You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના 50 ટકા ટેરિફ બાદ ભારત હવે 'ટ્રમ્પના જોખમ' સામે ટક્કર ઝીલી શકશે?
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી હિન્દી માટે લંડનથી
લગભગ છ વર્ષ પહેલાંની વાત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનમાં એકસાથે ઊભા હતા અને 'હાઉડી મોદી' રેલીમાં હજારો લોકોને સંબોધી રહ્યા હતા.
આ દરમિયાન બંનેએ હાથ મિલાવ્યા, ગળે મળ્યા અને ભાગીદારી મૂલ્યો અને વૈશ્વિક નેતૃત્વ પર જોરદાર ભાષણ આપ્યું.
એ ક્ષણને ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીનું શિખર માનવામાં આવ્યું હતું, પણ હવે એ એક ભુલાયેલો અધ્યાય લાગે છે.
ટ્રમ્પના બીજા કાર્યકાળના સાત મહિના પસાર થઈ ગયા છે અને માહોલ સૌહાર્દમાંથી ટકરાવમાં બદલાઈ ગયો છે.
હવે બંને સહયોગી દેશો ટ્રેડ વૉર તરફ વધી રહ્યા છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે ભારતમાંથી આયાત થતા માલ પર 25% ટેરિફ લગાવ્યો છે. અને પછી 6 ઑગસ્ટે ફરી ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદ્યો છે, એટલે કે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
આનું કારણ અપાયું કે ભારત રશિયા પાસેથી ખૂબ જ વધુ પ્રમાણમાં ઑઇલ ખરીદે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેનાથી યુક્રેનમાં ચાલી રહેલા 'જંગ માટે ફંડ મળે છે'.
ઘણા પર્યવેક્ષકોને આશ્ચર્ય થયું કે ભારતે ટ્રમ્પના ટેરિફને સહન ન કરીને કડક શબ્દોમાં જવાબ આપ્યો. મોદી સરકારે તેને 'પશ્ચિમનો પાખંડ' ગણાવ્યો છે.
સરકારે દલીલ આપી કે જ્યાં ભારતીય રિફાઇનરીઓ જરૂર મુજબ બજાર આધારિત નિર્ણય લઈ રહી છે, ત્યાં અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશો કુદરતી ગૅસ, ખાતર, મશીનરી અને ધાતુઓ સહિત અનેક ક્ષેત્રોમાં રશિયા સાથે વેપાર કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પના ટેરિફથી સોમવારે બજારોમાં ઊથલપાથલ જોવા મળી. તો મંગળવારે બીજો ઝટકો લાગ્યો.
સીએનબીસી સાથે વાતચીતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે "આગામી 24 કલાકમાં" ટેરિફ વધારવાની ધમકી આપી અને બુધવારે 25 ટકા વધુ ટેરિફની જાહેરાત થઈ.
ટ્રમ્પે કહ્યું, "ભારત સારો વેપારી ભાગીદાર રહ્યો નથી. તે અમારી સાથે ઘણો વેપાર કરે છે, પણ અમે નથી કરતા." ટ્રમ્પની આ ધમકી ભારતના પોતાના રાષ્ટ્રહિત અને આર્થિક સુરક્ષાની કસોટી છે.
જેમ કે એક ભારતીય અધિકારીએ કહ્યું, "દેશ પોતાના રાષ્ટ્રીય હિત અને આર્થિક સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે."
અમેરિકાએ ભારત સામે કઠોર વલણ કેમ અપનાવ્યું?
ટ્રમ્પનો દબાણ બનાવવાનો સમય વ્યૂહાત્મક છે. વૈશ્વિક પડકારોનો સામનો કરતા અને સ્થિર મોંઘવારી દર જાળવીને ભારતની અર્થવ્યવસ્થા સારી કામગીરી કરી રહી છે.
વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ ડૉલરથી વધુ છે, રૂપિયો સ્થિર છે અને ભારત હવે ચીનને પાછળ છોડી અમેરિકાનો સૌથી મોટો સ્માર્ટફોન નિકાસકાર બની ગયો છે.
પણ જાણકારો માને છે કે ભારતની આ ઝડપ તેને ટેરિફની 'જબરજસ્ત વસૂલી' માટે ટાર્ગેટ કરે છે.
અમેરિકાસ્થિત દક્ષિણ એશિયા વિશ્લેષક માઇકલ કુગલમેન માને છે કે ટ્રમ્પની ચેતવણી થોડી વ્યક્તિગત છે.
તેમણે કહ્યું, "ટ્રમ્પ ભારત સરકારથી ખુશ નથી. ભારતીય વાટાઘાટકારોએ વેપાર વાટાઘાટમાં અમેરિકાની તમામ માગોને સ્વીકારવા ઇનકાર કર્યો છે."
કુગલમેન માને છે કે ટ્રમ્પની આ નારાજગી તાજેતરમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિરામનું શ્રેય ટ્રમ્પને ન આપવું અને એક તણાવભર્યા ફોન કોલ દરમિયાન મોદીના 'કઠોર વલણ'થી ઉદ્ભવી છે.
તેમણે કહ્યું, "કદાચ એ જ કારણ છે કે ટ્રમ્પ ચીન અને અન્ય રશિયન તેલ ખરીદનાર દેશોની તુલનામાં ભારત પર વધુ નિશાન સાધી રહ્યા છે."
હકીકત તો એ છે કે રશિયા સાથે ભારતનો ઑઇલ વેપાર કોઈ છૂપી બાબત નથી. આ એક ખુલ્લો અને બજારને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે, જે યુક્રેન યુદ્ધથી ઉદ્ભવેલા ઊર્જાસંકટથી પ્રભાવિત છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું, "વૈશ્વિક બજારની સ્થિતિને કારણે આયાત એક જરૂરિયાત છે." તેમણે આ તરફ ઈશારો કર્યો કે યુરોપીય દેશો પોતે રશિયન વેપારમાં ઊંડા જોડાયેલા છે.
આ દેશો ખાતર, સ્ટીલ અને મશીનરી આયાત કરે છે. ભારત માત્ર એ જ કરી રહ્યું છે, જે ઊર્જા ખર્ચ ઘટાડવા અને મોંઘવારી નિયંત્રિત કરવા જરૂરી છે.
ભારતની મુશ્કેલી શું છે?
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ તાજેતરમાં ખૂબ જ સંયમિત ભાષામાં વાત કરી.
તેમણે સ્વીકાર્યું કે ભારત એક 'વ્યૂહાત્મક ભાગીદાર' છે, પણ સાથે એ પણ કહ્યું કે રશિયન તેલની રાહતદરે ખરીદી 'ચોક્કસ રીતે ચીડનો વિષય' છે.
પણ રુબિયો એ પણ માને છે કે ભારતની ઊર્જા સંબંધિત જરૂરિયાતો છે.
તેમણે કહ્યું, "દરેક દેશની જેમ, તેમને પણ પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે. રશિયન ઑઇલ પ્રતિબંધિત છે અને સસ્તું છે."
હવે મૂળ પ્રશ્ન એ છે કે ભારત આ દબાણ કેટલો સમય સહન કરી શકે?
લંડનસ્થિત ચેથમ હાઉસના ડૉ. ક્ષિતિજ વાજપેયી કહે છે, "જોકે અમેરિકા ભારતનો મુખ્ય વેપારી ભાગીદાર છે, પણ ભારતીય અર્થવ્યવસ્થા અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓની જેમ વેપાર પર એટલી આધારિત નથી."
ભારતના જીડીપીમાં વેપારનો હિસ્સો 45% છે, જે યુરોપીય યુનિયનના 92% કરતાં ઓછો છે. સાથે જ ભારતનો આ આંકડો વૈશ્વિક સરેરાશ કરતાં પણ ઓછો છે.
આથી ભારતને થોડી સુરક્ષા મળે છે, પણ સંપૂર્ણ રાહત નહીં. અને ભારતને માત્ર આર્થિક મજબૂતી નહીં, પણ વ્યૂહાત્મક સ્પષ્ટતા પણ બતાવવી પડશે.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના એપ્લાઇડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર સ્ટીવ હાંકે માને છે કે ટ્રમ્પનું વ્યક્તિત્વ અસ્થિર છે.
તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ સવારે તમારો હાથ પકડી શકે છે અને રાત્રે તમારી પીઠમાં છરી ભોંકી શકે છે."
પ્રોફેસર હાંકે માને છે કે ભારતે ભાવનામાં આવીને પ્રતિક્રિયા આપવાને બદલે નેપોલિયનની જૂની સલાહ પર ધ્યાન આપવું જોઈએ: "જો કોઈ દુશ્મન પોતાને બરબાદ કરી રહ્યો હોય, તો તેમાં દખલ ન કરો."
ભારત કયા મામલે સોદાબાજી નહીં કરે?
આ બધાની વચ્ચે એક બીજી લડાઈ પણ ચાલી રહી છે જે ભારતની ઘરેલુ અર્થવ્યવસ્થાના આત્મા પર હુમલો કરી શકે છે.
અંદરથી મળતી માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ ઇચ્છે છે કે ભારત પોતાનો ડેરી અને કૃષિ ક્ષેત્ર અમેરિકન એગ્રિબિઝનેસ માટે ખોલે.
પણ ભારત માટે આ માત્ર વેપારનો મુદ્દો નથી.
ભારતનું કૃષિ ક્ષેત્ર રાજકીય રીતે સંવેદનશીલ, સામાજિક રીતે જટિલ અને આર્થિક રીતે મહત્ત્વપૂર્ણ છે. 40% કરતાં વધુ ભારતીયો હજુ પણ પોતાની રોજગારી માટે કૃષિ પર આધારિત છે.
અમેરિકાનાં ભારે સબસિડીવાળાં કૃષિ ઉત્પાદનો માટે રસ્તો ખોલવાથી બજારમાં ઉત્પાદનોની સંખ્યા વધી શકે છે, કિંમતો ઘટી શકે છે અને નાના ખેડૂત બરબાદ થઈ શકે છે.
વર્ષ 2020-21ના ખેડૂત આંદોલનની યાદો હજુ પણ મોદીના મનમાં તાજી હશે. આ આંદોલને સરકારને વિવાદાસ્પદ કૃષિકાયદાઓ પાછા ખેંચવા માટે મજબૂર કરી.
અહીં હાર માનવી માત્ર આર્થિક રીતે બેદરકારી નહીં, પણ રાજકીય રીતે પણ વિવાદ ઊભો કરી શકે છે.
હાલમાં, ભારતની રણનીતિ સંતુલન જાળવવાની છે. ભારત કોઈ સ્પષ્ટ છૂટ વિના ઉકેલ માટે અમેરિકા સાથે શાંતિથી વાતચીત ચાલુ રાખી રહ્યું છે.
કુગલમેન માને છે કે ભારત ભારે દબાણમાં પણ 'પોતાના વલણ પર અડગ રહેશે'.
તેમણે કહ્યું, "ભારતે પોતાના ઘરેલુ રાજકીય કારણસર અમેરિકાને વધુ છૂટ ન આપવી જોઈએ." કુગલમેન કહે છે, "આ સમજૂતી કરવી સરળ નહીં હોય."
ભારત લાંબા ગાળાના માટે દાવ લગાવી રહ્યું છે. તેણે અમેરિકા અને મધ્યપૂર્વમાંથી ઑઇલ આયાત વધારી છે, ઈરાન અને વેનેઝુએલાથી અંતર રાખ્યું છે અને ઊર્જાના વૈકલ્પિક સ્રોતોમાં ભારે રોકાણ કર્યું છે.
ટ્રમ્પના ટેરિફવાળા નિર્ણયોએ વિશ્વ વેપાર સંસ્થા ડબલ્યુટીઓને પણ નિષ્ક્રિય બનાવી દીધું છે.
દેશો વચ્ચેના વેપારના મુદ્દાઓ ઉકેલતી આ સંસ્થા હવે નિષ્ક્રિય બની ગઈ છે.
એક ભારતીય અધિકારીએ જણાવ્યું, "એક સમય હતો જ્યારે વેપાર પરસ્પર વાતચીતથી ચાલતો હતો. હવે ધમકી અને દબાણનો સમય આવી ગયો છે."
પ્રોફેસર હાંકે માને છે કે ટ્રમ્પની આખી વ્યૂહરચના જ ખોટી છે.
તેમણે કહ્યું, "ટ્રમ્પના ટ્રેડ વૉર પાછળની આર્થિક વિચારધારા તાસનાં પત્તાંની મહેલ જેવી છે. અમેરિકાની અર્થવ્યવસ્થા ધીમી થઈ રહી છે અને આર્થિક મંદીની અણી પર છે."
ભારતની મજબૂતી શું છે?
અમેરિકાની તમામ ધમકીઓ છતાં એવું નથી કે ભારત કોઈ રીતે નબળું છે.
એક મજબૂત ડિજિટલ અર્થવ્યવસ્થા અને સતત વધતી વસ્તી સાથે ભારતને ડરાવવું સરળ નથી.
વાજપેયી કહે છે, "ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાની પ્રતિબદ્ધતા એ દર્શાવે છે કે તે વિશ્વની તમામ મુખ્ય શક્તિશાળી તાકતો સાથે સંવાદ જાળવી રાખશે."
આ શક્તિઓમાં પશ્ચિમ તો છે જ, પણ ચીન, રશિયા અને ગ્લોબલ સાઉથના દેશો પણ છે. ભારતનો આર્થિક વિકાસ આશા જગાવે છે.
અહીં મોંઘવારી દર છેલ્લાં છ વર્ષના સૌથી નીચા સ્તરે છે. રોજગારની તકો પણ વધી રહી છે અને નિકાસ પણ પોતાના સ્તરે જળવાઈ છે.
દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે.
મિત્રતાનો અંત અને નવી શરૂઆત?
એક સમયે મોદી સાથે હોંશભેર હાથ મિલાવનાર ટ્રમ્પ હવે તેમના વિરુદ્ધ કેમ થઈ ગયા?
અતીત પર નજર નાખીએ તો એના સંકેત પહેલેથી જ મળવા લાગ્યા હતા.
કૂટનીતિના જાણકારોએ ચેતવણી આપી હતી કે પરસ્પર સંબંધોમાં વ્યક્તિગત કેમિસ્ટ્રીને મહત્ત્વ ન આપવું જોઈએ.
મોદી અને ટ્રમ્પ વચ્ચેની મિત્રતા મીડિયા પર તો સારી લાગતી હશે, પણ એ બે દેશો વચ્ચેના સંબંધોની જટિલતા બતાવતી નથી. અંતે વ્યક્તિગત સંબંધો રાજકારણમાં કામ નથી આવતા.
ટ્રમ્પની વિદેશનીતિમાં લાગણીને કોઈ મહત્ત્વ નથી. વાજપેયી કહે છે, "ટ્રમ્પની વિદેશનીતિમાં મિત્ર કે દુશ્મન જેવી કોઈ વસ્તુ નથી."
તેમનો તર્ક છે કે ભારત ઑઇલ કે વેપારના મુદ્દે ટ્રમ્પ સાથે સહમત ન થયું, એ જ બધું થવાનું કારણ છે.
આ પરિસ્થિતિમાં ભારતે શું કરવું જોઈએ?
પ્રોફેસર હાંકે કહે છે, "ભારતે એ દેશોની તરફ ધ્યાન આપવું જોઈએ, જે મુક્ત વેપાર સમજૂતીઓમાં રસ ધરાવે છે."
આક્રમક ટેરિફના આ યુગમાં આર્થિક મજબૂતી અને વ્યૂહાત્મક સ્વાયત્તતા અસ્તિત્વનો પ્રશ્ન બની ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન