્દો પણ ઘણો ઉઠાવવામાં આવ્યો હતો. ઈડી આ મામલે પણ ખૂબ જ સક્રિય હતી. મહાદેવ ઑનલાઇન સટ્ટેબાજીના કેસમાં ઈડીએ હવે નવી ચાર્જશીટ દાખલ કરી છે.

છત્તીસગઢમાં ફેબ્રુઆરી 2020માં પ્રથમ વખત આવકવેરા વિભાગે બઘેલની નજીકના અધિકારીઓ અને નેતાઓના ઘર પર દરોડા પાડ્યા હતા.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી ઈડીના નિશાને રહ્યા છે.

અભિષેક બેનરજીને અનેકવાર ઈડીની ઑફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ મામલો કોલસાના કથિત ગેરકાયદે ખનનનો છે.

સીબીઆઈ અને ઈડી બંને આ મામલે તપાસ કરી રહ્યા છે.

જોકે, 2022માં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અભિષેકનું નામ ન હતું.

ઑક્ટોબર 2023માં ઈડીએ મમતા બેનરજી સરકારમાં મંત્રી એવાં જ્યોતિપ્રિયા મલિકના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

તે સમયે મમતા બેનરજીએ કહ્યું હતું કે જો મંત્રીઓના ઘર પર દરોડા પાડવામાં આવશે તો સરકાર કેવી રીતે ચાલશે.

ભાજપમાં સામેલ થયેલા નેતાઓ પરના કેસનું શું થયું?

આમ આદમી પાર્ટીએ 3 જાન્યુઆરી, 2023ના રોજ એ નેતાઓનું એક પોસ્ટર રિલીઝ કર્યું હતું જેઓ પહેલાં ભાજપમાં ન હતા ત્યારે કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ તેની સામે તપાસ કરી રહી હતી. હવે આ નેતાઓ ભાજપ અથવા તો તેની સરકારમાં સામેલ છે.

વિપક્ષના નેતાઓ એવા આરોપો લગાવતાં રહે છે કે જે નેતાઓ ભાજપમાં સામેલ થઈ જાય છે તેમના પર કેન્દ્રીય ઍજન્સીઓ તરફથી દાખલ કરવામાં આવેલા મામલાઓમાં તપાસ ઠંડી પડી જાય છે.

શું એ સત્ય છે?

હિમંતા બિસ્વા સરમા

આસામની કૉંગ્રેસ સરકારમાં એક સમયે આરોગ્ય મંત્રી રહેલા હિમંતા બિસ્વા આજે ભાજપ સરકારમાં આસામના મુખ્ય મંત્રી છે.

શારદા ચિટ ફંડ કૌભાંડમાં હિમંતા બિસ્વાનું નામ પણ સામે આવ્યું હતું.

ઑગસ્ટ 2014માં સીબીઆઈએ હિમંતા બિસ્વા સરમાના ગુવાહાટી નિવાસસ્થાન અને તેમની ચેનલ ન્યૂઝ લાઈવની ઑફિસ પર દરોડા પાડ્યા હતા. આ ચેનલનાં માલિક તેમનાં પત્ની રિંકી ભુયાન શર્મા છે. નવેમ્બર 2014માં સીબીઆઈ દ્વારા હિમંતની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

જાન્યુઆરી 2015માં ગુવાહાટી હાઈકોર્ટે નીરસ ચિટ ફંડ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.

હિમંતા ઑગસ્ટ 2015માં ભાજપમાં જોડાયા હતા.

મુખ્ય મંત્રી બન્યા બાદ સીબીઆઈએ હિમંતાને પૂછપરછ માટે બોલાવ્યા નથી.

શુભેન્દુ અધિકારી

એક સમયે મમતા સરકારમાં શક્તિશાળી નેતા રહેલા શુભેન્દુ અધિકારી હવે ભાજપમાં છે.

2014માં એક સ્ટિંગ ઑપરેશનમાં શુભેન્દુ અધિકારી સહિત ઘણા નેતાઓ લાંચ લેતા હોવાનું કબૂલતા કૅમેરામાં જોવા મળ્યા હતા. તેને નારદા સ્ટિંગ કહેવામાં આવ્યું હતું.

2021માં જ્યારે બંગાળમાં ચૂંટણી થઈ ત્યારે શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા હતા.

મમતાની જીત બાદ સીબીઆઈએ ટીએમસીના ચાર નેતાઓની ધરપકડ કરી હતી. ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી. પરંતુ તેમાં શુભેન્દુ અધિકારીનું નામ ન હતું.

મુકુલ રૉયનું નામ પણ ચાર્જશીટમાં ન હતું. મુકુલ રૉય અગાઉ ભાજપમાં જોડાયા હતા પરંતુ બાદમાં ટીએમસીમાં પાછા ફર્યા હતા.

અજિત પવાર અને બીજા અન્ય નામો

અજિત પવાર હવે મહારાષ્ટ્રની સરકારમાં છે અને નાયબ મુખ્ય મંત્રી છે.

જ્યારે તેઓ ભાજપ સાથે ન હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓ તેમના પર ભ્રષ્ટાચારી હોવાનો આરોપ લગાવતા હતા. ફડણવીસનું ‘અજિત દાદા ચક્કી પીસિંગ’ નિવેદન ઘણું ચર્ચામાં રહ્યું હતું.

એ જ હાલત એનસીપી(અજિત પવાર જૂથ) ના નેતા છગન ભુજબળના મામલામાં છે.

માર્ચ 2022માં આવકવેરા વિભાગે અજિતના સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા હતા. ખાંડની મિલોમાં ભ્રષ્ટાચાર સંબંધિત મામલાઓમાં ઈડીએ પણ તેમના પર ગાળિયો કસવાનું શરૂ કર્યું.

મે 2020માં ઈડીએ વિદર્ભ સિંચાઈ કૌભાંડ કેસમાં નવી તપાસ શરૂ કરી હતી.

એપ્રિલ 2023માં ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ઈડીએ સ્ટેટ કૉ-ઑપરેટિવ બૅન્ક કૌભાંડના સંબંધમાં અજિત પવાર અને સુનેત્રા પવાર સાથે જોડાયેલી કંપની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પરંતુ તેમાં અજિત પવાર અને સુનેત્રા પવારનું નામ સામેલ ન હતું.

છગન ભુજબળ પર 2014થી તપાસ એજન્સીઓ કડક હાથે કામ લઈ રહી હતી. પરંતુ તેઓ હવે ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં નિર્દોષ છૂટી ગયા છે.

આ લિસ્ટમાં ઘણા નેતાઓ છે. નારાયણ રાણે, પ્રફુલ પટેલ, ભાવના ગિલી, યામિની જાધવ, પ્રતાપ સરનાઈક, અદિતિ તટકરે, ધનંજય મુંડે જેવાં ઘણાં નામ છે જેઓ એક સમયે કેન્દ્રીય એજન્સીઓના નિશાના પર હતા.

પરંતુ હવે આ નામોમાં બે બાબતોનું સામ્ય છે – તેઓ હવે ભાજપ સાથે છે અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે.