સુરત : સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપો શા માટે લાગી રહ્યા છે?

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

ઇમેજ સ્રોત, DHARMESH AMIN

ઇમેજ કૅપ્શન, સુરત ખાતે આવેલી સુમુલ ડેરી
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

સુરતની સુમુલ ડેરી ફરી પોતાના વહીવટને લઈને વિવાદમાં સપડાઈ છે. સુમુલ સાથે જોડાયેલી કેટલીક દૂધ મંડળીના પ્રમુખોએ ડેરીમાં ‘ગેરવહીવટ ચાલી રહ્યો’ હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

કેટલાક સભાસદોનો આરોપ છે કે સુમુલ ‘સહકારી સંસ્થા મટીને’ હવે ‘રાજકીય મંડળી’ બની ગઈ છે.

કેટલીક દૂધ મંડળીઓના પ્રમુખોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સુમુલ ડેરીના ચૅરમૅન માનસિંહ પટેલને પદ પરથી હઠાવવાની માગ કરી છે.

ડેરીના કેટલાક સભાસદોએ કથિત ગેરરીતિ અંગે વારંવાર ફરિયાદો કરાતાં ગુજરાત રાજ્યના સહકારી મંડળીના રજિસ્ટ્રારે સુરત ખાતે આવેલી મિલ્ક ઑડિટ ઑફિસમાં સ્પેશિયલ ઑડિટર(મિલ્ક)ને તપાસના આદેશ આપ્યા છે.

રજિસ્ટ્રાર દ્વારા તપાસના આ આદેશ બાદ સુમુલ ડેરીનું રાજકારણ ગરમાયું છે.

જોકે, સુમુલના સંચાલકો આ તમામ આરોપોને પાયાવિહોણા અને 'રાજકીય' ગણાવે છે.

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

સમગ્ર વિવાદ શું છે?

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

ઇમેજ સ્રોત, SUMUL.COM

સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ એટલે કે સુમુલ ડેરી સાથે જોડાયેલી પાંચ મિલ્ક કો-ઑપરેટિવ સોસાયટીએ માનસિંહ પટેલને સુમુલના ચૅરમૅનપદેથી હઠાવવાની માગને લઈને રાજ્યના કો-ઑપરેટિવ ખાતાના રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી.

માનસિંહ પટેલ પર સુમુલની મિલ્ક પ્રોડક્ટ્સના પૅકિંગ માટે ઉપયોગમાં લેવાતી પ્રોપેલિન બૅગ્સને લઈને ‘કૌભાંડ આચરવાના’ આક્ષેપ કરવામાં આવ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બાબત અંગે રજૂઆત કરતો પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મોકલવામાં આવ્યો હતો.

પાનેશ્વર દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ નૌશીર પારડીવાલા, વાર્લી દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ યૂસુફ શેખ, ભાડભૂજા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ રમેશ ગામિત, બોધા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ રાયસિંહ ચૌધરી, અને જુનવાણી દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ દલપત ચૌધરીએ આ પત્રો લખ્યા હતા.

નૌશીર પારડીવાલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "સુમુલે બારડોલીની એક કંપનીને બૅગનો કૉન્ટ્રેક્ટ આપ્યો છે."

"કંપની નવસારી ખાતેની જે કંપની પાસેથી માલ ખરીદે છે. માનસિંહ પટેલના બે પુત્રો એ કંપનીમાં પાર્ટનર છે."

"તેમના બંનેના આ કંપનીમાં 20 ટકા શૅર છે. આ સુમુલ ડેરીના સંઘના પેટા કાયદા કલમ 35(બ)(6)નો ભંગ છે."

"તેથી તેમને પદ પરથી હઠાવવા જોઈએ. જો કોઈ પગલાં નહીં ભરાય તો હાઇકોર્ટમાં અપીલ કરીશું."

માનસિંહ પટેલ નૌશીર પારડીવાલાએ લગાવેલા આરોપોને ફગાવે છે.

સુમુલ સંઘના પેટા કાયદા 35(બ)(6) મુજબ નિયામક મંડળના સભ્ય થવાની લાયકાત પ્રમાણે, "તેણે સંઘ સાથે સીધો કે આડકતરો કોઈ કરાર કરેલ હશે નહીં અને કોઈ ધંધામાં સંઘ સાથે સંકળાયેલ હશે નહીં કે તેમાં સીધો કે આડકતરો કોઈ સબંધ ધરાવતા હશે નહીં. જો તે બાદમાં આવું કોઈ કાર્ય હાથ ધરે તો નિયામક મંડળના સભ્ય પદેથી તે આપોઆપ છૂટા થયેલા ગણાશે."

નૌશીર પારડીવાલા કહે છે કે તેમને ગુજરાતી સહકારી કાયદાની કલમ 76-બી મુજબ સંઘના હિતમાં દૂર કરવા જોઈએ.

ગુજરાત સહકારી કાયદાની કલમ 76(બી) મુજબ જો રજિસ્ટ્રારને કોઈ નિયામક મંડળના પદાધિકારી તેની ફરજમાં ઊણાં ઉતરેલા જણાશે તો તેને દૂર કરવામાં આવશે.

માનસિંહ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "વાતમાં તથ્ય નથી. સુમુલ ડેરીની પરચેઝ કમિટીમાં વિધિવત્ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેં પણ આ આરોપો સોશિયલ મીડિયા પર જોયા. મને કોઈએ વિધિવત્ રજૂઆત કરી નથી."

સુમુલના પરચેઝ અધિકારી ભૂપેશ પરિખ પણ નૌશીર પારડીવાલાના આરોપોને ફગાવે છે.

ભૂપેશ જણાવે છે, "અમે આ કંપની પાસે કોઈ માલ નથી લેતા. માત્ર આ કંપની પાસેથી જ નહીં અમે ચાર-પાંચ કંપનીઓમાંથી માલ લઈએ છીએ. તેનાથી ડેરીને ઘણો ફાયદો થાય છે."

"આ બધું કાયદેસર પ્રક્રિયાના આધારે થાય છે. જે આરોપો લગાવાયા છે તે ખોટા છે."

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

માનસિંહ પટેલ પર રૂ. 1,000 કરોડના કથિત કૌભાંડને છાવરવાનો આરોપ

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

ઇમેજ સ્રોત, SUMUL.COM

ઇમેજ કૅપ્શન, સુમુલના એક સમારંભમાં ભાગ લઈ રહેલા ડેરીના ચૅરમૅન માનસિંહ પટેલ

સુમુલના કેટલાક સભાસદો ડેરીના ચૅરમૅન માનસિંહ પટેલ પર રૂ. 1,000 કરોડના કથિત કૌભાંડને છાવરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે તેઓ જે કથિત કૌભાંડને ચગાવીને ચૅરમૅન બન્યા હતા તેની તપાસ તેમણે કરાવી નથી.

સાંધીએર દૂધઉત્પાદક સહકારી મંડળીના સભાસદ દર્શન નાયકનો આરોપ છે કે, “જ્યારે માનસિંહ પટેલ સુમુલના પૂર્વ ચૅરમૅન હતા ત્યારે તત્કાલીન ચૅરમૅન રાજુભાઈ પાઠક સામે 1,000 કરોડના કૌભાંડનો આરોપ લગાવતા હતા. હવે જ્યારે માનસિંહ ચૅરમૅન છે ત્યારે એ જ રાજુભાઈ પાઠક વાઇસ ચૅરમૅન છે.”

"માનસિંહ પટેલે તપાસ તો કરાવવી જોઈએ ને? પણ, બંને એકબીજા સાથે ભળેલા છે."

નૌશીર પારડીવાલા કહે છે, "માનસિંહ પટેલને ચૅરમૅન બનાવવાના પાપમાં હું પણ ભાગીદાર છું. તે વખતે મને લાગ્યું હતું કે માનસિંહ ચૅરમૅન બનશે તો તેની તપાસ થશે એટલે મેં તેમને ટેકો આપ્યો હતો. પણ ચૅરમૅન બન્યા બાદ તેમણે કશું જ ન કર્યું."

આરોપો છે કે "તત્કાલીન ચૅરમૅન રાજુભાઈ પાઠકે પોતાના 300 જેટલા મળતિયાંને સુમુલમાં નોકરીએ રાખ્યા હતા. જરૂર ન હોવા છતાં ડેરીમાં રિનોવેશન કરાવીને કરોડોનો ખર્ચો કર્યો હતો અને માનીતાઓને કૉન્ટ્રેક્ટ આપીને ભ્રષ્ટાચાર આચર્યો હતો."

જોકે રાજુભાઈએ જ્યારે ડેરીની ચૂંટણી થઈ હતી ત્યારે આ તમામ આરોપો નકારી કાઢ્યા હતા. બીબીસી ગુજરાતીએ રાજુભાઈને ઘણી વાર ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો.

આ મામલે માનસિંહે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, પણ ફોન પર કોઈ વધારે માહિતી આપી નહોતી.

તેમણે કહ્યું કે ઇન્ચાર્જ એમડી અરુણ પુરોહિત તમને માહિતી આપશે. અમે જ્યારે અરુણ પુરોહિતને પૂછ્યું ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે આ બધું રાજકીય છે.

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

સુમુલમાં દૂધ ભરાવતા પશુપાલકોને અન્યાય થતો હોવાનો આરોપ

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

ઇમેજ સ્રોત, NAUSHIR PARDIWALA

ઇમેજ કૅપ્શન, સુમુલ સામે પ્રદર્શન કરી રહેલા દૂધઉત્પાદકો

ડેરીના સભાસદોનો એ પણ આરોપ છે કે તેમને દૂધના પોષણક્ષમ ભાવો નથી મળતા.

તેઓ ડેરીના સંચાલકો પર આરોપ લગાવી રહ્યા છે કે માનસિંહ પટેલ ચૅરમૅન બન્યા બાદ સુમુલ ડેરીએ ચાર વખત દૂધના ભાવમાં બબ્બે રૂપિયા વધાર્યા છે, એટલે કે કુલ આઠ રૂપિયાનો વધારો થયો છે. પણ આ ભાવવધારાનો લાભ દૂધઉત્પાદકોને મળતો નથી.

નૌશીર પારડીવાલા કહે છે, "સુમુલમાં 15 લાખ લિટર દૂધ રોજ ભરવામાં આવે છે. 600 કરોડનો ભાવવધારો મળ્યો. 100 કરોડ બાયપ્રોડક્ટ્સમાંથી મળે છે. પણ આ કુલ 700 કરોડમાંથી પશુપાલકને તો માત્ર 150 કરોડ રૂપિયા જ મળે છે. તો બાકીના રૂપિયા જાય છે ક્યાં?"

દૂધઉત્પાદકો એવો પણ આરોપ લગાવે છે કે તેમને દૂધના ભાવો તો યોગ્ય નથી મળતા પરંતુ પૂરતા ફૅટના ભાવો પણ નથી મળતા. સુમુલ ડેરી કથિતપણે તેમના પૈસા બ્લૉક કરી દે છે.

નૌશીર પારડીવાલા કહે છે, "પાનેશ્વર દૂધ મંડળીમાં પહેલાં નવ હજાર લિટર દૂધ ભરાતું હતું પરંતુ હવે દૂધ ઉત્પાદકોને ગુણવત્તાસભર ભાવો નહીં મળતા તેઓ ખાનગી ડેરી તરફ વળ્યા છે. હવે અમારી મંડળીમાં માત્ર સાત હજાર લિટર દૂધ ભેગું થાય છે."

વાંકલ ખાતેના દૂધઉત્પાદક સચીન ગોહિલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "હું પહેલાં સુમુલ ડેરીમાં 300 લિટર દૂધ ભરાવતો હતો."

"હવે હું સુરતની વિજય ડેરીમાં દૂધ આપું છું અને ડોર-ટુ-ડોર દૂધ આપવાનું શરૂ કર્યું છે જેમાં મળતર સારું છે."

જોકે માનસિંહ પટેલ કહે છે કે દૂધઉત્પાદકોને યોગ્ય ભાવો નથી મળતા એવા આરોપો ખોટા છે.

તેઓ કહે છે, "ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ ભાવો સુમુલ ડેરીના દૂધઉત્પાદકોને મળે છે. આવનારા સમયમાં અમે વધુ સારા ભાવો પણ આપવાના છીએ."

નૌશીર પારડીવાલા કહે છે કે સુમુલના મહારાષ્ટ્ર અને ગોવામાં પ્લાન્ટ છે. ત્યાં ગુજરાત કરતાં વધારે ભાવો આપવામાં આવે છે.

તેઓ વધુમાં ઉમેરે છે, "મહારાષ્ટ્રમાં તો ઠેકેદારોને કમિશન પણ ચૂકવવામાં આવે છે જ્યારે અહીં સુમુલ ડેરી તેની 1,200 મંડળીઓને કોઈ કમિશન ચૂકવતી નથી."

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

હવે સુમુલ ડેરી સામે તપાસનો હુકમ

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

ઇમેજ સ્રોત, SUMUL.COM

ઘણા સમયથી કેટલાક સભાસદો સુમુલ ડેરીના વહીવટને લઈને ફરિયાદો કરી રહ્યા હતા.

હવે અનેક ફરિયાદોને આધારે તપાસના આદેશ અપાયા છે.

રાજ્યના જૉઇન્ટ રજિસ્ટ્રાર પ્રતીક ઉપાધ્યાય બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "આ એક સામાન્ય પ્રક્રિયા છે."

"કોઈ પણ ફરિયાદ આવે એટલે અમે તેને સ્થાનિક કચેરીએ રવાના કરીએ છીએ."

"હવે તેઓ તપાસ કરીને જે અહેવાલ મોકલશે ત્યાર બાદ અમે નક્કી કરીશું કે શું કાર્યવાહી કરવી."

સુમુલ ડેરીના ઇન્ચાર્જ એમડી અરુણ પુરોહિતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “આવું કોઈ કૌભાંડ થયું નથી. હિસાબો ઑડિટ થતા જ હોય છે. આ બધું રાજકીય છે.”

માનસિંહ પટેલ કહે છે, “રેગ્યુલર ઑડિટર મૂક્યા નથી એટલે સરકાર તરફથી આવ્યું હશે, કોઈ ગેરરીતિ નથી.”

માનસિંહ પટેલ 2020થી સુમુલના ચૅરમૅન છે. તેઓ ભાજપના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે. સુમુલ ડેરીના 16 ડિરેક્ટરો છે.

તેમના એક ડિરેક્ટર જયેશ પટેલ પણ તેમનું સમર્થન કરતાં કહે છે, “જેને દૂધના ધંધા સાથે કંઈ લાગતુંવળગતું નથી તે આવા આરોપો લગાવે છે. અમે બધા માનસિંહ પટેલના સમર્થનમાં છીએ.”

હાલમાં જ ગેરરીતિની ફરિયાદોના પગલે સુમુલ ડેરીએ તેના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા હતા.

જોકે કેટલાક સભાસદો આરોપો લગાવતાં કહે છે કે મોટાં માથાંને બચાવવા માટે આ ‘નાના અધિકારીઓ’ને બલિનો બકરો બનાવાયા છે.

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

શું છે સુમુલ ડેરી?

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ

ઇમેજ સ્રોત, SANDEEP DESAI

પણ હવે તે ધ સુરત-તાપી ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યુનિયન લિમિટેડ તરીકે ઓળખાય છે. તે રાજ્યની 21 દૂધ સહકારી ડેરી પૈકીની સૌથી જૂની ડેરીઓ પૈકીની એક છે.

22 ઑગસ્ટ, 1951ના રોજ તેની સ્થાપના થઈ હતી. તેમાં 1208 મંડળીઓ છે અને 2,50,252 સભાસદો છે.

2021-22માં સુમુલે વર્ષ દરમિયાન 64,88,83,629 કિલો દૂધ ભેગું કર્યું.

કુલ વેપાર 4604 કરોડ છે. ગત વર્ષ કરતા તેમાં 466 કરોડ વધારે એટલે કે 11.25 ટકાની વૃદ્ધિ છે. ચોખ્ખો નફો 10 કરોડ 56 લાખ રૂપિયા છે.

તેના દ્વારા દૂધઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ 787 ચુકવાયો છે. જે ગત વર્ષ કરતા 1.85 ટકા વધુ છે. એટલે કે 14.33 રૂપિયા વધુ.

તેના દ્વારા બેકરી અને આઇસક્રિમનો બિઝનેસ પણ ચલાવવામાં આવે છે. 27 ફરતાં દવાખાનાં ચાલે છે.

સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ
સુમુલ ડેરીના સંચાલકો પર ગેરરીતિના આરોપ