You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડ: 'મારી આંખ સામે ઘણી હોટેલ તણાતી જોઈ', જુઓ વીડિયોમાં
- લેેખક, આસિફ અલી
- પદ, બીબીસી હિન્દી માટે
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારના રોજ અચાનક આવેલા પૂર બાદ ભારે નુકસાન થયું છે.
હર્ષિલ ક્ષેત્રમાં ખીર ગંગાનું જળસ્તર અચાનક વધી ગયું હતું જેને કારણે ધરાલી ગામમાં ભારે નુકશાન થયું હતું.
ઉત્તરકાશીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ મીડિયાને જણાવ્યું કે, "અત્યાર સુધીની જાણકારી પ્રમાણે ચાર લોકોનાં મોત થયાં છે અને કેટલીક સંપત્તિઓને પણ નુકસાન થયું હોવાની સૂચના મળી છે."
જોકે ધરાલીના સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આ કારણે જાનમાલને વ્યાપક ધોરણે નુકસાન થયું છે.
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ઍક્સ પોસ્ટ પર આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
તેમણે કહ્યું કે તેઓ આ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર નાખી રહ્યા છે.
સીએમ ધામીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "તેજીથી પાણીની સાથે કાટમાળ ધસી આવ્યો હતો. અમારો પ્રયાસ છે કે જલ્દીથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે. જિલ્લા વહીવટીતંત્રના લોકો ત્યાં પહોંચી રહ્યા છે."
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
ધરાલી ગામનાં રહેવાસી આસ્થા પવારે બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદી સાથેની વાતચીતમાં આ ભયાનક ઘટનાનો આંખે દેખ્યો ચિતાર રજૂ કર્યો હતો.
આસ્થા કહે છે, "અત્યારે હું ધરાલીમાં જ છું. મારું ઘર સડકથી થોડું દૂર છે. એટલે અહીંથી દેખાઈ રહ્યું છે કે કેટલું નુકસાન થયું છે."
"મેં મારી આંખો સામે ઘણી હોટેલ તણાતી જોઈ. એવું નથી કે બધું જ પહેલીવારમાં જ તણાઈ ગયું હોય. પહેલી લહેર જોરદાર અને ભયાનક હતી. એ વીડિયો કદાચ તમે જોયા હશે. આ બાદ પણ 10-15 કે 20 મિનિટમાં કાટમાળનો પ્રવાહ આવતો રહ્યો. એક-એક, બે-બે હોટેલ વહી રહી છે.''
શું સરકાર કે તંત્ર તરફથી કોઈ જાણકારી આપવામાં આવી હતી? આ વિશે આસ્થા જાણકારી નહીં હોવાની તે વાત કરે છે.
આસ્થા કહે છે, "અમને કોઈ વૉર્નિંગ પણ આપવામાં આવી ન હતી. આજે બાળકોને રજા પણ ન હતી. કોઈને જાણકારી ન હતી કે આટલી મોટી ઘટના બનવાની છે. આ ઘટના બપોરના સમયગાળામાં થઈ હતી. અમે છત પર ગયા હતા. ત્યાંથી બધું સાફ દેખાઈ રહ્યું હતું. જાણે કશું જ બચ્યું ન હતું."
આસ્થા કહે છે કે, "ગામના મોટાભાગના લોકો એક સ્થાનિક પૂજામાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા હતા.
આસ્થાએ કહ્યું, "ચાર ઑગસ્ટની રાત્રે અને પાંચ ઑગસ્ટની સવારે પણ પૂજા હતી. સદનસીબે આ ઘટના ચાર ઑગસ્ટની રાતે ન બની, કારણ કે પૂજામાં આખું ગામ સામેલ હતું."
આસ્થા વૉર્નિંગની વાત પર ભાર દઈને કહે છે, "જો કોઈ વૉર્નિંગ આપવામાં આવી હોત તો અમે પૂજામાં ન જાત. કદાચ અન્ય જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હશે પણ અહીં નહીં. અહીં બધું જ સામાન્ય હતું. સ્કૂલો પણ ચાલુ હતી. કોઈને ખબર ન હતી કે આટલી મોટી ત્રાસદી આવવાની છે."
ધરાલી ગામની આસપાસ શું-શું હતું?
જ્યાં આ ઘટના બની આસ્થા ત્યાંનાં રહેવાસી છે.
તેઓ કહે છે, "ત્યાં મોટી મોટી ત્રણ ચાર માળની હોટેલ હતી. અત્યારે આ હોટેલની છત પર દેખાઈ નથી રહી. એટલું ભયંકર નુકસાન થયું છે કે આખું માર્કેટ નાશ પામ્યું છે. ધરાલીનું મોટું બજાર હતું. એક બહું મોટું મંદિર હતું. અત્યારે કશું દેખાઈ રહ્યું નથી. બધું જ નાશ પામ્યું છે, કલ્પ કેદાર મંદિર પણ દેખાઈ રહ્યું નથી."
ધરાલી ગંગોત્રીના રસ્તામાં પડે છે અને આ જગ્યા હર્ષિલ વેલી પાસે છે. કલ્પ કેદાર અહીંનું સ્થાનિક મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
ચારધામ યાત્રાનો રસ્તો પણ ધરાલીમાંથી પસાર થાય છે એટલે શ્રદ્ધાળુઓ ઘણીવાર ધરાલીની હોટેલોમાં પણ રોકાણ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન