મિલ્ટન વાવાઝોડું 270 કિમીની ઝડપે ફ્લોરિડા પર ત્રાટકશે, સૌથી મોટા સ્થળાંતરમાં લાખો લોકો ખસેડાયા

મિલ્ટન વાવાઝોડું

ઇમેજ સ્રોત, NOAA/Reuters

ઇમેજ કૅપ્શન, મિલ્ટન વાવાઝોડું

મૅક્સિકોની ખાડીમાં સર્જાયેલું ભયાનક વાવાઝોડું મિલ્ટન સ્થાનિક સમય મુજબ બુધવારે રાત્રે ફ્લોરિડાના કાંઠાવિસ્તારો ઉપર લૅન્ડફૉલ કરે તેવી શક્યતા છે.

'શ્રેણી પાંચ'ના વાવાઝોડાના કારણે 270 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને 15 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.

કાંઠા વિસ્તારમાં 10થી 15 ફૂટ ઊંચાં મોજાં ઉછળશે, જેના કારણે નજીકના વિસ્તારમાં ભારે પૂર આવવાની શક્યતા છે.

ધ નૅશનલ હરિકેન સેન્ટર (એનએચસી) અનુસાર, સ્થાનિક સમય મુજબ મંગળવારે મિલ્ટન વાવાઝોડું મૅક્સિકોના યુકાતાન પાસે કેન્દ્રિત હતું. મિલ્ટનને કારણે યુકાતાનના કિનારાના વિસ્તારોમાં ભારે ઝડપથી પવન ફૂંકાયો હતો.

ફ્લોરિડા પોલીસે તેને "સદીનું મોટું વાવાઝોડું" કહ્યું છે. તો રાષ્ટ્રપતિ જો બાઇડને તેને "જીવન અને મરણની બાબત" કહી છે.

ટૂંક સમયમાં વાવાઝોડું કૅટગરી 1થી કૅટગરી 5નું વાવાઝોડું બની જતાં વહીવટીતંત્રે લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપી છે.

જેને પગલે લાખો લોકો સલામતસ્થળે હિજરત કરી રહ્યા છે. ટૅમ્પાના બ્રીજોને વાવાઝોડા પહેલાં બંધ કરી દેવામાં આવશે, એવી ચર્ચાને પગલે લોકો વહેલાસર નીકળી જવાની વેતરણમાં છે.

આ સિવાય જે લોકો રહી ગયા છે, તેમણે વાવાઝોડા સામે બચાવની કામગીરી હાથ ધરી છે.

મિલ્ટન વાવાઝોડું ત્રાટકશે તે વિસ્તારની તસ્વીર

ઇમેજ સ્રોત, NATIONAL HURRICANE CENTER

ઇમેજ કૅપ્શન, મિલ્ટન વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે વિસ્તારનો નક્શો

કાચનાં બારી-બારણાંને લાકડાના પટ્ટાથી ઢાંકવા, રેતીની ગુણીઓથી આડશ કરવી, જોખમી પાટિયાં તથા સાઇબોર્ડ ઉતારવા, ખાણીપીણીની વસ્તુઓ એકઠી કરવી વગેરે જેવા પગલાં લઈ રહ્યાં છે.

તાજેતરમાં જ અમેરિકા પર ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડા હૅલેને ભારે વિનાશ વેર્યો છે અને અમેરિકાનાં છ રાજ્યમાં તેની અસર થઈ હતી.

અત્રે નોંધનીય છે કે લગભગ એક પખવાડિયા પહેલાં ફ્લોરિડામાં હૅલેન વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં મોટા પાયે નુકસાન થયું હતું. વર્ષ 2005માં કેટરિના વાવાઝોડાએ મચાવેલી તબાહી પછી હૅલેન પણ વિનાશક પુરવાર થયું છે.

225 કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન ફૂંકાતા અને અતિભારે વરસાદ થતાં દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં 200 લોકોનાં મોત થયાં હતા. હજુ પણ મોટી સંખ્યામાં લોકો લાપતા છે.

વીમા કંપનીઓ અનુસાર, હૅલેન વાવાઝોડાને કારણે 95થી લઈને 110 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે.

કયાં ત્રાટકશે વાવાઝોડું?

ફ્લોરિડાના સૅન્ટ પિટ્સબર્ગ ખાતેથી વાવાઝોડા મિલ્ટનનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્લોરિડાના સૅન્ટ પિટ્સબર્ગ ખાતેથી વાવાઝોડા મિલ્ટનનું દૃશ્ય
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મિલ્ટન વાવાઝોડાને કારણે પશ્ચિમ ફ્લોરિડા ઉપરાંત, ટૅમ્પા, ફોર્ટ મેયર્સ, નૅપલ્સ, સારાસોટા, ઑરલૅન્ડો અને ટાલાહસીમાં વ્યાપક અસર થવાની સંભાવના છે.

ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસએ બીબીસીને જણાવ્યું કે, ફ્લોરિડાના નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલનાં વર્ષોમાં આ ફ્લોરિડાની સૌથી મોટી સ્થળાંતર પ્રક્રિયા હશે, જે માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.

તેમણે જણાવ્યું કે મિલ્ટન વાવાઝોડું બુધવારે રાત્રે લૅન્ડફૉલ કરી શકે છે અને તેના કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને પશ્ચિમ ફ્લોરિડા વિસ્તારમાં.

લોકોએ બહુ ઝડપથી સ્થળાંતર કરવું પડશે, કારણ કે સમય હાથમાંથી નીકળી રહ્યો છે. દુખદ વાત છે કે હૅલેન હરિકેન જે જગ્યાએ ત્રાટક્યું હતું તેમાંથી કેટલાક વિસ્તારોમાં મિલ્ટન વાવાઝોડાની અસર જોવા મળશે. વાવાઝોડાના કારણે ફ્લોરિડા રાજ્યનાં 51 કાઉન્ટી (નગરો)માં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ધ વેધર ચેનલ અનુસાર છેલ્લા બે દાયકામાં ગલ્ફ ઑફ મૅક્સિકોમાં જેટલાં પણ વાવાઝોડાં સર્જાયા છે તેમાં મિલ્ટન વાવાઝોડું સૌથી શક્તિશાળી છે. તેના કારણે વાવાઝોડાથી મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે.

હરિકેનના લૅન્ડફોલ પૂર્વે સોમવાર મોડી રાતથી ફ્લોરિડા અને વાવાઝોડું ત્રાટકશે તે વિસ્તારોમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હતી.

વાવાઝોડા સામે કેવી છે તૈયારી?

લોકો માટે હજારોની સંખ્યામાં બૅડની વ્યવસ્થા કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લોકો માટે હજારોની સંખ્યામાં બૅડની વ્યવસ્થા કરવામાં આવી છે

જે વિસ્તારોમાં મિલ્ટન વાવાઝોડું ત્રાટવાની સંભાવના છે ત્યાં તકેદારીના ભાગરૂપે લોકોને ખસેડાઈ રહ્યા છે. સોમવાર સવારથી તમામ 51 કાઉન્ટીમાં લોકો જરૂરી સામાન લઈને સલામત સ્થળે જતાં જોવા મળ્યા હતા. ફ્લોરિડા રાજ્યના મોટા ભાગના હાઈવેમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

પેટ્રોલપંપો પર લાંબી કતારો જોવા મળી હતી અને કેટલાક પંપો પર પેટ્રોલ અને ડીઝલ ખતમ થઈ ગયું હતું.

ફ્લોરિડા રાજ્યની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે અને લોકોને બિનજરૂરી પ્રવાસ નહીં કરવા માટે કહેવામાં આવ્યું છે.

ફેડરલ ઇમરજન્સી મૅનેજમૅન્ટ એજન્સીના પ્રવક્તા કૅથ ટુરીએ જણાવ્યું કે, મોટા પાયે લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે જે બહુ સારી વાત છે. તેનાથી લોકોના જીવ બચાવી શકાશે.

મિલ્ટન વાવાઝોડું ફ્લોરિડાના પશ્ચિમ કિનારે ત્રાટકે તેવી આગાહી હોવાથી અમેરિકાની સરકારે જણાવ્યું કે, "લોકો પર કોઈ પણ સંભવિત અસરોને પહોંચી વળવા અમે તૈયાર છીએ".

રવિવારે રાષ્ટ્રપતિ જો બાઇડને ફ્લોરિડાના ગવર્નરની વિનંતીને મંજૂરી આપી હતી. આનો અર્થ એ છે કે ફેડરલ ઇમરજન્સી મૅનેજમૅન્ટ એજન્સી ફ્લોરિડામાં સ્થળાંતર સહિત બચાવકાર્ય માટે સીધો ટેકો આપશે.

હૅલેન હરિકેનથી વ્યાપક નુકસાન

હૅલેન વાવાઝોડાના કારણે ભારે તારાજી સર્જાઈ છે

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, હૅલેન વાવાઝોડાના કારણે ભારે તારાજી સર્જાઈ છે

લગભગ એક પખવાડિયા પહેલાં ફ્લોરિડામાં હૅલેન વાવાઝોડું આવ્યું હતું તેના કારણે ભારે તારાજી સર્જાઈ. અમેરિકાની સરકાર અનુસાર હૅલેન વાવાઝોડાથી જે નુકસાન થયું હતું તેને સમારકામ કરવામાં વર્ષો નીકળી જનાર હતા.

હરિકેન મિલ્ટનના ત્રાટકશે એવી આગાહી થઈ ત્યારે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કચરો અને કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. જે લાંબા સમય સુધી ચાલી શકે છે.

હજારોની સંખ્યામાં રસ્તા તૂટી ગયા હતા, જેના સમારકામની કામગીરી ચાલી રહી હતી, તેના કારણે પણ ફ્લોરિડામાં અવરજવરમાં અવરોધ ઊભા થઈ રહ્યા હતા.

હરિકેન હૅલનને કારણે થયેલી ખુંંવારીને પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 1500 સૈનિકોને રાહતકામમાં મોકલ્યા હતા. જેમણે હજારો રૅસ્ક્યૂ કર્મચારીઓ સાથે કામ કામગીરી હાથ ધરી હતી. બાઇડને 140 મિલિયન ડૉલરની રાહતપૅકેજની પણ જાહેરાત કરી છે.

વાવાઝોડાની સંખ્યા અને તીવ્રતામાં વધારો

વાવાઝોડાંની તીવ્રતા અને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંશોધનનાં પરિણામો અનુસાર, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં બનતાં તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં જલદી સર્જાય છે

નોંધનીય છે કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડા અતિ શક્તિશાળી હોવાની સાથોસાથ વિનાશક પણ હોય છે.

હવાઈ વિશ્વવિદ્યાલય, સધર્ન યુનિવર્સિટી ઑફ સાયન્સ અને અન્ય કેટલીક મહત્ત્વપૂર્ણ સંસ્થા દ્વારા આ સંશોધન કરાયું હતું, જેનાં પરિણામો આંતરરાષ્ટ્રીય જર્નલ નેચરમાં પ્રકાશિત કરાયાં હતાં.

સંશોધનનાં પરિણામોમાં થયેલી નોંધ અનુસાર ઉષ્ણકટિબંધીયની વિનાશક અસરોનો સામનો કરવા માટે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના વલણમાં આવતા ફેરફારોની સમજ કેળવવાનું જરૂરી બની જાય છે.

સંશોધનનાં પરિણામો અનુસાર, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં બનતાં તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં જલદી સર્જાય છે.

આ અભ્યાસ માટે વર્ષ 1981-2017 સુધીના ઉષ્ણકટીબંધીય વાવાઝોડાના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.

પરિણામો અનુસાર, પ્રતિ દાયકા દીઠ તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં 3.7થી 3.2 દિવસ જલદી સર્જાઈ રહ્યાં છે.

જો ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની વાત કરીએ તો સામાન્યપણે આ વાવાઝોડાં અરબ સાગરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતમાં એટલે કે માર્ચ અને જૂનમાં તેમજ ચોમાસાના અંત બાદ એટલે કે ઑક્ટોબર-ડિસેમ્બરમાં સર્જાતાં હોય છે.

સાયન્ટિફિક રિપોર્ટ્સમાં છપાયેલા અભ્યાસના સહલેખક એસ. અભિલાષે કહ્યું હતું કે, “જો બધા કુદરતી સંજોગો તરફેણમાં હોય તો અરેબિયન સાગરની સપાટી વધુ ગરમ થવાને કારણે ઉત્તર હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની તીવ્રતા અને સંખ્યામાં વધારો થઈ શકે છે.”

જ્યારે સમુદ્રનો એક ભાગ બીજા ભાગ કરતાં વધુ ગરમ થઈ જાય ત્યારે અલ નીનો જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ પરિબળોને કારણે દરિયાની સપાટી વધુ ને વધુ ગરમ થાય છે.

અભિલાષના મતે માનવસર્જિત પરિસ્થિતિઓને કારણે સર્જાયેલી ક્લાઇમેટ ચેન્જની સ્થિતિને કારણે વાવાઝોડાની સંખ્યા અને તેની તીવ્રતામાં વધારો નોંધાયો છે.

તેઓ કહે છે કે, “તાજેતરમાં અરેબિયન સાગરમાં ચોમાસા બાદ જોવા મળેલાં વાવાઝોડાંની ઍક્ટિવિટીનું કારણ મુખ્યત્વે માનવસર્જિત અસર છે, ના કે કુદરતી પરિબળો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.