You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ વિજેતા મિતાલી રાજની સફર કેવી રહી છે?
- લેેખક, શારદા ઉગરા
- પદ, સ્પૉર્ટ્સ પત્રકાર
ભારતીય મહિલા ક્રિકેટમાં રસ ધરાવતાં કિશોરવયનાં છોકરા-છોકરીઓ માટે મિતાલી રાજ મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી ગુજરાત જાયન્ટ્સના મૅન્ટર છે.
જે લોકો નિકટથી નજર ધરાવે છે, તેઓ મિતાલીને ભૂતપૂર્વ ખેલાડી, ટીવી નિષ્ણાત અને કૉમેન્ટેટર તરીકે પસંદ કરે છે.
પરંતુ ભારતીય મહિલાઓની રમતમાં મિતાલી એક લિંક જનરેશનનું સર્જન કરે છે.
આ ટોચનાં બલ્લેબાજ એક નાની ક્લબના લીડર હતાં. ઝુલન ગોસ્વામી તેમનાં સમકાલીન બોલર હતાં, જેમણે ખરાબ સમયમાં ભારતીય મહિલા ક્રિકેટને જીવિત રાખ્યું.
ખરાબ સમય એટલા માટે નહીં કે ભારતીય મહિલા ટીમનાં પરિણામ ખરાબ આવતાં હતાં, પરંતુ એટલા માટે કે મહિલાઓની રમત સ્વતંત્ર વહીવટીતંત્ર પાસેથી હઠાવીને પુરુષો દ્વારા સંચાલિત થઈ ગઈ, જેમાં તેમને હાશિયા પર ધકેલી દેવાઈ હતી.
ડબલ્યુપીએલની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે, જે મહિલા ક્રિકેટને સાર્વજનિક ચર્ચા અને પ્રાઈમટાઇમ ટીવી કવરેજમાં લાવી રહી છે.
મિતાલી રાજની બે દાયકાની કારકિર્દી આદર્શરૂપ છે. કપરાકાળમાં મિતાલી રાજનાં બૅટે જે ભરોસો આપ્યો, તે માત્ર ટીમ માટે નહીં પરંતુ ભારતમાં મહિલા ક્રિકેટને જાળવી રાખવા માટે પણ જરૂરી હતો.
'લેડી સચીન' નથી
મહિલા ક્રિકેટને મુખ્યધારામાં જાળવી રાખવામાં મિતાલીનાં યોગદાનનો પાયો કદાચ એ વાત પર હતો કે તેમનો રમતગમત સાથે પરિચય કેવી રીતે થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
90ના દાયકાની શરૂઆતમાં તેમના પિતા, જેઓ ઍરફોર્સના રિટાયર્ડ સાર્જન્ટ હતા, તેમણે નક્કી કર્યું કે તેમની આઠ વર્ષની પુત્રી મિતાલીએ મોડે સુધી ઊંઘતા રહેવાની આળસુ આદત છોડવી પડશે.
મિતાલીને દક્ષિણ ભારતના શહેર સિકંદરાબાદમાં તેમના ભાઈના ક્રિકેટ કોચિંગ માટે ખેંચી જવામાં આવ્યાં.
મિતાલી ઍકેડેમીમાં કેટલાક બૉલને ફટકારવા માટે સહજ રીતે ઉઠાવતાં હતાં. કોચ જ્યોતિ પ્રસાદ માટે તેમની ક્ષમતાને ઓળખી લેવા માટે આટલું પૂરતું હતું.
મિતાલીએ પોતે સ્વીકાર્યું છે તે મુજબ "રેસના ઘોડાના જેવી" કઠોર તાલીમનું પાલન કરવામાં આવ્યું. છ કલાકનું કોચિંગ સત્ર, બૅટ નહીં પરંતુ સ્ટમ્પનો ઉપયોગ કરીને બૉલને વચ્ચે લાવવો, કોનના માધ્યમથી ગૅપ શોધવા, ક્રિકેટના હાર્ડ બૉલની ટેવ પડે તે માટે પથ્થરોનો ઉપયોગ કરવો વગેરે તેમની તાલીમનો હિસ્સો હતું.
દશ વર્ષની ઉંમરે મિતાલીએ ભરતનાટ્યમ નૃત્યને કાયમ માટે છોડીને ક્રિકેટમાં સંપૂર્ણ ધ્યાન આપવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો.
2016માં તેમણે ધ ક્રિકેટ મંથલીને જણાવ્યું હતું કે, "ડાન્સ એ મારું વ્યક્તિગત પેશન હતું. પરંતુ ક્રિકેટમાં મારે જે સ્તરે પહોંચવું હતું તેના માટે મારે મારી પ્રાથમિકતાઓને સમજવી જરૂરી હતી."
સખત મહેનત અને બલિદાને રંગ રાખ્યો અને મિતાલીએ 1999માં માત્ર 16 વર્ષની ઉંમરે ભારતીય સિનિયર વિમૅન્સ ટીમમાં સ્થાન મેળવ્યું. તેની સાથે ભવ્ય કારકિર્દીનો પ્રારંભ થયો.
તેઓ મહિલાઓનાં વન-ડે ઇન્ટરનેશનલ ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવનારાં ખેલાડી છે.
તેમણે 23 વર્ષની કારકિર્દીમાં વન-ડે મૅચોમાં 50 રન કરતા વધુ ઍવરેજ સાથે 7805 રન બનાવ્યા છે. તેમણે સાત સદી અને 64 અર્ધસદીઓ ફટકારી છે, જે મહિલા ક્રિકેટમાં વન-ડેમાં સૌથી વધુ અર્ધસદીઓ છે.
2002માં તેઓ ઇંગ્લૅન્ડ સામે 214 રનની ઇનિંગ રમ્યાં હતાં જે 2024 સુધી ભારતીય મહિલા ક્રિકેટમાં ટેસ્ટ મૅચમાં એકમાત્ર બેવડી સદી હતી, 2024માં શેફાલી વર્માએ બીજી બેવડી સદી ફટકારી હતી.
રન બનાવવામાં સાતત્યના કારણે મિતાલીને વિખ્યાત ભારતીય ખેલાડી સચીન તેંડુલકર પરથી 'મહિલા તેંડુલકર' અને 'લેડી સચીન' જેવાં ઉપનામ મળ્યાં હતાં. જોકે, મિતાલી તેને હસી કાઢે છે.
2018માં તેમણે જણાવ્યું કે, "હું મહિલા ક્રિકેટનાં મિતાલી રાજ તરીકે ઓળખાવાનું પસંદ કરીશ... હું રમતગમતમાં મારી પોતાની ઓળખ બનાવવા માંગુ છું."
તેમણે મહિલા ક્રિકેટમાં જે ઓળખ બનાવી તે અડગ છે.
મુશ્કેલ સમયમાં સાતત્યપૂર્ણ દેખાવ
મિતાલીની કારકિર્દી તેમની ધીરજનો પુરાવો આપે છે. ખાસ કરીને તેમની કારકિર્દીના મધ્યમાં, જ્યારે ભારતમાં મહિલા ક્રિકેટના સંચાલકમંડળમાં ફેરફાર થયાં.
1999માં મિતાલીએ જ્યારે ડેબ્યૂ કર્યું ત્યારે આ રમત ભારતીય મહિલા ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા તેનું સંચાલન થતું. ત્યારથી અને 2006ના અંતની સુધીમાં જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડે મહિલા ક્રિકેટનું સંચાલન સંભાળ્યું, ત્યાર સુધીમાં મિતાલી 86 વન-ડે અને આઠ ટેસ્ટ મૅચ રમ્યાં હતાં.
એટલે કે WCAI શાસન દરમિયાન મિતાલી દર વર્ષે સરેરાશ 14 વન-ડે અને એક ટેસ્ટ મૅચ રમ્યાં હતાં.
તેની તુલનામાં 2007થી જૂન 2015 વચ્ચે મિતાલીને 67 વન-ડે રમવા મળી. એટલે કે દર વર્ષે સરેરાશ આઠ વન ડે અને માત્ર બે ટેસ્ટ મૅચ .
જૂન 2015 આ સરખામણી માટે યોગ્ય કટ-ઑફ છે કારણ કે તે વર્ષે મે મહિનામાં બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે મહિલા ક્રિકેટરોને બોર્ડ તરફથી કૉન્ટ્રાક્ટ આપવામાં આવશે અને સમગ્ર દેશમાં મહિલા ક્રિકેટનું પ્રમાણ વધારવાની યોજના છે.
વહીવટી માળખામાં પરિવર્તન અને બીસીસીઆઈની જાહેરાત વચ્ચેના આઠ વર્ષમાં મહિલા ક્રિકેટરોની આખી પેઢી ખોવાઈ ગઈ. માત્ર મિતાલીની બૅટિંગ અને ઝુલન ગોસ્વામીની બૉલિંગ સાતત્યપૂર્ણ હતાં.
તે સમય વિશે મિતાલી કહે છે, "બહુ મુશ્કેલ રસ્તો હતો." સમાજ મહિલા ક્રિકેટરોને કેવી રીતે જુએ છે તેની સાથે તેને વધુ લેવાદેવા છે. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મને જે પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો, તે મહિલા ક્રિકેટ ટીમના અસ્તિત્વ વિશે લોકોના અજ્ઞાનના કારણે હતા."
મિતાલી દ્વારા દર્શાવાયેલી પ્રતિબદ્ધતા અને સહનશીલતાનું ફળ મળ્યું. 2017 પછી મહિલા ક્રિકેટમાં ઝડપી વિકાસ થયો, કારણ કે તેમની કપ્તાની હેઠળ ટીમ 50-ઓવર અને 20-ઓવરના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી.
મિતાલીના વારસાની અસર વર્તમાન યુવા મહિલા ક્રિકેટરોમાં જોઈ શકાય છે. બલ્લેબાજ વેદ કૃષ્ણમૂર્તિએ 2005 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં મિતાલીને ન્યૂઝી લૅન્ડ સામે મૅચ વિજેતા 91નો સ્કૉર કરતાં જોયાં, ત્યાર પછી તેમણે પોતાના માતાપિતાને પોતાના ગૃહ રાજ્યમાં ટ્રાયલ માટે નોંધણી કરાવવા સમજાવ્યા.
સ્ટાર બૅટર સ્મૃતિ મંધાનાએ સ્વીકાર્યું કે તેમણે જ્યારે ક્રિકેટની રમત પસંદ કરી ત્યારે "દરેક વ્યક્તિ મિતાલી જેવી બનવા માંગતી હતી."
ભારતમાં મહિલા ક્રિકેટ પર અસરની વાત કરતા મિતાલી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, પરંતુ તેઓ ઉમેરે છે કે હજી ઘણું હાંસલ કરવાનું બાકી છે.
તેમણે 2016માં કહ્યું હતું, "મહિલા ક્રિકેટમાં હજુ જે પરિવર્તન આવે છે, ખાસ કરીને ભારતમાં, તેનો હિસ્સો બનવા બદલ હું કૃતજ્ઞ છું. હું આશા રાખું છું કે હું એ દિવસ જોઈ શકીશ જ્યારે લોકો પુરુષો અને મહિલા ક્રિકેટને સમાન રીતે સ્વીકારશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન