You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૅમ્પિયન્સ ટ્રૉફી : 2017માં પહેલી મૅચ ભારત સામે હાર્યા છતાં પાકિસ્તાન કેવી રીતે ચૅમ્પિયન બન્યું?
- લેેખક, મોહમ્મદ શોહેબ
- પદ, બીબીસી ઉર્દૂ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના તત્કાલીન કોચ મિકી આર્થર ગુસ્સાથી લાલ થઈ ગયા હતા. આ 3 જૂન, 2017ના રોજ પાકિસ્તાન અને ભારત વચ્ચેની મૅચ પછીની પ્રેસ કૉન્ફરન્સ હતી જેમાં મિકી આર્થરને અઘરા સવાલો કરવામાં આવી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું, "તેમનામાં જે ડર દેખાય છે તે જ મને પરેશાન કરે છે. હું ઇચ્છું છું કે તેઓ મેદાન પર જાય અને આક્રમક રીતે રમે. પોતાના પર ભરોસો રાખે કે તેઓ પણ આક્રમક રીતે રમી શકે છે."
મિકી આર્થરે હતાશામાં કહ્યું કે, "આપણે મૂળભૂત બાબતો ખોટી રીતે કરી રહ્યા છીએ. આ વાત મારા માટે ચિંતાજનક છે, સામાન્ય સમજની વાતો પણ ખોટી રીતે થઈ રહી છે."
મિકી આર્થરની કોચ તરીકે આ પ્રથમ પાકિસ્તાન-ભારત મૅચ હતી. જેમાં પાકિસ્તાનની 124 રનથી થયેલી મોટી હાર અને ત્યાર બાદ થયેલી ટીકાઓ માટે તેઓ તૈયાર નહોતા.
તેઓ લગભગ એક વર્ષ પહેલાં પાકિસ્તાની ટીમના કોચ બન્યા હતા. ત્યારે આ ટીમ નવમા સ્થાને હતી અને ટોચના આઠમા સ્થાન મેળવવા માટે વેસ્ટ ઇન્ડીઝ સાથે શ્રેણી રમવાની હતી.
પાકિસ્તાન ટીમના સિનિયર ખેલાડીઓ તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં હતા અને હવે નવા ખેલાડીઓને તક આપવાનો સમય આવી ગયો હતો. પાકિસ્તાન સુપર લીગ શરૂ થઈ ગઈ હતી અને તેની સાથે જ પાકિસ્તાન ક્રિકેટમાં નવા લોહીનો પ્રવેશ પણ શરૂ થયો હતો.
જોકે ભારત સામેની આ હાર ભૂલવા જેવી નહોતી. મૅચ પછી તરત જ મિકી આર્થરે ખેલાડીઓને કંઈ કહ્યું નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની મૅચ પહેલાં તાલીમસત્ર પહેલાં થયેલી ટીમ મીટિંગમાં સરફરાઝ અહમદના કહ્યા પ્રમાણે "અમે એકબીજાને અરીસો દેખાડ્યો."
આ એ ક્ષણ હતી જ્યારે પાકિસ્તાન ક્રિકેટનું એક ક્ષણમાં પતન થયું અને બીજી જ ક્ષણે ઉપર ઊઠી ગયું અને તેણે ઇતિહાસમાં પહેલી વાર ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે આ અંગે પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સરફરાઝ અહમદ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે પાકિસ્તાને આ ઐતિહાસિક જીત કેવી રીતે હાંસલ કરી.
ભારત-પાકિસ્તાનની મૅચ પહેલાં મીટિંગમાં શું ચર્ચા થઈ હતી?
આ ટુર્નામેન્ટની ખાસ વાત એ હતી કે પાકિસ્તાની ટીમના ત્રણ ખેલાડીઓએ એક પણ વનડે આંતરરાષ્ટ્રીય મૅચ રમી ન હતી. જેમાં ફખર ઝમાન, રમન રઈસ અને ફહીમ અશરફનો સમાવેશ થાય છે.
મુરિદકેમાં અંડર-19 ટીમના ક્રિકેટ કૅમ્પ દરમિયાન બીબીસી સાથે વાત કરતા સરફરાઝ અહમદે કહ્યું, "એક નવા યુગની શરૂઆત થઈ હતી. તેથી અમે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં કેટલાક યુવા ખેલાડીઓનો સમાવેશ કર્યો અને તેમને ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા."
"અલબત્ત, તે એક નવી ટીમ હતી પરંતુ તેમાં શોએબ મલિક, મોહમ્મદ હાફીઝ અને મોહમ્મદ આમિર જેવા સિનિયર ખેલાડીઓ પણ પાછા ફર્યા હતા. આ એક સારું સંયોજન હતું," એમ તેમણે કહ્યું.
ભારત સામેની મૅચ વિશે વાત કરતાં સરફરાઝ કહે છે, "એક ટીમ તરીકે અમે સારું પ્રદર્શન કર્યું નહોતું. દરેક ક્ષેત્રમાં અમારું પ્રદર્શન ખરાબ હતું. એક રીતે અમારી આખી ટીમ દબાણમાં આવીને પાછળ હઠી ગઈ હતી."
જોકે પાછળથી ટીમ મીટિંગમાં વલણ બદલાયું હતું.
સરફરાઝે આ મીટિંગને 'કઠોર વાતચીત' તરીકે ગણાવી. તેમના મતે, 'કોચ અને સિનિયર ખેલાડીઓએ અમને કહ્યું કે જો આપણે આ પ્રકારનું ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશું તો આપણે આ ટુર્નામેન્ટમાં અને ભવિષ્યમાં પણ આપણી ક્રિકેટમાં સુધારો નહીં કરી શકીએ.'
ટીમના ઘણા ખેલાડીઓએ વિવિધ ઇન્ટરવ્યૂમાં આ મીટિંગ વિશે વાત કરી છે. જેમાં ઑલરાઉન્ડર શોએબ મલિકે ખાસ કરીને પ્રામાણિકતા વિશે લંબાણપૂર્વક વાત કરી હતી અને ખેલાડીઓને ખાતરી આપી હતી કે આ રીતે વસ્તુઓ ચાલુ ન રહી શકે.
ફખર ઝમાનનું ડેબ્યૂ અને હસન અલીનો સ્વિંગ
ભારત સામેની મૅચ અને પાછલી ઇંગ્લૅન્ડ શ્રેણીમાં એ સ્પષ્ટ થયું હતું કે પાકિસ્તાની બૉલરો વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવામાં અસમર્થ હતા.
જોકે દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં ઝડપી બૉલર હસન અલીએ મધ્ય ઓવરોમાં ત્રણ વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની બેટિંગને 219 રન સુધી મર્યાદિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેઓ આગામી મૅચોમાં પાકિસ્તાનની બૉલિંગનું મુખ્ય આકર્ષણ બનવાના હતા.
હસન અલીને આપવામાં આવેલો આ મોકો પાકિસ્તાન માટે પણ મહત્ત્વપૂર્ણ હતો, કારણ કે મોહમ્મદ આમિર નવા બૉલથી વિકેટ લેવામાં સક્ષમ નહોતા.
ફખર ઝમાન આ મૅચમાં ડેબ્યૂ કરી રહ્યા હતા અને ઓપનર અહમદ શહેઝાદના સ્થાને ટીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરફરાઝ કરાચીમાં ફખર ઝમાન સાથે ક્રિકેટ રમ્યા હતા અને તેમની ક્ષમતાઓ સારી રીતે જાણતા હતા.
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ફખર ઝમાને દક્ષિણ આફ્રિકા સામેની પોતાની ઇનિંગને તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગમાંની એક ગણાવી.
આ અંગે પત્રકાર સનાઉલ્લાહ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "મને તે ઇનિંગ્સ ગમે છે, કારણ કે તે મૅચમાં મને સમજાયું કે હું પણ આંતરરાષ્ટ્રીય સ્તરે દક્ષિણ આફ્રિકાના ગુણવત્તાયુક્ત બૉલરો સામે રમી શકું છું."
આ મૅચમાં પાકિસ્તાન માટે શોએબ મલિકની ઇનિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી અને તેમને બાબર આઝમનો સંપૂર્ણ ટેકો મળ્યો. જેના કારણે પાકિસ્તાને વરસાદથી પ્રભાવિત આ મૅચ 19 રનથી જીતી લીધી.
શ્રીલંકા સામે 'ક્વાર્ટર ફાઇનલ' અને નસીબે પાકિસ્તાનનો સાથ આપ્યો
પાકિસ્તાન માટે શ્રીલંકા સામેની છેલ્લી ગ્રૂપ મૅચ હવે ક્વાર્ટર ફાઇનલ બની ગઈ હતી અને આ મૅચમાં પણ પાકિસ્તાની બૉલરોએ નિરાશ કર્યા. જુનૈદ ખાન અને હસન અલીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી જ્યારે ડેબ્યુ કરનાર ફહીમ અશરફે બે વિકેટ લીધી.
જોકે જ્યારે લક્ષ્યનો પીછો કરવાની વાત આવી ત્યારે શાનદાર શરૂઆત બાદ પાકિસ્તાની બેટિંગ લથડી ગઈ. 238 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ફખર ઝમાનની પહેલી અડધી સદી અને અઝહર અલી સાથે 74 રનની ઓપનિંગ ભાગીદારી છતાં પાકિસ્તાન 137 રનમાં છ વિકેટો ગુમાવી ચૂક્યું હતું.
આવી સ્થિતિમાં સરફરાઝ અહમદે પહેલા ફહીમ અશરફ સાથે અને પછી મોહમ્મદ આમિર સાથે બે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી. આ ભાગીદારીમાં શ્રીલંકાએ પણ તેમને જીવતદાન આપ્યાં હતાં. પરંતુ તે આ મૅચમાં પાકિસ્તાનને જીત અપાવવામાં સફળ રહ્યો.
આ મૅચ વિશે વાત કરતાં સરફરાઝ કહે છે, 'મારા માટે આ મૅચમાં મોહમ્મદ આમિરની ઇનિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. જ્યારે આમિર આવ્યો ત્યારે હજુ 75 રનની જરૂર હતી. તેથી મેં તેને કહ્યું કે સ્કોરબોર્ડ તરફ જોઈશ નહીં ફક્ત બેટિંગ કરે.
"દબાણ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં આમિરની ઇનિંગ મારા કરતાં ઘણી સારી હતી."
ઇંગ્લૅન્ડ સામે સેમિફાઇનલમાં વિજય અને 'સફેદ કોટ પહેરવાનું સ્વપ્ન'
હવે જ્યારે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી ગયું હતું ત્યારે તેમનો મુકાબલો ઇંગ્લૅન્ડ સામે હતો. જે કૅપ્ટન ઇયોન મૉર્ગનના નેતૃત્વમાં આક્રમક ક્રિકેટ રમી રહ્યું હતું અને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમ તરીકે ઊભરી આવી હતી.
ચૅમ્પિયન્સ ટ્રૉફી પહેલાં ઇંગ્લૅન્ડની ટીમે પણ શ્રેણીમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. અને મૅચની એક રાત પહેલાં મોહમ્મદ આમિર પીઠની ઈજાને કારણે મૅચમાંથી બહાર થઈ ગયા હતા.
જોકે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન માટે સામાન્ય બાબત એ રહી છે કે ફાસ્ટ બૉલર રમન રઈસને ડેબ્યુ કરનારાઓની યાદીમાં ઉમેરવામાં આવ્યા. તેમણે ખતરનાક બૅટ્સમૅન ઍલેક્સ હેલ્સ અને લિયામ પ્લંકેટને આઉટ કર્યા અને મોહમ્મદ આમિરની કમી પૂરી કરી.
પાકિસ્તાન સુપર લીગમાં શાનદાર પ્રદર્શનને કારણે રમન પણ ટીમનો ભાગ બન્યા. આ મૅચમાં પાકિસ્તાને આક્રમક ઇંગ્લૅન્ડની ટીમને 211 રને મર્યાદિત કરી દીધી. જેમાં હસન અલીની ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ અને જુનૈદ ખાનની બે વિકેટનો સમાવેશ થતો હતો.
ઓપનર અઝહર અલી અને ફખર ઝમાનની અડધી સદીની મદદથી પાકિસ્તાને ફક્ત બે વિકેટ ગુમાવીને સરળતાથી આ લક્ષ્ય હાંસલ કરી લીધું. આ રીતે પાકિસ્તાનનો ફરી ભારત સામે ફાઇનલમાં મુકાબલો થયો.
સરફરાઝના મતે, "આ મૅચમાં અમે જે પ્રકારનું ક્રિકેટ રમ્યા તેનાથી અમારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો. મૅચ પછી ટીમ મીટિંગમાં ફક્ત એક જ વાત પર ચર્ચા થઈ કે હવે અમારે તે સફેદ કોટ પહેરવો છે."
ઉલ્લેખનીય છે કે ચૅમ્પિયન્સ ટ્રૉફીની એક પરંપરા છે કે વિજેતા ટીમને માત્ર ટ્રૉફી જ નહીં પરંતુ સફેદ કોટ પણ આપવામાં આવે છે.
ભારત સામેની મૅચમાં વિજય અને પાકિસ્તાનમાં ઉષ્માભર્યું સ્વાગત
આ જ ટુર્નામેન્ટમાં ભારત સામે પાકિસ્તાનનો બીજો મુકાબલો ચોક્કસપણે બ્રૉડકાસ્ટરો માટે મોટી વાત હતી. સરફરાઝના મતે, "અમને વિશ્વાસ હતો કે અમે આ મૅચ જીતીશું અને જ્યારે તમે બહાદુરીથી રમો છો ત્યારે નસીબ પણ તમારો સાથ આપે છે."
અને ત્રીજી ઓવરમાં જ્યારે બુમરાહે ફખર ઝમાનને આઉટ કર્યા ત્યારે નસીબ પાકિસ્તાન તરફે હતું, પાછળથી તે નો-બોલ જાહેર થયો.
આમ ફખર ઝમાને પાકિસ્તાન માટે એક એવી ઇનિંગ રમી જે વર્ષો સુધી યાદ રહેશે. તેમની 114 રનની ઇનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થતો હતો.
જોકે, અઝહર અલીની અડધી સદી, બાબર આઝમના 46 અને મોહમ્મદ હાફીઝના 57 રનની મદદથી પાકિસ્તાને ભારતને ફાઇનલમાં 339 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જવાબમાં ભારતે મોહમ્મદ આમિરની બૉલિંગનો સામનો કર્યો. જેમણે રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલીની મહત્ત્વપૂર્ણ વિકેટો લઈને મૅચમાં પાકિસ્તાનની જીત સુનિશ્ચિત કરી.
પાકિસ્તાને આ મૅચ 180 રનથી જીતી અને આ રીતે પહેલી વાર ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી.
તમે આ ફાઇનલ મૅચની હાઇલાઇટ્સ ઘણી વાર જોઈ હશે. આ વિજય પાકિસ્તાનની ક્ષણ ભરમાં પડી જવાની અને પછી વાપસી કરવાની ક્ષમતા દર્શાવે છે.
સરફરાઝ અહેમદે બીબીસીને કહ્યું, "જ્યારે હું દુબઈ પાછો ફરી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે રાતથી જ મારા ઘરની બહાર લોકોની કતારો લાગી ગઈ છે. પરંતુ મને ખબર નહોતી કે આ કતારોનો સિલસિલો સવાર સુધી ચાલુ રહેશે."
'જ્યારે હું સવારે પાંચ વાગ્યે ત્યાં પહોંચ્યો ત્યારે પણ ત્યાં મોટી સંખ્યામાં લોકો હતા. જ્યારે પણ આ યાદ આવે છે ત્યારે મારા રુંવાડાં ઊભાં થઈ જાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન