કરાચીમાં બળબળતી ગરમી : લૂથી રસ્તા પર બેભાન થતા લોકો અને મૃતદેહોથી ભરેલા કોલ્ડ સ્ટોરેજ

પાકિસ્તાનમાં ગરમી
    • લેેખક, રિયાઝ સોહેલ
    • પદ, બીબીસી ઉર્દૂ, કરાચી

“બળબળતા ઉનાળામાં અમે એક નાના ઘરમાં રહીએ છીએ, પરંતુ આ પરિવારનું પેટ ભરતો એકમાત્ર પુરુષ પોતાની પાંચ દીકરીઓ અને એક દીકરાને છોડીને અમારાથી કાયમ માટે અલગ થઈ ગયો છે.”

આ શબ્દો કરાચીના શબાના બાનોના છે. તેઓ તેમના પતિનો મૃતદેહ લેવા એક શબઘર પર આવ્યાં હતાં.

તેમના 54 વર્ષીય પતિ ઇરશાદ હુસેન પોતાની ઑટો રિક્ષા લઈને સવારે કામ પર નીકળી જતા હતા. રિક્ષા ચલાવતાં લાંઘી વિસ્તારમાં તેમની તબિયત બગડી હતી અને થોડીવાર પછી તેમના મૃતદેહને શબઘરમાં લાવવામાં આવ્યો હતો.

શબાના બાનોએ બીબીસીને જણાવ્યું હતું કે મારા પતિ મૃત્યુ પામ્યાનો ફોન લાંઘી પોલીસ સ્ટેશનથી આવ્યો હતો. મારા પતિ હૃદયની બીમારીથી પીડાતા હતા અને રાતે તેમની તબીયત વધારે બગડી હતી.

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસથી ભીષણ ગરમી પડી રહી છે. એ દરમિયાન દેશના કેટલાક ભાગમાં તાપમાન 50 ડિગ્રીથી વધારે થઈ ગયું હતું. કરાચીમાં તો ગરમીના રેકૉર્ડ તૂટ્યા હતા અને અહીં અત્યાર સુધીમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેનું રહસ્ય ઉકેલાયું નથી.

કરાચીમાં ગરમીનું મોજું અને કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોના ખડકલા

પાકિસ્તાનમાં ગરમી

એધી ફાઉન્ડેશનના પ્રમુખ ફૈસલ એધીએ શબઘરોમાં આવતા મૃતદેહોની સંખ્યામાં થયેલા અસાધારણ વધારા બાબતે માહિતી મેળવવાનું શરૂ કર્યું ત્યારે કરાચીમાં હીટ વેવ દરમિયાન થયેલા મોતની સમાચાર મીડિયામાં ચમક્યા હતા.

ફૈસલ એધીએ બીબીસીને જણાવ્યું હતું કે મૃતદેહોની સંખ્યામાં વધારો 19 જૂનથી શરૂ થયો હતો, પરંતુ 21 જૂન સુધીમાં તેમને 78 શબ મળ્યાં હતાં અને 25 જૂન સુધીમાં તો એ સંખ્યા વધીને 568 થઈ ગઈ હતી.

તેમના જણાવ્યા મુજબ, સામાન્ય પરિસ્થિતિમાં રોજ લગભગ 30 શબ આવતાં હોય છે અને ત્રણ દિવસમાં વધુમાં વધુ 150 શબ આવે છે, પરંતુ રોજ 100થી વધુ મૃતદેહો આવવા તે અસાધારણ પરિસ્થિતિ દર્શાવે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બધા સામાન્ય રીતે મજૂર વર્ગના, નીચલા મધ્યમ વર્ગના લોકો હોય છે, જેમના રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં વીજળીનું લોડ શેડિંગ થતું હોય છે. શબઘરમાં મૃતદેહ લઈને આવતા લોકોને સવાલ પૂછવામાં આવે ત્યારે જવાબ મળે છે કે ભયાનક ગરમી છે અને તેમના ઘરમાં વીજળી નથી. તેથી બધાની તબીયત ખરાબ થઈ રહી છે.

લાયન્સ વિસ્તારમાં થાનવી મસ્જિદ ટ્રસ્ટના શબઘરના મેનેજર ઈહતમામુલ હક થાનવીએ બીબીસીને જણાવ્યું હતું કે સામાન્ય રીતે રોજ 12-15 શબ આવતાં હોય છે, પરંતુ તાજેતરમાં તે સંખ્યા વધીને 25-30 થઈ ગઈ છે. તેમાં મોટાભાગનાની વય 50 વર્ષની આસપાસ છે કે તેનાથી વધારે છે.

ધર્માર્થ સંગઠન છેપા એમ્બ્યુલન્સ સર્વિસના પ્રવક્તા શાહિદ ચૌધરીએ જણાવ્યું હતું કે રવિવારથી અત્યાર સુધીમાં તેમની પાસે 100થી વધુ શબ આવ્યાં છે. તેમાં 37 બિનવારસી શબનો સમાવેશ થાય છે. આ લોકો નશાના બંધાણી હતી અને ગરમી સહન કરી શક્યા ન હતા.

તેમના કહેવા મુજબ, “ગરમીને કારણે કોઈ મૃત્યુ પામ્યું હોય તો સ્વજનો તેમના મૃતદેહોને શબઘરને બદલે કોલ્ડ સ્ટોરેજમાં લઈ જાય છે.”

મોતનું ચોક્કસ કારણ શું છે તે કહેવું અત્યારે વહેલાસરનું ગણાશે, પરંતુ કરાચીમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે ત્યારે મોતના પ્રમાણમાં વધારો થયો છે. વિવિધ અહેવાલો અનુસાર, ભેજને કારણે તાપમાન 49 ડિગ્રી હોવાનો અનુભવ થાય છે.

જોકે, કરાચીના કમિશનર સૈયદ હસન નકવીએ શહેરમાં ગરમીને કારણે લોકો મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા હોવાના અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું હતું, “કરાચીમાં હીટ સ્ટ્રોકને કારણે બે દિવસમાં 10 લોકો મૃત્યુ પામ્યા છે. કલ્યાણકારી સંગઠનો સહિતના કોઈ પણ સંગઠને વર્તમાન સ્થિતિ બાબતે રિપોર્ટ કરવો ન જોઈએ, મરણાંક જાતે જાહેર ન કરવો જોઈએ, પરંતુ સરકાર અને વહીવટીતંત્ર પાસેથી તેની પુષ્ટિ કરવી જોઈએ.”

કરાચીમાં હાલની ગરમી દરમિયાન મૃત્યુ પામેલા લોકોની વાસ્તવિક સંખ્યા બહાર આવી નથી અને જે આંકડા જણાવવામાં આવી રહ્યા છે તેની પુષ્ટિ કોઈ સ્રોત દ્વારા કરવામાં આવી નથી.

બીબીસી ગુજરાતી

રસ્તાઓ પર બેભાન થતા લોકો

પાકિસ્તાનમાં ગરમી

કરાચીના સોહરાબ ગોથ વિસ્તાર નજીકના શહેરના સૌથી મોટા કોલ્ડ સ્ટોરેજમાં પાછલા કેટલાક દિવસથી લોકોની ભીડ છે. કોઈ શબ રાખવા આવે છે તો કોઈ લઈ જવા.

ખાદર કપડા બજારમાં મજૂરી કરતા 25 વર્ષના લિયાકત સામાન લાદી રહ્યા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તરત જ સિવિલ હોસ્પિટલમાં અને પછી લ્યારી જનરલ હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચ્યો ન હતો.

તેમના સહયોગી મરઘૂબ સૈયદે જણાવ્યુ હતું કે લિયાકત બાજૌરના રહેવાસી હતી અને તેમનો મૃતદેહ તેમના પૈતૃક ગામમાં મોકલી આપવામાં આવ્યો છે.

ગુરુવારે સવારે 11 વાગ્યે પણ બજારમાં દરેક મજૂર પરસેવાથી લથબથ દેખાતો હતો. મારઘૌબે જણાવ્યું હતું કે જોરદાર ગરમીને કારણે એક અન્ય મજૂર પણ બેભાન થઈ ગયો હતો અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કરાચી પાકિસ્તાનનું સૌથી મોટું શહેર અને ઔદ્યોગિક તથા વાણિજ્યિક કેન્દ્ર છે. અહીં લાખો લોકો રસ્તા પર મહેનત કરતા હોય છે.

એધી એમ્બ્યુલન્સના ચાલક શબ્બીર જમાને જણાવ્યું હતું કે તેઓ કામ કરતી વખતે બેભાન થઈ ગયેલા એક મજૂરને રેલવે કોલોનીથી હોસ્પિટલે લઈ ગયા હતા. તે એક યુવાન હતો.

એઝીના સ્વયંસેવક મુહમ્મદ નદીમે બીબીસીને જણાવ્યું હતું કે તાજેતરની ગરમી દરમિયાન તેમણે શહેરના બહાદરાબાદ, તારિક રોડ અને આસપાસના વિસ્તારોમાંથી રસ્તા પર બેભાન થઈ ગયેલા લગભગ આઠ લોકોને હૉસ્પિટલે પહોંચાડ્યા હતા.

અહીં નોંધવું જોઈએ કે પાકિસ્તાનના હવામાન વિભાગે ભીષણ ગરમીની ચેતવણી નાગરિકોને પહેલાંથી જ આપી હતી. ગરમીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આપદા પ્રબંધન વિભાગે પણ અગમચેતીનાં પગલાં લેવાનો આદેશ આપ્યો હતો અને હીટ વેવ ગાઈડલાઈન્સ – 2024 પણ પ્રકાશિત કરી હતી. આ પુસ્તિકામાં ભીષણ ગરમીથી થતા નુકસાનથી બચવા માટેના સરકારી તથા વ્યક્તિગત ઉપાય જણાવવામાં આવ્યા છે.

હૉસ્પિટલો ભરી છે ખીચોખીચ

પાકિસ્તાનમાં ગરમી

કરાચીમાં તાજેતરના હીટવેવ દરમિયાન થયેલા મૃત્યુના દાવાથી વિપરીત માત્ર સિવિલ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, 23 જુનથી 27 જુન સુધીમાં 15 લોકો મૃત્યુ પામ્યા હતા અને 360થી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

અમે કરાચીની સિવિલ હૉસ્પિટલે પહોંચ્યા ત્યારે ઈમરજન્સી વિભાગમાં આવતી લગભગ દરેક વ્યક્તિ વધારે પડતી ગરમીને લીધે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું.

પુરુષોના વૉર્ડમાં દરેક ખાટલા પર બે દર્દી હતા અને કેટલાક દર્દી નર્સીસની બેન્ચ પર બેઠા હતા. પ્રત્યેક સ્ટેન્ડમાં ત્રણ-ત્રણ દર્દીઓને ગ્લુકોઝની બૉટલ્સ ચડાવવામાં આવતી હતી.

હૉસ્પિટલોમાં ક્ષમતાથી વધારે દર્દીઓ છે અને તેમની સારવાર કરતા ડોક્ટર્સ અને કર્મચારીઓ એક ખાટલાથી બીજા ખાટલે દોડતા જોવા મળે છે.

ઇમરજન્સી વિભાગના પ્રભારી ડો. ઈમરાન સરવરે બીબીસીને જણાવ્યું હતું કે કરાચીમાં લૂનો પ્રકોપ યથાવત છે અને દર્દીઓ શનિવારથી જ હોસ્પિટલમાં આવવા લાગ્યા હતા.

તેમનું કહેવું છે કે ગરમીને કારણે અતિસાર, પેટમાં પીડાની ફરિયાદ સામાન્ય છે. પહેલેથી બીમાર હોય તેવા દર્દીઓ પણ છે. બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ વગેરેના દર્દીઓ પણ છે. હીટ સ્ટ્રોકને કારણે દર્દીઓ ગંભીર તાવથી પીડાઈ રહ્યા છે.

તેમણે કહ્યું હતું, “દર્દીઓ પૈકીના કેટલાક તો રસ્તામાં પડી ગયા હતા. તેમાં પુરુષો તથા સ્ત્રીઓ બન્નેનો સમાવેશ થાય છે. કેટલાક લોકોને તેમના ઘરમાંથી હૉસ્પિટલે લાવવામાં આવ્યા છે.”

જાહિદા ખાતૂન જામા કપડેથી આવ્યા હતાં. તેઓ એક બૅન્ચ પર બેઠાં હતાં અને એક યુવતી તેમના ખોળામાં માથું રાખીને સૂતી હતી. તેના હાથ પર ગ્લુકોઝની ડ્રીપ લગાવવામાં આવી હતી.

જાહિદા ખાતૂને કહ્યું હતું કે એ તેમની પુત્રવધુ છે અને તેના લગ્નને 11 દિવસ જ થયા છે. “ગરમી અચાનક વધી ગઈ, સિરપ બનાવ્યું અને તે ઉલટી કરવા લાગી એટલે તેને તરત હૉસ્પિટલે લાવ્યા.”

વોર્ડમાં અનેક દર્દીઓ ઓક્સિજન પર હતા અને બેભાન અવસ્થામાં લાંબા-લાંબા શ્વાસ લઈ રહ્યા છે.

રિઝવાન નામના એક યુવકના હાથમાં ગ્લુકોઝની ડ્રીપ લગાવવામાં આવી હતી અને તે હાથમાં ઑક્સિજન માસ્ક લઈને ચાલી રહ્યો હતો. અમે તેની સાથે વાત કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેને તાવ આવ્યો છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ તે હોસ્પિટલ સ્ટાફ પાસે ઓક્સિજન માંગી રહ્યો છે.

વૉર્ડમાં મોટાભાગના વૃદ્ધ લોકો હતા. અમારી ટીમની હાજરીમાં એક વૃદ્ધ મૃત્યુ પામ્યા હતા. તેથી તેમનું શબ તત્કાળ હટાવી દેવાયું હતું, પલંગ પરની ચાદર બદલી નાખવામાં આવી હતી અને બીજા દર્દીને તે પલંગ પર સૂવડાવવામાં આવ્યા હતા.

બીજા ખાટલા પર 40-45 વર્ષના એક દર્દી ઊંડા શ્વાસ લઈ રહ્યા હતા. તેમના સગાંઓએ જણાવ્યું હતું કે એ દર્દીએ ગરમીમાં એક બૉટલ પી લીધી હતી. તેથી તેમની હાલત બગડી હતી અને તેઓ પડી ગયા હતા.

તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમના પરિવારજનોને જણાવ્યું હતું કે બોટલ પીવાથી તેમની હાલત ખરાબ નથી થઈ. તેમને વેન્ટિલેટરની જરૂર છે. તેથી તેમને તત્કાળ જિન્ના હૉસ્પિટલ લઈ જાઓ, અન્યથા તેઓ બચી શકશે નહીં.

કરાચીમાં ગરમીની તીવ્રતા અલગ-અલગ કેમ?

પાકિસ્તાનમાં ગરમી

2015માં કરાચીમાં લૂને કારણે 1200 નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને 50,000 લોકો બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એ દિવસોમાં અરબી સમુદ્ર પરથી આવતો પવન બંધ થઈ જવાને કારણે તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.

કરાચીમાં તાજેતરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું મુખ્ય હવામાન વિજ્ઞાની સરદાર સરફરાઝે કહ્યુ હતું, “અત્યારની ગરમી અને 2015ની ગરમીમાં એક સમાનતા છે.”

તેમના કહેવા મુજબ, ગુરુવારે કરાચીમાં આકરી ગરમીનો પાંચમો દિવસ હતો. સતત ગરમીનું મુખ્ય કારણ ભારતના ગુજરાતના ઉત્તર-પૂર્વ, કરાચીના દક્ષિણ-પૂર્વમાં હવાના ઓછા દબાણનું નિર્માણ હતું. તેને લીધે અરબી સમુદ્રનું સ્તર વધ્યું હતું. પવન તદ્દન પડી ગયો હતો. સમુદ્રી પવન રોકાઈ જાય છે ત્યારે ગરમીની તીવ્રતામાં મોટો વધારો થાય છે.

તેમના કહેવા મુજબ, 2015માં સમુદ્રની ઉપર દક્ષિણમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ હતી, જે બાદમાં ડિપ્રેશનમાં પલટાઈ ગઈ હતી. એ પછી ડિપ્રેશનમાં કોઈ ફેરફાર થયો ન હતો. રાજસ્થાનમાં સમુદ્રની ઉપર લો પ્રેશર સર્જાય તો સમુદ્રી પવન કપાઈ જાય છે.

કરાચીની સરખામણીએ પાકિસ્તાનના અન્ય શહેરો જેકોબાબાદ, તુરબતમાં પણ તાજેતરના દિવસોમાં તાપમાન કરાચી કરતાં વધારે નોંધાયું છે, પરંતુ ત્યાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી.

સરદાર સરફરાઝે કહ્યું હતું, “જેકોબાબાદમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ હતું, પરંતુ એટલી ગરમી લાગતી ન હતી, વાસ્તવિક તાપમાનનો અનુભવ જ થતો હતો.”

તેનાથી વિપરીત કરાચી સહિતની તટીય શહેરોમાં આદ્રતા વધારે હોવાથી ત્યાં તાપમાન 50 ડિગ્રીથી વધારે હોય તેવો અનુભવ થાય છે.

તેનો અર્થ એ છે કે તમારું શરીર 50 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાનનો સામનો કરી રહ્યું છે. તેથી તે માણસો માટે વધારે ખતરનાક હોય છે અને માનવ શરીરમાં પરસેવો, ડીહાઈડ્રેશન થાય છે અને થાક લાગે છે.

પ્રત્યેક શેલ્ફ પર ત્રણ મૃતદેહ

પાકિસ્તાનમાં ગરમી

એમ્બ્યુલન્સ ચાલકોને કરાચીની 2015ની સ્થિતિ આજે પણ યાદ છે. એ વખતે હૉસ્પિટલોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા ખતમ થઈ ગઈ હતી. એ પછી છીપા સહિતના અનેક કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યાં હતાં.

ફૈસલ એધીના જણાવ્યા મુજબ, એ પછી તેમણે કબાટ બનાવ્યા હતા. તેમાં એકની ઉપર એક એમ બે શબ રાખી શકાય છે, પરંતુ આ વખતે તેમણે ત્રણ-ત્રણ શબ રાખવા પડશે.

એધીના એમ્બ્યુલન્સ ડ્રાઇવર શબ્બીર જમાને એ સમયને યાદ કરતાં કહ્યું હતું, “અલ્લાહ મને માફ કરે. એ બહુ ખતરનાક સમય હતો. રસ્તા પર, ચોકમાં જ્યાં જતા હતા ત્યાં કોઈને કોઈ મરેલું કે બેહોશ થયેલું જોવા મળતું હતું.”

શબો અને લોકોનો બોજ ઉંચકીને તેઓ થાકી ગયા હતા. સિવિલ, અબ્બાસી કે જિન્ના હોસ્પિટલમાં જગ્યા ન હતી અને શબઘરો પણ ભરેલાં હતાં.

તેમના કહેવા મુજબ, “અત્યારે પણ એવી જ સ્થિતિ છે. સોલ અને જિન્નામાં જગ્યા ન હોય ત્યારે તેઓ કહે છે કે ફલાણી જગ્યાએ લઈ જાઓ. ત્યાંથી જવાબ મળતો હતો કે તેને બીજે ક્યાંક લઈ જાઓ.”

એક અન્ય ડ્રાઇવર મોહમ્મદ નદીમે જણાવ્યું હતું કે 2015માં તીવ્રતા વધુ હતી. એ સમયે લોકોમાં આટલી જાગૃતિ ન હતી. દરેક જગ્યાએ લોકો મૃત્યુ પામતા હતા. જોકે, હવે લોકોમાં જાગૃતિ આવી છે. તેઓ પણ થોડો ખ્યાલ રાખે છે અને ક્યારેક પીવાનું પાણી પણ લઈ આવે છે.

શબ્બીર જમાનના કહેવા મુજબ, ગરમીને કારણે દરેક સેન્ટરમાં 10-12 ડ્રાઈવર પણ બીમાર પડી ગયા છે. “ગરમી એટલી અસહ્ય છે કે ઘરમાં હાર્ટ એટેક આવશે એવું લાગે છે.”

તેમણે ઉમેર્યું હતું, “અમે ઠેકઠેકાણે પાણી પીએ છીએ. દર્દીને ઉતારીએ ત્યાં લીંબુ પાણી પીએ છીએ. શક્ય તેટલું વધારે પાણી પીવાના પ્રયાસ કરીએ છીએ.”

મોહમ્મદ નદીમના કહેવા મુજબ, ગરમીથી પરસેવે રેબઝેબ થઈ જવાય છે, “કેવલ એક હી જુનુન હૈ,” જે તેમને પ્રેરિત કરે છે.

કરાચીમાં ગરમી વધવાનું એક કારણ વીજળીના લોડ શેડિંગને પણ માનવામાં આવે છે. વીજ વિભાગના જણાવ્યા મુજબ, જે વિસ્તારોમાં વીજળી બિલનું કલેક્શન ઓછું થાય છે કે વીજળીની ચોરી થાય છે ત્યાં દસ કલાક લોડ શેડિંગ કરવામાં આવી રહ્યુ છે.

તેમાં ગીચ વસ્તીવાળા ઝૂંપડપટ્ટીઓનો સમાવેશ થાય છે.

કરાચીના કમિશનરે હીટ વેવ દરમિયાન લોડ શેડિંગ નહીં કરવાનો આદેશ વીજળી વિભાગને આપ્યો છે.

વધારે પડતી ગરમીની શરીર પર શું અસર થાય?

પાકિસ્તાનમાં ગરમી

ભારત, પાકિસ્તાનમાં ગરમીનો પ્રકોપ એ કોઈ નવી વાત નથી, પરંતુ નવી વાત એ છે કે તાપમાનમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે.

શરીરનું તાપમાન વધવા લાગે છે તેમ રક્તવાહિનીઓ પહોળી થાય છે. તેનાથી રક્તચાપ ઘટે છે અને આખા શરીરમાં રક્ત પહોંચાડવા માટે હૃદયે વધારે મહેનત કરવી પડે છે.

ગરમીને કારણે શરીર પર ચાઠાં પડી જાય છે અને પગ સોજી જાય છે. એ ઉપરાંત પરસેવાને કારણે શરીરમાં પાણી અને મીઠું ઘટવાથી શરીરમાં તેનું સંતુલન બદલાઈ જાય છે.

લો બ્લડ પ્રેશર સાથે નીચે મુજબનાં લક્ષણો તાવનું કારણ બની શકે છે.

  • ચક્કર આવવા.
  • બેભાન થઈ જવું.
  • ભ્રમિત થવું.
  • ઊબકા આવવા.
  • સ્નાયુમાં ખેંચાણ.
  • માથાનો દુખાવો.
  • પુષ્કળ પરસેવો.
  • થાક લાગવો.
  • બ્લેડ પ્રેશરમાં મોટો ઘટાડો થાય તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.