You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘મારી પત્નીને પાઇપ વડે લોહીલુહાણ કરીને મારી નાખી’, દલિત મહિલાના મૃત્યુ બાદ ગમગીન પતિની ફરિયાદ
“ત્રણ વર્ષ પહેલાં મારા દીકરાને માર મરાયો હતો. અમે ઍટ્રોસિટીનો કેસ કરેલો એટલે સામેવાળાએ કેસ પાછો ખેંચવા દબાણ કર્યું. પણ અમે સમાધાન ન કર્યું એટલે તેમણે મારી પત્નીને લોખંડની પાઇપ વડે માર માર્યો અને તેનું મોત થઈ ગયું.”
ભાવનગરમાં વસતા સામાન્ય શ્રમિક દલિત પરિવારના મોભી કિશોરભાઈ મારુ ભારે હૃદયે તેમનાં પત્ની ગીતાબહેન પર થયેલા હુમલા અને તે બાદ નીપજેલા મૃત્યુ અંગે વાત કરતાં કંઈક આવું કહે છે.
ઘટના અંગે પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર ગત 26 નવેમ્બરે રાતના આઠ-નવ વાગ્યાની આસપાસ ચાર આરોપીઓએ ગીતાબહેન પર હુમલો કર્યો હતો. જે બાદ ‘ગંભીરપણે’ ઈજાગ્રસ્ત 45 વર્ષીય ગીતાબહેનને ભાવનગરની સર ટી. હૉસ્પિટલ ખાતે દાખલ કરાયાં હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 27 નવેમ્બર વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
સાવ ગરીબ એવા શ્રમિક પરિવારમાંથી આવતાં ગીતાબહેન તેમના પતિ અને બે બાળકો સાથે ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતાં હતાં.
પરિવારનો આરોપ છે કે આ કામના આરોપી અને એ જ વિસ્તારમાં રહેતા શૈલેશ ધનજીભાઈ અને રોહન શંભુભાઈએ બે અજાણ્યા શખ્સો સાથે મળીને ‘પાઇપ વડે ગંભીર ઈજા પહોંચાડી’ને ગીતાબહેનનું મૃત્યુ નિપજાવ્યું છે.
પીડિત પરિવારનું કહેવું છે કે શૈલેશ અને રોહન બંને સામે ગીતાબહેનના પુત્રને ત્રણ વર્ષ અગાઉ માર મારવાના કેસમાં ઍટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાઈ હતી, જેની અદાવત રાખી આ હુમલાને અંજામ અપાયો છે.
પોલીસે હત્યારાઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.
આ મામલે સ્થાનિક પોલીસે પણ 'જૂની ફરિયાદ બાબતે મનદુ:ખ રાખી હુમલો કરાયા'ની વાત કરી કરી છે. પોલીસે હત્યા સહિત લાગતીવળગતી કાયદાકીય જોગવાઈઓ અંતર્ગત મામલાની ફરિયાદ પણ દાખલ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી મેળવવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
'કેસમાં સમાધાન માટે કરાઈ રહ્યું હતું દબાણ'
મૃતકના પરિવારનો આરોપ છે કે ત્રણ વર્ષ પહેલાં ગીતાબહેનના દીકરાને ઢોર માર મરાયો હતો. જેથી તેમણે શૈલશ અને રોહન સહિત કેટલાક લોકો સામે ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ફરિયાદ કરી હતી.
આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો પરંતુ આરોપ છે કે સામેવાળા તરફથી કેસમાં ‘સમાધાન કરવા માટે દબાણ કરાઈ’ રહ્યું હતું.
કિશોરભાઈ મારુ આ વિશે કહે છે, “અમે એ બનાવ બાદ કેસ કર્યો હતો. કેસમાં સમાધાન માટે દબાણ કરાતું હતું. અમે સમાધાન ન કર્યું એટલે મારી પત્ની પર હુમલો કરીને તેને મારી નખાઈ.”
તેઓ આરોપ કરતાં વધુ જણાવે છે, “મારી પત્ની પર અત્યાચાર કર્યો. તેને પાઇપ વડે માર માર મરાયો અને તેનું મોત થઈ ગયું. મારી માગ છે કે હત્યારાઓને જાહેરમાં સજા કરાય.”
મૃતક ગીતાબેનનાં દીકરી આરતી કહે છે, “હું બહાર કચરો નાખવા જઈ રહી હતી ત્યારે મેં મારી માતાની બૂમો સાંભળી. એટલે હું મારા પિતાને બોલાવવા ગઈ અને પછી અમે ગયાં તો મારાં માતાને રોહન અને અન્ય ત્રણ લોકો એમ કુલ ચાર જણ માર મારી રહ્યા હતા. તેઓ પાઇપ વડે મમ્મીને મારતા હતા.”
“અમે બચાવવા કોશિશ કરી તો તેઓ અમારી પાછળ દોડ્યા. એટલે અમે જીવ બચાવવા ભાગ્યાં. પરંતુ મારાં માતાનું મોત થઈ ગયું.”
પોલીસ શું કહે છે?
ભાવનગરના ડીવાયએસપી આર.આર. સિંઘલે જણાવ્યું કે, “આ ફૂલસર વિસ્તારનો બનાવ છે. ફરિયાદી બહેન દુકાને વસ્તુ લેવા ગયાં હતાં. પરંતુ જૂની ફરિયાદ બાબતે મનદુ:ખ રાખનારા રોહન સહિતના ત્રણ ઇસમોએ મહિલાને માર માર્યો હતો. તેમને હૉસ્પિટલ લઈ જવાયાં પરંતુ વહેલી સવારે તેમનું મોત થયું. અમે આ મામલામાં હત્યા સહિતના ગુના દાખલ કર્યો છે.”
“અગાઉની ફરિયાદ મામલે આ હુમલો કરાયો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ અને ટીમ બનાવીને આરોપીઓને પકડવાની કામગીરી કરી રહ્યા છીએ.”
વળી આ ઘટના બનતાં જ દલિત સમુદાયના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને તેમણે પોલીસ સમક્ષ આરોપીને ત્વરિત ધરપકડ કરવાની અપીલ કરી છે.
સામાજિક કાર્યકર્તા મનહર રાઠોડે કહ્યું કે, “આજે સવારે ગીતાબેનનું માર મારવાને લીધે મૃત્યુ થયું છે. ગુજરાતમાં છાશવારે દલિતો પર અત્યાચાર થાય છે. પ્રશાસન પૂરતું ધ્યાન નથી આપતું, એટલે આવું થાય છે. એટલે દલિતો અસુરક્ષિત અનુભવે છે.”
“અમારી માગણી છે કે પીડિત પરિવારને પોલીસરક્ષણ અપાય અને બે મહિનામાં જ ચાર્જશીટ દાખલ કરીને ટ્રાયલ ચલાવાય.”
વાઇરલ વીડિયો
જોકે, આ બનાવમાં સંદર્ભે અન્ય માહિતી પણ સામે આવી છે. જેમાં કથિતપણે ‘લોખંડની પાઇપો વડે માર મરાયા બાદ લોહીલુહાણ હાલત’માં રહેલાં ગીતાબહેનનો એક વીડિયો સામે આવ્યો હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક મહિલા લોહીલુહાણ હાલતમાં કણસતાં જોવા મળી રહ્યાં છે. તેઓ બોલતાં સંભળાય છે કે, “શૈલો, રોહનો અને ત્રીજો કોઈ હતો જેને હું નથી જાણતી એણે મને મારી છે. મારા પર પેટ્રોલ છાંટીને મારી નાખવાની વાત કરતા હતા. દુકાનના સીસીટીવી તોડી નાખ્યા છે.”
“મારી દીકરી ક્યાં છે. એને કહેજો અહીં ન આવે. મારા દીકરાને કહેજો અહીં ન આવે. તું અહીંથી જતો રહે.”
જોકે, બીબીસી આ વીડિયોની પુષ્ટિ નથી કરી શક્યું. પરંતુ બીબીસીના સહયોગી અલ્પેશ ડાભી અનુસાર આ વીડિયો ઉપરોક્ત ઘટના સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
‘11 વર્ષમાં દર બીજે દિવસે SC-ST પરિવારને પોલીસરક્ષણની જરૂર પડી’
નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી 'સલામત ગુજરાત'ની છબિ આગળ ધરી રાજ્ય કાયદા અને વ્યવસ્થા બાબતે આગળ પડતું હોવાની વાત કરવામાં આવે છે.
ગુજરાતમાં પાછલાં લગભગ 11 વર્ષોમાં જુદા જુદા જિલ્લામાં 2,789 કિસ્સામાં દલિત અને આદિવાસી પરિવારોને પોલીસરક્ષણની જરૂર પડી હોવાની માહિતી બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલ એક માહિતી અધિકારની અરજી અંતર્ગત પ્રાપ્ત થઈ છે.
દલિત અને આદિવાસી કર્મશીલોનું આ બાબતે કહેવું છે કે આ આંકડા ગુજરાતમાં દલિત-આદિવાસી પરિવારોની સુરક્ષા બાબતે 'સ્વસ્થ ચિત્ર' રજૂ કરતા નથી.
નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના અહેવાલ અનુસાર વર્ષ 2019, 2020 અને 2021માં સમગ્ર ભારતમાં અનુક્રમે 45,961, 50,291 અને 50,900 દલિત અત્યાચારને લગતી ઍટ્રોસિટીના ગુના નોંધાયા છે.
ગુજરાતમાં વર્ષ 2019, 2020 અને 2021માં અનુક્રમે આ કિસ્સાની સંખ્યા 1,416, 1,326 અને 1,201 હતી.
જ્યારે સમગ્ર ભારતમાં વર્ષ 2019, 2020 અને 2021 દરમિયાન આદિવાસી સમાજના લોકો સામે થતાં અત્યાચારના અનુક્રમે 7,570, 8,272 અને 8,802 બનાવ નોંધાયા છે.
જે પૈકી ગુજરાતમાં અનુક્રમે 321, 291 અને 341 બનાવ ST ઍટ્રોસિટીને લગતા નોંધાયા છે.