You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના ઇતિહાસના એક ચર્ચિત રહસ્યમય મોતની કહાણી, જેનો આરોપ 'દેશની સૌથી હસીન' શહનાઝ ગુલ પર લાગ્યો
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
આ એ વખતની વાત છે જયારે પાકિસ્તાનમાંથી છૂટું પડીને બાંગ્લાદેશ બન્યું.
આવા વખતમાં પણ લગભગ બે વર્ષ સુધી બંને દેશોના અખબારમાં શહનાઝ ગુલનું નામ પહેલા પાને ગૂંજતુ રહ્યું.
અદાલતે શહનાઝ ગુલને હત્યાના આરોપમાંથી મુક્ત કરી દીધાં હતાં.
એ શહનાઝ ગુલ કે જે પાકિસ્તાનના અખબારોમાં પહેલા પાને ચમકતાં રહ્યાં, તે થોડાં વર્ષો બાદ ગુમનામીના અંધકારમાં મૃત્યુ પામ્યાં.
જાણીતા શાયર જોશ મલિહાબાદીના શાગિર્દ અને ફૈઝ અહમદ ફૈઝના દોસ્ત મુસ્તફા હસ્નેન ઝૈદીનું મોત કેવી રીતે થયું હતું તે આજ સુધી જાણી નથી શકાયું.
ફોન જેની ઘંટડી વાગી જ નહીં...
વાત 13 ઑક્ટોબર, 1970ની અડધી રાતની છે. કરાચીના ટેલિફોન ઍક્સચેન્જમાં એક ફરિયાદ આવી કે ટેલિફોન નંબર 417935 નો સંપર્ક કરવાની કોશિશ છતાં ઘંટડી વાગતી જ નથી. લાઇન ચેક કર્યા પછી ફરિયાદીને કહેવામાં આવ્યું કે ફોન ઍન્ગેજ છે. જે વ્યક્તિનો ફોન પર સંપર્ક કરવાની કોશિશ થઈ રહી હતી તેમનું નામ મુસ્તફા હસ્નૈન ઝૈદી હતું.
ઝૈદીએ થોડા દિવસ પહેલાં જ પોતાની 40મી વર્ષગાંઠ ઊજવી હતી. મુસ્તફના એક મિત્ર શાહિદ આબિદી પણ તેમને ફોન કરી રહ્યા હતા, કારણ કે તેમના ઘરે એક માણસ આવ્યો હતો જેનું નામ સલીમ હતું.
સલીમની મુશ્કેલી એ હતી કે તેમનાં પત્ની પાછલા કેટલાક કલાકોથી ગુમ હતાં. 26 વર્ષ ઉંમરનાં આ યુવતીનું નામ શહનાઝ ગુલ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સલીમ બદનામીના ડરથી પત્ની શહનાઝ ગુમ થયાની ફરિયાદ પોલીસને આપવા નહોતા માંગતા. તેમને લાગી રહ્યું હતું કે શહનાઝ કદાચ મુસ્તફાના ઘરે હોય એટલે તેમનું સરનામું પૂછવા તે શાહિદના ઘરે ગયા હતા.
સલીમ રાત્રે બે વાગ્યે મુસ્તફાના ઘરે ગયા. ત્યાં ચોકીદારને પૂછ્યું કે મુસ્તફા ક્યાં છે? ચોકીદારે કહ્યું કે મુસ્તફા શયનખંડમાં ઊંઘી રહ્યા છે. દરવાજો ખખડાવવામાં આવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં.
ઍરકન્ડિશનર ચાલવાનો અવાજ આવી રહ્યો હતો અને મુસ્તફાની કાર પણ ગૅરેજમાં જ હતી.
મુસ્તફા ઝૈદીની લાશ મળી...
સલીમે એ રાત બહુ બેચેનીથી પસાર કરી. બીજા દિવસે સવારે સાડા સાત વાગ્યે એક વાર ફરી મુસ્તફાને ફોન લગાવવાની કોશિશ કરવામાં આવી. છેવટે પોલીસને આ વાતની જાણ કરાઈ.
આ ઘટના પર હાલમાં જ પ્રકાશિત પુસ્તક "સોસાયટી ગર્લ, અ ટેલ ઑફ સેક્સ, લાઇઝ ઍન્ડ સ્કેન્ડલ" નાં લેખિકા તૂબા મસૂદ ખાન કહે છે કે, "એ દિવસોમાં મુસ્તફા ઝૈદી ખૂબ પરેશાન હતા અને શહનાઝ ગુલને મળવા માંગતા હતા અને શહનાઝ તેમને ટાળતી હતી. તેમના બહુ આગ્રહને વશ થઈને શહનાઝ તેમને મળવા ગઈ હતી. "
જ્યારે પોલીસે દરવાજો તોડ્યો ત્યારે મુસ્તફાની લાશ પલંગ પર લોહીથી લથબથ હાલતમાં પડી હતી. તેમનાં મોં અને નાકમાંથી લોહી વહી રહ્યું હતું, પરંતુ શરીર પર કોઈ ઈજાનું નિશાન ન હતું. તેમના ટેલિફોનનું રિસીવર નીચે લટકટું હતું.
શહનાઝ તેમના ખંડની બહાર કૉરીડૉરમાં બેહોશ હાલતમાં પડ્યાં હતાં.
શહનાઝ ગુલની ડ્રામામાં ઍન્ટ્રી
આ મોત કોઈ સામાન્ય માણસનું નહોતું. થોડા સમય અગાઉ સુધી મુસ્તફા લાહોર જિલ્લાના કમિશનર હતા. એની સાથે એમની ગણતરી પાકિસ્તાનના યુવાન શાયરોમાં થતી હતી અને જોશ મલીહાબાદી તેમના ઉસ્તાદ હતા.
બેહોશ શહનાઝને તરત જ હૉસ્પિટલ ખસેડાયાં. તેમના પતિ સલીમ તેમની સાથે હતા. મુસ્તફાની લાશ મળી ત્યારે તેમણે ભૂરા રંગનું ખમીસ પહેરેલું હતું અને પૅન્ટમાં ખોસેલું હતું. તેમનો ડાબો હાથ પેટ પર હતો અને ખમીસનાં બટન ખુલ્લાં હતાં.
મુસ્તફાના ભત્રીજા શાહિદ રઝાએ અદાલતમાં આપેલી જુબાનીમાં જણાવ્યું કે, "શયનખંડનું રાચરચીલું અસ્તવ્યસ્ત હતું. સોફો ઊંધો પડ્યો હતો અને લૅમ્પ નીચે પડેલો હતો. લગભગ નેફ્થલિનની ચાર ગોળીઓ પથારી અને તળિયા પર પડેલી હતી. કેટલાક ગંદા પ્યાલા પડ્યા હતા, જેમાં થોડી કૉફી વધેલી હતી. ફોનની પાસે ભૂરા રંગની ત્રણ ગોળીઓ પડી હતી અને થોડા કાગળો વિખરાયેલા પડ્યા હતા. આ કાગળોમાં મુસ્તફા જર્મન શબ્દો લખવાનો અભ્યાસ કરી રહ્યા હતા. "
ઍરકંડિશનરની ઉપર મુસ્તફાની નાની દીકરી ઇસ્મતનો ફોટો રાખેલો હતો.
મુસ્તફાના મોતના સમાચાર સાંભળીને પ્રખ્યાત શાયર ફૈઝ અહમદ ફૈઝ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
મુસ્તફાની લાશને તપાસનાર ડૉક્ટરનું કહેવું હતું કે તેમનું મોત 18થી 24 કલાક પહેલાં થયું હતું.
દિલફેંક શાયર અને નિલંબિત અધિકારી
મુસ્તફા ભારતના અલહાબાદના રહેવાસી હતા અને પાકિસ્તાન જતા પહેલાં તેગ અલહાબાદીના નામથી શાયરી કરતા હતા.
સોસાયટી ગર્લનાં સહલેખિકા સબા ઇમ્તિયાઝ કહે છે કે, "તેમનો પહેલો કાવ્યસંગ્રહ ઝંઝીરે1947માં પ્રકાશિત થયો હતો. જેની ભૂમિકા નામચીન શાયર ફિરાક ગોરખપુરીએ લખી હતી. તેઓ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા અને નાની ઉંમરમાં જ તેઓ ઘણાં પ્રખ્યાત થઈ ગયા હતા. માર્ક્સવાદમાં તેઓ વિશ્વાસ ધરાવતા હતા. અલહાબાદના સમયથી જ તેમણે મુશાયરામાં જવાનું શરૂ કરી દીધું હતું."
વિભાજન બાદ પાકિસ્તાન આવીને પહેલાં તેઓ કૉલેજમાં ભણાવતા હતા. ત્યાર બાદ તેમની પસંદગી પાકિસ્તાન સિવિલ સેવામાં થઈ. 1954 બૅચના મુસ્તફા ઝૈદીને પ્રતિભાશાળી અધિકારી માનવામાં આવતા હતા. તેમને તેમના કામ માટે તમગા એ કાયદે આઝમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમણે 1957માં એક જર્મન મહિલા વેરા સાથે લગ્ન કર્યાં હતાં, જેનાથી તેમને બે બાળકો હતાં.
સબા ઇમ્તિયાઝ કહે છે કે, "ડિસેમ્બર, 1969માં પાકિસ્તાન સરકારે 303 સિવિલ સેવા અધિકારીઓને નિલંબિત કર્યા હતા. મુસ્તફા તેમાના એક હતા. તેમના પર ભ્રષ્ટાચારના આરોપો હતા, પરંતુ તે સાબિત થઈ શક્યા નહોતા."
શહનાઝ ગુલ
જ્યારે હૉસ્પિટલમાં શહનાઝ ગુલનું પેટ સાફ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તેમણે વેલિયમને મળતી લિબ્રિયમની ગોળીઓ ખાધી હતી. ગુલે પોલીસને કહ્યું કે તેમને કશું જ યાદ નથી સિવાય કે તેઓ મુસ્તફાને મળવા ગયાં હતાં.
હૉસ્પિટલમાં પણ તેમણે એ જ કાળાં કપડાં પહેરી રાખ્યાં હતાં, જે કપડામાં તે મુસ્તફાના ઘરેથી મળી આવ્યાં હતાં. તેમના વાળ વિખરાયેલા હતા અને મોં સોજેલું હતું.
એક દિવસ બાદ સલીમ તેમને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવી ઘરે લઈ આવ્યાં હતાં.
સબા ઇમ્તિયાઝ કહે છે કે, "શહનાઝ ગુલ તેના સમયની ખૂબ હસીન મહિલા હતી. આ ઘટનાનાં 54 વર્ષ બાદ પણ લોકો આજે પણ કહે છે કે તેમના જેટલી સુંદર મહિલા પાકિસ્તાનમાં કોઈએ જોઈ નથી. તેમના પતિ સલીમ તેમનાથી 30 વર્ષ મોટા હતા. સલીમનાં પહેલા લગ્ન એક અંગ્રેજ મહિલા સાથે થયાં હતાં. પહેલાં તેઓ ભારતીય સેનામાં હતા, પરંતુ વિભાજન બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું."
શહનાઝ સાથે લગ્ન વખતે તેમની ઉંમર 46 વર્ષની હતી, જ્યારે શહનાઝ માત્ર 17 વર્ષનાં હતાં.
સબા કહે છે કે, "શહનાઝને શાયરીનો થોડો ઘણો શોખ હતો. તે પાર્ટીઓમાં જવાનું પસંદ કરતી હતી. લોકો પણ તેની સાથે ઊઠવા-બેસવાનું પસંદ કરતા હતા. 1964માં શહનાઝે પ્રથમ બાળકને જન્મ આપ્યો. આ જ સમયે તે લાહોરથી કરાચી રહેવા માટે આવી ગઈ."
એક પાર્ટીમાં થઈ મુસ્તફા અને શહનાઝની મુલાકાત
મુસ્તફા જ્યારે સરકારી અધિકારી હતા ત્યારે તેમને અવારનવાર કરાચી જવાનું થતું. સિંધ ક્લબમાં શહનાઝ અને સલીમ પહેલી વાર સૈયદ મુસ્તફા હસ્નૈન ઝૈદીને મળ્યા.
સબા ઇમ્તિયાઝ આગળ કહે છે કે, "મુસ્તફા ઝૈદીએ તેમના મિત્રોને કહ્યું કે તેમને શહનાઝ ખૂબ ગમે છે. તેઓ જ્યારે મિત્રો સાથે પિકનિક પર જતા ત્યારે તેમાં સલીમ અને શહનાઝ પણ સામેલ થતાં. કેટલાય લોકોએ મુસ્તફાને કહ્યું કે શહનાઝ પરણેલી છે. તેની સાથે સબંધ વધારતા પહેલાં થોડુ વિચારી લો. પરંતુ મુસ્તફાએ કોઈની વાત ન માની."
પછી જ્યારે મુસ્તફા લાહોરથી કરાચી શિફ્ટ થઈ ગયા ત્યારે તેમના સબંધ વધુ ગાઢ બન્યા.
સબા કહે છે કે, "અમારા સંશોધન પ્રમાણે શહનાઝ ગુલ કોઈ પણ સમયે મુસ્તફા ઝૈદી માટે પોતાના પરિવારને છોડવા માંગતી નહોતી."
પહેલી મુલાકાત બાદ મુસ્તફા અને શહનાઝની મુલાકાતો વધવા માંડી. મુસ્તફાને નજીકથી ઓળખનારાનું કહેવું છે કે તેઓ મહિલાઓ સાથે ફ્લર્ટ કરવાના શોખીન હતા.
સબા કહે છે કે, "મુસ્તફા શહનાઝને પ્રેમથી લાલી તરીકે સંબોધિત કરતા હતા, કારણ કે જ્યારે શહનાઝ શરમાતી હતી ત્યારે તેના ગાલ લાલ લાલ થઈ જતા હતા."
તૂબા મસુદ કહે છે કે, "મુસ્તફાના દોસ્તોના કહેવા પ્રમાણે તે મહિલાઓ સાથે સબંધ બનાવી પોતાનો અહમ સંતોષતા હતા. તેમને એવી ગફલત હતી કે તેમની જર્મન પત્ની આવી આદતોનું ખરાબ નહીં લગાડે. લગ્નેત્તર સબંધો માટે તેઓ બૌદ્ધિક કારણ હોવાનું મિત્રોને કહેતા."
ફૈઝનાં દીકરી સલીમાને સબાને કહ્યું કે મુસ્તફા ફ્રેન્ચ લેખક ફ્રાંસુઆ સગાનની નવલકથા બોનજો ત્રિસ્તેત અને તત્કાલીન નૈતિક વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે એક વાર તેમની પત્ની વેરા પર એક શેર લખ્યો હતો.
'મિરે સિયાહી દામન કો દેખને પર ભી
તિરે સુફૈદ દુપટ્ટો કા દિલ બુરા ના હુઆ'
શહનાઝ પર મુસ્તફાએ પાંચ નજમ લખી હતી. એમાંની એક 'અપની જાન નજર કરું' તેમના મોત બાદ અખબારમાં છપાઈ હતી
'મૈં અલગ હો કે લિખૂં તેરી કહાની કૈસે
મેરા ફન, મેરા સુખન, મેરા કલમ તુઝસે હૈ'
કરાચીની ક્રિસ્ટિન કિલર
આ મામલાની તપાસ કરનાર ડીએસપી અબ્દુલ રશીદને મુસ્તફાના કબાટમાંથી એક બ્રીફ કેસ મળી હતી, જેમાં એક પિસ્તોલ અને 25 કારતૂસ હતાં.
આ સિવાય તેમાં છપાયેલાં પૅમ્ફ્લેટ હતાં, જેનું શીર્ષક હતું 'કરાચીની ક્રિસ્ટિન કિલર શહનાઝ'. આ પૅમ્ફલેટમાં શહનાઝની તસવીર હતી, જેમાં તેમને કમરની ઉપરથી નગ્ન દર્શાવ્યાં હતાં.
સબા ઇમ્તિયાઝ કહે છે કે, "તેમના મોતના થોડા મહિના પહેલાં જ શહનાઝ યુરોપ જતી રહી હતી. આ સમય દરમિયાન મુસ્તફાને લાગ્યુ કે શહનાઝનું તેમની પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે. ના તો એ ફોન પર વાત કરતી હતી ના તો તેમના પત્રના જવાબ આપતી હતી. તેમને લાગ્યું કે શહનાઝના કોઈ બીજી વ્યક્તિ સાથે સબંધ બંધાઈ ગયા છે. તેમનું વલણ ગુસ્સા અને બદલાની ભાવનામાં તબદીલ થઈ ગયું."
સબા આગળ કહે છે કે, " તેમની પાસે શહનાઝની કેટલીક તસવીરો હતી. તેમણે કરાચીના એક પ્રિન્ટિંગ પ્રેસમાં તેનાં 4000 પૅમ્ફલેટ છપાવ્યાં હતાં. તેમાં એમણે લખ્યું કે કરાચીની ક્રિસ્ટિન કિલર. તેમણે લખ્યું કે તેઓ પાકિસ્તાનની હાઈ-સોસાયટી અને તેનાં સ્વરૂપોને ખુલ્લાં પાડશે. તેમણે આ છપાવ્યું ખરું પણ તેનું વિતરણ ના કર્યું. તેમણે તેમના એક મિત્રને બતાવ્યું હતું, જેણે તેમને આ બધું છોડી દેવાની સલાહ આપી હતી "
ક્રિસ્ટિન કિલરનો સબંધ 1963માં બ્રિટનના યુદ્ધમંત્રી જોન પ્રોફ્યૂમો સાથે હતો. તેઓ ક્રિસ્ટિન સાથે ઇશ્ક ફરમાવી રહ્યા હતા. પછી ખબર પડી કે કિલર લંડનમાં રહેલા સોવિયટ નેવલ રાજદ્વારી સાથે પણ સબંધમાં હતી.
આ સ્કૅન્ડલને લીધે પ્રોફ્યૂમોએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
કિલર એ તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયૂબ ખાનનાં પણ દોસ્ત હતાં અને બંને એક જ સ્વિમિંગ પુલમાં સાથે તરતાં જોવા મળ્યાં હતાં.
શહનાઝ ગુલની ધરપકડ
આ જ દિવસોમાં મોર્નિગ ન્યૂઝના સંવાદદાતા એસ કે પાશાએ શહનાઝ ગુલનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. પાશાએ લખ્યું હતું કે તેમનો સુંદર ચેહરો પીળો પડી ગયો હતો. તેમની બદામી આંખો ઊંઘની ગોળીઓના ભારના લીધે નમી ગઈ હતી. એ માસૂમિયતની મૂરત જેવાં દેખાતાં હતાં. તેઓ સાધારણ અંગ્રેજીમાં વાત કરી રહ્યાં હતાં. શહનાઝે કહ્યું કે તેમના અને મુસ્તફા વચ્ચે મામૂલી ઓળખાણ હતી. તેમણે ક્યારેય શારિરીક સબંધ નહોતા બાંધ્યા.
તેમણે પોલીસને આપેલાં નિવેદનો પર પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.
મુસ્તફાના મોતનાં બે અઠવાડિયાં બાદ પોલીસે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે તેઓ મુસ્તફા ઝૈદીના મોતની નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છે. તેમ છતાં અમારી સામે કેટલાય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
કેટલાક લોકોનું માનવું છે કે આ મામલામાં કંઈ નથી. જ્યારે બીજા લોકોનું માનવું છે કે મુસ્તફાના મોત પાછળ શહનાઝનો હાથ છે.
આખા પાકિસ્તાનમાં એવો માહોલ થઈ ગયો હતો કે પોલીસ શહનાઝને બચાવવાની કોશિશ કરી રહી છે.
મુસ્તફાના ભાઈ ઇરતજા ઝૈદીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, " મુસ્તફાએ મોતના સમયે એવાં કપડાં પહેરી રાખ્યાં હતાં કે જાણે તેઓ ક્યાંક બહાર જવાના હોય. જો આ આત્મહત્યા હોય તો શહનાઝ અને મુસ્તફાએ એક જેવું જ ઝેર કેમ ના ખાધું.?"
આ દરમિયાન સિંધ અને બલૂચિસ્તાન હાઇકોર્ટના વરિષ્ઠ જજ અબ્દુલ કાદિર શેખે અનપેક્ષિત પગલાં લેતાં સિંધના પોલીસપ્રમુખને આદેશ આપ્યો કે આ મામલાની અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ જમા કરાવો.
પરિણામે 5 નવેમ્બર, 1970ના રોજ મુસ્તફાની હત્યાની એફઆઇઆર દાખલ કરવામાં આવી અને શહનાઝ વિરુદ્ધ પાકિસ્તાન પીનલ કોડની ધારા 302 હેઠળ મુકદમો દાખલ કરવામાં આવ્યો.
એ રાતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શહનાઝની ધરપકડ કરવા એના ઘરે પહોંચી ગયા.
મોર્નિગ સ્ટારે 7 નવેમ્બર, 1970ના અંકમાં લખ્યું કે જ્યારે પોલીસ શહનાઝ ગુલના ઘરે પહોંચી ત્યારે તે ઊંઘી રહ્યાં હતાં. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમની મુસ્તફા ઝૈદીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે તેઓ બેહોશ થઈ ગયાં. આ દરમિયાન પોલીસે મુસ્તફાના મૃતદેહને કબરમાંથી કાઢીને ફરીથી પોસ્ટમૉર્ટમ કરવાનો નિર્ણય કર્યો. પોલીસ શહનાઝને જમશેદ ક્વાર્ટર પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં મહિલાઓને રહેવા માટે અલગ વ્યવસ્થા નહોતી એટલે તેમને ચોકીના વરંડામાં રાખવામાં આવ્યાં અને તેમના પર નજર રાખવા મહિલા પોલીસ અધિકારી પણ ત્યાં રખાયાં. પાકિસ્તાનના અખબારોમાં સતત સમાચારો છપાતા રહ્યા, શહનાઝે સુતરાઉની પ્રિન્ટેડ સલવાર કમીઝ પહેરી હતી. તે લાકડાની બેન્ચ પર નહીં, પરંતુ જમીન પર સૂતાં હતાં. તેમને ઓઢવા માટે બે ધાબળા આપવામાં આવ્યા હતા. તે પાંચ સમય નમાજ પઢતાં હતાં. જોકે, તે સમયે રમજાનનું પ્રથમ અઠવાડિયું ચાલતું હતું, પરંતુ તેઓ રોજા નહોતાં રાખતાં. ( જંગ, 14 નવેમ્બર, 1970)
શહનાઝ ગુલ પર આરોપો સાબિત ન થયા
મુકદમા દરમિયાન શહનાઝ પોતાની જુબાની પર અડગ રહ્યાં. તેમનું કહેવું હતું કે મુસ્તફા સાથે તેમનો કોઈ અંતરંગ સંબંધ નહોતો. તેમણે ક્યારેય શારિરીક સબંધ બાંધ્યા નહોતા.
તેમણે એમ પણ કહ્યું કે મુસ્તફાના કબાટમાંથી મળેલી તસવીરો તેમની ન હતી. અદાલતે તેના નિર્ણયમાં કહ્યું કે મુસ્તફાની હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી.
માત્ર શહનાઝ ત્યાં હાજર હતાં તેથી એવો ચુકાદો ના આપી શકાય કે હત્યા તેમણે કરી હતી.
જજ કુંવર ઇદરીશે કહ્યું કે, "મેં એ વાત નોંધી છે કે મુસ્તફા મોત પહેલાં અવસાદમાં હતા. તેમના મૃત્યુ પહેલાં તેઓ જે શબ્દો બોલ્યા, તેનાથી એવું લાગે છે કે તેઓ પોતાનું જીવન ટૂંકાવી શકે. માત્ર પરિસ્થિતિજન્ય સાક્ષીઓથી એવું સાબિત નથી થતું કે તેમનાં મોતમાં શહનાઝનો હાથ હતો. પ્રૉસિક્યૂશન શહનાઝ પર લગાડેલા આરોપો સિદ્ધ નથી કરી શક્યું. "
તબા મસૂદ કહે છે કે, "ચુકાદા બાદ શહનાઝે તેના વકીલ શેખ સાથે વાત કરી અને ત્વરિત ગતિએ ઓરડાની બહાર જતી રહી. આ દરમિયાન એક ફોટોગ્રાફરે તેમની તસવીર લેવાની કોશિશ કરી ત્યારે તેમણે શાલમાં મોં ના છુપાવ્યું, પરંતુ કૅમેરાની સામે જોઈ તસવીર ખેંચાવી."
"
પાકિસ્તાનના અખબારોમાં માત્ર શહનાઝ ગુલના જ સમાચારો ચમક્યા
આ એ જમાનાનો સૌથી સનસનાટીભર્યો કેસ હતો. એ દરમિયાન પાકિસ્તાનમાં ઘણા બનાવો બની રહ્યા હતા, પરંતુ અખબારો શહનાઝ ગુલના જ સમાચારોથી ભરેલા રહેતા હતા. જંગ વર્તમાનપત્રના એક રિર્પોટરે તો પોલીસ સ્ટેશનની દીવાલ પણ ઠેકી ગયા જેથી તેઓ જોઈ શકે કે શહનાઝ જેલની અંદર શું કરી રહ્યાં છે.
માહોલ એવો હતો કે લોકોએ પોતાના ઘરે આવતા અખબારો બંધ કરાવી દીધા. જેથી બાળકો આવા સમાચારો ના વાંચી શકે. શહનાઝ ગુલ માટે આ બહુ મુશ્કેલ સમય હતો. લગભગ બે વર્ષ સુધી તેઓ અખબારના મુખ્ય પાના પર છપાતાં રહ્યાં. તૂબા મસૂદ કહે છે કે, "એ વખતે પ્રેસે ખૂબ જ સનસનાટી પેદા કરે એ રીતે કામ કર્યું હતું. તમે વિચારો કે ઑક્ટોબર 1970થ માંડીને 1972 સુધી આમની તસવીરો પહેલા પાના પર રહેતી. આ જ દરમિયાન પૂર્વ પાકિસ્તાન છૂટું પડીને બાંગ્લાદેશ બન્યું, છતાં શહનાઝ ગુલના સમાચારો આવતા રહ્યા. ડોન અને સાંજના અખબારોમાં તેમની સેક્સલાઇફની વાત કરવામાં આવતી. તેમની નાનામાં નાની વસ્તુઓનું પણ કવરેજ થતું હતું. મેં આવું કવરેજ જિંદગીમાં ક્યારેય જોયું નથી."
નિર્દોષ છૂટ્યા બાદ તેમણે જાહેરમાં બહાર નીકળવાનું શરૂ કરી દીધું
સબા ઇમ્તિયાઝ કહે છે કે, "ઘણા બધા લોકોની હમદર્દી એમની સાથે હતી. તેમને લાગતું હતું કે શહનાઝની સાથે બહુ ખરાબ થયું છે. આ ઘટના બાદ તેઓ જ્યારે પણ કોઈ પાર્ટી કે રેસ્ટોરાંમાં જતી કે સડક પર ફળની ખરીદી કરતી હોય ત્યારે લોકો તેને ફરીફરીને જોતા હતા." જોકે, પછીથી તેમણે મુસ્તફા ઝૈદીનો ઉલ્લેખ ક્યારેય કર્યો નહીં. આજથી લગભગ 20 વર્ષ પહેલાં ગુમનામીમાં તેમનું મૃત્યુ થયું.
તેમના મોતનો ઉલ્લેખ અખબારોમાં ના થયો. આ એ જ અખબારો હતા કે જે તેમના વિશેની નાનામાં નાની વાત પણ રોજ પહેલા પાને છાપતા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન