ઉત્તરકાશીમાં વાદળ ફાટવાને કારણે ભયંકર તબાહી, 50થી વધુ લાપતા, ચારનાં મૃત્યુ, વાદળ કેવી રીતે ફાટે છે?

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને 50થી વધુ લોકો લાપતા થવાની જાણકારી મળી રહી છે.

હર્ષિલ ક્ષેત્રમાં ખીર ગંગા નાળાનું જળસ્તર અચાનક વધી ગયું, જેને કારણે ધરાલી ગામમાં ભયંકર નુકસાન થયું છે.

ડીઆઈજી એનડીઆરએફ મોહસેન શાહેદીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, "ઘટનામાં 40થી 50 ઘર વહી ગયા છે અને 50થી વધુ લોકો લાપતા છે."

ધરાલીના સ્થાનિક લોકોનો દાવો છે કે તબાહી એટલી ભયંકર છે કે તેને કારણે તેમની સંપત્તિને ભયંકર નુકસાન થયું છે.

સ્થાનિક લોકોએ એમ પણ કહ્યું કે કેટલીક હોટલો તેમની આંખો સામે પાણીના ભયંકર પ્રવાહમાં વહી ગઈ. તેમનું એમ પણ કહેવું હતું કે કોઈ વૉર્નિંગ જારી કરવામાં નહોતી આવી.

ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે આ ઘટના ઘટી તેની પાસે આવેલા આર્મી કૅમ્પ તથા બચાવ કર્મચારીઓના એક દળનો હિસ્સો પણ પ્રભાવિત થયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ઉત્તરકાશીના જિલ્લા કલેક્ટર પ્રશાંત આર્યએ ઘટનાસ્થળ માટે રવાના થવા પહેલાં ચાર મોતની પુષ્ટિ કરી.

ધરાલી, ગંગોત્રી ધામથી લગભગ 20 કિમી પહેલાં આવેલો મહત્ત્પૂર્ણ પડાવ છે. જ્યાં દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાય છે.

હાલમાં સેના, એસડીઆરએફ, એનડીઆરએફ અને જિલ્લા પ્રશાસનની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

પણ પ્રશ્ન એ છે કે શું આવી ઘટનાઓ વિશે હવામાન વિભાગ અગાઉથી ઍલર્ટ આપી શકે છે? અને આખરે વાદળ ફાટવાની ઘટનાઓ કેમ ઘટે છે?

વાદળ ફાટવું શું છે?

હવામાન વિભાગની વ્યાખ્યા અનુસાર, જ્યારે એક કલાકમાં 10 સેન્ટિમીટર અથવા વધુ ભારે વરસાદ નાના વિસ્તારમાં (1 થી 10 કિમી) થાય, ત્યારે તેને "વાદળ ફાટવું" કહેવાય છે.

જ્યારે એક ચોક્કસ વિસ્તારમાં અચાનક અતિભારે વરસાદ પડે ત્યારે તેને વાદળ ફાટ્યું એમ કહેવાય છે. જેના કારણે જળપ્રવાહોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થાય છે.

ભારતીય હવામાન વિભાગે આઅંગે વ્યાખ્યા આપી છે, તે મુજબ જો 20-30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કલાકમાં 100 મીમી કે તેથી વધારે વરસાદ પડે તો તેને વાદળ ફાટ્યું કહેવાય. વાદળ ફાટવાની ઘટના સામાન્યતઃ સમુદ્રની સપાટીથી 1000-2500 મીટર ઉપર આવેલા વિસ્તારમાં થાય છે.

હવામાનખાતાની વ્યાખ્યા પ્રમાણે, "એકથી 10 કિલોમીટરના વિસ્તારમાં એક કલાકમાં 10 સેમી કે તેથી વધુ વરસાદ પડે ત્યારે તેને 'વાદળ ફાટ્યું' કહેવાય છે." તે હવામાનમાં સામાન્ય ફેરફારથી પણ ઘટી શકે છે, એટલે પણ તેની આગાહી કરવી મુશ્કેલ હોય છે.

ક્યારેક એક જ જગ્યાએ એકથી વધુ વાદળ ફાટે છે. આવી સ્થિતિમાં જાનમાલનું વધુ નુકસાન થાય છે, જેમ કે 2013માં ઉત્તરાખંડમાં થયું હતું.

દરેક ભારે વરસાદની ઘટનાને વાદળ ફાટવું નહીં કહેવાય.

સમજવાની વાત એ છે કે માત્ર એક કલાકમાં 10 સેન્ટિમીટર વરસાદથી મોટું નુકસાન નહીં થાય, પણ જો નજીકમાં નદી કે તળાવ હોય અને તેમાં અચાનક પાણી ભરાઈ જાય, તો આસપાસના રહેણાંક વિસ્તારોમાં વધુ નુકસાન થાય છે.

અત્રે એ બાબત પર ધ્યાન આપવું રહ્યું કે સામાન્ય સંજોગોમાં એક કલાકમાં 10 સેમી વરસાદને કારણે ભારે નુકસાન ન થાય, પરંતુ જો આસપાસમાં નદી કે તળાવ હોય તો અચાનક જ તેમાં પાણી વધી જાય છે. જેના કારણે પૂરની સ્થિતિ ઊભી થાય છે.

આથી જ જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના ઘટે છે, ત્યારે જાનમાલનું ભારે નુકસાન થાય છે.

સામાન્ય રીતે ચોમાસામાં કે તેના થોડા સમય પહેલાં આ પ્રકારની ઘટના ઘટતી હોય છે. મે મહિનાથી જુલાઈ-ઑગસ્ટ સુધી પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા ઉત્તર ભારતના પ્રદેશોમાં વાદળ ફાટવાની ઘટના ઘટતી રહે છે.

ક્યારેક એક જગ્યાએ એક કરતાં વધુ વાદળ પણ ફાટી શકે છે, જેના કારણે મોટાપાયે જાનમાલનું નુકસાન થાય છે. જળવાયુ પરિવર્તનને કારણે આગામી સમયમાં વાદળ ફાટવાની ઘટનાઓની સંખ્યા વધી શકે છે, એવું તજજ્ઞોનું અનુમાન છે.

વર્લ્ડ મિટિયૉરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએમઓ) અનુસાર, જ્યારે પવન પહાડ નજીકથી પસાર થાય, ત્યારે તે ઉપર તરફ ગતિ કરે છે. જો હવામાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય તો પહાડની ટોચ પર વાદળ બનવા માડે છે.

પહાડની ટોચ પર જગ્યા ઓછી હોવાના કારણે વાદળો ઘટ્ટ બને છે. પાણીનાં ટીપાં અથવા બરફનાં કણોનું કદ અને તીવ્રતા વધે છે જે ભારે વરસાદ અથવા વાદળ ફાટવાની ઘટનામાં પરિણમી શકે છે.

શું વાદળ ફાટવાની ઘટના માત્ર ચોમાસા દરમિયાન જ થાય છે?

ચોમાસા અને ચોમાસા પહેલાં આ પ્રકારની ઘટનાઓ વધારે જોવા મળે છે.

મે મહિનાથી લઈને જુલાઈ અને ઑગસ્ટ સુધી ઉત્તર ભારતના વિસ્તારોમાં આ પ્રકારની હવામાનની અસર જોવા મળે છે.

બ્રિટાનિકા અનુસાર ગરમ હવાને કારણે વાદળ ફાટવાની ઘટના બની શકે છે. ગાજવીજ સાથે પવન ફૂંકાય છે, જે વાદળના પાણીને વરસાદ સ્વરૂપે નીચે આવતા અટકાવે છે. તેના કારણે પ્રમાણમાં પાણી વાદળમાં એકઠું થવા લાગે છે અને જ્યારે હવાનું જોર ઘટી જાય છે, ત્યારે પાણી એકસાથે નીચે પડે છે.

ભૌગોલિક અથવા તો હવામાનના કારણોસર વાદળ ફાટવાની ઘટના ઘટી શકે છે.

વાદળ ફાટવાની ઘટના સામાન્યતઃ પહાડી વિસ્તારોમાં થાય છે, કારણ કે ગરમ હવા પહાડની ઉપરની તરફ આગળ વધે છે. વાદળ પણ પવનની દિશામાં ઉપરની તરફ ગતિ કરે છે.

પવનના કારણે વાદળમાંથી પાણીનાં ટીપાં નીચે પડવાની જગ્યાએ વાદળમાં ભેગાં થવા લાગે છે. જ્યારે પાણીનું વજન વધી જાય છે ત્યારે વાદળ ફાટી જાય છે અને પાણીનો તીવ્ર ધોધ નીચે આવે છે.

ક્યારેક પહાડની ટોચ પર લૉ પ્રેશરના સર્જાય છે, તેના કારણે પણ વાદળ ફાટવાની ઘટના બને છે. લૉ પ્રેશર વાદળોને પોતાની તરફ આકર્ષે છે અને જ્યારે વાદળ ટોચ પર પહોંચે છે, ત્યારે તે પહાડની ટોચ સાથે અથડાય છે, જેના કારણે એકસાથે પાણી નીચે પડે છે.

શું વાદળ ફાટવાની ઘટનાનું પૂર્વાનુમાન લગાવી શકાય છે?

વાદળ ફાટવાની ઘટનાઓ નાના વિસ્તારમાં (1-10 કિમી) થતા હવામાન પરિવર્તનના કારણે થાય છે, તેથી તેનું ચોક્કસ પૂર્વાનુમાન લગાવવું મુશ્કેલ છે.

રડારથી મોટા વિસ્તારમાં ભારે વરસાદનો અંદાજ લગાવી શકાય છે, પણ ચોક્કસ જગ્યાએ વાદળ ફાટશે કે નહીં, એ કહેવું મુશ્કેલ છે.

વાદળ ફાટવાની ઘટના સામાન્યતઃ નાના વિસ્તારમાં થાય છે, જેના કારણે તેની આગાહી કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ ડોપલર વેધર રડારની શોધ થયા બાદ તેની આગાહી કરી શકાય છે.

ડોપલર વેધર રડારના કારણે વાદળ ફાટવાના છથી બાર કલાક પહેલાં તેની આગાહી કરી શકાય છે. આ રડાર પવનની ગતિ અને હવામાં રહેલા ભેજને માપીને આગાહી કરે છે. પરંતુ તેના ચોક્કસ સ્થળ, પ્રમાણ અને વાદળ ફાટશે કે નહીં તેના વિશે આગાહી કરવી મુશ્કેલ બની રહેતી હોય છે.

હવામાન વિભાગ અનુસાર, આ પ્રકારે બદલાતા વાતાવરણને ઓળખવા માટે:

  • વાદળ ફાટવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં સઘન રડાર નેટવર્કની જરૂર હોય છે.
  • અથવા તો ખૂબ ઊંચી રિઝોલ્યુશનવાળા હવામાનનું પૂર્વાનુમાન કરતાં મૉડલની જરૂર હોય છે, જે નાના પાયાની ઘટનાઓને પણ પકડી શકે.

જોકે, વાદળ ફાટવાની ઘટના મેદાન વિસ્તારમાં પણ થઈ શકે છે, પણ પહાડી વિસ્તારોમાં તેની શક્યતા વધુ હોય છે.

કારણ કે, ત્યાંની પહાડી ઢાળ વાદળોને ઊંચે ઉઠવા અને ભારે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ આપે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન